પહેલી વાર વાંચીએ ત્યારે આ વાક્ય થોડું અતિશયોક્તિભરેલું હોય એવું લાગે. બીજી વાર વાંચીએ તો એમ થાય કે ખાવા-પીવાથી થોડું કંઈ થાય ? ફરી એક  વાર વાંચીએ તો એમ થાય કે ગામ આખું ખાઈ-પીને જલસા કરે છે, તો આપણે શું આખી જીંદગી પરેજીમાં જ કાઢવાની ? અને છેલ્લે તો એમ જ થાય કે ખાધા વિના તો કેમ ચાલે? (કેમ જાણે ખાલી ખાવા માટે જ ન અવતર્યા હોય!)

ખરેખર તો ભૂખ લાગવી એ ખૂબ જ સહજ પ્રક્રિયા છે, જેવી કે ઊંઘ આવવી, આનંદ થવો અને મળમૂત્રાદિ વેગોની પ્રવૃત્તિ થવી. પરંતુ આપતકાલીન સમયમાં માણસોની, ફક્ત માણસોની જ (પશુ-પક્ષી પ્રાણીઓની નહિ) ભૂખ, તરસ, ઊંઘ અને મળમૂત્રાદિ વગેરેની પ્રવૃત્તિ તેમજ સહજ આનંદની સ્થિતિ ખૂબ જ વિક્ષેપિત થયેલી જણાય છે. આ વિષય ઉપર વિસ્તૃત રીતે આપ સૌની સાથે વાત કરવાની ઇચ્છા થઈ. સમગ્ર જીવસૃષ્ટિમાં ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ અવિરત રીતે ચાલતી હોય છે.

(1) ઉત્પત્તિ (2) સ્થિતિ (3) લય. ઉત્પત્તિથી લય અને લયથી ઉત્પત્તિ સુધીનો ક્રમ સતત ચાલુ જ હોય અને અવિરત ચાલે તે માટે 24 તત્ત્વના બનેલા પુરુષમાં (મન, દશ ઇન્દ્રિય, અર્થ-શબ્દ, સ્પર્શ, રૂપ, રંગ, ગંધ- અને અષ્ટધા પ્રકૃતિ) અનેક પ્રકારની વૃત્તિઓનું ચક્ર સતત ચાલ્યા કરે છે, જેમ કે ભૂખ, તરસ, ઊંઘ, જોવું, સાંભળવું, બોલવું, સ્પર્શવું વગેરે. વૃત્તિઓ એટલે શું ? વૃદ્ધિના અર્થમાં વપરાતો ‘વૃ’ ધાતુમાંથી બનેલો શબ્દ એટલે વૃત્તિ. પુરુષમાં સર્જન-ઉત્પત્તિની પ્રક્રિયા સતત થયે રાખે એ માટે જવાબદાર છે વૃત્તિ. વિચાર આવે કે વૃત્તિ તો સર્જન માટે જવાબદાર છે, તો તેમાં ‘વૃ+ઇતિ’ એવું કેમ ? ઇતિ તો સમાપ્તિ માટે વપરાતો શબ્દ છે. ગુરુજનો પાસેથી જવાબ મળ્યો કે જે સર્જન માટે જવાબદાર છે તે જ વિર્સજનનું સામર્થ્ય ધરાવે છે. એટલે જ તો આ નિરુક્તિ બની- ‘એ દિશે ક્રમ કુદરતનો જે પોષતું તે મારતું.’

વૃત્તિઓ ઇતિયો દ્વારા વિષયોના ગ્રહણથી સંતોષાય છે અને આ ઇતિયો(શરીરવૃત્તિ) જે કંઈ પણ બાહ્ય વાતાવરણમાંથી પુષ્ટિ અર્થે ગ્રહણ કરે છે તે બધું જ આહાર કહેવાય. આથી ‘આહાર’ની જે પરિભાષા આપણા મન:સ્તર પર ‘FOOD’ છે, તે જ માત્ર નથી. તેના સિવાય બીજું ઘણું બધું છે. આહાર એ પ્રાણીઓના ઉત્પત્તિથી માંડી લય સુધીના ચક્રનો મૂળભૂત બંધારણીય એકમ છે. આથી સ્વસ્થ રહેવા માટે આહાર વિશે વિચાર કરવો અનિવાર્ય છે તેમજ તેના માટે બનાવવામાં આવેલા તમામ નિયમોનું વિધિવત્ પાલન કરવું જરૂરી છે.

જગતમાં એક પણ એવું ઔષધ નથી કે જે શરીરનું જીવનયાપન ચલાવવા માટે સતત ખર્ચાતી રહેલી રસ-રક્તાદિ ધાતુઓનું નવનિર્માણ કરી શકે. માત્ર અને માત્ર આહાર જ એક માત્ર નવી ધાતુઓ બનાવવા માટે સક્ષમ છે એટલે કે જેવો આહાર ગ્રહણ કરવામાં આવે એવા પ્રકારની જ નવી ધાતુઓ બને. એનો સીધો અર્થ તો એવો થયો કે શરીરમાં જે ધાતુઓની ઊણપ જણાય, એ ધાતુઓના સમાન ગુણધર્મી આહારનું સતત સેવન કરવું. પાચન ઉત્તમોત્તમ રીતે કરી શકે એટલે કે જો કોઈ વ્યક્તિને થાક, આળસ, મુંઝારો, આવું થતું જોવા મળે તો તેમાં શરીરની ધાતુઓ પોષણની ઊણપ અનુભવી રહી છે એમ માની તેને બલ્ય ગુણધર્મોવાળો શેરડીનો તાજો રસ આપી દઈએ તો તેની ધાતુઓ પોષણ પામી ફરી પહેલાંની જેમ કાર્યરત થઈ જાય. શું ખરેખર આવું હોય ? આટલું સહેલું ? આ તો સરવાળા-બાદબાકી જેવી વાત થઈ. શરીરમાં આ ઘટે છે એટલે આ પ્રકારનો ખોરાક આપો એટલે આવા પ્રકારની તકલીફો દૂર થઈ જશે. પરંતુ વાસ્તવિક્તામાં આવુંજોવા મળે છે ? તો જવાબ છે ‘ના’. જવાબ સાથે પ્રશ્ન પણ ઊભો છે- કેમ ?

વાતાવરણમાંથી ઇતિયો દ્વારા ગ્રહણ કરાયેલા કોઈ પણ અર્થ, વિષય કે પદાર્થને સ્વીકારી પોતાનો ભાગ બનાવી શકે તે માટે આપણું શરીર સુવ્યવસ્થિત તંત્રથી નિયંત્રિત થયેલું છે અને એ તંત્રનો નિયન્તા છે અગ્નિ. અગ્નિના માધ્યમથી શરીરે ગ્રહણ કરેલો (આહારના માધ્યમથી) કોઈ પણ પદાર્થ ધાતુ સ્વરૂપને પામે છે. આ આયુવિજ્ઞાનનો મૌલિક તેમજ મૂળભૂત સિદ્ધાંત છે. એટલે કે કોઈ પણ ખોરાક (આહાર)ગમે તેટલાં પૌષ્ટિક તત્ત્વોથી યુક્ત કેમ ન હોય, પણ જે વ્યક્તિનો અગ્નિ પ્રાકૃત ન હોય અને તેને આહાર આપવામાં આવે તો તે આહાર શરીરની ધાતુઓને પોષણ આપવા માટે સક્ષમ થતો નથી. આ કારણોસર જ ઉદાહરણમાં દર્શાવેલો થાકેલો માણસ નિરપેક્ષ અગ્નિમાં આપવામાં આવેલો, પોષક તત્ત્વોથી યુક્ત શેરડીનો રસ પીને સંતુષ્ટ થઈ, હૃષ્ટપુષ્ટ થઈ શકતો નથી. ઊલટાનો ભારેપણાને તેમજ વધુ આળસને પામે છે. એટલે જ્યારે અગ્નિ પ્રાકૃત સ્થિતિમાં હોય ત્યારે ખાય તેને જ ખાતાં આવડ્યું, જમતાં આવડ્યું, એમ કહેવાય અને જેને પોતાના અગ્નિને જાણતાં આવડ્યું તેને બધું અનુભવતાં આવડ્યું એમ કહેવાય.

તો હવે આવી મુદ્દાની વાત- અગ્નિને જાણવો કેમ? અગ્નિનેજાણીએ તો ખબર પડે કે ખાવું કે નહિ. તો એ બહુ સહેલી વાત છે. આયુર્વેદમાં એના માટે લક્ષણોનો વિધિવત્ સમુચ્ચય આપેલો છે કે જેના આધારે દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાના અગ્નિનું આકલન કરી તેના આધારે પોતે કેવા પ્રકારનો અને કેટલો આહાર લેવો એ નક્કી કરી શકે છે.

અગ્નિ આહારને ધાતુપોષણાર્થે વાપરી શકે તેવી શરીરની સ્થિતિ-

મળ-મૂત્રાદિ વગેરેની પ્રવૃત્તિ યથાયોગ્ય સમયે સુવ્યવસ્થિત રીતે થવી.

હૃદયશુદ્ધિ હોવી એટલે કે છાતીમાં કોઈ પ્રકારનો ભાર ન લાગવો.

દોષો સ્વસ્થાનમાં હોવા, આત્મા-શરીર-ઇન્દ્રિય પ્રસન્નતાથી યુક્ત હોવાં.

ઓડકારો ચોખ્ખા હોવા.

ભૂખ લાગેલી હોવી.

ઉત્સાહથી યુક્ત જણાવું.

શરીર વિશદતાથી યુક્ત તેમજ હળવું લાગવું જોઈએ.

રાત્રિ સિવાયનો સમય હોવો.

આ આઠેય સ્થિતિની સાથે લાગેલી ભૂખ એ સાચી ભૂખ કહેવાય. એના સિવાયની બધી જ ભૂખ અગ્નિની નિરપેક્ષ સ્થિતિની કહેવાય, વિકૃત કહેવાય, ધાતુઓને પોષવા સમર્થ ન રહે, પોષકાંશોને યથાયોગ્ય સ્થાને ન પહોંચાડી શકે. એટલે આ લક્ષણોના આધારે પોતાના અગ્નિની સાપેક્ષ સ્થિતિની ભૂખને ઓળખીને તે પ્રમાણે જ આહાર ગ્રહણ કરવો જોઈએ.

એટલે જ તો કહેવાયું કે ‘ખાતાં (જમતાં) આવડે તેેને બધું જ આવડે’

પ્રાયોગિક સ્થિતિ

સર્વકાલીન સિદ્ધાંત છે કે સ્વસ્થ રહેવા માટે ભૂખથી 25% ઓછું જમવું જોઈએ. પણ તેનું કંઈક વ્યવસ્થાપન તો હોવું જોઈએ ને કે જેથી દરેક સામાન્ય માણસ તેને પોતાની રીતે પોતાના જીવનમાં વણીને લાંબા સમય સુધી આરોગ્યને ભોગવી શકે. તો આયુર્વેદશાસ્ત્રે તેના માટે જે વ્યવસ્થા કરેલ છે એ આપ સૌની સમક્ષ મૂકું છું. આશા છે કે વાચક એને અનુસરીને લાંબા સમય સુધી નિરોગી રહેશે. આપણા આહારમાં મુખ્યત્વે 3 પ્રકારનાં દ્રવ્યો લેવાય છે.

પ્રવાહી :- દાળ, સૂપ, ઓસામણ, ફળોના રસ.

અર્ધઘન :- ભાત, શાક, ખીચડી, પૌંવા, ઉપમા.

ઘન :- રોટલી, રોટલા, ભાખરી, થેપલાં, ઢેબરાં, ઢોકળાં, ફરસાણ વગેરે.

ભૂખ લાગવાનાં તમામ લક્ષણો યથાયોગ્ય મળતાં હોય તો ભોજનની માત્રા નીચે જણાવ્યા અનુસાર કરવી.

ભૂખથી 25% ઓછું જમવું

હવે બાકીના 75% માં

35% પ્રવાહી ખોરાક – દાળ, સુપ, ઓસામણ ફળોના રસ લેવા.

25% અર્ધઘન ખોરાક – ભાત, શાક, ખીચડી…

15% ઘન ખોરાક – રોટલી, રોટલા, ભાખરી…

જે લોકોમાં સાચી ભૂખનાં 7 લક્ષણોમાંથી 3 થી 5 મળતાં હોય તેમણે ઘન ખોરાકની છૂટ ન લેવાય. તેમણે પ્રવાહી તેમજ અર્ધઘન ખોરાકનું જ સેવન કરવું જોઈએ. તેમજ જે લોકોમાં સાચી ભૂખ લાગવાનાં 7 માંથી 1 કે 2 જ લક્ષણો મળતાં હોય તેમણે તો ફક્ત પ્રવાહી ખોરાકથી જ સંતોષ માનવો જોઈએ અને જરૂરિયાત અનુસાર વૈદ્યકીય સલાહ સેવી જોઈએ.

સ્વસ્થ માણસે કેવા પ્રકારે જમવું ?

ઉષ્ણ – ગરમ ખોરાક લેવો.

સ્નિગ્ધ – (ઘી, તેલ) થી યુક્ત ખોરાક લેવો.

માપસર (આગળ જણાવ્યાનુસાર) જમવું.

અગાઉ ખાધેલું પચી ગયા પછી જમવું.

વિરુદ્ધ આહાર સિવાયનું જ જમવું. (ઉદા. દૂધ અને મીઠું(નમક) જોેડે ન લેવાં)

મનોનુકૂળ જગ્યાએ (સ્થાન) માં જ જમવું.

તમામ ઉપકરણોથી યુક્ત જમવું.

અતિ ઊતાવળથી કે અતિ ધીરજથી ન જમવું.

વાતો કરતાં કે હસતાં હસતાં ન જમવું

તન્મય-એકાગ્ર ચિત્ત થઈને જ જમવું.

પોતાની જાતની (અગ્નિની) સ્થિતિ જોઈને જ જમવું.

આ રીતે જમવાથી નીચે જણાવેલ લક્ષણો થવાં જોઈએ.

પેટ ન તણાય – ભારે ન થાય.

છાતી ભારે ન થાય.

પડખાં ન ફાટે.

ઇન્દ્રિયતૃપ્તિ (સંતોષ) થાય.

ભૂખ-તરસ શાંત થાય.

ઊઠવા, બેસવા, ચાલવા, શ્વાસ લેવા-છોડવા, હસવા-બોલવામાં સાનુકૂળતા રહે.

સવાર-સાંજ સુખપૂર્વક પાચન-અનુલોમન થાય.

બલ-વર્ણમાં વધારો થાય.

જો ઉપરોક્ત લક્ષણો જોવા ન મળે તો આપણને હજું ખાતાં આવડતું નથી અને તે ખૂબ સારી રીતે શીખવાની જરૂર છે અને એ એક વસ્તુ આવડવાથી અનેક રોગોમાં ખૂબ જ સહેલાઈથી પરિણામો મેળવી શકાય છે તેમજ લાંબો સમય નિરોગી રહી શકાય છે.

સામાન્ય જનસમાજ સાંપ્રતકાલીન સમયમાં આ સિદ્ધાંતથી તદ્દન ઊલટું કરે છે. ક્યારેક એમ લાગે કે માણસ ને ખાવા કરતાં ચાવવાની ટેવ પડી ગઈ છે, એ પણ એકાગ્ર ચિત્તે નહિ, પરંતુ ટેલીવિઝન જોતાં જોતાં. સામાન્યત: ઘન ખોરાક ખાધા વિના પેટ ભારે થતું નથી અને પેટ ભારે થયા વિના માણસની ખાવાની ભૂખ સંતોષાતી નથી અને તેમાંય પેટ ભારે થયા પછી ઠંડું પાણી 2 પ્યાલા પીવે પછી સંતોષ થાય અને 2 કલાક આડા પડખે સૂવે ત્યારે એને શાંતિ થાય. પરંતુ આ ખરી શાંતિ નથી. આ તો વિશિષ્ટ પ્રકારનો ‘મદ’ જ છે, જે શરીરને આળસ, થાક, તંદ્રાથી ભરી દે છે અને સામાન્ય જણાતા રોગો પણ તેમને લાંબો સમય પીડે છે.

તેથી સામાન્ય જનસમાજની અણસમજણોને દૂર કરવા માટે સહજ પ્રયત્નના ભાગરૂપે આ લેખ અહીં પ્રસ્તુત કર્યો છે.

Total Views: 351

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.