સૂક્ષ્મ શરીર નવાં સ્થૂળ શરીરોમાં ફરી-ફરીને જન્મ ગ્રહણ કરે છે તથા નવા અનુભવ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક સ્થૂળ શરીરના મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ લોકોમાં ત્યાં સુધી રહી શકે છે, જ્યાં સુધી તેના પુનર્જન્મનો સમય નજીક નથી આવતો. આ બધી વાતો આધ્યાત્મિક જીવનના અજ્ઞાત નિયમો પ્રમાણે થાય છે.

જ્યાં સુધી જીવ પોતાના વાસ્તવિક, પરમ, અવ્યય, સ્વપ્રકાશ, ચૈતન્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરી  લેતો નથી, ત્યાં સુધી પ્રત્યેક જીવને આ જન્મમરણનાં ચક્રમાંથી પસાર થવું પડે છે. આત્મા જન્મતો નથી અને મરતો પણ નથી. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે તેમ તે ‘અજો નિત્ય: શાશ્ર્વતોઽયં પુરાણો….’ (ભગવદ્ ગીતા 2.20) વેદાંતના મત પ્રમાણે અજ્ઞાન કે મૂળ અવિદ્યા સ્વરૂપત: નિત્યમુક્ત આત્મામાં બંધનની ભ્રાંતિ ઊભી કરી દે છે. આત્મા અને અનાત્માનો આ પરસ્પર અધ્યાસ અનાદિકાળથી ચાલ્યો આવે છે. જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી આત્મા સસીમ, વ્યષ્ટિજીવ, અથવા અહંકાર બની રહેશે અને પુન: પુન: જન્મ ગ્રહણ કરશે. અજ્ઞાનના પ્રભાવથી મનુષ્ય પોતાના દિવ્ય સ્વરૂપને ભૂલી જાય છે. પરંતુ પ્રત્યેક માનવના જીવનમાં એક સમય આવે છે કે જ્યારે તે પ્રારંભથી અસ્પષ્ટરૂપે પોતાના આધ્યાત્મ સ્વરૂપ વિશે થોડો અનુભવ કરવા લાગે છે. મનુષ્યનો આત્મા જાણે કે ચિરનિદ્રામાંથી જાગી ઊઠે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા સંઘર્ષ કરવા માંડે છે. અંતે ઉચ્ચતર ચેતનાનો ઉદય થતાં વાસ્તવિક આધ્યાત્મિકતાના જાગરણથી પોતાના આધ્યાત્મિક સ્વરૂપનો સાક્ષાત્કાર અને પરમાત્મા સાથે પોતાની અભિન્નતાની અનુભૂતિ થતાં બધાં કર્મોમાંથી નિવૃત્તિ આવી જાય છે, જન્મ-મરણનું ચક્ર બંધ થઈ જાય છે. ત્યારે આપણે પણ સ્વામી વિવેકાનંદની જેમ ‘મારો ખેલ સમાપ્ત થયો છે’ એમ કહી શકીએ.

ભારતીય દર્શનમાં કર્મસિદ્ધાંત

પુનર્જન્મનો સિદ્ધાંત કર્મસિદ્ધાંતનો જ વિસ્તાર છે. કર્મ શબ્દનો અર્થ કેવળ શારીરિક અને માનસિક ક્રિયા જ નથી, પણ પ્રતિક્રિયા-બાહ્ય સંવેદનાઓની માનસિક પ્રતિક્રિયા પણ છે. કર્મ દ્વારા ઉત્પન્ન શુભ-અશુભ શક્તિઓનાં શુભાશુભ પરિણામો આવે છે અને તે કર્તાને અર્થાત્ અહંકારપૂર્વક ફળની આકાંક્ષા સહિત કર્મ કરનારને પ્રભાવિત કરે છે. એટલે કર્મનો સિદ્ધાંત વસ્તુત: કાર્યકારણવાદ છે. એ તે મહાન નૈતિક  વિધાન છે કે જે પોતાના વ્યક્તિગત તેમજ સામૂહિક પક્ષોમાં વ્યક્તિઓ અને સમાજોની નિયતિને નિર્ધારિત કરે છે.

પ્રત્યેક કર્મનાં બે પ્રકારનાં પરિણામ હોય છે. પ્રથમ વિશ્વજનીન પરિણામ છે, એ આપણાં ભાવી સુખ અથવા દુ:ખના અનુભવોને નિર્ધારિત કરે છે. કર્મનું બીજું પરિણામ વૈયક્તિક હોય છે. પ્રત્યેક કર્મ મન પર એક પ્રભાવ છોડી જાય છે જેને સંસ્કાર કહીએ છીએ. આવા હજારો સંસ્કાર આપણા મનમાં સંચિત રહે છે, જે પછીથી વાસનાઓ કે પ્રવૃત્તિઓના રૂપે ફરીથી જાગ્રત થાય છે અને આ સૂક્ષ્મ સંસ્કાર આપણા ભાવિ જન્મની દિશા નિશ્ર્ચિત કરે છે. આ આપણે વિચારીએ છીએ એટલું રહસ્યમય નથી. જો આપણે પોતાના મનનું વિશ્ર્લેષણ કરીએ તો આપણને જોવા મળશે કે આપણા અનેક વર્તમાન વિચારોનો પ્રારંભ આપણા બાલ્યકાળમાં થયો હતો. બાલ્યકાળમાં થયેલા અનેક વિચાર અને અનુભવ આપણા મન પર ઘેરો પ્રભાવ મૂકતા જાય છે. જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને જેમ જેમ આપણા મનની ફિલ્મનું ચિત્ર ઊભરવા લાગે છે તેમ તેમ આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે કેટલી બધી વધારે માત્રામાં આપણા મનમાં વિચાર અને ચિત્ર ભર્યાં પડ્યાં છે. આ જાણે કે એક ટેપરેકર્ડને ફરીથી ઉખેળવા(રિવાઇન્ડ) જેવું છે. પ્રાય: આપણે પોતાની કેટલીક પ્રવૃત્તિઓનાં મૂળ કારણોને ભૂલી જઈએ છીએ. પરંતુ આત્મનિરીક્ષણ દ્વારા આપણે એમને પોતાના બાલ્યકાળમાં અને આપણા પૂર્વજન્મ સુધી શોધી શકીએ છીએ. આપણાં કેટલાંક સ્વપ્નનું વિશ્ર્લેષણ કરવાથી આપણા ભૂતકાળની ઘણી જાણકારી મળી શકે છે. કેટલીક વાર તેઓ પૂર્વજન્મના અનુભવોનો સંકેત પણ કરી દે છે.

કર્મસિદ્ધાંતના બે પક્ષ છે; એક બાંધનારો અને બીજો મુક્ત કરનારો. અહંકારપૂર્વક અને આસક્તિયુક્ત કર્મ જીવને વધારે ને વધારે બંધનમાં નાખે છે. ઇન્દ્રિય -ભોગોની પુનરાવૃત્તિ પૂર્વ સંસ્કારોને દૃઢતર બનાવે છે અને વ્યક્તિને જન્મ-મૃત્યુના ચક્રમાં નાખી દે છે. પરંતુ જ્યારે અનાસક્ત બનીને ભગવત્-સેવાના રૂપે અથવા કેવળ બીજાના કલ્યાણના હેતુ સાથે કર્મ કરવામાં આવે છે ત્યારે તે જીવને મુક્તિ પ્રદાન કરે છે. અનાસક્તિનો અભ્યાસ સતત આત્મવિશ્ર્લેષણ અને સજગતા કે નિરંતર ભગવત્-શરણાગતિ દ્વારા કરી શકાય છે. આવું કરવાથી નવા સંસ્કાર પડતા નથી અને જૂના સંસ્કાર દૃઢ થતા નથી. ક્રમશ: મનના બધા પૂર્વસંસ્કારોનું આપણા પરનું પ્રભુત્વ સમાપ્ત થઈ જાય છે. તેને ચિત્તશુદ્ધિ કહે છે. એ કર્મ દ્વારા થાય છે. એટલે કર્મ પોતાની રીતે ખરાબ નથી. તે આપણા માટે બંધનકારણ થશે કે નહીં એ આપણે જે રીતે એને કરીએ છીએ તેના પર આધારિત છે.

ભારતની બધી ધર્મપ્રણાલીઓ પછી ભલે તે ઈશ્વરવાદી કે નિરીશ્ર્વરવાદી હોય પણ એ કર્મ સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. પરંતુ મુખ્ય પ્રશ્ન આ છે: શું પરમાત્મા કે ઈશ્વરને આ કર્મ-વિધાનના ક્રિયાકલાપ સાથે કોઈ સંબંધ છે, આ સિદ્ધાંતની પાછળ કોઈ ઈશ્વરીય ઇચ્છા કાર્યરત છે? વૃત્તાકાર સમસ્વરતા (Spherical-Harmonics)ના સિદ્ધાંતની આધારશિલા રાખનાર ફ્રાંસીસી ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લેસ વિશે એક વાત પ્રચલિત છે. જ્યારે તેણે પોતાનું પ્રસિદ્ધ પુસ્તક ‘દ સેલેસ્ટિયલ મેકેનિઝમ’ નેપોલિયનને ભેટરૂપે આપ્યું ત્યારે સમ્રાટે તેને તેની યોજનામાં ભગવાનના સ્થાન વિશે પ્રશ્ન પૂછ્યો. ખગોળશાસ્ત્રીએ શાંતિપૂર્વક જવાબ આપ્યો, ‘જહાઁપનાહ! મેં એ માન્યતા વિના પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો છે.’ આ સ્થળે મોટા ભાગના વૈજ્ઞાનિકો માટે ઈશ્વર માન્યતા માત્ર છે અને જેને ત્યજી શકાય છે. વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર જેવાં અનેક ક્ષેત્રોમાં આજ કાલ છીછરા વિચારકોના એક વર્ગવિશેષ માટે અજ્ઞેયવાદ કે નિરીશ્ર્વરવાદનું, ઈશ્વરના અસ્તિત્વની ઉપેક્ષા અને અસ્વીકાર કરવાનું એક પ્રચલન બની ગયું છે. આ સિદ્ધાંતને થોડા ઘમંડ સાથે આધુનિક કહેવાય છે અને ભારતમાં મોટાભાગના નવયુવાનો એને વધારે ને વધારે ગ્રહણ કરી રહ્યા છે.

હવે, જ્યારે આપણે એવા લોકોના મનનું વિશ્ર્લેષણ કરીએ છીએ ત્યારે જાણવા મળે છે કે એ લોકો પરિપક્વ થયા નથી અથવા એમનામાં ઊંડાણ નથી. એમનામાં આંતરિકતાની તેમજ પોતાના મનની ગહનતામાં પ્રવેશવાનો કે કોઈપણ વિષયમાં ઊંડાણપૂર્વક વિચારવાની ક્ષમતાનો અભાવ છે. વસ્તુત: ગહનચિંતન કરવું સરળ નથી.  (ક્રમશ:)

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.