કહેવાય છે કે મન ધરાવે તે માનવી. આમ તો બીજાં જીવ-જંતુઓ અને પશુ-પંખીઓ પણ મન ધરાવે છે, પરંતુ માનવીના મનની તાકાતનો પાર નથી. મનની અમાપ તાકાત માણસના સંકલ્પમાં રહેલી છે. આ સંકલ્પમાં જ્યારે ભાવના કે સંવેદના ભળે છે, ત્યારે તેની તાકાત વધી જાય છે. વળી, સંકલ્પ અને સંવેદન ઉપરાંત એમાં સમર્પણ-ભાવ ભળતાં જે ત્રિવેણીસંગમ રચાય છે ત્યારે તો અદ્ભુત કહેવાય તેવો ચિરસ્મણીય ચમત્કાર સર્જાય છે. ભગવાનના ભક્તોના જીવનમાં ઘટેલી આવી ચમત્કારિક ઘટનાઓ વખત જતાં કહેવતનું રૂપ પામીને માનવને દિશા-દર્શન કરાવે છે, પ્રેરણા આપે છે. આવી એક ચમત્કારિક ઘટનાને આધારે લોકમુખેથી રચાઈ ગયેલી એક કહેવત છે- ‘મન ચંગા તો કથરોટમાં ગંગા!’ આ કહેવતને ‘મન ચંગા તો ઘેર બેઠાં ગંંગા’-એમ પણ બોલાય છે.
માણસનું મન જો ચંગ એટલે કે સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ હોય તો તેમાંથી વહેલ સંકલ્પ, સંવેદના અને સમર્પણભાવ થકી લાકડાના મોટા થાળ એટલે કે કથરોટમાંના પાણીમાં સ્વયં ગંગામૈયા પધારીને આસ્થાવાન ભક્તજનોના મનોરથને પાર પાડી દે છે.
આવા એક આસ્થાવાન ભક્ત થઈ ગયા રૈદાસ. આ ભક્તકવિનું આ ભજન સદીઓથી લોકોના હૈયે અને હોઠે રહ્યું છે-
પ્રભુજી, તુમ ચંદન હમ પાની,
જાકી અંગ-અંગ બાસ સમાની.
પ્રભુજી, તુમ દીપક હમ બાતી,
પ્રભુજી, તુમ સ્વામી હમ દાસા,
ઐસી ભક્તિ કરે રૈદાસા.
આ ભક્તકવિ ચામડું કમાવીને જોડાં સીવવાનો વ્યવસાય કરતા હતા.
એકવાર રૈદાસ પોતાના ઘરની ઓસરીમાં બેસીને ચામડું કમાવતા હતા, ત્યારે રસ્તા પર એમની નજીકથી કેટલાક લોકો ગંગાસ્નાન કરવા માટે યાત્રાએ જવા પસાર થતા હતા. એમને જોઈને રૈદાસને મનમાં ઉમળકો થઈ આવ્યો. એમણે પેલા યાત્રીઓને કહ્યું, ‘ભાઈઓ, મારી પાસે આ થોડીક કોડીઓ છે, તે લઈ જશો? મારું નામ લઈને એ ગંગાજીમાં પધરાવજો.’ યાત્રીઓએ તો કોડીઓ લેવા હાથ લંબાવ્યો, ત્યારે વળી રૈદાસે કહ્યું, ‘સાંભળો ભાઈઓ, આ કોડીઓ ગંગા નદીમાં એમને એમ પધરાવી ન દેતા; સ્વયં ગંગામૈયા મારી કોડીઓ લેવા માટે હાથ લંબાવે એ પછી એમને હાથોહાથ આપજો.’
યાત્રીઓને આ સાંભળીને નવાઈ તો લાગી પણ કોડીઓ લઈ લીધી. ગંગાકિનારે આવી પહોંચ્યા અને સ્નાન કર્યું. પૂજા-વિધિ કર્યા પછી એક યાત્રીએ ગંગાનદીના પ્રવાહ સામે જોઈને કહ્યું, ‘મૈયા, આ કોડીઓ સ્વીકારો, તમારા ભક્ત રૈદાસે તમને હાથોહાથ ધરવાને એ મોકલાવી છે.’
તરત જ ગંગાનદીના પ્રવાહમાંથી મૈયાનો હાથ બહાર આવ્યો ને રૈદાસે ભાવપૂર્વક મોકલેલી પેલી કોડીઓ સ્વીકારી. યાત્રીકો આશ્ચર્ય સાથે આ જોઈ જ રહ્યા ને વળી તેવામાં ફરી ગંગાનદીના પ્રવાહમાંથી મૈયાનો હાથ બહાર આવ્યો. એ હાથમાં સોનાનું કડું હતું. મૈયાનો અવાજ સંભળાયો : ‘આ કડું તમે મારા ભક્ત રૈદાસને આપજો, કહેજો કે આ પ્રસાદી ગંગામૈયાએ તમારા માટે મોકલાવી છે.’
યાત્રીઓએ ખૂબ જ નવાઈ સાથે કડું લઈ તો લીધું પણ પછી એ રૈદાસને આપવાને બદલે ઇનામ મેળવવાની લાલચે રાજાને આપ્યું. રાજાએ રાજી થઈને યાત્રીઓને ઇનામ આપ્યું. ઇનામ લઈને યાત્રીઓ રવાના થઈ ગયા. રાજાએ પેલું કડું રાણીને આપ્યું. રાણી પણ રાજી તો થયાં પણ કડું એક ને પોતાના હાથ બે! એણે રાજાને કહ્યું : ‘આવું બીજું કડું ગમે તેમ કરીને લાવી આપો.’
રાજાએ પેલા યાત્રીઓની ગોત કરાવી. એમને પોતાને ત્યાં તેડાવ્યા અને એમણે આપ્યું હતું એવું જ બીજું સોનાનું કડું લાવી આપવાની આજ્ઞા કરી. યાત્રીઓ મૂંઝાયા. એમને ભક્ત રૈદાસ પાસે જતાં ખૂબ ક્ષોભ અને સંકોચ તો થયો પણ ગયા વગર છૂટકો નહોતો. તેથી તેઓ ત્યાં ગયા એમણે કશું જ છુપાવ્યા વિના રૈદાસને કોડી અને કડાંની બધી જ વાત કરી. રડતાં રડતાં ક્ષમા યાચી, બીજું કડું લાવી આપવા વિનંતી કરી.
ઉદાર મનના રૈદાસે ક્ષમા આપી. આ પછી પોતાની સામે ચામડું ધોવા માટેની કથરોટ પડી હતી તેની સામે જોઈને શુદ્ધ મનથી ગંગામૈયાની સ્તુતિ કરી. પછી કથરોટમાંના ગંદા પાણીમાં એમણે પોતાનો હાથ નાખ્યો ને બહાર કાઢ્યો. યાત્રીઓ આભા થઈ ગયા- રૈદાસના હાથમાં સોનાનું કડું! અને એ પણ પેલા કડા જેવું જ! શુદ્ધ એટલે ચંગા. મનમાં સંકલ્પ, સંવેદના અને સમર્પણનો ભાવ ભળતાં એક એવી શક્તિ સર્જાઈ કે કથરોટમાંના ગંદા પાણીમાં સ્વયં ગંગામૈયા પધાર્યાં અને પોતાના ભક્તની લાજ રાખી. ભક્ત રૈદાસે એ કડું યાત્રીઓને અચકાયા વગર આપી દીધું. બસ, આ પ્રેરણાદાયી ઘટના પછી વખત જતાં લોકમુખે કહેવત બોલાતી થઈ :
મન ચંગા તો કથરોટમાં ગંગા!
‘હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી’ એ આસ્થા આપણા અંતરમાં અવિચલ રહો અને એ કદી ન વિસરાઓ કે હરિને ભજનારા પોતાના મનને જો રાખે ચંગા તો જરૂર કૃપા કરે મા ગંગા !
Your Content Goes Here