ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે તો તમે તમારી માયાનો આશ્રય લીધો છે, એટલે તમે માણસ જેવા દેખાઓ છો.’ ભરદ્વાજ વગેરે ઋષિઓ રામના પરમ ભક્ત હતા. તેમની ભક્તિ પાકી ભક્તિ.
નામનું ખૂબ માહાત્મ્ય છે ખરું, પણ અનુરાગ ન હોય તો શું વળે ? ઈશ્વરને માટે પ્રાણ આતુર થવા જોઈએ. માત્ર નામ લીધે જઈએ છીએ, પણ મન કામ-કાંચનમાં પડ્યું હોય, એથી વળે ?
વીંછીનો કે ઝેરીલા મોટા કરોળિયાનો ડંખ એમ એકલા મંત્રથી ન મટે. છાણાનો શેક-બેક કરવો જોઈએ.
કદાચ અજામિલે પૂર્વ જન્મમાં ઘણીયે સાધના કરી હશે અને કહે છે કે તેણે પાછળથી તપસ્યા કરી હતી.
એમ પણ કહી શકાય કે એનો એ વખતે અંતિમ કાળ! ‘હાથીને નવરાવ્યે શું વળે ? પાછો ધૂળ, માટી માથા ઉપર ઉડાડે, એટલે હતો તેવો ને તેવો જ. પણ હાથીશાળામાં પૂરી દીધા પહેલાં જ જો કોઈ ધૂળ ખંખેરી નાખે અને નવરાવી દે તો પછી તેનું શરીર સાફ રહે.’
નામ લેવાથી માણસ એકવાર શુદ્ધ થાય, પરંતુ પાછો તરત જ અનેક જાતનાં પાપોમાં લેપાય. મનમાં જોર નહિ. પ્રતિજ્ઞા કરે નહિ કે હવે પાપ નહિ કરું. ગંગાસ્નાન કર્યે બધાં પાપ ધોવાઈ જાય, પણ ધોવાયે વળે શું ? માણસો કહે કે ગંગામાં નાહ્યે પાપ બધાં નીકળી જઈને કાંઠા પરનાં ઝાડ પર બેસી રહે. ગંગા નાહીને માણસ જેવો પાછો ફરે કે તરત જ એ પુરાણાં પાપો ઝાડ પરથી પેલાની કાંધ ઉપર ચડે. નાહીને બે ડગલાં આવતાં ન આવતાંમાં જ પાછાં માથે ચડે.
એટલે ભગવાનનું નામ લો, તેની સાથે સાથે પ્રાર્થના કરો કે જેથી ઈશ્વરમાં અનુરાગ આવે અને જે બધી ચીજો બે દિવસ સારુ, જેવી કે પૈસાટકા, માન, દેહસુખ, એ બધાં ઉપરથી આસક્તિ ઓછી થઈ જાય, એવી પ્રાર્થના કરો.
સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાક્તો પણ પામે, વેદાન્તવાદીઓ પણ પામે, બ્રાહ્મસમાજીઓ પણ પામે, તેમજ મુસલમાન, ખ્રિસ્તી, તેઓ પણ પામે. અંતરથી હોય તો સહુ પામે. કોઈ કોઈ ઝઘડા કરી બેસે, એમ કહીને ‘કે અમારા શ્રીકૃષ્ણને ન ભજો તો કાંઈ નથી વળવાનું.’ અથવા ‘અમારી મા કાલીને નહિ ભજો, તો કાંઈ નહિ વળે,’ યા ‘અમારા ખ્રિસ્તી ધર્મને નહિ સ્વીકારો તો કંઈ ફાયદો થશે નહિ.’
આવા બધા વિચારો એકપંથિયા વિચારો, એટલે કે અમારો ધર્મ જ બરાબર, ને બીજા બધાનો ખોટો. એ વિચારો ખોટા. ઈશ્વરની પાસે જુદે જુદે માર્ગે થઈને પહોંચી શકાય. વળી કોઈ કોઈ કહે કે ‘ઈશ્વર સાકાર જ, નિરાકાર નહિ,’ એમ કહીને ઝઘડો ! જે વૈષ્ણવ તે વેદાન્તવાદીની સાથે ઝઘડો કરે.
કેટલાક આંધળા એક હાથીને જોવા ગયા. એક જણે બતાવી દીધું કે આ જનાવરનું નામ હાથી. એટલે એ આંધળાઓ હાથીના શરીર પર હાથ ફેરવીને જોવા લાગ્યા. પછી તેમને પૂછવામાં આવ્યું કે હાથી કેવો ? એક જણ કહે કે હાથી થાંભલા જેવો. એ આંધળાએ કેવળ હાથીના પગને જ સ્પર્શ કર્યો હતો. બીજા એક જણે કહ્યું કે હાથી સૂપડા જેવો. તેણે માત્ર એક કાનને જ હાથ લગાડી જોયો હતો. એ પ્રમાણે જેમણે સૂંઢ કે પેટને હાથ લગાડીને તપાસ્યો હતો તેઓ જુદી જુદી રીતે કહેવા લાગ્યા. તેમજ ઈશ્વર સંબંધે જેણે જેટલું જોયું, તે એમ માની બેસે કે ઈશ્વર આવો જ, એ સિવાય બીજો જરાય નહિ. (શ્રીરામકૃષ્ણ કથામૃત, 1.176-79)
Your Content Goes Here