પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી ગરુડની બહેન સુમતિ. આ બંને પત્નીઓ સાથે તે હિમાલયમાં ઉગ્ર તપસ્યા માટે આવ્યો. એક સો વર્ષ વીતતાં તેના આદરણીય ઋષિ ભૃગુએ તેને ઇચ્છિત વરદાન આપ્યું. ઋષિએ કહ્યું, ‘માનવજાતિમાં તને અતુલનીય ખ્યાતિ મળશે. તારી એક પત્નીને એક પુત્ર જન્મશે જે વંશવેલો ચાલુ રાખશે, બીજી પત્ની 60 હજાર પુત્રોને જન્મ આપશે.’ બન્ને રાજ-પત્નીઓ રાજી થઈ. ઋષિની પૂજા કરીને તેઓએ ઋષિને પૂછ્યું, ‘અમારામાંથી કોને એક પુત્ર જન્મશે અને કોને ઘણા બધા પુત્રો? અમારે એ જાણવું છે.’ ઋષિએ તેમની ઇચ્છા જાણીને કહ્યું, ‘કોણ ક્યું ઇચ્છિત વરદાન માગે છે-વંશવૃદ્ધિ ચાલુ રાખનાર એક પુત્ર કે સાઠ હજાર પ્રસિદ્ધ પુત્રો, કે જેઓ તેઓનો વંશવેલો ચાલુ રાખી શકશે નહીં?’ કેશિનીએ એક પુત્ર માગ્યો અને ગરુડની બહેને ઘણા બધા પુત્રોની માતા બનવાનું પસંદ કર્યું. ત્યાર બાદ રાજાએ પ્રદક્ષિણા અને પ્રણામાદિ દ્વારા ઋષિનું સન્માન કર્યું અને ફરી પાછો પોતાના રાજ્યમાં પાછો આવ્યો.

યોગ્ય સમયે કેશિનીએ પુત્ર જન્મ આપ્યો, જેનું નામ અસમંજ રાખવામાં આવ્યું. સુમતિએ એક કોળાને જન્મ આપ્યો જે ફૂટતાં સાઠ હજાર પુત્રો બહાર આવ્યા અને તેઓ જ્યાં સુધી સૌંદર્યવાન યુવાનો ન બન્યા ત્યાં સુધી ઘીની કોઠીઓમાં દાયણોએ તેમનું લાલનપાલન કર્યું. પરંતુ કેશિનીનો પુત્ર, તેમનો સૌથી મોટોભાઈ બાકીનાને ચાહતો ન હતો, ઊલટું તે બધાને સરયૂ નદીમાં ફેંકી દેતો અને તેમને ડૂબતા જોતો રહેતો. આ દુષ્કૃત્ય બદલ તેમજ નાગરિકો અને પ્રામાણિક જનસમુદાય પ્રત્યેના દુ:વર્તાવને કારણે અસમંજનો તેના પિતાએ દેશનિકાલ કર્યો. પરંતુ વળી તેનો સુમન નામનો પુત્ર સૌ પ્રત્યે મિષ્ટભાષી અને સુપ્રિય હતો.

ઘણા વર્ષોનાં વહાણાં વાયા બાદ સગરે મહાયજ્ઞની ઉજવણીનો નિશ્ર્ચય કર્યો- તે માટેનું સ્થળ હિમાલય અને વિન્ધ્ય પર્વતોની મધ્યમાં પસંદ કરાયું. તે માટે એક ઘોડો છૂટો મૂકવામાં આવ્યો અને તેનું રક્ષણ કરવા અંશુમન નામનો રથ-વીર તેની પાછળ ગયો. પણ એવું બન્યું કે કોઈક વસુએ રાક્ષસીનું રૂપ ધારણ કરીને ઘોડો ચોરી લીધો. પછી બ્રાહ્મણ પુરોહિતોએ આ ઘટનાથી રાજાને વાકેફ કર્યા અને રાજાએ ઘોડાના ચોરનારને હણવાનું અને ઘોડો પાછો લાવવાનું ફરમાન કર્યું, રખેને યજ્ઞ નિષ્ફળ નિવડે અને સૌ લાગતાવળગતા પર દુર્ભાગ્ય ત્રાટકે!

સગરે તેના સાઠ હજાર પુત્રોને ઘોડાની શોધ કરવા મોકલ્યા. સગરે તેઓને કહ્યું, ‘તમે લોકો સંગઠિત થઈને સાગર પર્યંતની સઘળી પૃથ્વી ઉપર-નીચેથી ખોદી નાખો.’ ત્યાર બાદ તે મહાન રાજકુમારો સમગ્ર ધરતી ખૂંદી વળ્યા. ધરતીના ભૂભાગ પર ઘોડાનો પત્તો ન લાગતાં તેઓએ વજ્ર જેવા હાથથી પૃથ્વી ખોદવા માંડી, આમ બનતાં દુ:ખવશાત્ ધરતી આક્રંદ કરી ઊઠી. ખોદકામ દરમ્યાન વિનાશ પામતા સર્પો અને દાનવોનો મહાપોકાર સર્જાયો, સાઠ હજાર પુત્રોના સંગઠનને કારણે, તેઓએ જાણે કે પાતાળમાં ન પહોંચવાના હોય, તેટલું ખોદકામ કરી દીધું. તેઓએ સમગ્ર જંબુદ્વીપ ખોદી કાઢ્યો અને તેથી બધા દેવો ડરી ગયા અને બ્રહ્મા પાસે સલાહ માગવા ગયા. તેઓએ બ્રહ્માને કહ્યું, ‘ઓ અધિપતિ! સગરના પુત્રોએ સમગ્ર પૃથ્વી ખોદી નાખી છે અને તેથી ઘણા બધાનો વિનાશ થયો છે. સગરનો ઘોડો કોઈએ ચોરી લીધો છે એવી બૂમો પાડતા રહીને તેઓ દરેક પ્રાણી પર અત્યાચાર આચરે છે.’ બ્રહ્માએ જવાબ આપ્યો, ‘સમગ્ર પૃથ્વી વાસુદેવની પત્ની છે, વાસુદેવ જ તેના સાચા પરમેશ્ર્વર છે અને કપિલના રૂપમાં તેને ધારણ કરી રહેલ છે. તેમના પ્રકોપથી સગરના પુત્રોનો અંત આવશે. દીર્ઘદૃષ્ટિવાળાઓએ અગાઉથી જ દૈવાધીન બાબત એવા પૃથ્વીના ખોદકામ અને સગરના પુત્રોનાં મૃત્યુ અંગે જોઈ-જાણી લીધું છે. તેથી તમારે ગભરાવું જોઈએ નહીં.’ ત્યાર બાદ સમગ્ર પૃથ્વીને તોડી-ફોડીને તથા સર્વશ: ઊથલપાથલ કરીને પુત્રો સગર પાસે પાછા આવ્યા અને તેઓએ હવે શું કરવું એમ પૂછ્યું કારણ કે તેઓ ઘોડાની ભાળ મેળવી શક્યા ન હતા. છતાં પણ સગરે પુત્રોને પૃથ્વીને ફરીથી ખોદી નાખવાનો તથા ઘોડાનો પત્તો મેળવવાનો આદેશ કર્યો. વળી ઉમેર્યું, ‘ઘોડાનો પત્તો મેળવ્યા પછી જ અટકો, તે પહેલાં નહિ.’ ફરી પાછા તેઓ ખોદકામમાં લાગી ગયા. ખોદકામ કરતાં કરતાં વિરૂપાક્ષ નામના હાથી સુધી પહોંચી ગયા કે જે પર્વતો અને જંગલો સહિતની પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરી રહેલ છે અને જ્યારે તે માથું ધુણાવે છે, ત્યારે તેને ધરતીકંપ કહે છે. સગરપુત્રોએ તેની પૂજા કરી અને ત્યાંથી આગળ વધ્યા. દક્ષિણ તરફ તેઓ મહાપદ્મ નામના બળવાન હાથી સમીપ પહોંચ્યા, જે પર્વતકાય હાથીએ પોતાના મસ્તક પર પૃથ્વી ધારણ કરેલ છે. તેવી જ રીતે તેઓ સૌમનસા નામના પશ્ચિમ દિશાના હાથી નજીક પહોંચ્યા, ત્યાર પછી તેઓ ઉત્તર તરફ આવ્યા કે જ્યાં ભદ્ર નામના હિમધવલ હાથીએ પોતાના ભમ્મર પર પૃથ્વી ટેકવી હતી. સમ્માનપૂર્વક ત્યાંથી પસાર થઈ તેઓ ઈશાનદિશામાં આવી પહોંચ્યા, જ્યાં કપિલના સ્વરૂપમાં શાશ્ર્વત વાસુદેવ નજરે પડ્યા અને ત્યાં તેમની સમીપમાં જ મરજી મુજબ કુમળું ઘાસ ચરતો ઘોડો જોવામાં આવ્યો. ક્રોધાવેશમાં તેઓએ વૃક્ષો તથા ખડકોના ટુકડા, કોદાળીઓ અને પાવડાઓ સાથે કપિલ પર આક્રમણ કર્યું, સાથે સાથે બૂમો પાડતા રહ્યા: ‘તમે ચોર છો, હવે તમે સગરપુત્રોના હાથે ઝડપાઈ ગયા છો.’ પ્રતિકારરૂપે કપિલે ભયાનક હુંકાર કર્યો અને પુત્રો પર પ્રચંડ અગ્નિ વરસાવ્યો જેણે તે બધાને ભસ્મીભૂત બનાવી દીધા. આ સમાચાર સગર પાસે પહોંચ્યા નહીં.

ત્યાર બાદ સગરે તેના પૌત્ર સુમનને સંબોધીને તેના કાકાઓને શોધી કાઢવાનો અને તેઓની અવદશા જાણી લાવવાનો આદેશ ફરમાવ્યો અને કહ્યું, ‘પૃથ્વી પર બળવાન અને શક્તિશાળી પ્રાણીઓ રહેતાં હશે, તે બધાં તને આ કાર્યમાં અડચણરૂપ ન બને તે રીતે આદર કરજે, તારા માર્ગમાં આવતાં વિઘ્નોનો નાશ કરજે અને મારી ઇચ્છા પરિપૂર્ણ કરીને પાછો વળજે.’ સુમન ક્રમશ: પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર તરફના હાથી સમીપ આવ્યો અને તે દરેકે તેને સફળતાની ખાતરી આપી; અંતે તે તેના કાકાની દેહ-ભસ્મના ઢગલા પાસે આવી પહોંચ્યો. ત્યાં તેણે કરુણ કલ્પાંત કર્યું. ત્યાં તેણે પણ છૂટો ફરતો ઘોડો જોયો. તેણે તેના કાકાઓની અંત્યેષ્ટિ ક્રિયા કરવાની ઇચ્છા કરી પરંતુ તેને ક્યાંય પાણી મળ્યું નહિ. એટલામાં તેણે આકાશ માર્ગે પસાર થતા ગરુડને જોયો. તેણે અંશુમાનને પોકાર કર્યો: વિલાપ કરીશ નહીં કારણ કે આ બધાનો સર્વ લોકના કલ્યાણ અર્થે નાશ કરવામાં આવ્યો છે. આ બળવીરોને મહાન કપિલે ભસ્મીભૂત કર્યા છે, તેથી તારે તે મૃતકો માટે જળ દ્વારા સાધારણ અંજલિ આપવાની જરૂર નથી. પરંતુ હિમાલય-પુત્રી ગંગા છે, ત્રિલોકપાવની તે ગંગાને આ ભસ્મ-પુંજને સ્પર્શવા દો, ત્યાર બાદ સાઠ હજાર સગરપુત્રો સ્વર્ગે સિધાવશે. તું ઘોડો પણ પાછો લઈ જા અને દાદાના યજ્ઞની પૂર્ણાહુતિ કર, પછી અંશુમાન ઘોડો પાછો દોરી ગયા અને સગરનો યજ્ઞવિધિ સંપન્ન થઈ ગયો, પરંતુ હિમાલય-પુત્રીને પૃથ્વી પર કેવી રીતે લાવવી તે તે જાણતો ન હતો. સગર મૃત્યુ પામ્યો અને અંશુમાન રાજા નિમાયો. તે મહાન શાસક હતો અને અંતમાં તેણે નિવૃત્તિ સ્વીકારીને રાજ્ય તેના પુત્રને સોંપ્યું અને પોતે હિમાલયનાં જંગલોમાં એકાકી નિવાસ કરવા લાગ્યો. સમયાંતરે તે પણ મૃત્યુ બાદ સ્વર્ગે સિધાવ્યો. તેનો પુત્ર દિલીપ નિરંતર વિચારતો કે ગંગાનું અવતરણ કેવી રીતે કરાય કે જેથી ભસ્મ પાવન બને અને સગરના પુત્રો સ્વર્ગલોક પામે. પરંતુ ત્રીસ હજાર વર્ષ બાદ તે પણ મૃત્યુ પામ્યો અને તેના પુત્ર ભગીરથે, રાજવીસંતે, તેનું અનુસરણ કર્યું. ઘણા સમય પહેલાંથી તેણે રાજદરબારીઓને રાજ્યધુરા સોંપી દીધી અને હિમાલયનાં જંગલોમાં ગયો અને ગંગાનું સ્વર્ગમાંથી અવતરણ કરાવવા માટે એક હજાર વર્ષપર્યંત કઠોર તપ કરતો રહ્યો.

બ્રહ્મા તેની ભક્તિથી તુષ્ટ થયા અને તેની સમક્ષ પ્રગટ થઈને તેને વરદાન આપ્યું. ભગીરથે પ્રાર્થના કરી કે સગરના પુત્રોની ભસ્મ ગંગાના જળથી પાવન બને અને તેને પોતાને સત્વરે પુત્રપ્રાપ્તિ થાય. મહાઅધિપતિ બ્રહ્માએ પ્રત્યુતર વાળ્યો, ‘તારો ઉદ્દેશ મહાન છે પણ ગંગાના સ્વર્ગમાંથી અવતરણ વખતના તુમુલ પ્રવાહને પોતાની જટામાં ઝીલવા મહાદેવને પ્રસન્ન કરવા પડશે, કારણ કે પૃથ્વી તે જળપ્રવાહનો વેગ ઝીરવી શકશે નહીં. કોઈ નહીં પણ જે ત્રિશૂળ ઝુલાવે છે તે જ ગંગાપ્રવાહ ઝીલી-જીરવી શકશે.’

ત્યાર બાદ એક વર્ષ પર્યંત ભગીરથે શિવની આરાધના કરી અને શિવ પ્રસન્ન થઈને ગંગાના જળપ્રવાહને પોતાના મસ્તક પર ઝીલવા તૈયાર થયા. પછી ગંગાએ પોતાના પ્રચંડ પ્રવેગ સહિત શિવના ભવ્ય મસ્તક પર અહંકારપૂર્વક વિચારતા રહીને અવતરણ કર્યું : ‘હું મહાદેવને રસાતળ સુધી મારા જળપ્રવાહના તુમુલ વેગથી ઢસળી જઈશ.’ પરંતુ જ્યારે ગંગાનાં જળ શિવની જટાજૂટમાં ઊતરી પડ્યાં ત્યારે તો તે પૃથ્વી પર પ્રવાહિત થયાં નહીં, પણ ઘણાં વર્ષો સુધી ત્યાં ઘુમરાતાં રહીને બહાર નીકળી જ શક્યાં નહીં. જ્યાં સુધી શિવની જટામાંથી ગંગાનદી મુક્ત થયાં નહિ, ત્યાં સુધી ભગીરથ પુન: અત્યંત કઠિન તપ કરતા રહ્યા. અંતે ગંગાનદી સાત પ્રવાહમાં અવતરિત થઈ – ત્રણ પૂર્વદિશામાં, ત્રણ પશ્ચિમદિશામાં, જ્યારે એક પ્રવાહે ભગીરથના રથને અનુસરણ કર્યું. પૃથ્વી પર પડતા નદીના જળપ્રવાહે મેઘગર્જના જેવો અવાજ કર્યો. પૃથ્વી અત્યંત અદ્‌ભુત જણાવા લાગી અને નદીના પ્રવાહ સાથે આકાશમાંથી પડતી માછલીઓ, કાચબાઓ અને મગરમચ્છોથી આચ્છાદિત થઈ ગઈ. દેવો, ઋષિઓ, ગંધર્વો અને યક્ષોએ પોતાના હાથી, ઘોડા અને સ્વચાલિત રથમાં સવાર થઈને આકાશમાંથી આ મહાન દૃશ્ય નિહાળ્યું. ગંગાના પૃથ્વી પરના અવતરણથી પ્રત્યેક પ્રાણી વિસ્મય પામ્યાં. તેજસ્વી દેવોની ઉપસ્થિતિ અને તેઓનાં રત્નોના ચળકાટથી સેંકડો સૂર્યની જેમ આકાશ પ્રકાશિત બની ગયું. ત્વરાથી ઘૂમતા મગરમચ્છો અને માછલીઓથી સ્વર્ગભૂમિ ચળકાટ કરતી વીજળીના ચમકારાથી ભરાઈ ગઈ. ઝાંખાં ફીણના હિમકણો જાણે કે પ્રખર પાનખરનાં વાદળોને ભેદીને જતાં હિમધવલ બગલાં જેવા જણાતા હતા, આમ ગંગાનું અવતરણ થયું; ઘડીકમાં સીધેસીધા આગળ વધતાં, ઘડીકમાં ફંટાઈને, ઘડીકમાં ઘણા બધા નાના-નાના જળપ્રવાહોમાં અને ફરી પાછા એક વિશાળ ધસમસતા પ્રવાહમાં, ઘડીક ટેકરીઓ પર ચડતાં ને વળી પાછાં ખીણમાં નીચે પડતાં ગંગાનદી આગળ ધપવા લાગ્યાં. સ્વર્ગમાંથી શંકરના મસ્તક પર અને શિવ મસ્તકેથી પૃથ્વી પર પડતા જળપ્રવાહનું દૃશ્ય અત્યંત મનોહારી હતું. સ્વર્ગ માંહેના બધા નિવાસીઓ અને પૃથ્વી પરના બધા જીવો સર્વપાપહારી પાવન જળનો સ્પર્શ કરવા ઉતાવળા બન્યા. ત્યારબાદ ભગીરથ પોતાના રથમાં આગળ વધ્યો અને ગંગાએ તેનું અનુસરણ કર્યું. તેની પાછળ દેવો, ઋષિઓ, અસુરો, રાક્ષસો, ગંધર્વો, દક્ષો, કિન્નરો, સર્પો, અપ્સરાઓ અને જળમાં નિવાસ કરતાં સઘળાં જળચર પ્રાણીઓ તેની સાથે ચાલ્યાં. પરંતુ ગંગાએ ભગીરથનું અનુસરણ કર્યું અને મહાન જહ્નુ ઋષિની યજ્ઞભૂમિને ગંગાએ જળપ્લાવિત કરી તેથી ઋષિ અત્યંત ક્રોધિત બન્યા અને પોતાના ક્રોધાવેશમાં તે નદીનું આશ્ચર્યકારક સઘળું જળ પી ગયા. ત્યારે બધા દેવોએ તે ઋષિનું શરણ લીધું અને નદીને મુક્ત કરવા પ્રાર્થના કરી. તે કારણે ઋષિએ સહાનુભૂતિ પ્રગટ કરી અને પોતાના કાનમાંથી નદીને બહાર કાઢી અને ફરી તેણે ભગીરથના રથનું અનુસરણ કર્યું. અંતે ગંગા પ્રચંડ ગંગાસાગર સમીપ આવી અને અધોભાગમાં ઝંપલાવ્યું. ત્યાં તેણે ભસ્મના ઢગલાને સ્પર્શીને પાવન કર્યો અને સગરના સાઠ હજાર પુત્રો પ્રત્યેક પાપમાંથી મુક્ત થઈ વિશુદ્ધ બન્યા અને સ્વર્ગલોક પામ્યા.

બ્રહ્માએ ભગીરથને કહ્યું, ‘ઓ મહાબળવાન પુરુષ, હવે સગરના પુત્રો સ્વર્ગ પામ્યા છે અને જ્યાં સુધી સાગરનાં જળ પૃથ્વી પર ટકશે ત્યાં સુધી તે પુત્રો સ્વર્ગમાં નિવાસ કરશે. ગંગા તારી પુત્રી કહેવાશે અને તારું નામ ધારણ કરશે. હવે તું સગર, અંશુમાન, દિલીપ ઇત્યાદિ તારા પૂર્વજો માટે આ પાવન જળમાં અંજલિ સમર્પણ કર અને તારા પોતાના માટે આ જળમાં સ્નાન કર અને નિષ્પાપ બન, સ્વર્ગે સિધાવ કે જ્યાં હવે હું પ્રસ્થાન કરવાનો છું.’

વિશ્વામિત્રે કહ્યું, ‘અને ઓ રામ, મેં હવે તમને ગંગાની કથા વર્ણવી. તે તમારું કલ્યાણ કરો. જે આ કથાનું આખ્યાન કરશે તે કીર્તિ, દીર્ઘ આયુષ્ય અને સ્વર્ગ પ્રાપ્ત કરશે; જે આ કથા સાંભળશે તે દીર્ઘ આયુષ્યમાન બનશે અને કામનાઓની પૂર્તિ કરશે અને તેનાં સર્વપાપ નાશ પામશે.’

Total Views: 730

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.