જો એમ પૂછો કે ઈશ્વરના કયા રૂપનું ધ્યાન કરવું ? તો તેનો ઉત્તર એ કે જે રૂપ ગમે તેનું ધ્યાન કરવું. પરંતુ જાણવું કે બધાં એક.
કોઈના પ્રત્યે દ્વેષ રાખવો નહિ. શિવ, કાલી, હરિ, બધાં એકનાં જ ભિન્ન ભિન્ન રૂપ. જે માણસ બધાંમાં સમાન દૃષ્ટિ રાખી શકે એ જ ધન્ય.
‘બહિ:શૈવ, હૃદે કાલી, મુખે હરિબોલ.’
કામ, ક્રોધ વગરેનો અંશ જરાતરા ન રહે તો શરીર ટકે નહિ. એટલે તમે એ બધાંને માત્ર ઓછાં કરવાનો પ્રયાસ કરજો.
નિત્ય પણ માને, ને લીલા પણ માને. એક બાજુ બ્રહ્મ માને, છતાં વળી દેવ-લીલા, માનવલીલા સુધ્ધાં માને.
સંન્યાસીને માટે બહુ જ કડક નિયમ. સ્ત્રીઓનાં ચિત્રો સુધ્ધાં જોવાં નહિ. પણ એ સંસારી લોકોને માટે નથી.
બાઈ-માણસ ભલે ખૂબ ભક્ત હોય, તોય પણ તેની સાથે બહુ હળવું-મળવું યોગ્ય નથી, જિતેન્દ્રિય હોય તોય. લોકોને આદર્શ થવા માટે ત્યાગીએ આ બધું પાળવું જોઈએ.
સાધુનો સોળ આના ત્યાગ જુએ, ત્યારે તો બીજા લોકો ત્યાગ કરતાં શીખે ? નહિતર તો તેઓ પણ પડે. સંન્યાસી જગદ્ગુરુ.
ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું ખોટું. માએ એમની મહામાયાથી સૌને મોહિત કરી રાખ્યા છે. માણસોમાં જુઓ, તો બદ્ધ જીવો જ વધારે. આટલું દુ:ખ, કષ્ટ પામે, તોય એ જ કામિની-કાંચનમાં આસક્તિ. કાંટાનાં ઝાંખરાં ખાતાં ઊંટને મોઢેથી દડદડ કરતું લોહી પડે, તોય પાછું એ ઝાંખરાં ખાય. પ્રસૂતિ વખતે સ્ત્રીઓ કહેશે, બસ, હવે ધણીની પાસે જવું જ નહિ, પણ પાછી ભૂલી જાય.
જુઓ, ઈશ્વરને કોઈ શોધતું નથી ! અનાનસનું ફળ છોડીને લોકો તેમનાં પાદડાં ખાય !
સંસાર કર્મક્ષેત્ર છે. કર્મો કરતાં કરતાં જ્ઞાન થાય. ગુરુએ કહ્યું છે કે આ કર્મ કરો અને આ કર્મ ન કરો. તેમ વળી તેઓ નિષ્કામ કર્મોનો ઉપદેશ આપે. કર્મો કરતાં કરતાં મનની મલિનતા કપાઈ જાય. જેમ સારા ડોકટરના હાથમાં પડીએ તો દવા લેતાં રોગ મટી જાય તેમ.
શા માટે તેઓ (ભગવાન) સંસારમાંથી છોડતા નથી ? રોગ મટે ત્યારે છોડે ને ? કામિની-કાંચનનો ભોગ કરવાની ઇચ્છા જ્યારે ચાલી જાય ત્યારે છોડે. ઈસ્પિતાલમાં એક વાર નામ દાખલ કરાવ્યું પછી ભાગીને ન અવાય. રોગની કસર હોય ત્યાં સુધી ડોક્ટર સાહેબ છોડે નહિ.
અમુક ખાસખાસ અવસ્થાઓમાં, શાસ્ત્રોમાં છે કે બલિદાન દઈ શકાય. ‘શાસ્ત્રવિધિ પ્રમાણેના બલિદાનમાં’ દોષ નહિ. જેમ અષ્ટમીમાં શ્રીમાને બકરાનો બલિ ચડાવે છે. પરંતુ સર્વ અવસ્થામાં એ બને નહિ. મારી અત્યારે એવી અવસ્થા છે કે સામે ઊભો રહીને બલિદાન જોઈ શકું નહિ. માની પ્રસાદીનું માંસ હું આ અવસ્થામાં ખાઈ શકતો નથી. એટલે પ્રસાદીનું એક ટીપું આંગળીએ ચડાવીને માથામાં તિલક કરું જેથી મા ગુસ્સે ન થાય.
તેમ વળી એવી અવસ્થા થાય કે ત્યારે મને દેખાય કે સર્વભૂતમાં ઈશ્વર રહ્યો છે, કીડી સુધ્ધાંમાં. એ અવસ્થામાં અચાનક કોઈ પ્રાણી મરી જાય તો એમ જાણીને શાતા મળે કે એનો તો દેહ માત્ર નાશ પામ્યો, આત્માને જન્મ-મૃત્યુ નહિ.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, 1.168-71)
Your Content Goes Here