સર્વધર્મ-સમન્વય-અવતાર શ્રીરામકૃષ્ણદેવ પાસે દૂર સુદૂરથી અનેક ભક્તો દક્ષિણેશ્ર્વર કાલી મંદિર ખાતે તેમનાં દર્શને આવતા. 2200 માઈલ જેટલા દૂરથી હૈદરાબાદ (સિંધ) થી વધુ અભ્યાસાર્થે સિંધી સમાજના એક યુવાન ઈ.સ.1879માં કોલકાતા આવ્યા હતા. એ સમયે વિશ્વપ્રસિદ્ધ કેશવચંદ્ર સેન સાથે તેમને પરિચય થયો. આ પરિચય હીરાનંદની શ્રીરામકૃષ્ણદેવ સાથેની પ્રથમ મુલાકાત માટે મહત્ત્વનો બન્યો. ઈ.સ. 1879 થી 1884, પાંચ વર્ષ સુધી હીરાનંદ ઉચ્ચ અભ્યાસ કરવા કોલકાતા રહ્યા તે દરમ્યાન અવારનવાર દક્ષિણેશ્ર્વર શ્રીરામકૃષ્ણદેવ પાસે જતા અને કેટલીકવાર તો રાતવાસો પણ ત્યાં જ કરતા.

હીરાનંદે વતન પરત ગયા પછી શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ મુજબનાં લોકસેવાનાં કાર્યો કરતા રહીને સિંધ પ્રદેશમાં શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેઓ  શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ભક્તો અને શુભેચ્છકોમાં ઘણા જાણીતા હતા. હીરાનંદ અડવાણી અતિ ઉચ્ચકોટિના આત્મા હતા. ચાલો, આપણે તેમના જીવન વિશે જાણીએ.

દીવાન શૌકીરામ નંદીરામ અડવાણી સિંધ પ્રદેશમાં ઘણા નામાંકિત વ્યક્તિ હતા. તેમના ચાર પુત્રોમાં ત્રીજા ક્રમે હીરાનંદ હતા. તેમના સહુથી મોટાભાઈ નવલરાય પણ દીવાન હતા. કેશવચંદ્ર સેન પ્રત્યે સિંધ પ્રદેશમાંથી આકર્ષિત થયેલ લોકોમાં નવલરાય પ્રથમ હતા. કેશવચંદ્ર સેનને મળવા તેઓ કોલકાતાના પ્રવાસે ગયા હતા. તેમના દાદા નંદીરામ પણ દીવાન હતા. આવા પ્રભાવશાળી વિશાળ કુટુંબમાં ગુરુ ગ્રંથસાહેબનું નિયમિત પઠન થતું અને ગુરુ નાનકની સ્તુતિ થતી.

હીરાનંદનો જન્મ તા. 23મી માર્ચ, 1863ના રોજ થયો હતો. કેશવચંદ્ર સેનના પ્રથમ પુત્ર કરુણા સુન્દર સેનના જન્મ પછી ત્રણ મહિને હીરાનંદનો જન્મ થયો હતો. છ દિવસના નાના બાળકના જન્માક્ષર તૈયાર થયા ત્યારે કોઈએ સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે આ બાળક ‘પ્રકાશતો હીરો’ ભવિષ્યમાં કેશવચંદ્ર સેન અને શ્રીરામકૃષ્ણ પરમહંસનો શિષ્ય બનશે અને ત્રીસ વર્ષની ટૂંકી વયે અંતિમ શ્વાસ લેશે! હીરાનંદનાં માતાને એવો આછેરો અણસાર આવેલો કે તેમનો આ પુત્ર ત્રણ દસકામાં પૃથ્વી પર સ્વર્ગીય સુખ આપનાર બની રહેશે. તેમનાં માતા કુટુંબ-વત્સલ હતાં. તેઓ બાળકોની ખૂબ કાળજી રાખતાં. તેઓ પતિપરાયણ હતાં. તેઓ પોતાનાં બાળકોને ગુરુ નાનકમાં શ્રદ્ધા રાખવાનું કહેતાં. નિરક્ષર હોવા છતાં જપજી અને સુખમણી ગ્રંથો તેઓને કંઠસ્થ હતા. હીરાનંદને પણ આનો વારસો મળ્યો હતો.

હીરાનંદ સમજણા થયા ત્યારથી જ કોઈ જાતિભેદમાં માનતા ન હતા. 27મી જાન્યુઆરી, 1873ના રોજ તેમને શાળામાં બેસાડ્યા. શાળામાં  પાણી પીવા માટે માટીના પ્યાલા જાતિ પ્રમાણે અલગ રહેતા. એક દિવસ મુસલમાન બાળકો માટેના પ્યાલામાં તેણે પાણી પીધું ત્યારે વિદ્યાર્થીએ આચાર્યને આ બાબત ફરિયાદ કરી કે હીરાનંદે અમારા પ્યાલાને અભડાવ્યો છે. દીવાન પિતાએ પૂછપરછ કરતાં તે ફક્ત હસ્યો હતો. પણ તે પછી તેણે ક્યારેય મુસલમાનના પ્યાલામાં પાણી પીધું ન હતું.

સ્વભાવે જ પરોપકારી હીરાનંદ બીજાને મદદ માટે હંમેશાં તૈયાર જ રહેતા. તેમના નાના ભાઈ મોતીરામ પોતાના સંસ્મરણમાં કહે છે : ‘ફેબ્રુઆરી, 1881માં હીરાનંદ બંગાળી વસ્ત્રોમાં ક્રિકેટ જોવા ગયા હતા. તેમણે રૂપિયા આઠનું કિંમતી ધોતિયું પહેર્યું હતું. ક્રિકેટરમત દરમ્યાન એક મુસ્લિમ ખેલાડીને ભારે ઈજા થઈને લોહી વહેવા લાગ્યું. હીરાનંદ દોડીને ત્યાં પહોંચી ગયા ને નવી જ ધોતીનો મોટો છેડો ફાડીને તે ખેલાડીને તાત્કાલિક સારવાર કરી પાટો બાંધી દીધો ને પછી વધુ સારવાર માટે દવાખાને લઈ જતાં તે ખેલાડીનો જીવ બચી ગયો. પણ આ સમયે અન્ય ધોતીધારી પ્રેક્ષકો મૌન ઊભા રહ્યા.’

હીરાનંદે સાદગીપૂર્ણ જીવન સ્વીકાર્યું હતું. એપ્રિલ, 1881માં એક દિવસ કોલેજમાં ઉઘાડા પગે ગયા ત્યારે સાથી મિત્રો અને અધ્યાપકગણને ભારે આશ્ચર્ય થયું હતું. વળી બીજા એક દિવસે સંન્યાસીનાં ભગવાં વસ્ત્રો પહેરીને કોલેજ ગયા હતા, ત્યારે ભારે ટીકાઓ અને મજાકરૂપ બનતાં ફરીથી ભગવાં વસ્ત્રોમાં ક્યારેય કોલેજ ગયા નહીં. જો કે ઘરે તો તેઓ ભગવાં વસ્ત્રો જ પહેરતા. આમ કરીને તેઓ કપડાં ધોવાનો ખર્ચ બચાવીને તે બચેલી રકમનો ઉપયોગ સહપાઠી ગરીબ વિદ્યાર્થીઓ માટે કરતા.

ક્રાંતિકારી વિચારના હીરાનંદને જડ રીતરિવાજો સામે ભારે વિરોધ હતો. ઘરમાં કે નજીકના સગાં-સંબંધીઓના મૃત્યુ સમયે પુરુષોને માથે મુંડન કરવાનો રિવાજ હતો. 27મી જુલાઈ, 1881ના રોજ પિતા શૌકીરામનું તેમના વતનમાં અવસાન થયું. આ વખતે તેમના ભાઈઓ નવલરામ અને તારાચંદે મુંડન કરાવવાનો ધરાર ઇન્કાર કર્યો. એટલે તેમના કાકા અને પિત્રાઈઓએ ચૂપચાપ શૌકીરામના અગ્નિસંસ્કાર કર્યા. કોલકાતા રહેતા હીરાનંદ અને મોતીરામને આ સમાચારનો તાર મોડી રાતે મળ્યો પણ નાનાભાઈ મોતીરામને ગળે વળગાડી હીરાનંદે આશ્ર્વાસન આપતાં કહ્યું, ‘આ અંગે તું જરા પણ દુ:ખ ન લગાડ.’ પછી બન્ને ભાઈઓએ ગોઠણવાળી નીચા નમીને સદ્ગત પિતાને પ્રણામ કર્યા.

ભણવામાં તેજસ્વી હીરાનંદે ડિસેમ્બર, 1881માં પ્રથમ વર્ગ સાથે કોલેજના પહેલા વર્ષની પરીક્ષામાં સફળતા મેળવતાં તેમને બે વર્ષ માટે માસિક રૂપિયા વીસની શિષ્યવૃત્તિનું ઇનામ મળ્યું હતું. પોતાને ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું. પરંતુ તેના બદલે મોટાભાઈની સલાહથી તેઓ વિનયન વિદ્યાશાખામાં ગયા હતા. સાત સહાધ્યાયીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે હેતુ સાથે તેમણે રૂપિયા દશના માસિક ભાડાથી એક યોગ્ય ઓરડો ભાડે રાખ્યો હતો, જેનું નામ ગરુડનો માળો – ઊફલહયથત ગયતિં રાખ્યું હતું. અહીં સાતેય મિત્રો 10 થી 12 કલાક સાથે રહી ગંભીર અભ્યાસ કરતા.

ઈ.સ.1882ની ઉનાળુ રજાઓમાં પહેલી જ વખત હીરાનંદને પ્રસિદ્ધ રામકૃષ્ણ પરમહંસની મુલાકાત થઈ. દુન્યવી બાબતોથી સદા સર્વદા વિમુખ રહેતા અને ઇચ્છામુક્ત આ મહાપુરુષ માટે પ્રોફેસર મેક્સ મૂલરને પણ ઘણો જ આદરભાવ હતો. કોલકાતાના દક્ષિણેશ્ર્વરના શાંત પ્રાકૃતિક સ્થળે રહેતા પરમહંસ પાસે હીરાનંદ 1883ના વર્ષથી દર રવિવારે લગભગ આખો દિવસ વિતાવતા. તેમના મિત્ર નીલુ લખે છે:  હીરાનંદ ભારતના જે ગણ્યા-ગાંઠ્યા મહાનપુરુષોને ઓળખતા હતા તેમાં બંગાળના દક્ષિણેશ્ર્વરના રામકૃષ્ણ પરમહંસ પ્રથમ હતા. હીરાનંદની સાથે અમારામાંના મોટા ભાગના મિત્રોને પણ કેશવચંદ્ર સેન દ્વારા જ દક્ષિણેશ્ર્વરના પરમહંસ વિશે જાણવા મળ્યું હતું. પરમહંસ પણ હીરાનંદને હૃદયપૂર્વક પ્રેમ કરતા હતા. હીરાનંદ દક્ષિણેશ્ર્વરમાં રાત-દિવસ વિતાવતા રહીને, તેમની સાથે હસી-મજાક અને તર્કબદ્ધ દલીલો કરતા રહીને, પરમહંસની જ્ઞાનસભર વાતો ધ્યાનપૂર્વક સાંભળતા. વળી તેમની વ્યક્તિગત સેવા પણ કરતા. તે બન્ને વચ્ચે એટલો બધો આત્મીય નાતો હતો કે જ્યારે પરમહંસની ગંભીર બીમારીના સમાચાર તેમને સિંધમાં મળ્યા કે તરત જ કરાંચીમાં તેમનું કામ થોડા દિવસ મુલતવી રાખીને તા.5મી મે, 1884ના રોજ મૃત્યુશૈયા પર રહેલા તેમના હૃદયસ્થ સંતના રૂબરૂ ખબર-અંતર પૂછવા કોલકાતા આવી પહોંચ્યા હતા. ફરીથી તેઓ 22 એપ્રિલ, 1886ના રોજ બે દિવસ માટે રામકૃષ્ણદેવનાં દર્શને આવ્યા હતા. (શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-2, ખંડ-14, અધ્યાય-21)

હીરાનંદ ખૂબ સરળ ને સૌમ્ય સ્વભાવના હોવાથી તે વખતના રૂઢિગત સમાજ વચ્ચે પણ તેમને મોટા ઘરની ઘણી સ્ત્રી-મિત્રો પણ હતી. તેઓ જે પ્રસિદ્ધ વ્યક્તિઓ સાથે પરિચયમાં આવ્યા હતા તે ઘરોની યુવાન મહિલા સભ્યો સાથે પણ તેમને મૈત્રી હતી. તેમની ઉપસ્થિતિમાં સ્ત્રીવર્ગને તેમની સાથે કોઈ યુવાન પુરુષ છે તેવું જરા પણ અનુભવાતું નહીં. તે સમયના આસિસ્ટન્ટ સર્જન ડૉ. કસ્તાગીરનાં બીજાં પુત્રી મોહિનીદેવીનાં લગ્ન ઓગસ્ટ, 1881માં કેશવચંદ્ર સેનના પુત્ર કરુણા સુન્દર સેન સાથે થયાં હતાં. શ્રીમતી મોહિનીદેવી અને શ્રીમતી સૌદામિની બન્ને બહેનોને શિક્ષણ માટે બ્રાહ્મોસમાજને સોંપવામાં આવેલી. ઈ.સ.1870માં કેશવચંદ્ર સેને ઇંગ્લેન્ડથી પરત આવ્યા પછી ક્ધયાશાળા (ઋયળફહય ગજ્ઞળિફહ જભવજ્ઞજ્ઞહ) અને ભારત આશ્રમ શરૂ કરેલાં. બન્ને બહેનોનું શિક્ષણ અહીં થયું હતું. પ્રતાપચંદ્ર મઝુમદારની સાથે મોહિની શેક્સપિયર અને અન્ય નામાંકિત લેખકોનાં પુસ્તકો વાંચતી. હીરાનંદથી તે ત્રણ વર્ષ મોટાં હતાં. સૌદામિની મઝુમદારના પત્ર વિશે મોહિનીદેવી આમ લખે છે, ‘વહાલા પુત્ર હીરા, હું આ વર્ષગાંઠ નિમિત્તે તને મારા આશીર્વાદ પાઠવું છું. મારા તરફથી આ ધોતી સ્વીકારજે.’                (-સહી) સૌદામિની મઝુમદાર

સન.1884માં કોલકાતાથી વિનયન સ્નાતક થઈ તેઓ ફરી પોતાના ઘેર પરિવારજનો સાથે રહેવા પહોંચી ગયા. એ સમયે સિંધસભા સંસ્થાનો પ્રભાવ ઘણો હતો. ‘સિંધ સુધાર’ અને ‘સિંધ ટાઈમ્સ’ નામનાં દૈનિકોને નાણાંકીય ખેંચ હતી. ‘સિંધ ટાઈમ્સ’ના માલિકોએ મેસર્સ એન.એન. પોચાજી અને દોરાબજીને ‘સિંધ ટાઈમ્સ’ સંભાળી લેવા સમજાવ્યા અને સિંધસભાના પ્રતિનિધિના હાથમાં સઘળું સંચાલન સોંપવાનું સૂચન કર્યું. સભાએ તંત્રી તરીકે નામોની વિચારણા કરીને આ પત્રના તંત્રી તરીકે હીરાનંદની પસંદગી માસિક રૂા.175ના વેતન સાથે કરી હતી. તેઓ આ વેતનમાંથી બહુ ઓછી રકમ પોતાના માટે ખર્ચતા ને બાકીની બધી રકમ બીજાના લાભાર્થે ખર્ચતા. કરાંચીથી પ્રસિદ્ધ થતા ‘સિંધ ટાઈમ્સ’ના તંત્રી હીરાનંદ હતા ને કોલકાતા રહેતા તેમના નાના ભાઈને તથા મિત્રોને પૈસા મોકલી મદદ કરતા રહેતા. એક મિત્રને શિક્ષણ સહાય તરીકે રૂા.10 આપેલા. પછી તેની જોગવાઈ થઈ જતાં તે મિત્ર રૂા.10 પરત આપવા આવ્યો ત્યારે હીરાનંદે તેને પોતાના નાના ભાઈની જેમ જ મદદ કરી છે તેવું કહીને તે રકમ તેની પાસેથી લીધી નહીં. સિંધ ટાઈમ્સ અને સિંધ સુધાર સમાચારપત્રોની નાણાંકીય મુશ્કેલીઓ વધતાં તેમણે સ્વેચ્છાએ પોતાના વેતન રૂા.175માં કાપ મૂકીને રૂા.75 સ્વીકાર્યું હતું.

તેમની બે પુત્રીઓમાંથી નાની દીકરી બીમાર થતાં સારવાર માટે તેઓ 16 જૂન, 1893ના રોજ લખનૌ આવ્યા. પંદર દિવસની સારવાર પછી પણ તેની બીમારી યથાવત્ રહી. દીકરી સ્વસ્થ થાય કે તરત જ તેઓ સીધા બાંકીપુર પહોંચી જવા ઇચ્છતા હતા. પણ તા.24 જૂન, 1893ના રોજ હીરાનંદને પોતે બીમાર પડ્યા. 10 જુલાઈ, 1893ના રોજ હીરાનંદની હાલત વધુ કથળી અને 24 કલાકમાં 7 થી 8 વખત લોહી પડતું થયું. ત્યારેે તેમના મિત્ર બાબુપ્રકાશ ચુંદર રેને દીકરીની સંભાળ લેવાનું કહ્યું. વિશાળ મિત્રમંડળ તેમની પાસે આખરી ક્ષણમાં હાજર હતું. હીરાનંદની જીવનયાત્રા પૂરી થવાનો સમય આવી ગયો ને તેમણે 14 જુલાઈ, 1893ના રોજ વિદાય લીધી. તેમની પ્રકાશમય કારકિર્દી અંગે વકીલ દયારામ ગિડુમલે 1903માં તેમનું જીવનચરિત્ર A Humble soul નામે લખ્યું ને પ્રકાશિત કર્યું હતું. હીરાનંદનું આ અપ્રાપ્ય જીવનચરિત્ર રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતા દ્વારા The History of A Humble Soul નામે પ્રસિદ્ધ થયું છે.

Total Views: 401

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.