આપણા મનુષ્ય તરીકેના જીવનમાં ચારિત્ર્ય (Character)નું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણાં શાસ્ત્રો, તજજ્ઞો, વિદ્વાનો તેમજ અવતારી પુરુષોએ પણ ચારિત્ર્ય ઉપર ભાર મૂક્યો છે. એક સુઘડ વ્યક્તિ તરીકે ગમે તેટલી ઉપાધિઓ હોય તો ચારિત્ર્ય વગર ગૌણ એટલે કે સાવ કિંમત વગરની બની જાય છે. પર્યાપ્ત ચારિત્ર્ય વિના શિક્ષણ સંસ્થાઓ પણ એક કારખાના સમાન બની જાય. ચારિત્ર્ય દ્વારા જ  વ્યક્તિમાં, આપણા સમાજમાં શાંતિ, સુમેળ, સુખ, સંયમ અને સચ્ચાઈ તેમજ પ્રામાણિકતાનું સાતત્ય જાળવી શકીશું. સ્વામી વિવેકાનંદે તો ચારિત્ર્ય વિશે ઘણું કહેલું છે. ગમે તેટલી જ્ઞાની વ્યક્તિ પર્યાપ્ત ચારિત્ર્યના અભાવમાં કૃત્રિમ રીતે જ મનુષ્યની બરબાદીના કાર્યમાં પ્રયોજશે. શાસ્ત્રોનાં પૃષ્ઠો ફેરવતાં આપણે જોઈએ છીએ કે આપણા ચારિત્ર્ય દ્વારા, ચારિત્ર્યની શક્તિ દ્વારા વ્યક્તિ શત્રુને મિત્રમાં, યુદ્ધને શાંતિમાં અને હિંસાને ભાઈચારા તરફ વાળી શકાયાં છે. એટલે ટૂંકમાં સાચા અર્થમાં મનુષ્ય ચારિત્ર્ય દ્વારા જ સાચા મનુષ્ય તરીકે ઓળખાઈ આવે છે. અને આ રીતે પહેલાં, અત્યારે અને ભવિષ્ય માટે એક જ સૂત્ર છે અને એ સૂત્ર છે ચારિત્ર્યનું.

સાચા અર્થમાં કહીએ તો જેમ ઈંધણ વગર ગાડી ન ચાલી શકે એવી જ રીતે ચારિત્ર્ય વગર સાચા મનુષ્ય તરીકે જીવનને ચલાવી જ ન શકાય. ઘણી વખત એવું જોવામાં આવે છે કે આપણા જીવનમાં સાધેલી કે આપણી દેખીતી પ્રગતિને સાચી દિશામાં વાળેલી માની લઈએ પણ વાસ્તવમાં ચારિત્ર્ય વગરની આવી પ્રગતિ એ અધોગતિ તરફ જ લઈ જતી હોય છે.

એટલે ટૂંકમાં મનુષ્યે ગમે તે ક્ષેત્રે પ્રગતિ સાધવી હશે તો માત્ર ચારિત્ર્ય અને ચારિત્ર્યના પાયા ઉપર જ ખરા અર્થમાં પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકાશે. સૌથી મહત્ત્વનું એ છે કે ચારિત્ર્ય વગરનું જીવન મૃત્યુથી પણ બદતર છે.

વૃત્તં યત્નેન સંરક્ષેદ વિત્તમેતિ ચ યાતિ ચ ।

અક્ષીણો વિત્તત: ક્ષીણો વૃત્તતસ્તુ હતો હત: ॥

મહા. 5.36.30

ચારિત્ર્યનું યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ, ધન તો આવે અને જાય છે. ધનનો નાશ થવાથી સદાચારી મનુષ્યનો નાશ થતો નથી, પરંતુ ચારિત્ર્યનો નાશ થતાં મનુષ્યનો સર્વાંશ વિનાશ જ સમજવો.

આવા જ પ્રકારની અંગ્રેજી કહેવત પણ છે-

Wealth is lost  nothing is lost,

Health is lost something is lost,

Character is lost everything is lost.

જીવનના સમસ્ત ગુણ, ઐશ્વર્ય, અક્ષય કીર્તિકલાપ અને સફળતાની આધારશિલા ચારિત્ર્ય જ છે. ચારિત્ર્યની સુગંધથી જ જીવનપુષ્પ પોતાનું ચતુર્દિક સૌંદર્ય પ્રસરાવીને સાર્થક બને છે.

ચારિત્ર્ય-ગઠનના બે સશક્ત સ્તંભ છે- એક છે સુસંસ્કાર, બીજો છે સત્સંગતિ. સુસંસ્કાર પણ પૂર્ણજીવનની સત્સંગતિ, સત્કર્મોની અર્જિત સંપત્તિ છે અને સત્સંગતિ વર્તમાન જીવનની દુર્લભ વિભૂતિ છે.

ચારિત્ર્ય શબ્દ ‘ચર-ગતિભક્ષણયો:’-એક ગતિ અને ભક્ષણાર્થક ધાતુથી નિષ્પન્ન થાય છે – કરણકારકમાં ‘ઇત્ર’ પ્રત્યય જોડીને ‘ચરતિ અનેન ઇતિ ચરિત્રમ્’ થાય છે.

ચારિત્ર્ય – નિર્માણની દિશામાં ત્રણ માધ્યમો વિશેષ સાર્થક નિવડ્યાં છે – પ્રાચીન શાસ્ત્રો, પ્રાચીન ઋષિ-મુનિ-રાજાઓ અને પરવર્તી મહાપુરુષો.

દેવતાઓનાં આદર્શ ચરિત્રને માનવ સમક્ષ પ્રસ્તુત કરવા માટે ઇતિહાસ અને મહાકાવ્યોનું સર્જન કરવામાં આવ્યું હતું. ધર્મ-ગ્રંથોના રચયિતા ઋષિ-મુનિનાં વ્યક્તિત્વ ઉદાત્ત ચારિત્ર્ય સંપન્ન હતાં. વેદ, પુરાણ, ઇતિહાસમાં ચારિત્ર્ય નિદર્શન કરનાર અનેકાનેક દૃષ્ટાંતો પડેલાં છે.

સમસ્ત હિંદુધર્મના ગ્રંથોમાં ચારિત્ર્યનિર્માણ, ચારિત્ર્યવર્ધન અને ચારિત્ર્યસંરક્ષણની આવશ્યકતા તેમજ મહત્તા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચારિત્ર્ય- નિર્માણાત્મક તત્ત્વોના સ્રોત એવાં વેદ, પુરાણ, ઉપપુરાણ ઇતિહાસ વગેરે અનવરતપણે ચારિત્ર્ય- પ્રકાશ વિતરિત કરી રહ્યાં છે. ચારિત્ર્ય-નિર્માણ કરનારા પરવર્તી યુગમાં ઋષિ-પરંપરામાં મહામાનવો થયા છે. એમાં રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર મુખ્ય છે. તેઓએ જીવનપર્યંત જનતા-જનાર્દનની વચ્ચે અનવરુદ્ધ ગતિથી ભ્રમણ કરતા રહીને ચારિત્ર્ય-નિર્માણનું સુકાર્ય કર્યું છે.

જૈન અને બૌદ્ધ ધર્મ અંતર્ગતના સંપ્રદાયોના તીર્થંકરો, ગણધરો અને અર્હંતોએ ચારિત્ર્ય-નિર્માણમાં અમૂલ્ય ફાળો આપ્યો છે અને પોતાના જીવનના દૃષ્ટાંત દ્વારા સમાજ સમક્ષ આદર્શ જીવન-પદ્ધતિ પ્રસ્તુત કરી છે.

પ્રાચીન કાળથી માંડીને લગભગ વીસમી સદીના મધ્ય યુગ સુધી શાસ્ત્રો દ્વારા વૈદિક સાહિત્યના આદર્શો ચારિત્ર્ય-નિર્માણમાં પ્રસારિત થતા રહ્યા.

મહર્ષિ વાલ્મીકિ, વ્યાસ, અશ્વઘોષ, ભાસ, કાલિદાસ, ભારવિ, ભવભૂતિ વગેરે સંસ્કૃતના કવિઓ અને કબીર, સૂરદાસ, તુલસી, મીરા, કેશવદાસ, ભારતેન્દુ, પ્રેમચંદ, જયશંકર પ્રસાદ, સુમિત્રાનંદન પંત ઇત્યાદિ હિન્દી કવિઓેએ ચારિત્ર્ય-નિર્માણના ઉદ્દેશસહ સાહિત્ય રચનાઓ કરી. આ યુગમાં પણ ભારતની અન્ય આધુનિક ભાષાઓમાં પણ માનવતાની ઉન્નતિના ચરમ ઉદ્દેશથી ચારિત્ર્ય-નિર્માણ વિષયક મૂલ્યો પીરસાતાં રહ્યાં છે. જ્ઞાનેશ્વર, વિદ્યાપતિ અને રવીદ્રનાથની રચનાઓ આ દૃષ્ટિએ મૂલ્યવાન છે. ભારતીય સમાજના ચારિત્રિક અભ્યુત્થાનની દિશામાં એમનું અમૂલ્ય પ્રદાન છે.

ભારતની પ્રાચીન આચાર્ય-પરંપરાના સર્વપ્રથમ સુપ્રસિદ્ધ આચાર્ય શંકરે યોગ્ય સમયે અવતીર્ણ થઈને સમાજને વિપથગામી થતો બચાવ્યો હતો અને પરવર્તી યુગના અન્ય આચાર્યો જેવા કે રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભ, રામાનંદ ઇત્યાદિને ચારિત્રિક આદર્શોને સમુન્નત કરવાનું શ્રેય પ્રાપ્ત થાય છે. આ જ શ્રેણીમાં મહાપ્રભુ ચૈતન્યનું નામ પણ અનુપમ છે. આ આચાર્યો ઉપરાંત સંત જ્ઞાનેશ્વર, સમર્થગુરુ રામદાસ, ગુરુ ગોવિંદસિંહ તેમજ પરવર્તી કાળમાં રામતીર્થ, દયાનંદ સરસ્વતી, મદનમોહન માલવીયાજી, મહાત્મા ગાંધીજી, મહર્ષિ અરવિંદ વગેરે સંત-પુરુષો પણ ચારિત્ર્ય-નિર્માતા રૂપે પ્રગટ્યા છે.

આ બધાંની વચ્ચે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને ઉપદેશ ચારિત્ર્ય-નિર્માણની દિશામાં અત્યંત પ્રાસંગિક રહ્યાં છે.

દૈવી સંપદ્ વિમોક્ષાય (ગીતા.16.5) એટલે કે ચારિત્ર્ય-નિર્માણ કરનાર દૈવી સંપત્તિ અભય, સુખ, શાંતિ, આનંદ, મુક્તિ આપનાર છે. તદુપરાંત મહાપુરુષોના પત્રો ઘણા જ મનોરંજક અને પ્રેરણાદાયી હોય છે. તેના ડ ચારિત્ર્ય-નિર્માણનું કાર્ય થયા કર્યું છે. યુગવિધાયક મહાપુરુષો અને સાહિત્યકારોની પત્ર-મૈત્રી આના પુરાવા છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, કાકા સાહેબ કાલેલકર, જય દયાળજી ગોયન્કા અને અંતમાં સવિશેષ તો સ્વામી વિવેકાનંદની પત્ર-શૃંખલાએ ચારિત્ર્ય-નિર્માણના ક્ષેત્રમાં અનુપમ પ્રદાન કર્યું છે. ચારિત્ર્ય-નિર્માણનું શ્રેષ્ઠ કાર્ય તો મહાપુરુષોના સત્સંગથી થાય છે. તુલસીદાસનું આ અંગેનું ઉત્તમ કથન છે- સઠ સુધરહિં સતસંગતિ પાઈ.

વૈદિક વાઙમયમાં જોવા મળતું નચિકેતાનું દૃષ્ટાંત ચારિત્ર્ય-નિર્માણનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે.

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.