શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય.

એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા વાળ, દાઢી, મૂછોવાળા એક વૃદ્ધ ફકીરનો ભેટો થયો. ખૂલતો ઝભ્ભો પહેરેલ, ગળામાં કાચના મણકાની માળા ધારણ કરેલ અને હાથમાં દંડો રાખેલ તે ફકીરે સ્મિતપૂર્વક શ્રીરામકૃષ્ણનું ‘તમે આવ્યા છો, ઘણું સારું, ઘણું સારું’ એમ કહીને અભિવાદન કર્યું. તેના હાથ હલાવીને તેણે શ્રીરામકૃષ્ણદેવને આશીર્વાદ પણ આપ્યા.

શ્રીરામકૃષ્ણદેવના જીવનવૃત્તાંતના લેખક સ્વામી સારદાનંદ કહે છે : ‘એ વખતે ‘અલ્લા’ મંત્રનો જપ કરતો, મુસલમાનોની માફક ખુલ્લી કાછડીએ ધોતિયું પહેરતો, દિવસમાં ત્રણ સંધ્યાએ નમાજ પઢતો અને મનમાંથી હિન્દુ ભાવ સાવ જ લુપ્ત થઈ જવાને લીધે હિન્દુ દેવદેવીઓને પ્રણામ કરવાના તો દૂર રહ્યા, દર્શન સધ્ધાં કરવાનું મન થતું નહિ.

આ પ્રમાણે ત્રણ દિવસ વીત્યા અને એ મતની સાધનાનું પૂરેપૂરું ફળ પામ્યો. ‘ઈસ્લામધર્મની સાધના વખતે ઠાકુરને પ્રથમ એક લાંબી દાઢીવાળા સુગંભીર, જયોતિર્મય પુરુષનું દિવ્યદર્શન થયું. પછી સગુણ વિરાટ બ્રહ્મની ઉપલબ્ધિ કરીને તુરીય નિર્ગુણ બ્રહ્મમાં તેમનું મન લીન થઈ ગયું.’ (લીલાપ્રસંગ: 1.391)

હમણાં જ ઉલ્લેખેલ શ્રીરામકૃષ્ણદેવની ઈસ્લામ-સાધનાની અનુભૂતિનાં સ્વરૂપ તેમજ વિગતોનું પૃથક્કરણ કરીને કોઈ પણ વ્યક્તિ ત્રણ સ્પષ્ટ તબક્કા કે સ્તર તારવી શકે છે. પ્રથમ તબક્કો સગુણ સાકાર ઈશ્વર સાથે સંબંધિત છે. કલૉન એલેન સ્ટાર્ક નોંધે છે :

‘લાંબી દાઢીવાળા સુગંભીર, જ્યોતિર્મય પુરુષ’ તરીકેનું દર્શન તો માત્ર ધારણાની બાબત છે – તે મહંમદ પયગંબર હતા કે તેમના સંગાથીઓ પૈકીના કોઈ એક કે બોધિસત્વો, ખ્રિસ્તી સંતો કે શીખ ગુરુઓની માફક બીજા લોકો માટે મુક્તિ-સાધનને ચાલુ રાખવા સૂક્ષ્મ સ્વરૂપે અલ્લાહથી અલગ એવું અસ્તિત્વ ધારણ કરવાનું સ્વીકારેલ બીજું કોઈક. (સમસામાયિક દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ પરમહંસ : પૃષ્ઠ . 106 – બી.એન બંદોપાધ્યાય અને સજનીકાંતદાસ) જો કે આ બાબત સ્વીકાર્ય નથી.

તેમની અનુમતિનો બીજો તબક્કો સગુણ નિરાકાર ઈશ્વરનો સંદર્ભ સૂચવે છે એટલે કે શ્રીરામકૃષ્ણદેવની ઈશ્વર અથવા સગુણ બ્રહ્મ તરીકે અલ્લાહની અનુભૂતિ. તે ઈશ્વરના નિરાકાર છતાંય નામ, ગુણ અને લાક્ષણિકતાઓ સાથેના સ્વરૂપનો નિર્દેશ કરે છે.

ત્રીજો તબક્કો ઈશ્વરના નિરાકાર પાસા સાથે સંબંધિત છે. આ બ્રહ્માનુભૂતિ કાળે સગુણ વિરાટ બ્રહ્મની ઉપલબ્ધિ કરીને શ્રીરામકૃષ્ણદેવનું મન તુરીય નિર્ગુણ બ્રહ્મમાં લીન થઈ ગયું હતું.

સ્વાભાવિકપણે આ આપણને સૂફીઓની ‘અલ-હલાજ’ જેવી ઐક્યાત્મક અનુભૂતિની યાદ અપાવે છે, જેમાં નિડરતાપૂર્વક તે ઘોષિત કરે છે – ‘અન-લ-હક- હું સત્ય છું.’

આમ આપણને શ્રીરામકૃષ્ણદેવની ઈસ્લામ સાધનાની અનુભૂતિઓમાં દિવ્યતાનાં ત્રણ અલગ અલગ પાસાંનું સંવાદીકરણ જોવા મળે છે : સગુણ સાકાર ઈશ્વર, સગુણ નિરાકાર ઈશ્વર અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. સામાન્યત: સાધકો દ્વારા પરમસત્યની અનુભૂતિ માત્ર ક્રમશ: તબક્કાવાર જ કરી શકાય.

એક અગત્યની હકીકત અંગે વિશેષ નોંધ જરૂરી છે. તેમનાં અન્ય દર્શનોથી ઊલટું, લાંબી દાઢીવાળા સુગંભીર જ્યોતિર્મય પુરુષ સાધનાની ફળશ્રુતિરૂપે થયેલ દર્શનના અંતે શ્રીરામકૃષ્ણદેવના દેહમાં સમાવિષ્ટ થયા ન હતા.

શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પૂજા દરમિયાન અન્ય ઈશ્વરાવતારો સાથે મહંમદ પયગંબરને ઈશ્વરાવતાર તરીકે વિશેષ ઉપચાર-અર્પણ કરાય છે અને આ પરંપરાનું મૂળ શ્રીરામકૃષ્ણદેવના મહંમદ પયગંબરને ઈશ્વરાવતારરૂપે સ્વીકારવાના કોઈક પ્રમાણભૂત વિધાનમાં હશે.

સ્વામી સારદાનંદના પુરાવાના આધારે શ્રીરામકૃષ્ણદેવના અન્ય ગુરુઓની જેમ ગોવિંદરાયના ધાર્મિક જીવનમાં નવો પ્રાણ રેડાયો હતો. કદાચ તેમની સાધના દરમિયાનનાં ગુપ્ત સત્યો શ્રીરામકૃષ્ણદેવના દિવ્યજીવન અને અધ્યાત્મબળ દ્વારા અનુભૂત કરવામાં તેઓ ભાગ્યશાળી બન્યા હતા. ગોવિંદરાય અંગે વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. વળી તે પણ જાણવા મળતું નથી કે તેમણે દક્ષિણેશ્વર ક્યારે છોડ્યું અથવા તેમણે જીવનનો પાછળનો સમય કેવી રીતે વ્યતીત કર્યો.

શ્રીરામકૃષ્ણદેવ અને તેમની ઈસ્લામ-સાધના સાથે સંકળાયેલ વધુ પ્રસંગોને અત્રે આપણે પુન: યાદ કરીએ.

જ્યારે નાના બાળક હતા ત્યારે ગદાધર (શ્રીરામકૃષ્ણનું બાળપણનું નામ) એક વખત તેમનાં માતા ચંદ્રામણિદેવી સાથે સરાટી માયાપુર નામના સ્થળે આવેલા તેમના મોસાળે ગયા હતા. તેમણે રસ્તામાં જતાં સરાટી માયાપુરની નજીક આવેલી પીરની પ્રખ્યાત દરગાહની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ શાંતિપૂર્વક થોડો સમય ગહનભાવ સમાધિમાં બેઠા રહ્યા હતા. (શ્રીરામકૃષ્ણ પૂંથી પૃ.12)

ફરી એકવાર ગદાધર નવ વર્ષના હતા ત્યારે ઈદના તહેવારે કામારપુકુરની નજીકના ગામમાં નમાજ જોવા એકલા ગયા હતા. માર્ગમાં નમાજના સ્થળની નજીક તેઓ પીપળાના વૃક્ષ નજીક ઊભા હતા ત્યારે તેમને દિવ્યદર્શન થયું હતું. તેમણે બાહ્યભાન ગુમાવ્યું અને અઢી કલાક સુધી તે સ્થિતિમાં રહ્યા હતા. (સત્યચરણ મિત્રા: શ્રીરામકૃષ્ણ પરમહંસ, બંગાળી-1897 પૃ.17.18)

ઘણી વખત શ્રીરામકૃષ્ણદેવની મુલાકાત લેનાર મન્મથનાથ ઘોષે એક સાંજે જ્યારે તે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર કોઈ અસામાન્ય ઘટના જોઈ. સંધ્યાકાળ થઈ રહ્યો હતો. ગેરાતલા મસ્જિદની બાજુમાં ઊભો રહીને એક મુસ્લિમ ફકીર ભાવભર્યા અવાજે બોલાવી રહ્યો હતો, ‘આવો, મારા વહાલા, આવો.’ તેના ગાલ પરથી આંસુની ધારા વહી રહી હતી. તેની દિવ્ય આતુરતાથી અભિભૂત થઈને મન્મથ તે ફકીર તરફ જોતા ઊભા રહ્યા. એવામાં જ શ્રીરામકૃષ્ણદેવ અચાનક ઉપસ્થિત થયા. શ્રીરામકૃષ્ણદેવ તેમના ભત્રીજા રામલાલ સાથે ઘોડાગાડીમાં કાલીઘાટ મંદિરથી દક્ષિણેશ્વર પાછા આવતા હતા. ઘોડાગાડીમાંથી ઊતરીને શ્રીરામકૃષ્ણદેવ ફકીર તરફ દોડતા ગયા. તે બંને પ્રેમપૂર્વક થોડા સમય સુધી એકબીજાને આલિંગન કરતા રહ્યા. (કુમુદબંધુ સેન, પ્રબુદ્ધ ભારત-1955) (ક્રમશ:)

(અનુ. હર્ષદભાઈ પટેલ)

Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.