ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો ઉપરાંત તત્ત્વજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને સામાજિક વિદ્વાનો પણ અનેક પરિમાણો દ્વારા આ વાત ચકાસી રહ્યા છે.
આ વાત તો ચોખ્ખી છે કે ભક્તિ એ ભારતીય સભ્યતાને સમજવા માટે અત્યંત મહત્ત્વનો અને સાર્થક વિષય છે.
આ ભક્તિનો માર્ગ હિન્દુધર્મનો એક પાયાનો ઘટક છે. એ એવો ઘટક છે એમ કહેવાનું કારણ માત્ર એ જ નથી કે હિન્દુ ધર્મ અનેક વળાંકો, વિશ્વાસો, વૈવિધ્યોને પોતાનામાં સમાવી લેવા સક્ષમ છે. ઠેઠ વૈદિકથી માંડીને તાંત્રિક સુધીના અનેક સંપ્રદાયોને એણે પોતાનામાં સમાવ્યા છે. તેમના અનેકાનેક લૌકિક ધર્મોનો પણ એમાં સમાવેશ થયો છે.
પણ આ ભક્તિરૂપી ઘટકનું મૂળ શું છે? શું એ બીજા ઘટકો જેવું જ છે કે એમાં કશો ફરક છે? સામાન્ય રીતે તો હિન્દુ ધર્મમાં બધા ઘટકોનું મૂળ વેદોમાં શોધવાનો પ્રયાસ થાય છે. મૂળ વૈદિકધર્મ યજ્ઞકેન્દ્રી હતો. ભક્તિધર્મ એની પ્રામાણિકતાનો ભલે સ્વીકાર કરે છે, પણ એની સાથે એનો પૂરો મેળ ખાતો લાગતો નથી; કારણ કે વૈદિક યજ્ઞો દેવોને પ્રસન્ન કરવા કરાતા અને ગમે તે સ્થાને કરાતા. ખામી વગરનાં નિર્દિષ્ટ વિધિવિધાનોથી કરાતા આ યજ્ઞોમાં દેવો પ્રકટ અને પ્રસન્ન થઈને યજ્ઞકર્તાને ઇચ્છિત વરદાન આપતા; પણ આ ભક્તિધર્મમાં તો એથી ઊલટું એક ખાસ સ્થાન પર જ ભગવાનનાં દર્શન કરાય છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્ત એ નિશ્ર્ચિત સ્થાને જઈને દર્શન કરે છે. એમાં ભગવાનનું પોતાનું એક ખાસ નિવાસસ્થાન હોય છે. એમાં ભગવાનના જેટલું જ એના નિવાસસ્થાનનું પણ મહત્ત્વ હોય છે. ભક્ત એ સ્થાનની યાત્રા કરે છે. એને તીર્થયાત્રા કહે છે. આ તીર્થયાત્રા ભક્તિધર્મનું અગત્યનું અંગ છે.
છતાં ભક્તિમાર્ગ યજ્ઞકાર્યને સાવ નકારતો નથી. એ તો ફક્ત એ યજ્ઞભાવનાનું આંતરિકીકરણ કરે છે. અર્થાત્ ભક્તિધર્મ આત્માહુતિ માગે છે. ભક્તિમાર્ગમાં ભક્ત પોતાના આત્માને હોમી દે છે. એમ કરીને ભક્ત પોતે જ ભગવાનનું નિવાસસ્થાન બની રહે છે. આમ તો વાસ્તવમાં ઘણા પ્રવાહો હિન્દુ ધર્મના પરિઘમાં ભળ્યા છે. પણ ભક્તિધર્મના આ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ ઘટકનું હિન્દુ ધર્મમાં આવિષ્કરણ થયું એ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ મીમાંસા કરવાનું પૂરતું કારણ છે. અને એેટલા માટે જ ભારતીય વિદ્વાનોએ એનો મૂળ સ્રોત શોધવા ભારે મથામણ ઘણા વખતથી કર્યે રાખી છે.
વેદો અને ઇતિહાસપુરાણોમાં ભક્તિનો સ્રોત સૂચવતાં લખાણોની કમી નથી. વિદ્વાનોએ એવાં ભરપૂર લખાણો શોધવા ઘણી મથામણ કરી છે. એમની દૃષ્ટિએ ભગવદ્ગીતા ભક્તિધર્મનો પાયાનો ગ્રંથ છે. આ વાત સાથે સહમત થઈને કેટલાક વિદ્વાનોએ વળી એવો મત દર્શાવ્યો છે કે પુરાણી યજ્ઞભાવના કરતાં આ ભક્તિભાવના જુદી જ છે. વૈદિક યજ્ઞભાવના કરતાં આ ભક્તિભાવનામાં ભાવુકતાભર્યું આકર્ષણ એક અનોખી જ વસ્તુ છે. વળી ઉપનિષદોમાં પણ ચિંતનની ગહરાઈ અને બૌદ્ધિક તર્કો સાથે આ ભાવુકતાનો મેળ બેસી શકે તેમ નથી. એટલે એવા વિદ્વાનો એ તારણ પર આવ્યા છે કે આ ભક્તિધર્મ મૂળે આર્યેતર જાતિનો હશે અને ધીમે ધીમે એને આર્યપ્રજાએ સ્વીકારી લીધો હશે અને પછી આર્ય-આર્યેતર બન્ને માટે આખા દેશમાં સમાન સ્વીકૃતિ પામ્યો હશે.
ચિંતન : ભક્તિમાં સ્થાન – મંદિરોનું મહત્ત્વ
હવે આપણે વિચારીએ કે આ ભક્તિધર્મની ભાવના મૂળે આર્યોની છે કે આર્યેતરોની? જો કે એક રીતે તો આ વિવાદ કંઈ પ્રસ્તુત ન ગણાય, કારણ કે લોકોને વિવાદાસ્પદ પ્રશ્નોમાં શૈક્ષણિક પ્રશ્નો કરતાંય ભારે રસ પડતો હોય છે. પેલા તામિલ કવિ સંત તીરુવલ્લુવરે સાચું જ કહ્યું છે, ‘અભણ લોકો ખરેખર સાચા છે, ફક્ત તેઓ જ સારા છે અને હું અહીં ભણેલો મૂર્ખ છું.’ નરસિંહ મહેતા કહે છે, ‘ગ્રંથ ગરબડ કરી, વાત નવ ખરી કરી.’ ભગવાને માણસને તર્કશક્તિ આપીને દાટ વાળ્યો છે. એટલે આપણે આ પ્રશ્નના વાદવિવાદમાં પડવું નથી. આપણે તો ભક્તિપ્રવાહની મૂળ ઉત્પત્તિ-મૂળ સ્રોત વિશે આપણી પરંપરા જે મહત્ત્વની ચાવી આપે છે તે જ જોઈએ.
શ્રીભાગવત મહાપુરાણના માહાત્મ્યના પ્રથમ અધ્યાયના 45 થી 50 શ્ર્લોકોમાં જણાવવામાં આવ્યું છે કે ‘अहं भक्तिरिति ख्याता’વગેરે. અહીં ભક્તિ સ્વયં પોતાનો પરિચય આપતાં કહે છે કે ‘હું ભક્તિ નામે પ્રસિદ્ધ છું… હું દ્રવિડમાં જન્મી છું… કર્ણાટકમાં ઊછરી છું… પછી કેટલોક સમય હું મહારાષ્ટ્રમાં રહી છું અને ગુજરાતમાં આવતાં આવતાં ઘરડી થઈ ગઈ છું…’
આજ વાત પદ્મપુરાણના ઉત્તરકાંડ(189/51)માં પણ આ જ રીતે કહેવામાં આવી છે.
આ શ્ર્લોકો શું સૂચવે છે? આ દ્રવિડ દેશને જ ભક્તિનું જન્મસ્થાન શા માટે ગણવામાં આવ્યો છે? ભક્તિમાર્ગ સાથે પ્રાચીન વૈદિક યજ્ઞધર્મને સરખાવતી વખતે આપણે જોયું કે ભક્તિમાર્ગમાં ‘સ્થાન’નું મહત્ત્વ છે. ક્રિસ ડબલ્યૂ બોલે નામના વિદ્વાને પોતાના પાયાના એક નિબંધમાં એવું સૂચન કર્યું છે કે ભગવાનના રહેઠાણની કલ્પના એક નિશ્ર્ચિત સ્થળની સૂચના આપે છે. એ કહે છે કે આ શીર્ષસ્થાનીય જગ્યા-સ્થાન-સ્થળનું વલણ હિન્દુ ધર્મમાં જે જણાય છે, તે ખરે જ હિન્દુ ધર્મની ધાર્મિક સંસ્કૃતિને સમજવાની એક ચાવી આપી જાય છે.
પણ કોઈ માણસને આ વાતનો ચિન્તનાત્મક સ્પષ્ટ ખ્યાલ ક્યાંથી-કયા મૂળ સ્રોતમાંથી સાંપડી શકે?
ડી.ડી. શુલમાને ‘તામિલ ટેમ્પલ મિથ્સ’ નામનું એક પુસ્તક લખ્યું છે. એમાં મધ્યકાલીન શૈવ શાસ્ત્રપુરાણનો સુપેરે અભ્યાસ થયો છે. તેમણે તેમાં પ્રતીતિજનક રીતે સાબિત કર્યું છે કે – તામિલોની ધાર્મિક સભ્યતામાં આ ‘નિશ્ર્ચિત સ્થાન’ની વાત અગ્રસ્થાને છે. વળી, એક બીજા વિદ્વાન એફ. હાર્ડી છે, જેમણે પ્રાચીન તામિલ ભક્તિસાહિત્યનો ઊંડો અને વ્યાપક અભ્યાસ કર્યો છે. તેમનું નિરીક્ષણ આવું છે, ‘એક પ્રયોગમૂલક સચ્ચાઈની સીમામાં રહીને દેવને કોઈ ખાસ-નિશ્ર્ચિત સ્થાનમાં ઉપસ્થિત, આવિર્ભૂત અને પ્રાપ્ય તરીકે જોવાતા હતા.’ આમ દેવ વિવિધ સ્થાને પ્રતીકરૂપે નિવાસ કરતા.
આ બધાં અભ્યાસો અને સંશોધનો આ વાતો નક્કી કરી દે છે, (1) કોઈ નક્કી કરેલ સ્થાન કે વિસ્તારમાં ભગવાનનાં દર્શન કરવાં-સાક્ષાત્કાર કરવો, એ ભક્તિધર્મનું પાયાનું લક્ષણ છે. (2) આ ખ્યાલ એને ગમે તે સ્થળે થઈ શકતા વિધિપૂર્ણ વૈદિક યજ્ઞધર્મથી જુદો પાડે છે. (3) આ ભક્તિધર્મના પ્રસાર-પ્રચારના પ્રાચીન સંદર્ભો જૂનામાં જૂની તામિલ રચનાઓમાં સાંપડે છે. એવું પણ સૂચવાયું છે કે તામિલોની આ નિશ્ર્ચિત સ્થાન વિષયક વિભાવના એમને મંદિરોના નિર્માણ તરફ દોરી ગઈ. આથી એવું ન માનવું કે આ વિભાવના કેવળ તામિલોની જ હતી અને આપણા ઉપખંડ-ભારતમાં એ ખ્યાલ ન હતો. મંદિરનિર્માણનો ઇતિહાસ જોતાં ઈ.પૂ. એક હજારના બીજા અડધિયાથી આખા ભારતમાં એક સાથે વિવિધ સ્થળે એનો વિકાસ થયો હતો.
ભક્તિ : સામાન્ય જનસમૂહનો
સહજ સરળ મુક્તિમાર્ગ
ભક્તિધર્મનાં આ મંદિરો જ્યાં ભક્તોની રાહ જોતી દિવ્યતા છે, તેવાં વિશ્વનાં સ્થાનો અને ભૂભાગોનું પ્રતિનિધિત્વ કરે છે. ભક્ત ભગવાનનાં દર્શન માટે મંદિરે જાય છે. ધરતીની મર્યાદામાં રહ્યે રહ્યે પણ મુક્તિને પોતાની સામે જ હાજર જુએ છે. ભક્તિધર્મનો આ ખાસ મહત્ત્વનો વિકાસ છે.
નરસિંહ મહેતાએ ગાયું છે: ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજનમ અવતાર રે…’ એને મન મંદિરસ્થ ભગવાન સ્વર્ગથી પણ અદકેરો છે.
ભૂતળમાં ભક્તિમાર્ગને જ સૌ સર્વશ્રેષ્ઠ માને છે. સ્વર્ગનું એકરસીલું જીવન એને તુચ્છ લાગે છે. કારણ કે ભૂતલમાં જ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે. ભગવાનની ભાગીદારી એને ભૂતળમાં જ મળે છે.
આ ભગવાનની ભાગીદારી એટલે શું? આ ભાગીદારી એટલે ભગવાનનું સામીપ્ય. હાજરાહજુર ભગવાન! નિશ્ર્ચિત સ્થાન પર ભગવાનનો આમને સામને પ્રત્યક્ષ મેળાપ. ભક્તિમાર્ગમાં આ આવશ્યક છે કારણ કે એમાં કોઈ વચેટિયાને સ્થાન નથી. વ્યક્તિરૂપે બિલકુલ સામે ઊંડી ભાવુકતાભર્યું મિલન!
એ જ સમયે ભગવાન અને ભક્તનો સમ્બન્ધ અસમપ્રમાણ બની જાય છે, કારણ કે ભક્ત ભગવાનને શ્રેષ્ઠ અને પોતાને તેમનાથી નીચો સમજે છે. ભગવાન દેનાર છે, ભક્ત લેનાર છે. છતાં બન્નેનો સમ્બન્ધ સ્વતંત્ર છે. ભક્ત ભગવાનનું સામીપ્ય ઝંખે છે અને ભગવાન પણ ભક્ત સાથે રહેવા માગે છે! ભગવાનને ભક્તોની ભલા શી જરૂર? ભક્તિમાર્ગમાં ભક્ત પર ભગવદ્નું ગૃહ સ્વયં સ્ફુરિત જ લેખાય છે.
અનંત દાતૃત્વ ભગવાનનો સહજ સ્વભાવ છે. એટલે એ આપવા માટે ભક્તોની રાહ જોતા હોય છે અને ભક્તો ભગવાનને મળવાની રાહ જોતા હોય છે! ભગવાનની કરુણા બુદ્ધિથી માપી શકાતી નથી. જે કોઈ ભગવાન પાસે જવા ઇચ્છે છે તે બધા પર ભગવાન અનુગ્રહ કરે જ છે. જે કોઈ ભગવાન તરફ જેટલાં ડગલાં ભરે તો ભગવાન એના તરફ તેનાથી બમણાં ડગલાં ભરશે. ભગવાન તો સ્વયંસ્ફુરિત કરુણાકર છે.
કેટલાકના મતે આ ભક્તિમાર્ગ એટલો બધો સામાન્ય છે કે એ ગમે તેટલો લોકપ્રિય હોય, ગમે તેટલો સ્પષ્ટ હોય, તો પણ તે ભારતીય ધર્મચિંતનના સારતત્ત્વનું અથવા એના અધિકૃત ધોરણનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં, કારણ કે એ ધોરણ તો સત્તા, સમ્બન્ધ અને આસક્તિનો ત્યાગ જ માગે છે. ટૂંકમાં, એનું સારતત્ત્વ તો ત્યાગકેન્દ્રી જ છે. જાગતિક જીવન તરફ સકારાત્મક વલણ, એમાં ભાગીદાર થવાની ઝંખના, ભાવુકતા અને આવેગ વગેરે તો એની વિરુદ્ધનાં જ છે! એટલે ભક્તિધર્મનો ભારતીય ધર્મચિંતન સાથે કોઈ મેળ ખાતો નથી.
આ દૃષ્ટિકોણના સમાધાનમાં ભક્તિમાર્ગે સૌથી સારું સમાધાન કર્યું છે કે એણે ત્યાગના રૂઢિગત ધોરણના વિચારને બદલે તીર્થયાત્રાનો વિકલ્પ મૂકી દીધો છે! અને સૌથી વધારે તો અભણ, દીનહીન, દબાયેલા જનસમૂહ માટે મુક્તિનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
પણ ખરેખર તો આ ધોરણનો-સારતત્ત્વનો વિચાર જ પડતો મૂકવા જેવો છે, કારણ કે ભારતીય ધર્મ પરંપરા તો ભાતીગળ છે, એ એકરસીલી નથી. એટલે કે ભારતમાં અનેક ધર્મમાર્ગો સ્વીકૃત છે, તો પછી ભક્તિમાર્ગને અપનાવવામાં મુશ્કેલી શાની? અને જાગતિક જીવન તરફ સકારાત્મકતા કેટલી આવશ્યક છે? કેટલી ટકાઉ છે? કેટલી સર્વધર્મસ્વીકૃત છે? પ્રશિષ્ટ સમૃદ્ધ સાહિત્યકૃતિઓમાં એ સુપરીક્ષિત છે. પૂર્વમધ્યયુગીન ભક્તિ સાહિત્યમાં વિશિષ્ટ લેખ સંગ્રહોમાં તામિલભાષાનું ભક્તિ સાહિત્ય વ્યાપક અને સમૃદ્ધ છે. એ સૂચવી જાય છે કે ભક્તિ દ્રાવિડ ઊપજી છે.
સંદર્ભ :
(1) વેદાંત કેસરી – ભક્તિ વિશેષાંક
(2) શાંડિલ્ય ભક્તિસૂત્રો – સ્વામી હર્ષાનંદ
(3) ભારતત્વ – ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતા
Your Content Goes Here