મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ.

તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક ઉત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવને આમંત્રીને, અન્ય ભક્તોને પણ નિમંત્ર્યા હતા. તે દિવસે મને પરમહંસ દેવ તથા તેમના તે સમયના કેટલાક ભક્તોનાં સૌ પ્રથમ વખત દર્શન થયાં. સંભવત: તે જ સમયે મેં સ્વામીજીને પણ ભક્ત મંડળીમાં જોયા હતા.

જેમ જેમ મારી દક્ષિણેશ્વર અવરજવર વધવા લાગી, તેમ તેમ પરમહંસ દેવ તથા તેમના ભક્તો સાથે મારો પરિચય પણ ઘનિષ્ઠ થવા લાગ્યો. ધીરે ધીરે સ્વામીજી સાથેની મિત્રતા ગાઢ થવા લાગી. ક્રમશ: મારા મનમાં પરમહંસ દેવના ભક્તોના સંગમાં નિવાસ કરવાની ઇચ્છા પ્રબળ બનવા લાગી. ઠાકુર આ વાત સમજી ગયા અને રામચન્દ્ર દત્તના ઘરમાં મારા રહેવાની વ્યવસ્થા કરી દીધી. હું પણ તે દિવસથી રામબાબુના ઘરમાં નિવાસ કરવા લાગ્યો.

હવે મને વચ્ચે વચ્ચે સ્વામીજી સાથે હળવામળવા અને વાર્તાલાપ વગેરે કરવાનો મોકો મળવા લાગ્યો. જેમ જેમ તેમની સાથે પરિચય વધ્યો તેમ તેમ મેં જોયું કે તેઓ અતિ મહાન છે. ખાસ કરીને દક્ષિણેશ્વરમાં ઠાકુરના સાંનિધ્યમાં સ્વામીજીને જોઈને ધીરે ધીરે મનમાં એ વાતની ધારણા થવા લાગી કે ઠાકુરનો તેમના પ્રત્યેનો સ્નેહ કેટલો ઉચ્ચ અને ગંભીર છે! જો કે ઠાકુરની કૃપાથી હું પણ ત્યાગી હતો અને તેમની જ કૃપાથી સ્વામીજી એ પણ સંસાર ત્યાગ કર્યો હતો; પરંતુ તેમનું તેજ, ઓજસ, શૌર્ય વગેરે એટલાં પ્રબળ હતા કે સ્વામીજી પૂર્ણ વિકસિત ચંદ્ર સમાન જણાતા અને હું તેમની સમક્ષ એક સામાન્ય નક્ષત્ર જેવો દેખાતો હતો. ઠાકુર જ્યારે અસ્વસ્થ બનીને કાશીપુરના ઉદ્યાનમાં નિવાસ કરતા હતા ત્યારે સ્વામીજીએ અમને ગુરુભાઈઓને એકત્રિત કરીને ઠાકુરની સેવામાં લગાડ્યા. અમે લોકો પણ તેમના નેતૃત્વમાં હૃદયપૂર્વક ઠાકુરની શુશ્રૂષામાં લાગી ગયા અને એની સાથોસાથ અમારાં શાસ્ત્રચર્ચા તથા સાધના પણ તીવ્ર ગતિએ ચાલવા લાગ્યાં. પારકાના દુ:ખને હૃદયંગમ કરવું એ સ્વામીજીનો સ્વાભાવિક ગુણ હતો. તેમની બાલ્યાવસ્થાથી જ આનો પરિચય સાંપડે છે.

કાશીપુરના ઉદ્યાનભવનમાં જ્યારે અમે લોકો ઠાકુરની સેવામાં વ્યસ્ત હતા ત્યારે એક આવો પ્રસંગ બન્યો હતો. એક દિવસ અમારા એક ગુરુભાઈ સ્વામી યોગાનંદે સ્વામીજીને કહ્યું, ‘ભાઈ નરેન, અમારા ગામની એક સ્ત્રી વિધવા થઈ છે, તેને બે બાળકો છે, તેના સંરક્ષક કોઈ નથી. તે અત્યંત સંકટમાં છે. જો તેને હાલ 30 રૂપિયા નહીં મળે તો તે મુશ્કેલીમાં મુકાશે.’ આ સાંભળી સ્વામીજી અત્યંત અધીરા બની ગયા. એ દિવસોમાં અમારામાંના મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ હતા. કોઈની પાસે ખાસ પૈસા રહેતા નહીં. મારા બચતખાતામાં થોડા રૂપિયા જમા હતા. સ્વામીજીએ મને કહ્યું, ‘તારકદાદા! તમે સંન્યાસી છો! તમે રૂપિયાનું શું કરશો? આ ગરીબ સ્ત્રીને 30 રૂપિયાની જરૂર છે. તમે અત્યારે તેટલા પૈસા બેન્કમાંથી ઉપાડી લાવો. તમે આમ નહીં કરો તો, અમે ગમે તેમ કરીને આ સ્ત્રીને અવશ્ય મદદ કરીશું.’ મેં જરૂરી રૂપિયા ઉપાડી લાવીને આપ્યા એટલે સ્વામીજીએ તત્કાલ યોગિનના હાથે દક્ષિણેશ્વર તે સ્ત્રીને મોકલી આપ્યા.

આ ઘટના સ્વામીજીની યુવાવસ્થાના દયાર્દ્ર હૃદયની પરિચાયક છે. પરવર્તીકાળમાં આ દયાનો કેટલો વિસ્તાર થયો હતો અને થશે – આ વાત અત્યારે સમગ્ર ભારતવર્ષ જાણી રહ્યું છે અને જાણશે – ભારત જ કેમ, સમગ્ર વિશ્વ જાણશે.

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.