શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ એક માત્ર ઉપાય જણાવે છે : ‘ઈશ્વરનાં નામ-ગુણ-કીર્તન, પ્રાર્થના, સાધુસંગ, એકાંતવાસ.’

શ્રીરામકૃષ્ણદેવ ઉપદેશ આપે છે કે ઈશ્વરનાં નામ-સ્મરણ, ગુણગાન, કીર્તન કરવાનો અભ્યાસ કરવાથી ધીમે ધીમે ભક્તિભાવ જાગે. (કથામૃત 1.94) તો આવા ભગવન્નામ-ગુણ-કીર્તનનું શાસ્ત્રવિવેચન જોઈએ.

નામ-કીર્તનનું તાત્પર્ય છે-ભગવાનનાં નામ, ગુણ, લીલા વગેરેનું કીર્તન. ભગવાનના ગુણોનું વિવિધતા સાથે સમૂહમાં સંઘ બનાવીને કે વૈયક્તિકપણે થતા કથન-પ્રતિ કથનને કીર્તન કે સંકીર્તન કહેવાય છે.

કીર્તન એ ભગવાનની સાકાર શબ્દ-ઉપાસના છે. તે ભગવાનની અલૌકિક કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવા માટેનું સુગમ સાધન છે. કીર્તન એ દેવતાનાં નામોનું એકતાનપૂર્ણ ચિંતનાત્મક વિશિષ્ટરૂપ છે.

ભગવાનના નામ-ગુણ-કીર્તનથી તેમના રૂપ-તાદાત્મ્યનો લાભ તો થાય છે પરંતુ ઈશ્વરીય વિભૂતિનું સાન્નિધ્ય પણ સાંપડે છે. અખંડભાવે કીર્તનના અભ્યાસથી સંસાર પ્રત્યેનાં મોહ-આસક્તિ છૂટે છે અને જીવ ક્રમશ: ભગવત્સ્વરૂપમાં અધિષ્ઠિત થઈ જાય છે – यन्नाम संकीर्तनतो महा भयाद् विमोक्षमाप्नोति। શ્રીભગવાનના નામ-સંકીર્તનથી જીવ સંસારરૂપી મહાન ભયથી વિમુક્ત થઈ જાય છે. વળી કહેવાયું છે કે नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनम् । ભગવન્નામના કીર્તનથી સર્વપાપોનું પ્રશમન થાય છે.

શ્રીરામકૃષ્ણ કથામૃત(1.165)માં આવો જ ઉપદેશ છે : પ્રભુનાં નામ-ગુણોનું કીર્તન કરવાથી દેહનાં સર્વપાપ નાસી જાય. દેહરૂપી વૃક્ષમાં પાપરૂપી પંખીઓ છે. ઈશ્વરનાં નામ, ગુણકીર્તન જાણે કે તાળી પાડવી. તાળી પાડવાથી જેમ ઝાડ ઉપરનાં પંખીઓ ઊડી જાય, એમ બધાં પાપ પ્રભુનાં નામ, ગુણકીર્તનથી ચાલ્યાં જાય.

ભગવત્પ્રાપ્તિના અનેક માર્ગ છે, તેમાં પ્રભુની કીર્તિનું કીર્તન સુગમ, સરળ, સુલભ સાધન છે. દેવ, દાનવ, માનવ બધા જ તેના અધિકારી છે. કીર્તન-ભક્તિનું અનુષ્ઠાન સર્વસ્થળે અને સર્વકાળે સરળતાથી કરી શકાય છે.

કીર્તનનું ક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. એમાં વિશ્વાસનું બીજ, શ્રદ્ધાનું ખાતર, આત્મજ્યોતિનો સૂર્યપ્રકાશ, આસ્થાની કરતાલિકા અને પ્રેમનું અશ્રુજળ અપેક્ષિત છે; ત્યારે તેમાં ભગવત્કૃપા અંકુરિત થાય છે અને ભગવાનની સત્તા પ્રસ્ફુટિત થાય છે.

કીર્તન માટે ન તો બાહ્ય સાધનો આવશ્યક છે, ન તો સમયનો પ્રતિબંધ છે, ન તો જ્ઞાન કે કર્મની મીમાંસા જરૂરી છે, ન તો ઊંચ-નીચ, ગરીબ-તવંગર, પારકું-પોતાનું, પાપી-પુણ્યશાળીના ભેદ છે, ન તો ત્યાં શાસ્ત્રોના વિધિ-નિષેધનું બંધન છે. ત્યાં તો માત્ર સચ્ચિદાનંદનું સામ્રાજ્ય વ્યાપ્ત છે.

શ્રીમદ્ ભાગવત(8.23.16)માં જણાવાયું છે – सर्वं करोति निश्चिद्रं नामसंकीर्तनं तव। હે  પ્રભુ! મંત્રોની, અનુષ્ઠાનની, દેશ-કાળ-પાત્ર તથા વસ્તુની બધી ક્ષતિઓ તમારા નામ કીર્તનથી સુધરી જાય છે.

શ્રી પ્રભુ નામ-ગુણ-કીર્તન અમૃતમય છે. સાચા હૃદયથી શ્રી નામગુણકીર્તન કરવાથી  માયાની અસર થતી નથી, તેથી જ ગરુડપુરાણમાં છે : मुक्तिमिच्छसि राजेन्द्र कुरु गोविन्दकीर्तनम्। હે રાજા! જો મુક્તિ ઇચ્છતો હોય તો તું ગોવિંદ-નામનું કીર્તન કર.

વળી વરાહપુરાણમાં પણ છે : सततं कीर्तयेद् भूमि याति मल्लयतां हि स:। હે ભૂમિ! મારા નામ-ગુણોનું જે સતત કીર્તન કરે છે તે મારામાં જ લય પામી જાય છે.

વ્યાસ દેવ શ્રીમદ્ ભાગવતમાં જણાવે છે : नात: परं कर्मनिबंधकृन्तनं मुमुक्षतां तीर्थपदानुकीर्तनात्। સંસારબંધનથી મુક્ત થવા ઇચ્છનાર માટે તીર્થપાદ ભગવાન્નામ-કીર્તનથી અન્ય કોઈ સાધન નથી.

શ્રીચૈતન્ય ચરિત્રામૃતમાં પણ આવો જ ઉપદેશ જોવા મળે છે – ‘નામસંકીર્તને હય સર્વાનર્થ નાશ’ નામકીર્તનથી સર્વ અનર્થનો નાશ થાય છે. ‘સંકીર્તન હૈતે પાપ-સંસાર નાશન’ સંકીર્તનથી સંસારનાં પાપ નાશ પામે છે.

કીર્તનમાં ભગવદ્પ્રેમ જ મુખ્ય છે. કીર્તનમાં પાખંડ કે દંભ બાધક છે. ભગવદ્ભાવમાં તલ્લીન બનીને કીર્તન કરવાથી વિલક્ષણ વાયુમંડલ પેદા થાય છે.

કીર્તનભક્તિ મહારસાયણ છે. કીર્તન મંગલકારક અને અમંલહારક છે. કીર્તન ભગવદ્-પ્રેમ-દાયક છે, કામના-પૂર્તિ-કારક છે, યોગક્ષેમવાહક છે. કીર્તન ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે કેમ કે નામ અને નામીમાં અભેદ હોવાથી કીર્તનમાં ઉચ્ચારિત નામ પ્રભુનું સાક્ષાત્ સ્વરૂપ બની જાય છે.

કીર્તનકાર માત્ર પોતાની જ પાપ-જાળને નષ્ટ નથી કરતો પરંતુ જેના કાનમાં કીર્તનના શબ્દો પ્રવેશે છે તેનેય નિષ્પાપ બનાવી દે છે. ભગવાન અવતાર દશામાં જીવનું પ્રત્યક્ષ કલ્યાણ કરે છે પરંતુ કીર્તન તો બધી સ્થિતિમાં બધાનું કલ્યાણ કરે છે. કીર્તન ભક્તિસાધનામાં આવતાં અન્ય વિઘ્નોનો પણ નાશ કરે છે.

આધ્યાત્મિક ઉન્નતિનો મૂળમંત્ર કીર્તન જ છે. કીર્તન કરનાર અને સાંભળનાર બન્ને પરમપદને પામે છે. કીર્તનથી લૌકિક-પારલૌકિક બધાં કાર્યો સિદ્ધ થાય છે. રુદ્રહૃદય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે : कीर्तनात् सर्वदेवस्य सर्वपापै: प्रमुच्यते ।

નવધા ભક્તિમાં કીર્તનનું દ્વિતીય ક્રમે મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તે ભક્તિના ભવનનો મેરુદંડ છે. સાધકની રાગાત્મિકા ભક્તિ એની આધારશિલા છે. અનન્ય પ્રેમ તેનું તોરણદ્વાર છે. શ્રદ્ધા-વિશ્વાસ તેના દ્વાર-સ્તંભ છે.

દેવર્ષિ નારદ કીર્તન-પ્રાણ કહેવાય છે. તેઓનું કાર્ય જ છે ઉદારશ્રવા પ્રભુના ગુણોનું વીણા સાથે ગાન કરતા રહીને સદાય પર્યટન કરતા રહેવું. તેઓ કીર્તનના પરમાચાર્ય છે. કીર્તનના અન્ય સિદ્ધિ-પ્રાપ્ત સાધક છે હનુમાનજી, શ્રીહનુમાનજીની કથાકીર્તન નિમિત્તે વિચરણશીલતા જગપ્રસિદ્ધ છે.

यत्र यत्र रघुनाथकीर्तनं – જ્યાં જ્યાં કીર્તન થતાં હોય ત્યાં તેઓ કોઈને કોઈ સ્વરૂપે ઉપસ્થિત થાય છે. કીર્તન-સાધકોમાં ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા આદિનાં દૃષ્ટાંતો જગવિખ્યાત છે. કળિયુગમાં પ્રગટ થઈને કીર્તનના સાક્ષાત્ અવતાર શ્રીમહાપ્રભુએ બળજબરીપૂર્વક હરિનામ સંભળાવી સંભળાવીને કોટિ-કોટિ અધમ-પાપીઓનો ઉદ્ધાર કર્યો હતો. નરસિંહ મહેતાનું ભક્તિસાધન હતું હરિનામ-કીર્તન. તેના દ્વારા તેમણે હૃદયારૂઢ પ્રભુને પ્રકટ કરીને દર્શનસુખ મેળવ્યું હતું.

શીખધર્મમાં પણ કીર્તનનો મહિમા ગાતાં પદ જોવા મળે છે-

कलियुग महि किरतन परधाना ।

कीरतन निरमोलक हीरा ।

कीरत प्रभु गाउ मेरी रसना।

વિષ્ણુ સહસ્રનામમાં 922મા ક્રમે ભગવાનનું નામ આવે છે – पुण्यश्रवणकीर्तन: -જેના ચરિત્રનાં શ્રવણ-કીર્તન સદૈવ કલ્યાણકારી છે.

શ્રીમહાપ્રભુના ‘શિક્ષાષ્ટક’ના ત્રીજા શ્ર્લોક મુજબ સાચો કીર્તનપ્રેમી ઘાસના તણખલા કરતાંય અકિંચન, વૃક્ષ કરતાંય સવિશેષ સહિષ્ણુ અને સ્વયં માન ન ઇચ્છીને અન્યને માન આપનાર હોવો જોઈએ અને આવા ગુણોથી યુક્ત બનીને कीर्तनिय: सदा हरि: હરિનું કીર્તન સદા કરતા રહેવું જોઈએ.

તેથી જ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ઉપદેશ (1.211) છે- હંમેશાં નામગુણગાન, કીર્તન, પ્રાર્થના કરવાં જોઈએ.

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.