જગતમાં જે ભિન્ન ભિન્ન ધર્મો અસ્તિત્વ ધરાવે છે તે જો કે અનુષ્ઠાનના સ્વરૂપમાં જુદા પડે છે, તો પણ વાસ્તવિક રીતે બધા એક છે. કેટલેક સ્થળે લોકો મંદિર બાંધે છે અને તેમાં પૂજા કરે છે, કેટલેક સ્થળે તેઓ અગ્નિને પૂજે છે, બીજામાં મૂર્તિઓ સમક્ષ સાષ્ટાંગ પ્રણિપાત કરે છે, તો ઈશ્વરમાં જરા પણ નહીં માનનારા પણ અનેક લોકો છે. આ બધાય સાચા છે, કેમ કે તમે જો ખરું તત્ત્વ, સાચો ધર્મ અને તે પ્રત્યેકમાં રહેલાં સત્યો તરફ નજર કરશો તો જણાશે કે તેઓ બધા એકસરખા છે. કેટલાક ધર્મોમાં ઈશ્વરની પૂજા થતી નથી; અરે, તેનું અસ્તિત્વ સુધ્ધાં માનવામાં આવતું નથી. પરંતુ સત્પુરુષો દેવની પેઠે પૂજાય છે. આ કિસ્સામાં ટાંકવા યોગ્ય દાખલો બૌદ્ધ ધર્મનો છે. ભક્તિ સર્વત્ર છે, પછી તે ભલે ઈશ્વર પ્રત્યે હો કે મહાન વ્યક્તિઓ પ્રત્યે હો, સર્વત્ર ભક્તિના સ્વરૂપમાં થતી ઉપાસના શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ભક્તિ વધુ સહેલાઈથી સાધી શકાય છે. જ્ઞાન સાનુકૂળ સંયોગો તથા અત્યંત કઠોર સાધનાની અપેક્ષા રાખે છે. માણસ શરીરે ખૂબ તંદુરસ્ત અને સર્વ સાંસારિક આસક્તિઓમાંથી મુક્ત ન હોય તો યોગ્ય રીતે યોગ સાધી શકાતો નથી. પરંતુ જીવનની હરકોઈ અવસ્થામાં ભક્તિ વધુ સહેલાઈથી સાધી શકાય છે. ભક્તિ વિષે લખનારા શાંડિલ્ય ઋષિ કહે છે કે ઈશ્વર પ્રત્યેના પરમ અનુરાગનું નામ છે ભક્તિ. પ્રહ્‌લાદ પણ એ જ પ્રમાણે કહે છે.

માનવી એક દિવસ ભોજન ન પામે તો તેને કષ્ટ થાય છે; તેનો પુત્ર મરી જાય તો તેને અપાર દુ:ખ થાય છે. સાચો ભક્ત ઈશ્વરને માટે જ્યારે ઝંખે છે ત્યારે તેના હૃદયમાં તે એવું જ દુ:ખ અનુભવે છે. ભક્તિનો મહાન ગુણ એ છે કે તે મનને શુદ્ધ કરે છે; અને પરમેશ્ર્વર પ્રત્યેની દૃઢ ભક્તિ જ મનને શુદ્ધ કરવા માટે પૂરતી છે. ‘હે ઈશ્વર ! તારાં નામો તો અસંખ્ય છે; પરંતુ એ પ્રત્યેક નામમાં તારી શક્તિ પ્રકટ થાય છે તથા પ્રત્યેક નામ ઊંડા અને મહાન તાત્પર્યથી ભરેલું છે.’ આપણે ઈશ્વરનું સદાય ચિંતન કરવું જોઈએ; તે માટે સમય અને સ્થળનો વિચાર કરવાની જરૂર નથી.

જે ભિન્ન ભિન્ન નામો દ્વારા ઈશ્વરની ઉપાસના કરવામાં આવે છે, તે દેખીતી રીતે જુદી જુદી હોય છે. એક માણસ એમ ધારે છે કે ઈશ્વરની ઉપાસના કરવાની તેની પોતાની જ રીત સૌથી વધુ અસરકારક છે, જ્યારે બીજો મનુષ્ય એમ વિચારે છે કે તેની પદ્ધતિ મુક્તિ પ્રાપ્ત કરવા માટે વધુ શક્તિશાળી સાધન છે. પરંતુ બધા ધર્મોના મૂળ પાયા તરફ નજર કરશો તો જણાશે કે તે બધા એક જ છે. શૈવો શિવને સૌથી વધુ શક્તિશાળી કહે છે, વૈષ્ણવો તેમના સર્વશક્તિમાન વિષ્ણુને તેવા કહે છે ! દેવીના ઉપાસકો તેમની દેવી વિશ્વમાં સૌથી વધુ શક્તિમાન છે એમ માને છે અને પોતાના એ ભાવમાં કોઈને જરા પણ મચક આપશે નહીં. જો તમારે અચલ ભક્તિ જોઈતી હોય તો દ્વેષ છોડી દો. દ્વેષ ભક્તિમાર્ગમાં મહાન અંતરાયરૂપ છે. જે મનુષ્ય કોઈને ધિક્કારતો નથી તે ઈશ્વરને પામે છે. તો પણ ઈષ્ટ પ્રત્યેની નિષ્ઠા આવશ્યક છે. હનુમાન કહે છે :

श्रीनाथे जानकीनाथे अभेद: परमात्मनि ।

तथापि मम सर्वस्व: राम कमललोचन: ॥

(સ્વા. વિ. ગ્રંથમાળા, 4.268-70)

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.