મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું વિરાટ કાર્ય કરી ગયા કે સ્વયં વિશ્વવંદ્ય વિભૂતિ બન્યા, એટલું જ નહીં પણ ભારતવર્ષનો વિશ્વમાં ડંકો પણ વગાડ્યો.

દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહે ગાંધીજીને પણ એક વિશ્વફલક પર મૂકી દીધા હતા અને તેમની અસર માત્ર સામજિક કે રાજકીય ક્ષેત્ર પર નો’તી પડી પણ સાંપ્રત સમયના ગુજરાતી સાહિત્ય પર પણ ઊંડી અસર પડી હતી. શ્રી.ક.મા.મુન્શીએ લખ્યું હતું કે ‘ગાંધીજીએ ગુજરાતી ગદ્યને એક નવી ઊંચાઈ આપી હતી. તેમની અભિવ્યક્તિ સત્યપ્રિય અને સહજ હતી.’

આમ તો ગાંધીજી પર મહાત્મા ટોલ્સટોય, રસ્કિન બોન્ડના વિચારોનો પ્રભાવ પડ્યો હતો. પણ એક જબરજસ્ત પ્રભાવ ‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા’નો પડ્યો હતો.

વિન્સેન્ટ શીન તેમના પુસ્તક- ‘Lead Kindly Light’ માં લખે છે કે ગાંધીજીએ આધ્યાત્મિકતામાં પોતાને શ્રીરામકૃષ્ણદેવના અનુયાયી માન્યા છે અને સ્વયં નમ્રતાપૂર્વક લખે છે કે – “The story of Shri Ramakrishna’s life is a story of religion in practice. His life enables us to see God face to face. No one can read the story of his life without being convinced that God alone is real and all else is an illusion.”

(શ્રીરામકૃષ્ણદેવનું જીવન વ્યવહારુ ધર્મનું જ્ઞાન આપે છે અને આપણને ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન કરાવે છે તેમજ દૃઢપણે માનવા પ્રેરે છે કે એકમાત્ર ઈશ્વર સત્ય છે અને બીજું બધું મિથ્યા છે.)

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ને પણ આ વિચારોથી વેગ મળ્યો. સ્વામી વિવેકાનંદના પગલે નવજાગરણનું ઉજ્જવળ સોપાન શરૂ થયું, જેમણે નવો યુગધર્મ આપી, રાષ્ટ્રના દરિદ્રનારાયણની સેવાનો આદર્શ સ્થાપી, વેદાંતને વ્યાવહારિક સ્વરૂપ આપવાનું ભગીરથકાર્ય કર્યું. સ્વામીજીની દૃષ્ટિ, તપશ્ચર્યા અને આધ્યાત્મિકતામાં શ્રીરામકૃષ્ણદેવના વિચારો મૂર્તિમંત હતા. આ મહાન દેશને સમજવા સ્વામીજીએ એક પરિવ્રાજક તરીકે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશાટન કર્યું. રાષ્ટ્રજીવનની એકેય બાજુ એમના માટે અજાણી રહી ન હતી. રાષ્ટ્રજીવનને છિન્નભિન્ન કરી રહેલી સમસ્યાઓને તેમણે પોતાના સ્વદેશમંત્રમાં વેદનારૂપે વહાવી. કન્યાકુમારીમાં કે જ્યાં ભારતની ભૂમિસીમા પૂરી થાય છે તે સમુદ્રોના ત્રિવેણી સંગમ સ્થિત શિલા (જ્યાં આજે ભવ્ય વિવેકાનંદ શિલાસ્મારક શોભાયમાન છે) પર ભારતમાતાનું ધ્યાન ધરીને, ધ્યાનમગ્ન અવસ્થામાં ગરીબીરૂપી રોગ પારખ્યો અને ઔષધરૂપે દરિદ્રનારાયણની સેવાનો આદર્શ આપ્યો – “Service to Man is Service to God.”

દેશભક્તિનો નવો આયામ આપતાં તેમણે કહ્યું કે દેશભક્ત થવાનું પ્રથમ પગથિયું છે ભૂખે મરતાં લાખો દેશબાંધવોની પીડા અનુભવવી. એટલે જ 1921માં બેલુર મઠમાં સ્વામીજીને અંજલિ આપતાં સ્વયં ગાંધીજીના મુખેથી આ ઉદ્ગારો સરી પડ્યા – “I have gone through his (Swamiji’s) works very deeply and after going through them, the love I had for my country became a thousand fold.” (મેં સ્વામીજીનાં લખાણો ઊંડાણપૂર્વક વાંચ્યાં છે અને એ વાંચ્યા પછી ભારત પ્રત્યે મારો જે પ્રેમ હતો તે હજાર ગણો વધી ગયો છે.)

ભગિની નિવેદિતાએ સ્વામીજીના જીવંત ભારતપ્રેમને ભવ્ય અંજલિ આપતાં લખ્યું છે કે  “Throughout these years in which I saw him almost daily the thought of India was to him like the air he breathed.”

(એ વર્ષોમાં મેં જોયું છે કે લગભગ દરરોજ સ્વામીજી ભારતને જ શ્વસતા હતા. તેમના શ્વાસે શ્વાસે ભારતનો જ ધબકારો સંભળાતો હતો.)

સ્વામીજીએ લખ્યું હતું કે મહાપુરુષોએ આપેલા પાંચ સાચા વિચારોનો પ્રભાવ એટલો પ્રબળ હોય છે કે જો તેઓ ગુફામાં બેસીને દરવાજો બંધ કરી દે કે મૃત્યુ પામે તો પણ એ વિચારો શાશ્વત બની જાય. “That is the real power of thoughts.”

ગાંધીજીના જીવન ચરિત્રમાં પ્યારેલાલજીએ કઈ રીતે સ્વામીજીના ધર્મ વિશેના ક્રાંતિકારી વિચારોનો પ્રભાવ પડ્યો હતો એ લખ્યું છે, ‘સ્વામીજીએ આપેલો ‘શિવજ્ઞાને જીવસેવા’ (દરિદ્રનારાયણ-જીવમાં જ સાચા શિવ)નો ઉચ્ચ આદર્શ એમનો જીવનમંત્ર બની ગયો.’

ભૂખ્યાને અપાતા ધર્મોપદેશની વ્યર્થતા વિશે સ્વામીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ‘જે ધર્મ ભૂખ્યાના મોંમાં રોટલીનો ટુકડો મૂકી શકતો નથી કે વિધવાનાં આંસુ લૂછી શકતો નથી, એને હું ધર્મ કહેતો નથી.’

“He alone serves God who serves all the beings. There is no other God to seek.” (‘તે જ સાચી શિવ સેવા કરે છે જે જીવોની સેવા કરે છે. ઈશ્વરને બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી.)

ગાંધીજીએ પણ લખ્યું છે કે “I recognise no God except the God that is to be found in the hearts of the dumb millions and I worship the God that is truth or truth which is God, through the service of these millions” (મેં પણ જાણ્યું કે લાખો દરિદ્ર-નારાયણના હૃદયમાં જ સાચા ઈશ્વર રહેલા છે અને હું એ ઈશ્વરને જ ભજું છું જે સત્ય છે. અને જે સત્ય છે એ જ ઈશ્વર છે અને એ આ લાખોની સેવામાં જ છે.) ગાંધીજીએ આપેલા જગવિખ્યાત સૂત્ર ‘સત્ય એ જ પરમેશ્વર’નું મૂળ સ્વામીજીના વિચારોની ફળશ્રુતિ છે.

આમ પૂજ્ય ગાંધીજીના જીવન અને કવન ઉપર શ્રીરામકૃષ્ણદેવ – વિવેકાનંદની વિચારધારાની અમીટ છાપ જોવા મળે છે. સ્વામીજીની પ્રતિભા લોકોત્તર હતી. તેઓ તો યુગનાયક, યુગદૃષ્ટા હતા. ભારતના સ્વપ્નદૃષ્ટા હતા. અને તે સ્વપ્નને સાકારિત કરનારા એન્જિનિયર હતા રાષ્ટ્રપિતા શ્રીમહાત્મા ગાંધી.

Total Views: 52
By Published On: January 1, 2017Categories: Pannabahen Pandya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram