कर्मेति कृत्स्नक्रिया ।।4।।

સૂત્રાર્થ – કર્મનો અર્થ બધી જ ક્રિયાઓ થાય છે.

વ્યાખ્યા – આ કર્મયોગશાસ્ત્રમાં બધી જ ક્રિયાઓ કર્મ શબ્દથી કહી છે એવો સૂત્રનો અભિપ્રાય છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ તે કર્મ છે. એવી કર્મ શબ્દની વ્યાખ્યા -વાચક્તા- છે. અગિયાર ઇન્દ્રિયોથી યુક્ત આ શરીર વડે કરાતું બધું જ ‘કર્મ’ છે એવો સર્વસામાન્ય અર્થ જ અહીં લેવાનો છે, બીજો કશો નહિ.
અહીં મીમાંસકો શંકા કરે છે કે કર્મનો અર્થ તો ધાર્મિક યજ્ઞયાગાદિ ક્રિયાઓ જ થાય છે. બીજાં કોઈ લૌકિક કર્મો એવો અર્થ થતો જ નથી કારણ કે લૌકિક કર્મો પરમપુરુષાર્થનાં સાધન હોઈ જ ના શકે.

તો આ એમની વાત બરાબર નથી કારણ કે ભગવદ્ગીતામાં સ્પષ્ટ જ લખ્યું છે કે- स्वकर्मणा तमभ्यर्च्य सिदिं्ध विन्दति मानवः (18.46)
અર્થાત્ માણસ પોતાનાં વિદિત કર્મો દ્વારા ભગવાનને પૂજીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, વળી,

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्।। (4.21)

અર્થાત્ કોઈ આશા રાખ્યા વગર, ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર, બધા પરિગ્રહોને છોડનાર મનુષ્ય ફક્ત શરીરથી કર્મો કરે તો પણ તેને કશું પાપ લાગતું નથી.

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा….
ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः।

અર્થાત્ વિવેક દ્વારા મારામાં બધાં કર્મો છોડીને.

श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ।। (3.30-31)

અર્થાત્ જે માણસો મારા આ મતને શ્રદ્ધાથી હંમેશાં અનુસરે છે અને દ્વેષ કરતા નથી તેઓ પણ કર્મોથી મુક્ત થાય છે.
આવું ભગવાનનું વચન છે. પોતાના ધર્મને અનુકૂળ સમગ્ર કર્મ અહીં ‘स्वकर्मणा’ શબ્દથી દર્શાવ્યું છે. એમાં ‘ખાલી વૈદિક કર્મો જ’ એવું ક્યાંય નથી. ચાર વર્ણાે અને ચાર આશ્રમોનાં કર્મો એ કંઈ ‘વૈદિક કર્મો’ તો નથી જ. આ કર્મયોગમાં તો એ વર્ણાશ્રમોચિત કર્મો પણ અભિપ્રેત નથી કારણ કે આજના જમાનામાં તો આ વર્ણાશ્રમના નિયમો પણ શિથિલ બની ગયા છે. અહીં તો ફલાકાંક્ષા રહિત કોઈ પણ કર્મ મોક્ષ માટે હોય છે એવું ભગવાન શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ માને છે, એટલું ધ્યાન રાખવું. હવે વધુ આવી ચર્ચાની જરૂર નથી.

અહીં પણ કોઈ એવો વાંધો ઉઠાવે કે ‘કર્મ’ શબ્દથી જ બધાં જ કર્મો સમજીએ, તો પરમપુરુષાર્થનું વિરોધી દુષ્કર્મ પણ એમાં આવી જાય. આવો આક્ષેપ સહજ છે. પણ એ દુષ્કર્મના ત્યાગની વાત આપણે પછીથી કરવાના જ છીએ, અત્યારે તો આટલું જ કહીએ કે બધાં કર્મો સ્વભાવથી સારાં કે નરસાં નથી, પણ સંજોગોથી સારાં-નરસાં બને છે. જેમ કે, હત્યા આવકાર્ય ન હોવા છતાં ધર્મયુદ્ધમાં તે સારી ગણાય છે.

હવે કર્મયોગનું લક્ષણ કહે છે :

निष्कामत्वकौशलास्तिक्यबुद्धिलक्षणः कर्मयोगः ।।5।।

સૂત્રાર્થ – કામનારહિતપણું, કર્મમાં કુશળતા અને પરમતત્ત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા- કર્મયોગનાં લક્ષણ છે.

વ્યાખ્યા – કોઈ કહેશે કે કર્મયોગનું નિષ્કામત્વ – કામનારહિતપણું એ એક જ લક્ષણ રાખીએ તો શો વાંધો છે? કારણ કે ભગવાને પણ એવું જ કહ્યું છે. ઉદાહરણાર્થ-

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ।। (2.51)

અર્થાત્ બુદ્ધિમાનો કર્મથી ઉત્પન્ન થતા ફળને છોડીને, જ્ન્મ અને કર્મથી મુક્ત થઈને ક્લેશરહિત પદને પામે છે. (ક્રમશ 🙂

Total Views: 86
By Published On: March 1, 2017Categories: Adi Shankaracharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram