કેટલાક મુખ્ય તહેવારો આ મુજબના છે : નૂતનવર્ષ, મકરસંક્રાંતિ (14મી જાન્યુઆરી)- સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે, વસંતપંચમી- જ્ઞાનની દેવી સરસ્વતીના નિમિત્તે, મહાશિવરાત્રી- શિવપૂજનની રાત્રી, હોળી-રંગનો ઉત્સવ(વિષ્ણુ), રામનવમી- ભગવાન રામનો જન્મદિવસ, રક્ષાબંધન- ભાઈ દ્વારા બહેનોનું રક્ષણ, હનુમાન જયંતી- હનુમાનનો જન્મદિવસ, ગુરુપૂર્ણિમા- ગુરુ માટેનો પૂજ્યભાવ, જન્માષ્ટમી- ભગવાન કૃષ્ણનો જન્મદિવસ, ગણેશ ઉત્સવ- ગણેશ પૂજાના 10 દિવસ, નવરાત્રિ-વિજ્યાદશમી(દશેરા)માં પરિસમાપ્તિ પામતો નવ દિવસનો દેવી દુર્ગાના પૂજનનો ઉત્સવ, દીપાવલી-3,5,7 દિવસનો દીવડા દ્વારા પ્રકાશનો ઉત્સવ, ગુજરાતમાં સ્ત્રી-પુરુષોએ સાથે મળીને ગરબા ગાઈને અંબા-પૂજન નિમિત્તે નવરાત્રી ઉજવાય છે જ્યારે બંગાળમાં તે દુર્ગા-પૂજાનો ઉત્સવ છે. હોળી મુખ્યત્વે ઉત્તર ભારતમાં સ્ત્રી-પુરુષોએ સાથે મળીને આનદોલ્લાસ પૂર્વક ઉજવવાનો તહેવાર છે. પૂર્વ ભારતમાં પુરીમાં રથારૂઢ જગન્નાથને ખેંચીને ઉજવાતો રથયાત્રાનો ઉત્સવ છે. હિંદુ ઉત્સવો અને તહેવારોથી વર્ષ એટલું ભરચક છે કે તે બધા પ્રસંગોએ રજાઓ આપવામાં આવે તો તેનો અર્થ લગભગ અડધું વરસ જ કામ કરવાનું રહે એમ થાય !

સંપ્રદાયો

સંપ્રદાયો એ ગુરુ-શિષ્ય-પરંપરામાંથી પસાર થયેલી ધાર્મિક પ્રણાલી છે જે આમજનતાને તેઓના આધ્યાત્મિક અને ધાર્મિક જીવનને સુધારવા માટે સુનિશ્ર્ચિત ઉપદેશ કરે છે. ભારતમાં અનેક સંપ્રદાયો ફૂલ્યા-ફાલ્યા છે અને મોટા ભાગના તો વૈષ્ણવ સંપ્રદાયો છે: રામાનંદી, ગૌડીય, પુષ્ટિમાર્ગ (વલ્લભી) અને સ્વામિનારાયણ. શૈવ સંપ્રદાયો છે- નાથ અને દશનામી, જ્યારે વેદાંત સંપ્રદાયો/મઠો છે ગોવર્ધન, શૃંગેરી, દ્વારકા અને જ્યોતિર્મઠ જે પ્રત્યેક પદવીધારી શંકરાચાર્ય દ્વારા પ્રેરિત થાય છે. 19મી સદીમાં શરૂ થયેલ આર્યસમાજ એ પણ મુખ્ય સંપ્રદાય છે. દરેક સંપ્રદાય (અને તેના ઉપ-સંપ્રદાય)માં હજારો અનુયાયીઓ છે, કેટલાકમાં તો લાખો અનુયાયીઓ છે.

જો કે આ સંપ્રદાયો જ્ઞાતિબંધનમાં માનતા નથી પણ તેઓના અનુયાયીઓ માંહેના મોટાભાગના તો ત્રણ દ્વિજ વર્ણોના છે. પરિણામ સ્વરૂપે 13મા સૈકાથી શૂદ્ર જ્ઞાતિઓના સંતો દ્વારા સંપ્રદાયો શરૂ થયા છે અને તેઓ પાંગર્યા પણ છે : ઉદાહરણ રૂપે મોચી જ્ઞાતિમાંના ઘાસીદાસ (ઇ.સ. 1800) કે જેમણે પોતાના સમર્થનમાં વેદો ટાંક્યા છે. પાછળથી તેમણે જે સંત-નામ પંથ શરૂ કર્યો તેના લગભગ 20,000 અનુયાયીઓ હતા. અન્ય સંપ્રદાયો, જે સારી રીતે પંથો તરીકે ઓળખાયા એવા કબીરપંથ અને શીરડીનો સાંઈબાબાપંથ છે. આ સત્પુરુષો હિંદુ તેમજ મુસલમાન એમ બન્ને દ્વારા પૂજ્ય ગણાતા હતા અને હાલમાં પૂજ્ય ગણાય છે.

સંતો

હિંદુ સંત એ પવિત્ર પુરુષ, એક તપસ્વી છે કે જેણે સ્વયંને સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પી દીધા છે. જે ઈશ્વરેચ્છાને સમર્પિત થયા છે અને જે સંપૂર્ણ ભક્તિમય જીવન વ્યતીત કરે છે.

સંત શબ્દનો અર્થ થાય છે સત્યનો શોધક. 2000 વર્ષથી વધુ પ્રાચીન સમયથી ભારતવર્ષમાં સંત-પરંપરા ચાલુ છે. વ્યક્તિની જીવનશૈલી અને સત્કર્મોની પિછાણ મેળવીને લોકો તે સ્ત્રી કે પુરુષને ‘સંત’ તરીકે માનવાનું શરૂ કરે છે અને ત્યારબાદ તેમનાં ઉપદેશ-વચનોનું અનુપાલન કરવાનો પ્રારંભ કરે છે. સંતો બધાં રાજ્યોમાં થયા છે. તેવા સંતો નિમ્ન શૂદ્ર જ્ઞાતિ સહિત ચારેય વર્ણો(અને જ્ઞાતિઓ)માં પેદા થયા છે. ઈ.સ. 500 થી 1700ના સમયગાળાના માત્ર થોડાક જ સંતોનો નીચે મુજબ ઉલ્લેખ કરાયો છે તેમનાં ભજનો-ગીતો સમગ્ર ભારતમાં અને વળી  21મી સદીમાંય બોલાય છે કે ગવાય છે.

મહારાષ્ટ્રના જ્ઞાનેશ્ર્વર (બ્રાહ્મણ), એકનાથ (બ્રાહ્મણ), નામદેવ (દરજી), તુકારામ (વેપારી), રામદાસ (બ્રાહ્મણ), ચોખા મેલા(સફાઈદાર), સાંવતા માલી (માળી) અને ગોરા કુંભાર (કુંભાર) એ કેટલાક પુરુષ સંતકવિઓ થઈ ગયા. હિંદુ સંતો વિભિન્ન જ્ઞાતિઓમાંથી, વિભિન્ન પ્રાંતોમાં પેદા થયા હતા તે સૂચવવા કૌંસમાં તેમની જ્ઞાતિઓ બતાવવામાં આવી છે. મુક્તાબાઈ અને જનાબાઈ (મા કે બાઈ) મહારાષ્ટ્રનાં સ્ત્રીસંતો છે. બીજા કેટલાક પ્રસિદ્ધ સંત-કવિઓ છે: ગુજરાતના નરસિંહ મહેતા અને જલારામ બાપા; ઉત્તરપ્રદેશના તુલસીદાસ, કૃષ્ણ બલરામ સ્વામી અને નીમ કરોલી બાબા; પંજાબમાં કબીર, છત્તીસગઢમાં ઘાસીદાસ; બિહારમાં દરિયા સાહિબ; રાજસ્થાનમાં મીરાંબાઈ, દાદુ દયાલ; બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદ; તામિલનાડુમાં આલવારો (16 વૈષ્ણવ સંતો) અને નયનમારો (63 શૈવસંતો) અને સ્વામી શિવાનંદ; આંધ્રપ્રદેશમાં ત્યાગરાજ તીર્થ, જયતીર્થ, બસવન્ના અને અક્કમહાદેવી, કેરળમાં મા અમૃતપુરી, પૂર્વમાં આનંદમયી મા.

ગુરુ

હિંદુગુરુ સામાન્યત: બે પ્રકારના છે : એક પ્રકારના ગુરુઓ કાં તો તત્ત્વચિંતનાત્મક અથવા મહાકાવ્યો કે પુરાણોમાંથી નીતિવિષયક વિભાવના સહિત કથા વાર્તા મારફત ધાર્મિક વિષયો અંગે ઉપદેશ આપે છે અને બીજા પ્રકારના મોટા ભાગના ગૃહસ્થો એવા સામાન્ય સમાજમાંના શિષ્યોને દૈનિક આચરણ માટેની નિશ્ર્ચિત એવી વિશિષ્ટ પ્રકારની પદ્ધતિઓ પણ શીખવે છે. થિયોસોફીકલ સોસાયટી, આચાર્ય રજનીશ (પાછળથી ઓશો તરીકે પ્રસિદ્ધ), જે. કૃષ્ણમૂર્તિ તત્ત્વચિંતનાત્મક શ્રેણીના ગુરુઓ છે. મોરારી બાપુ, પાંડુરંગ શાસ્ત્રી આઠવલે અને અન્ય તેમના ઉપદેશના આધારરૂપે મહાકાવ્યો અને પુરાણો લે છે. સ્વામી ચિન્મયાનંદ, સ્વામી બોધાનંદ એ વેદો, ઉપનિષદો અને ભગવદ્ગીતા વિષયક કથા-ઉપદેશ કરનારા ગુરુઓ માંહેનાં ઉદાહરણો છે.

હિંદુ ધર્મમાંથી ઉદ્ભવેલ આત્મોદ્ધારણ અને માનસિક શાંતિની પ્રશિક્ષણ-પદ્ધતિઓનો પ્રસાર કરતા ગુરુઓ પૈકી છે : યોગાસનો માટે બીકેએસ આયંગર, અનુભવાતીત ધ્યાન માટે મહર્ષિ મહેશ યોગી, ક્રિયાયોગ માટે પરમહંસ યોગાનંદ, વેદાંત માટે સ્વામી પાર્થસારથિ, સિદ્ધિયોગ માટે ઋષિ પ્રભાકર, શ્વાસ સજ્જતા માટે બાલયોગીશ્ર્વર અથવા મહારાજી, આર્ટ ઓફ લિવિંગ માટે શ્રી શ્રી રવિશંકર, ઈશ યોગ માટે સદ્ગુરુ. આ બધા અને તે સિવાયના ઘણાય ભારત બહાર, જગતના બધા ખંડોમાં ગયા છે. આ ગુરુઓએ સૂચવેલ આ પદ્ધતિઓ હિંદુધર્મમાંથી એક અલગ ધર્મ તરીકે ચોક્કસપણે વિચ્છેદિત કરી છે. (જેવા પ્રકારે ‘ધર્મ’ શબ્દનો સામાન્યપણે વિશ્વમાં અર્થ કરાય છે તેવી રીતે નહીં કે ધર્મના સાચા અર્થમાં)આમાંથી પ્રત્યેક પદ્ધતિ પૂર્ણત: બિનસાંપ્રદાયિક છે તે એવા અર્થમાં કે કોઈપણ ધર્મની વ્યક્તિ પોતાના ધર્મને ચુસ્તપણે વળગી રહીને આ પદ્ધતિને અનુસરી શકે છે. આત્મા એ પરમાત્મા છે. એ વિભાવનાને સ્પષ્ટપણે અને સવિસ્તાર તત્ત્વચિંતનાત્મકતાના આધાર તરીકે વાપરવામાં આવે છે, જ્યારે જન્મ-મરણના ચક્રરૂપી સંસારનો ખ્યાલ તદ્દન બિનજરૂરી ગણવામાં આવે છે. પ્રત્યેક ચેતન પદાર્થ અવર્ણનીય બ્રહ્મનું પ્રગટીકરણ છે કેમ કે દરેક જીવમાં ચૈતન્ય વિલસે છે તે સિદ્ધાંત સાર્વત્રિકપણે સ્વીકૃત છે. આવા કોઈપણ ગુરુઓ દ્વારા હિમાયત કરાયેલ પદ્ધતિને અનુસરનાર ઇચ્છિત ફળ મેળવવામાં સફળ થાય છે. દરેક અનુસરનારે મેળવેલી આવી સફળતા પ્રયોગાત્મકપણે ચકાસી શકાય તેવી હોવાથી આ પદ્ધતિઓ વિશ્વવ્યાપક પ્રસાર પામી છે. આપણે અત્રે નોંધ લઈએ કે હિંદુધર્મનાં દેવ-દેવીઓની પૂજા-ઉપાસનામાંથી થયેલ વિચારપૂર્વકના વિચ્છેદે આ ગુરુઓની વિશ્વ-વ્યાપી-સ્વીકૃતિને અને તેઓને સ્વ-સહાયક પદ્ધતિઓને નોંધપાત્ર રીતે સહાય કરી છે. (ક્રમશ:)

Total Views: 773

2 Comments

  1. Nikhil Dinkarray Raval October 25, 2022 at 11:41 am - Reply

    Very informative

  2. નરોત્તમભાઈ સોલંકી October 24, 2022 at 10:30 pm - Reply

    સચોટ માર્ગદર્શન મલ્યું ઈતિહાસ અને આધુનિક હિન્દુ ધર્મ વિશે તે માટે હ્રદયપૂર્વક નમસ્કાર કરું છું

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.