દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ તથા અખંડિતતાનું પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે તૈયાર કર્યો, કેવી પરિસ્થિતિમાં માન્યતા મળી, કેટલા ફેરફાર થયા, અંતે કેવી રીતે તૈયાર થયો – તેનો લાંબો અને રસપ્રદ ઇતિહાસ છે. 22મી જુલાઈ, 1947 થી 26મી જાન્યુઆરી, 1950 સુધી તે ભારતના આધિપત્ય તરીકે અને પછી પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાયો. તેની ડિઝાઈન પિંગાલી વૈંકેયા નામના રાષ્ટ્રપ્રેમી ભારતીયે તૈયાર કરી હતી. 22મી જુલાઈ, 1947ની કોંગ્રેસની બંધારણીય સભામાં તેને મંજૂરી મળી હતી.

1904 – ભારતીય રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ ભારતની આઝાદી પહેલાંનો છે. ઈ.સ. 1904માં પ્રથમ ભારતીય ધ્વજનું નિર્માણ થયું હતું, જે સ્વામી વિવેકાનંદનાં આઈરીશ શિષ્યા સિસ્ટર નિવેદિતાએ કર્યું હતું. પછી આ ધ્વજનું નામ પણ ‘સિસ્ટર નિવેદિતા ધ્વજ’ તરીકે જાણીતું થયું. તેમાં લાલ-પીળા રંગ હતા. લાલ રંગ સ્વાતંંત્ર્ય સંઘર્ષ અને પીળો રંગ વિજયનું પ્રતીક સૂચવે છે. આ ચક્રમાં શસ્ત્રધારી ભગવાન અને ઇન્દ્ર હતા, મધ્યમાં સ્વચ્છતાનું પ્રતીક ‘સફેદ કમળ’ હતું.

1906 – સિસ્ટર નિવેદિતાએ 1906માં ફરીથી બીજો ધ્વજ બનાવ્યો. તેમાં ત્રણ રંગના સમાન પટ્ટા હતા- ઉપર વાદળી, મધ્યમમાં પીળો, નીચે લાલ. વાદળી પટ્ટામાં ચમકતા તારા હતા. લાલ પટ્ટામાં એક પ્રતીક સૂર્ય, તેની બાજુમાં તારો અને બીજનો અર્ધ ચંદ્રાકાર ચાંદની જેમ નજીક સ્તંભથી ધ્વજ ફરકાવવાનું દૃશ્ય હતું. પીળા પટ્ટામાં દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ્’ લખાયું હતું. તેને 7મી ઓગસ્ટ, 1906ના રોજ એક પારસીએ કોલકાતામાં ફરકાવ્યો હતો. 1906માં ધ્વજ બીજા સ્વરૂપમાં આવ્યો, જેમાં નારંગી, પીળો અને લીલો એમ ત્રણ રંગ હતા. તે  ‘કલકત્તા ધ્વજ’ અને ‘કમળ ધ્વજ’ તરીકે ઓળખાયો. તેમાં આઠ અડધાં ખીલેલાં કમળ હતાં. તેની ડિઝાઈન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુકુમાર મિત્રાએ તૈયાર કરી હતી. બંગાળના ભાગલાના વિરોધમાં ‘બહિષ્કાર દિવસ’ તરીકે સર સુરેન્દ્રનાથ બેનરજીએ ભારતની એકતા માટે આ ધ્વજ ફરકાવ્યો હતો.

1907 – 1907માં મેડમ રૂસ્તમ કામાએ ધ્વજનું નિર્માણ કર્યું હતું. આ ધ્વજમાં વાદળી, પીળો અને લાલ રંગ હતા. આ ધ્વજની લેખાકૃતિ એકઠી કરનાર મેડમ કામા, વીર સાવરકર, સરદારસિંહ રાણા અને પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા હતા. 22 ઓગસ્ટ, 1907ને દિવસે મેડમ કામાએ જર્મનીના સ્ટુઅર્ટમાં સૌ પ્રથમ વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ ઘટનાને ‘બર્લિન સમિતિ ધ્વજ’ નામ અપાયું હતું.

1916 – લેખક પિંગાલી વૈંકેયાએ ધ્વજ બનાવ્યો.ગાંધીજીને ધ્વજની મંજૂરી માટે મળ્યા ત્યારે તેમણે ‘ચરખા’ને સ્થાન આપવા સૂચવ્યું. પછી પિંગાલીએ રૂના મિશ્રણવાળા ખાદીના કાપડમાંથી ધ્વજ બનાવ્યો. તેમાં બે રંગ હતા અને મધ્યમાં ચરખો હતો. પણ ગાંધીજીએ તેને માન્ય ન ગણ્યો. તેઓએ કહ્યું  કે તેમાંનો લાલ રંગ હિન્દુ અને લીલા રંગ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે. પણ બીજા ધર્મનું શું ?

1917 – બાળ ગંગાધર તિલકે સહકારની ભાવના માટે નવા ધ્વજનું નિર્માણ કર્યું. તેમાં ભારતના સાર્વભૌમત્વની છાપ હતી. ધ્વજમાં અનુક્રમે પાંચ લાલ અને ચાર વાદળી પટ્ટા હતા. તેમાં સપ્તર્ષિ તારામંડળના આકારમાં જોઈએ છીએ તેવા સાત તારા હતા. તેમાં પણ બીજનો ચંદ્ર અને ઉપર તારા હતા. લોકસમુદાયમાં આ ધ્વજ લોકપ્રિય હતો.

1921 – રાષ્ટ્રના તમામ ધર્મ અને કોમ માટે નવો રાષ્ટ્રધ્વજ રજૂ થયો. તેમાં ત્રણ રંગો હતા- જેમાં સૌથી ઉપર સફેદ, મધ્યમાં લીલો અને નીચે લાલ રંગ હતો.

1931 – કેટલાક લોકો આ ધ્વજમાં રહેલ ધર્મ અને કોમના રંગોના ખુલાસાથી નાખુશ હતા. પછી નવા રાષ્ટ્રધ્વજનું નિર્માણ થયું, તેમાંનો કેસરી રંગ હિન્દુ યોગી જેવો અને લીલો રંગ મુસ્લિમ દરવેશ જેવો હતોે.

પરંતુ શીખોએ સંપૂર્ણ ધાર્મિક રંગ માટે અલગ માગ રજૂ કરી. પરિણામે પિંગાલી વેંકૈયાએ બીજો ધ્વજ બનાવ્યો, જેમાં ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને નીચે લીલો રંગ હતોે. વળી સફેદ રંગના પટ્ટામાં મધ્યમાં ચરખો હતો. કોંગ્રેસ સમિતિએ તેને અધિકૃત કર્યો. 1931માં આવશ્યક ફેરફાર સ્વરૂપે મધ્યમાં ચરખાને બદલે ‘ચક્ર’ મૂકવાનું નક્કી કરાયું.

1947 – ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતના રાષ્ટ્રધ્વજની ચર્ચા કરી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેને દત્તક લેવાનું નક્કી કર્યું. આમ 22 જુલાઈ, 1947ના રોજ આપણો રાષ્ટ્રધ્વજ તૈયાર થયો જેને 15મી ઓગસ્ટ, 1947ના રોજ રાજભવન, દિલ્હી પર સૌ પ્રથમ ફરકાવાયો.

Total Views: 586

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.