નમોઽસ્તુ તે પુણ્ય જલાશ્રયે શુભે

વિશુદ્ધસત્ત્વે સુરસિદ્ધસેવિતે ।

નમોઽસ્તુ તે તીર્થગણૈર્નિસેવિતે

નમોઽસ્તુ તે રુદ્રાંગસમુદ્ભવે વરે॥

પુણ્ય જળનો આશ્રય કરનારી, શુભસ્વરૂપિણી, વિશુદ્ધસત્ત્વરૂપી અને દેવતાઓ તેમજ સિદ્ધોની સેવા પ્રાપ્ત કરનારી હે દેવી તમને નમસ્કાર હો.

સર્વતીર્થો જેની સેવા અર્ચના કરે છે એવી ભગવાન શિવના દેહેથી ઉદ્ભવેલી હે દેવી તમને નમસ્કાર હો.

પરમ પાવન શ્રીશ્રીમા નર્મદામૈયાની પરિક્રમાનાં વિભિન્ન અંગોની ચર્ચા કરીશું.

મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્ ।

યત્ કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ્ ॥

શ્રીશ્રીમા નર્મદામૈયાનો 3500 કિ.મી.નો કઠિન અને લાંબો પથ, એ પણ પગપાળા પસાર કરવાનો! પરિક્રમામાં ઊંચા ગિરિવર, ડુંગરા, પાષાણ-પથ્થરો, ખેતરની લપસણી કેડીઓ, સર્પવાસવાળાં કેળાનાં ખેતરો, ઝાડી-ઝાંખરાં, કાંટાઓ, વગડા, જંગલો, અવાવરુ નિર્જન જગ્યાઓવાળો રસ્તો! ક્યારેક હાડ થીજવતી ઠંડી, ક્યારેક દેહ દઝાડતો તડકો, વચ્ચે વચ્ચે મોસમ બદલે તો વર્ષાઋતુનો પણ અનુભવ થાય, હોં! ક્યાં રહેવાનું, શું ખાવાનું, બધું જ અનિશ્ર્ચિત! ભલે કેટલુંય ચાલીને આવ્યા હોય છતાં ક્યારેક ભોજન-પ્રસાદ જાતે બનાવવો પડે! રાત્રિ દરમિયાન નાગરાજ, વિંછી, જીવજંતુ, મચ્છરો, ઉંદરો, ગરોળીઓ,  કૂતરાઓ, બિલાડા વગેરેમાંથી કોઈ ને કોઈના ઉત્પાતનો પણ ક્યારેક અનુભવ થાય ખરો.

હવે વિચાર કરો, ગરોળીથી પણ ડરનારા સાધક સંન્યાસીએ આ બધું કેવી રીતે પાર કર્યું હશે? અતિ કઠિન પગપાળા પરિક્રમા પૂર્ણ થઈ તે આજે પણ દિવાસ્વપ્ન જેવું લાગે છે. આ ચમત્કાર જ છે. શ્રીશ્રીમાની અનન્ય શક્તિ અને કૃપા વગર એ અસંભવ છે.

વાયુને જોઈ શકાય? ‘નહિ.’ અનુભવી શકાય? ‘હા.’ બસ સમજી લો કે શ્રદ્ધા અને સમર્પિતભાવે પરિક્રમા કરનાર દરેક સાધક-ભક્તને અનુભૂતિ થાય છે કે શ્રીશ્રીમા ભગવતી નર્મદામૈયા છે, છે અને છે જ.

હવે પરિક્રમાની બીજી બાજુ જોઈએ. શ્રીશ્રીમા ભગવતી નર્મદાનો વિશાળ પટ હોય, ક્યાંક સાંકડો પ્રવાહ, ક્યાંગ ગહન ઊંડાણ, ક્યાંક ગર્જના કરતો પ્રવાહ, ક્યાંક ધીર-ગંભીર પ્રવાહ – ઘાટ ઘાટ પર માનું ભિન્ન ભિન્ન રૂપ જોવા મળે. માના પ્રવાહની વાંકીચૂકી ચાલ – ક્યાંક પશ્ચિમ તરફ તો વળી ક્યાંક પૂર્વ તરફ, ક્યાંક ઉત્તર તો ક્યાંક દક્ષિણ બાજુ. ક્યાંક દૂધ જેવી સુંદર – કપિલધારા! ક્યાંક ધૂંઆધાર ધોધરૂપે, કોઈ સ્થળે સહસ્રધારારૂપે માનાં દર્શન કરી શકાય છે. એક-બે અપવાદ બાદ કરતાં શ્રીશ્રીમા નર્મદાનું સ્ફટિક જેવું નિર્મળ પારદર્શી મધુર જળ!

પૂર્વાંચલમાં ઉદય પામતા કે અસ્તાચલમાં જતા સૂરજદાદાનાં વિવિધ રૂપો, નીલાંબરમાં થતા ભિન્ન ભિન્ન રંગોના જોવા મળતા સાજશણગારનાં શ્રીશ્રીનર્મદા મૈયાના સ્ફટિક-જળમાં પડતાં પ્રતિબિંબો- આ બધાનો તે કેવો અદ્‌ભુત નજારો, આપણને એક બહુ જ જૂના ગીતની યાદ અપાવે – ‘કૌન ચિત્રકાર હૈ, યે કૌન ચિત્રકાર….’

ઋતુ પ્રમાણે નર્મદા પરિક્રમાના માર્ગમાં કેરી, જામફળ, પપૈયા, કેળા, આંબલી, આંબળા, અજમેરી બોર, ચણીબોર, શેરડી, શાકભાજી વગેરે કેટકેટલુંય! માઈલોના માઈલો સુધી પથરાયેલાં લીલાંછમ ખેતરો,  ગામડાઓની શુદ્ધ હવા, ફળોના બાગબગીચાઓ અને ગિરિકંદરા પરથી આંખોને ઠારે તેવાં હરિયાળાં દૃશ્યો, વળી ઘટાદાર વૃક્ષો ધ્યાન ધરતા ઋષિમુનિઓની યાદ અપાવે. ક્યારેય ન નિહાળેલાં પક્ષીઓ અને વળી તેમનો સુમધુર કર્ણપ્રિય કલરવ! કોઈ કોઈ ભાગ્યશાળી(!) પરિક્રમાવાસીને જંગલમાં કે ઝાડીમાં શિયાળ, વરુ કે રીંછનો ભેટો પણ થાય, હોં.  પરંતુ નર્મદાતટે મગરનાં દર્શનને પરિક્રમાવાસીઓ મંગળમય ગણે છે કારણ કે શ્રીશ્રીનર્મદામાનું વાહન મગર છે ને એટલે! પરિક્રમા માર્ગમાં આવેલા આશ્રમોમાં સંતો દ્વારા થતી ગૌસેવા પણ જોવા જેવી ખરી!

પરિક્રમાનું બીજું એક પાસું એટલે કેટકેટલાંય ઘાટો અને દિવ્ય સ્થાનો. ઉત્તરતટ પર અનૂપપુર જિલ્લાનો શેષઘાટ, ડિંડોરીનો સુંદર સ્નિગ્ધઘાટ, બુધનીનો સ્વચ્છ, સુંદર દિવ્યઘાટ, હોશંગાબાદનો સુપ્રસિદ્ધ શેઠાણીઘાટ, ઓમકારેશ્ર્વરમાં માર્કંડેય આશ્રમનો વિશાળ ઘાટ, દત્તવાડાનો એક જ પથ્થરમાંથી બનેલ નાનો પણ સુંદર ઘાટ, મહેશ્ર્વરનો અહલ્યાઘાટ, જબલપુરનો ગૌરીઘાટ, ગુજરાતમાં તપોવન આશ્રમનો ઘાટ, રામનંદ સંત આશ્રમનો ઘાટ, જગદીશ મઢીનો સંધ્યા સમયે સહેલાણીઓને આનંદ આપતો ઘાટ વગેરે. દિવ્ય સ્થાનોમાં મધ્યપ્રદેશના દક્ષિણતટના લોહારાના કપિલેશ્ર્વર મહાદેવ, મહેશ્ર્વર, મંડલેશ્ર્વર, માંડવગઢ, નેમાવર, હોલીપુરા, આંવરીઘાટ, બાંદ્રાભાન, બ્રહ્માંડઘાટ, લમ્હેટા ઘાટનું સરસ્વતી તીર્થ, અમરકંટક, ખિરકીયા તેમજ ગુજરાતમાં ચાણોદ, શુક્લેશ્ર્વર, જગદીશ મઢી, ગરુડેશ્ર્વર, નારેશ્ર્વર, અનસૂયા આશ્રમ, કોટેશ્ર્વર, વિમલેશ્ર્વર, માંગરોલ વગેરે અનેક ચેતનવંતાં તીર્થસ્થાનો આવેલાં છે.

પરિક્રમાનું અન્ય પાસું છે – સંતદર્શન અને ભક્તદર્શન. સાચા સંતનાં દર્શન ખરેખર દુર્લભ છે. પરંતુ પરિક્રમા દરમિયાન તે અનાયાસે અને સહજરૂપે થાય છે. કારણ કે નર્મદાતટે દેવતાઓ, સંતો અને ભક્તો તપસ્યા કરતા હોય છે. તેમાં આસપાસનાં 40 ગામડાંમાં પીરરૂપે પૂજાતા તૈલીભટ્યાણના કૌપીનધારી નિર્વિકાર વયોવૃદ્ધ સંત શ્રીસીતારામ બાબા, ઓમકારેશ્ર્વરના  દિગંબર શુકદેવ બાબા, રામાનંદ સંત આશ્રમના સંતપ્રેમી અભિરામદાસજી બાપુ, તપોવનના નિર્મલ સંત પૂર્ણાનંદ સરસ્વતીજી મહારાજ, કાર્તિકેય આશ્રમના ઉદારદિલ સંન્યાસી બાબા, શિનોરના સિદ્ધિવિનાયક મંદિરના યુવા, તેજસ્વી, પ્રેમિક સંન્યાસી અને બીજા કેટકેટલાય સાધુસંતો !

સાધક માટે અતિ ઉપયોગી એવું પરિક્રમાનું બીજું એક પાસું જોઈએ. પરિક્રમાવાસીઓમાં કહેવત છે – ચાર જણ સાથે ચાલે તો ઝઘડો, ત્રણમાં ખટપટ, બે હોય તો સુખી અને એક હોય તો નિજાનંદમાં રહે! સાચે જ નિષ્ઠા, પ્રેમ, સમર્પણ અને શ્રદ્ધા સાથે એકાકી, સ્વતંત્ર પરિવ્રાજક અવસ્થાનો દિવ્ય આનંદ શબ્દોમાં વ્યક્ત કરી ન શકાય!

દરરોજ ઝાંખા અજવાળામાં પ્રાત:કર્મ કરીને નિત્યપૂજા અને શ્રીશ્રીનર્મદામૈયાની આરતી પૂર્ણ કર્યા બાદ ‘મૈયા આગે ચલો.’ કહીને ‘નર્મદે હર’નો સાદ કરતાં કરતાં વહેલી સવારે રવાના થવાનું. પરિક્રમા દરમિયાન ડોંગરેજી મહારાજની કથા, મોરારીબાપુની કથા કે ભજનો સાંભળતાં સાંભળતાં રસ્તો ક્યાં કપાઈ જાય તેની ખબર જ ન પડે! વળી મનમાં ને મનમાં ઇષ્ટજપ ચાલુ જ હોય, સહયાત્રીઓને ‘નર્મદે હર’નો સાદ તો ખરો જ. એક પછી એક ગામ, ઘાટ, ખેતરો, લોકો, સંપ્રદાયો, સાધુસંતો, આવે અને જાય પણ સાથે રહે માત્ર ઇષ્ટજપ, મા નર્મદા અને પરિવ્રાજકનો નિર્મલ આનંદ.

પરિક્રમાનાં હજુ ઘણાં પાસાં છે. હવે જ્યારે આપણે પરિક્રમા શરૂ કરીશું ત્યારે તેની વિગતે ચર્ચા કરીશું.

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram