વહાલાં બાળકો ! તમને સહુને બહાદુર બનવું તો ગમે જ કે નહીં ? તમે એકી સાથે બોલી ઊઠશો- હા, અમારે તો વીર વિવેકાનંદ સ્વામી જેવા દેશપ્રેમી, નિસ્વાર્થ સેવાભાવી, સાહસિક બાળક જરૂર બનવું છે. તો આવા એક બહાદુર બાળકની વાત કરીએ.

સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજીએ એક અનાથાશ્રમ શરૂ કર્યો હતો. તેમાં દાર્જિલિંગનાં ચાર અનાથ બાળકો પણ હતાં. તેમાં સૌથી નાના બાળકનું નામ જ બહાદુર હતું. યોદ્ધા ગોરખા જાતિનો માત્ર નવ વર્ષનો આ બાળક માતા-પિતા વિનાનો હતો. તેના પિતા યુદ્ધમાં માર્યા ગયા હતા. તેની બુદ્ધિ તીવ્ર અને યાદશક્તિ તીક્ષ્ણ હતી. નેપાળનો ઇતિહાસ અને રાજ્ય-શાસન વગેરે વિષયોની તેની જાણકારીની ચર્ચાઓથી સાંભળનારાઓને ભારે આશ્ચર્ય થતું.

કમનશીબે તેણે એક આંખની દૃષ્ટિ ગુમાવી હતી, પરંતુ બીજી આંખની દૃષ્ટિ સતેજ હતી. કોઈ વસ્તુ ખોવાઈ જાય તો છેવટે બહાદુર જ શોધી આપતો. તેના સૂરીલા કંઠે ગવાતાં ગીતો સાંભળીને બધા મુગ્ધ બની જતા એટલે તેને સૌ પ્રેમ કરતા. ડોક્ટરની સલાહથી તેને સ્વામી અખંડાનંદજીએ ભણવાનું છોડાવી, ગાવાનું શીખવ્યું. પણ તે અજ્ઞાની રહેવા ઇચ્છતો નહીં એટલે દિવસે શાળામાં અભ્યાસ કરે અને રાતના સંગીત શીખે.

બહાદુરની અસાધારણ બુદ્ધિ અને યાદશક્તિ જોઈને સ્વામી અખંડાનંદને વિશેષ આનંદ થતો. નવરાશની પળોમાં બહાદુર મહારાજને અનેક પ્રશ્નોની ઝડી વરસાવતો- ‘સ્વામીજી, જો આકાશનો કોઈ રંગ નથી તો તે ભૂરા રંગનું કેમ દેખાય છે? નક્ષત્રોનો પ્રકાશ ક્યાંથી આવે છે? કહો તો, મૃત્યુ પછી મનુષ્યનું શરીર નાશ પામે છે, તો પછી તેનો બીજીવાર જન્મ કેવી રીતે થાય છે?’ સ્વામીજીને ના છૂટકે કહેવું પડતું, ‘બહાદુર, આનો જવાબ અત્યારે બતાવીશ તો તને નહીં સમજાય. મોટો થઈશ, ત્યારે બતાવીશ.’ બે-ચાર દિવસ પછી આવીને તે પૂછતો, ‘મહારાજ, આજે હું મોટો થઈ ગયો? આજે આપ તે પ્રશ્નનો જવાબ આપશો?’

સ્વામી અખંડાનંદ જ્યારે સ્વામી વિવેકાનંદજીને મળવા બેલુર મઠ ગયા, ત્યારે બહાદુર અને તેના મિત્રોને સાથે લઈ ગયા. સ્વામીજીને આ નાનાં બાળકોને જોઈ આનંદ થયો. અખંડાનંદને કહ્યું, ‘ભાઈ, હવે તે આશ્રમને અનાથાશ્રમ ન કહેતા, આ બધા હવે સનાથ છે.’

બહાદુર ઘણો સાહસિક હતો. એક ગામમાંથી બધા બાળકો મહારાજ સાથે જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વેગીલો હતો. કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. જોયું તો એક બાળકનો પગ લપસી ગયો ને પાણીમાં પડ્યો! ડૂબી રહેલા આ બાળકને બચાવી લેવા બહાદુર તરત જ દોડીને પાણીમાં કૂદી પડ્યો અને થોડી જ વારમાં તેને બચાવીને બહાર લઈ આવ્યો. તેનો આવો સાહસિક સ્વભાવ હતો. મુર્શિદાબાદ જિલ્લાના પ્રખ્યાત નેતા વૈકુંઠનાથ સેનને આ ઘટનાની જાણ થતાં તેમણે બહાદુરને શાબાશી આપી અને ઇનામ આપી સન્માનિત કર્યો હતો.

કસરતી મજબૂત શરીર ધરાવતા બહાદુરે એક ગામમાં યોજાયેલ કુસ્તીબાજીમાં ભાગ લઈને પોતાનું પરાક્રમ દર્શાવ્યું. તે જોઈને ગામલોકો અને જમીનદાર કુટુંબના સભ્ય મુગ્ધ થયા અને તેનાં ગીતો સાંભળીને મહિલા વર્ગને ઘણો જ આનંદ થયો. આ બધાએ તેેને રોકડ રકમનો પુરસ્કાર આપ્યો. આશ્રમ આવીને તે બધી રકમ સાથી બાળકો વચ્ચે વહેંચી દીધી. આ તેની ઉદારતાનો પરિચય હતો. આ જોઇને સ્વામી અખંડાનંદને ઘણું જ આશ્ચર્ય થયું.

નબળી દૃષ્ટિને કારણે તે વાંચતો નહીં પણ મહારાજ પાસે બેસીને પ્રશ્નો પૂછતા રહીને ઇતિહાસ, ભૂગોળ, જ્યોતિષ વગેરે વિષયોનું જ્ઞાન મેળવતો. સ્વામીજીને તે કહેતો કે અત્યારે જે બાળકો છે તે મોટાં થઈને આશ્રમમાં રહેશે નહીં, પણ આપની સેવા કરવા હું આશ્રમમાં આપની પાસે જ રહીશ અને આશ્રમનો વિકાસ થાય તે માટે કામ કરીશ. તેની આવી વાતો સાંભળી સ્વામીજી ભાવવિભોર બની જતા ને વિચારતા કે ત્રણ વર્ષમાં જ આ બાર વર્ષના બાળકમાં આશ્રમમાં રહેવાના કારણે કેવી રીતે દિવ્ય-ભાવોનું જાગરણ થયું છે!

પરંતુ સંસારનો નિયમ છે કે સર્વાધિક સુંદર ફૂલ જ જીવજંતુઓનો શિકાર બને  છે. બહાદુરને ભારે બીમારી આવી. ચિકિત્સકોએ તપાસીને જોયું કે તેના બચવાની કોઈ સંભાવના નથી. રોગનું નિદાન ન થયું, કોઈ દવા કારગત નીવડી નહીં ને બહાદુર દિવસે દિવસે દૂબળો પડતો ગયો. આમ છ મહિનામાં તો તે હાડપિંજર જેવો થઈ ગયો. સ્વામીજી આવતા ત્યારે તેનો હાથ પકડીને કહેતો, ‘આપનો સ્પર્શ થતાં જ મારું શરીર શીતળ થઈ જાય છે.’ ત્યારે સર્વત્યાગી સંન્યાસી તેનો પવિત્ર પ્રેમ જોઈને અભિભૂત થતા. સાથી મિત્ર ફણિભૂષણે તેની ઘણી સેવાચાકરી કરી હતી. પથારીવશ થયેલા બહાદુરને સ્વામીજી ખવડાવતા તે અપવાદ હતો.

મૃત્યુના થોડા દિવસ પહેલાં આશ્રમના ત્યાગી સેવક ચૌબાજીને આંસુ સારતા જોઈને બહાદુરે કહ્યું, ‘ચૌબેજી, રડો છો શા માટે? મારું શરીર ભલે જતું રહે, પણ હું તો મરીશ નહીં.’ મૃત્યુની ક્ષણો પહેલાં તેણે કહ્યું, ‘હું મંદિર જઈશ, બેલુરના ઠાકુર-મંદિરમાં. મારા માથા પાસે ગીતા રાખો.’ શ્રીરામકૃષ્ણની છબિ અને ગીતા લઈ આવતાં તેણે માથા પર અને છાતીએ સ્પર્શ કરાવ્યો, પછી માથા પાસે મુકાવી દીધાં. આવી વિષમ સ્થિતિમાં પણ તે દેવ-દેવીઓના દર્શનની વાતો કરતો હતો. 17મી જાન્યુઆરી, 1902ના રોજ સંધ્યા સમયે ‘આત્મા અમર છે, પરમેશ્ર્વર, પરમેશ્ર્વર,’નું ઉચ્ચારણ કરતાં કરતાં બહાદુરે અંતિમ શ્વાસ લીધો.

તો બાળકો, આ માત્ર 13 વર્ષનો બાળક બહાદુર કોણ હતો? રસ્તા પર ભીખ માગતો ને ભારે દુ:ખો સહન કરીને દિવસો વિતાવનાર આ અનાથ બાળક કોણ હતો? તેવી જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. એ અજાણ્યો બહાદુર નામનો બાળક હંમેશ માટે અજાણયો જ રહ્યો. બહાદુરની આકસ્મિક વિદાયથી સર્વત્યાગી સંન્યાસી સ્વામી અખંડાનંદને કેટલું દુ:ખ થયું હશે તેની કોઈ કલ્પના આપણે ન કરી શકીએ.

Total Views: 83
By Published On: February 1, 2017Categories: Suramya Yashasvi Maheta0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram