સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ છું. પવિત્ર અને કલ્યાણમય હું જ છું.
મિત્રો, આપણે ઘણી વખત લમણે હાથ દઈને બેસી જઈએ છીએ. આવું ક્યારે બને છે ? જ્યારે આપણે બીજા પર આધાર રાખીએ અને પ્રયત્નો છતાં સફળતા ન મળે ત્યારે, સાર્વત્રિક નિષ્ફળતા સાંપડે ત્યારે, આપણું તીર ધાર્યું નિશાન ન તાકે ત્યારે આવું બને છે.
રશિયાના એક મહાન શિક્ષણશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક પાવલોવ પોતાના જીવનની અંતિમ ઘડીઓ ગણી રહ્યા હતા, એ વખતે એમના પ્રિય વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી એ વિશે પૂછ્યું: ‘સર, જીવનમાં સફળતાનું સાચું રહસ્ય શું છે ? સાચી સફળતા મેળવવા અમારે શું કરવું જોઈએ ?’ તેમની જિજ્ઞાસાને સંતોષવા કહ્યું : ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ.’
મારી શાળામાં ટેકનિકલ વિભાગના વિદ્યાર્થીઓ એક વખત મને મળવા આવ્યા. એમને મુશ્કેલી હતી ભાષાઓમાં પણ ઉત્તમગુણાંક કેવી રીતે મેળવવા. ટેકનિકલના વિષયોમાં તો તેઓ પાવરધા હતા. એમની મુશ્કેલીની વાત સાંભળીને મેં કહ્યું, ‘ભાઈ, તમારી વાત સાચી છે. તમારી મુશ્કેલી હું સમજું છું મને બે-એક દિવસનો સમય આપો. હું વિચારીને તમારી સમસ્યાઓનો સરળ ઉકેલ શોધી આપીશ. તમે નિશ્ર્ચિંત રહેજો.’
શાળામાં 7 વાગ્યે પ્રાર્થના થતી. શાળાના સમયે સમય ફાળવવો મુશ્કેલ. પ્રાર્થના પહેલાનો સમય ફાળવવો જોઈએ. એટલે સવારના 6 થી 6:50નો સમય આપું તો કેમ? એવો વિચાર મારા મનમાં આવ્યો. મારે વહેલા ઊઠવું પડે અને શાળામાં 6 વાગ્યા પહેલાં મારે પહોંચવું જોઈએ. હું થોડો મોડો પહોંચું અને તેઓ મારી પહેલાં પહોંચે એ મને જરાય પસંદ ન હતું.
ઘરમાં તો અમે બે જ. પત્નીને પણ પૂછવું રહ્યું. એમની સંમતિ મળી અને સવારે 6 થી 6:50નો સમય આપ્યો.
પહેલે જ દિવસે મેં જોયું તો એક મોટા વર્ગમાં 84 વિદ્યાર્થી હાજર. થોડાએક વિદ્યાર્થીઓ પાંચ-દશ મિનિટ મોડા પડ્યા એમને બેસવા વચ્ચે સ્ટુલની વ્યવસ્થા હતી. હું બે એક મિનિટ ઓફીસમાં થઈને આવ્યો અને વિદ્યાર્થીઓને શાંત બેઠેલા જોઈને મેં થોડું મોડું થવા બદલ ક્ષમાયાચના કરીને તેમની તીવ્ર ઇચ્છાની પ્રશંસા કરી.
પછી ત્રણ દિવસ અંગ્રેજી અને ત્રણ દિવસ ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું. નિબંધ, અર્થવિસ્તાર, સારસંક્ષેપ, પરિશીલન, વ્યાકરણ અને શુદ્ધ લેખન જેવા પાઠ્યક્રમને સ્પર્શીને એસ. એસ. સી. બોર્ડના પ્રશ્નપત્રોની ચર્ચા ચાલે, પ્રશ્નોના ઉત્તર પણ વિદ્યાર્થીઓ પાસેથી મેળવવા, ઉત્તર આપનારને પ્રેરવા અને ન આપી શકનારને પણ ઉત્તર આપવા ઉશ્કેરવા, આજ શિક્ષણને ધ્યાનમાં રાખીને કરમ કરવાનું ધીમી ગતિએ ચાલું રાખ્યું. વચ્ચે વચ્ચે એમને હળવી રમૂજથી હસાવી લેવાનું કામ પણ ચાલે.
થોડા જ સમયમાં મને જોવા મળ્યું કે આ છાત્રોમાંથી સારી એવી સંખ્યામાં મારી પાસેથી આગલા દિવસે પ્રશ્નપત્ર મેળવી લેતા. પરિણામે બીજા દિવસે ચર્ચામાં મને ઘણો સારો પ્રતિભાવ મળવા લાગ્યો.
આ બધા વિદ્યાર્થીઓને પ્રાયોગિક કાર્ય માટે શાળામાં સાંજે 3 થી પ આવવું પડતું. પણ એ બધાએ નકકી કરી લીધું હતું કે ભલે આપણી ગતિ ધીમી રહે પણ શીખવાની તીવ્ર ઇચ્છા, ઉત્કટ ઉત્કંઠા હોય તો આપણી મુશ્કેલીઓને દૂર કરી શકાય.
બોર્ડની પરીક્ષામાં સારી સફળતા મેળવીને એમણે પાવલોવના સૂત્ર ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ને સાર્થક કર્યું. ઉતાવળે આંબા ન પાકે એના માટે અસીમ ધીરતા રાખવી પડે, ઉત્કંઠા પણ રાખવી પડે.
મિત્રો, કોલંબસનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ભારતની શોધમાં નીકળી પડેલા આ મહાન સાહસિકે સાગર ખેડ્યો, અજ્ઞાત મહાસાગરમાં ઝંપલાવ્યું. કેટલાય દિવસો વીતી ગયા; ક્યાંય જમીન, માનવી, વૃક્ષો નજરે ન ચડ્યાં. એમના સાથી મિત્રોએ કોલંબસને સાગરમાં ડુબાડી દેવાની યોજના કરી. એક દિવસ તે પોતાના વહાણના તૂતક પર બેઠો બેઠો, નિરાશાના સાગરમાં ડૂબીને લમણે હાથ દઈને બેસી ગયો. આશાના દીપને બદલે નિરાશાનો અંધકાર એની સામે આવીને ઊભો રહ્યો. હવે શું થશે? એના વિચારમાં ગરકાવ હતો. સાથીઓની યોજનાથી અજાણ એવો કોલંબસ હતાશાની દુનિયામાં સરી પડ્યો. કરે તો શું કરે ? એવા વિચારોની દુનિયામાં ડૂબી ગયો.
એમના સાથીદારો પોતાની યોજના પ્રમાણે કોલબંસને તૂતક પરથી ધક્કો મારીને દરિયામાં જ વિલીન કરવાની યોજના સાથે તેની પાસે જ છાનામાના ઊભા હતા. બસ હવે એક ધક્કો અને આપણે સૌ મુક્ત થઈશું અને પછી આપણા ઘરે પાછા ફરીશું. એ વિચાર સાથે તેઓ કોલંબસને ધક્કો મારવા જતા હતા ત્યાં જ કોલંબસની નજરે એક તાપણું ચડ્યું. તેનાથી બોલી જવાયું ’ઝવય કફક્ષમ, ઝવય કફક્ષમ’ સાથીઓ તરફ ફરીને તેણે એને એ તાપણું બતાવ્યું અને પછી તો ભારતને બદલે અમેરિકાના ટાપુઓમાં પહોંચી ગયો. કેટલું મોટું સાહસ ! કેટકેટલી વિટંબણાઓ જાણે કે તે મુશ્કેલીઓના વિશાળ મહાસાગરમાં પોતાના જ સાથીદારોના વિરોધ વચ્ચે વહાણ ચલાવ્યે જતો હતો. એણે આશાનું કિરણ ન છોડ્યું તે તો તીવ્ર ઇચ્છા અને ધીર ગતિએ આગળ ધપતો રહ્યો અને એને એનું ફળ ચાખવા મળ્યું.
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘નબળાઈનું ચિંતન કર્યા કરવું એ નબળાઈને દૂર કરવાનો ઉપાય નથી પરંતુ શક્તિનું ચિંતન કરવું એ જ એનો ઉપાય છે.’
પણ આ માર્ગે ચાલવા માટે તમારા મનમાં ઉત્કટ ઝંખના આત્મશ્રદ્ધા અવિરત પુરુષાર્થ કરવાની તીવ્ર ઇચ્છા અને અસીમ ધ્યેયની આવશ્યકતા છે.
મિત્રો, આ બધું આપણે કેળવી શકીએ તો આપણે અશક્યને શક્ય બનાવી શકીએ; તો ચાલો, આ આદર્શને- ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ના આદર્શને આપણે જીવી બતાવીએ.
Your Content Goes Here