અહીં વળી કોઈ શંકા કરે કે સ્મૃતિનાં વાક્યોમાં જે નિષ્કામ કર્મયોગ કહ્યો છે તે ચિત્તશુદ્ધિ માટે જ છે, સાક્ષાત્ મોક્ષના સાધનરૂપે એ નથી. મોક્ષ તો જ્ઞાનથી જ મળે, કર્મથી સીધો નહિ જ.
તો ઉત્તર એ છે કે એવું નથી. ભગવદ્ગીતા (3.20)માં કહ્યું છે કે ‘कर्मणैव हि संसिद्धिम्’એમાં ‘एव-જ’ શબ્દ છે. ‘કર્મથી જ’ સંસિદ્ધિ-પરમસિદ્ધિ એમાં બતાવી છે. જનક, અશ્વપતિ, ધર્મવ્યાધ, પુંડલીક વગેરેની મોક્ષપ્રાપ્તિ બતાવી છે. તેથી કર્મયોગ મોક્ષ મેળવવાનો પ્રત્યક્ષ સીધો ઉપાય છે એમ સુદૃઢ થાય છે.
હવે, જે ‘જ્ઞાનથી જ મોક્ષ થાય છે’ એમ કહ્યું છે તેમાં કશો વિવાદ કરવાની જરૂર નથી. કર્મયોગથી ચિત્ત જ્યારે સંપૂર્ણ રીતે નિર્મળ થાય છે, ત્યારે તરત જ પરમાત્માનું જ્ઞાન આવિર્ભૂત થાય છે. એમ માનતા અમારા પક્ષમાં પણ તે સંમત જ છે પણ જ્યારે જ્ઞાનયોગ માત્રથી જ (અન્ય યોગોથી નહીં) એવી વાત કરવામાં આવે છે એમાં જ અમે દોષ જોઈએ છીએ.
હવે કર્મયોગના વિષયોમાં ભગવાન શ્રીરામકૃષ્ણનો અભિપ્રાય જોઈએ.
કર્મ દ્વારા ભગવાનમાં મનનું સમાધાન – આરોપણ કરવું તે કર્મયોગ છે. અન્ય યોગોની પેઠે જ કર્મયોગનું લક્ષ્ય પણ મોક્ષ જ છે. પરમાત્માને પોતાનાં કર્મોનું સમર્પણ એ કર્મયોગ છે. આ કલિયુગમાં નિષ્કામત્વ તો દુર્લભ છે એટલા માટે ભક્તિની મદદ લેવી એ આવશ્યક છે. કર્મનું પરમ લક્ષ્ય પણ મોક્ષ જ છે. કર્મનું લક્ષ્ય કેવળ કર્મ જ નથી, એટલે ફલાકાંક્ષા વગરનું, ભગવાનની આરાધનારૂપ કરેલું કર્મ જ મોક્ષનું સાધન હોઈ શકે. સત્ત્વની વૃદ્ધિના પ્રમાણમાં કર્મનો ક્ષય થતો રહે છે. સંધ્યાનાં કર્મો ગાયત્રીમાં લય પામે છે. ગાયત્રી પ્રણવમાં લય પામે છે અને પ્રણવ સમાધિમાં લય પામે છે એટલે સારાં કર્મો સમાધિમાં લય પામે છે.
જે કર્મયોગનું બીજ વાજસનેય સંહિતોપનિષદમાં આપણે જોયું, જે કર્મયોગ ગીતામાં તેમજ પુરાણાદિ અન્ય સ્મૃતિઓમાં દર્શાવેલ છે, જે કર્મયોગનું અનુસરણ કરીને જનક, ધર્મવ્યાધ વગેરે પરમ સિદ્ધિ પામ્યા છે, જેનો ઉપદેશ ભગવાન રામકૃષ્ણે સંક્ષેપમાં કર્યો છે, એ જ કર્મયોગનો સ્વામી વિવેકાનંદે-શ્રીરામકૃષ્ણના શ્રેષ્ઠ શિષ્યે- પરમ કૃપા કરીને મુમુક્ષુઓ માટે ઉપદેશ કર્યો છે, પ્રવચનમાળારૂપ આ ઉપદેશ લોકોમાં ‘કર્મયોગ’ને નામે પ્રસિદ્ધ છે અને એનો જ સાર, વિવેકાનંદની જન્મશતાબ્દી પ્રસંગે, ભગવાન રામકૃષ્ણના દાસ, ગુરુવર્ય શ્રીમત્ વિવેકાનંદના પ્રશિષ્ય અને સ્વામી વિરજાનંદ પૂજ્યપાદના શિષ્ય એવા હર્ષાનંદ પુરી દ્વારા તેમનાં ચરણોમાં ભક્તિ- પૂર્વક નિવેદન કરવા માટે અને આત્મપ્રીત્યર્થે સૂત્રો અને તેની વ્યાખ્યા દ્વારા કરવામાં આવે છે. એના ચાર અનુબન્ધો આ પ્રમાણે છે :
કર્મમાં પ્રવૃત્ત મુમુક્ષુ એનો અધિકારી છે; નિષ્કામ કર્મયોગ એનો વિષય છે; પરમપુરુષાર્થ – પ્રાપ્તિ એનું પ્રયોજન છે અને પ્રયોજન તેમજ શાસ્ત્રનો સાધ્યસાધક ભાવ એનો સમ્બન્ધ છે. વ્યાખ્યા કરાતા કર્મયોગનું આ પહેલું સૂત્ર છે-
अथात: कर्मयोगं व्याख्यास्याम: ॥1॥
સૂત્રાર્થ – હવે તેથી અમે કર્મયોગની વ્યાખ્યા કરીશું.
વ્યાખ્યા – અહીં ‘અઠ’ શબ્દ આરંભના અર્થમાં છે અને મંગલનો સૂચક છે. કહ્યું છે કે-
ओङ्कारश्चाथशब्दश्च द्वावेतौ ब्रह्मण: पुरा।
कण्ठं भित्त्वा विनिर्यातौ तेन माङ्गलिकावुभौ ॥
અર્થાત્ – ‘ઓંકાર’ અને ‘અથ’ એ બે શબ્દો પહેલાં બ્રહ્માના કંઠને ભેદીને નીકળ્યા હતા તેથી તે બન્ને મંગલકારી છે. અહીં ‘અથ’નો અર્થ ‘ત્યાર પછી’ એવો થઈ શકતો નથી કારણ કે આ કર્મયોગની પહેલાં સ્વાધ્યાય, સાધનચતુષ્ટય, ષટ્સંપત્તિ કે શિષ્યના પ્રશ્નની(બ્રહ્મજિજ્ઞાસામાં પડે છે એવી) કશી જરૂર પડતી નથી. (ક્રમશ:)
Your Content Goes Here