સરયૂબાલાદેવીની નોંધ :

શ્રીમાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે એક કહેવત ટાંકી. જો કે મને તે જ શબ્દો યાદ નથી, પણ તેનો ભાવાર્થ તેવો હતો કે મનુષ્ય પોતાના ગુરુને પણ યોગ્ય વાત કહી શકે. આ પ્રમાણે કરવામાં કશું પાપ નથી.

‘પણ સાથે સાથે મનુષ્યને ગુરુ પ્રત્યે ભક્તિ હોવી જોઈએ,’ શ્રીમાએ આગળ કહ્યું, ‘તેઓ ગમે તેવા હોય પણ તેમના પ્રત્યે ભક્તિમાં જ મુક્તિ મેળવવાની તક તો તેના ગુરુ પ્રત્યેના પૂજ્યભાવમાં જ રહેલી છે. ઠાકુરના શિષ્યોને તેમના પ્રત્યે કેટલી ગુરુભક્તિ છે તે જુઓ. તેઓ ઠાકુર પ્રત્યેની ગુરુભક્તિને કારણે માત્ર તેમના કુટુંબના બધા જ સભ્યો નહીં પણ તેમના ઘરની બિલાડીઓને પણ માન આપે છે’. . . . .

11 ફેબ્રુઆરી, 1912 : મેં જેવું શ્રીમાને નમન કર્યું, બાજુમાં જગ્યા લીધી કે તરત જ તેમણે શોકાતુર બનીને કહ્યું, ‘અરેરે ! ગિરીશબાબુ દેવલોક પામ્યા. તેઓ ચોથા દિવસે ઉત્તરક્રિયા વખતે મને બોલાવવા આવ્યા હતા. તે તો હવે નથી. મને ત્યાં જવા માટે દિલમાંથી કેમ કરીને ઇચ્છા થાય ? તેનો પ્રેમ અને વિશ્વાસ કેવાં હતાં ! તેં ગિરીશ ઘોષ વિષેની આ વાત સાંભળી છે ? ઠાકુરને પુત્ર તરીકે મેળવવા તે ઇચ્છતા હતા. ઠાકુરે જવાબ આપેલ, ‘હા, હવે તારા દીકરારૂપે જનમવાનું જ મારે બાકી રહ્યું છે.’ પણ બેટા, તું જાણે છે કે ઠાકુરે આ મનુષ્યશરીરનો ત્યાગ કર્યો ત્યાર પછી થોડા જ સમયે ગિરીશને ત્યાં પુત્રજન્મ થયો અને તે બાળક ચાર વર્ષ સુધી તો કોઈ સાથે બોલતો નહીં. તે નિશાનીથી પોતાના વિચારો દર્શાવતો. જાણે કે ઠાકુર જ હોય, તે રીતે તેઓએ તેની સંભાળ રાખી. તેઓ તેને નવાં કપડાં, સારું ખાવાનું, સારા પ્યાલા-રકાબીઓ અને જે કાંઈ તેમની જરૂરિયાતો હતી તે પૂરી પાડતા. અને એ વસ્તુનો બીજાને ઉપયોગ કરવા દેતા નહીં. ગિરીશ કહેતો, ‘ઠાકુર જ ફરી આવ્યા છે.’ શિષ્યની કેવી ઉત્કટ ઝંખના ! આવું કોણ જાણે મા? એક દિવસ એ બાળક મને મળવા એટલો આતુર હતો કે તે બધાંના હાથ પકડતો અને જ્યાં હું બેસતી હતી તે ઉપરના માળ તરફ હાથ બતાવતો હતો. અને કહેતો હતો, ‘ઓહ ! ઓહ !’ પહેલાં તો કોઈ તેને સમજી શક્યાં નહીં; છેવટે, તેઓ તેને મારી પાસે લાવ્યાં અને તે બાળક નાનો હોવા છતાં તે મારા પગે પડ્યો અને નમન કર્યું. પછી તે નીચે ગયો અને મારી પાસે લાવવા માટે ગિરીશને ખેંચવા લાગ્યો. ગિરીશની આંખોમાં અશ્રુ આવી ગયાં અને તેણે ધ્રુસકે ધ્રુસકે રડતાં કહ્યું, ‘બેટા ! હું તો પાપી છું, તો શ્રીમાનાં દર્શને કેમ જઈ શકું ?’ પણ તે બાળક તેને જવા દે તેમ ન હતો. છેવટે તે બાળકને તેડીને તે ઉપર આવ્યો. તેના દરેક અવયવ ધ્રૂજતા હતા. તેની આંખો અશ્રુથી છલકાઈ ગઈ હતી. અને તે લાકડીની જેમ મારા પગ પાસે પ્રણામ કરવા જમીન ઉપર પડ્યો અને આક્રંદ કરી ઊઠ્યો, ‘મા, હું તમારાં ચરણનાં દર્શન પામી શક્યો તેનું કારણ આ બાળક જ છે !’ પણ ચાર વર્ષનો થઈને એ મૃત્યુ પામ્યો.                                                                                              (શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : 84-85)

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.