અંગે્રજીમાં કહેવત છે કે Prevention is better than cure. આયુર્વેદ પણ આ જ સિદ્ધાંત બતાવે છે કે સ્વાસ્થ્યની જાણકારી એ રોગનો ઇલાજ કરવા કરતાં ક્યાંય વિશેષ મહત્ત્વપૂર્ણ છે. સ્વાસ્થ્યની જાળવણી માટે આયુર્વેદમાં અનેકાનેક વિધિઓ બતાવવામાં આવી છે. એ બધી બાબતો અંગે આપણે ચર્ચા કરીશું. આ વખતનો આપણે પસંદ કરેલ વિષય છે- આહાર અને સ્વાસ્થ્ય.

આયુર્વેદમાં સ્વાસ્થ્યના ત્રણ સ્તંભ કહેવાય છે – આહાર, નિદ્રા અને બહ્મચર્ય. આહાર જ સ્વયં અત્યંત મહત્ત્વપૂર્ણ વિષય છે કેમ કે આપણે 80% બીમારીઓનો ઇલાજ માત્ર આહારને ઠીક કરી લેવાથી કરી શકીએ છીએ.

ભોજનનો સમય :-

સૂર્યોદયના સાડા ત્રણથી ચાર કલાક પછી આપણું પાચનતંત્ર ખૂબ જ સારી રીતે કાર્યરત રહેતું હોય છે. તેથી આપણે સવારનો નાસ્તો મોડામાં મોડા 9થી10 વાગ્યા સુધીમાં કરી લેવો જોઈએ અને વળી સવિશેષ પ્રમાણમાં કરવો જોઈએ કેમ કે તે સમયે આપણા પાચનતંત્રના પાચકરસો અધિક માત્રામાં સ્ત્રવિત થતા હોય છે એટલે સારી ભૂખ લાગે છે. બપોરનું ભોજન મધ્યમ માત્રામાં લેવું જોઈએ તથા રાત્રિનું ભોજન પ્રમાણમાં હલકું હોવું જોઈએ. સૂર્યાસ્ત પછી આપણો પાચક-અગ્નિ ઘણો જ મંદ પડી જાય છે તેથી સૂર્યાસ્ત પછીથી ભોજન અલ્પ માત્રામાં લેવું એ સ્વાસ્થ્ય માટે યોગ્ય ગણાય છે. કોઈ દેશી ગાયને સૂર્યાસ્ત પછી ઘાસ નીરવામાં આવે તો તે પણ ખાતી નથી.

ભોજન કેવું હોવું જોઈએ :-

ભોજન તૈયાર થયા પછી 40 મિનિટના સમયગાળામાં ખાઈ લેવું એ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ છે. તાજું રાંધેલું ભોજન બે-ત્રણ કલાક સુધી સાત્ત્વિક રહે છે, ત્યારબાદ તામસિક રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. ભોજન તૈયાર થયા પછીના ચોવીસ કલાક બાદ સચવાયેલું ભોજન પશુઓ માટે પણ ખાવાલાયક રહેતું નથી. રેફ્રિજરેટરમાં રખાતું ભોજન તો અત્યંત નુકસાનકારક હોય છે કેમ કે તેમાંનો જે ગેસ ભોજનને ઠંડો કરે છે તે ખૂબ જ હાનિકારક હોય છે.

ભોજન માટે ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો :-

ભોજન નિર્ધારિત સમયે કરવું જોઈએ કેમ કે આપણા પાચનતંત્રમાં તે જ સમયે પાચકરસો ઝરતા હોય છે. ઠંડો અને ગરમ ભોજન-પદાર્થ સાથે સાથે ખાવો જોઈએ નહિ, જેમ કે આઈસક્રીમ અને ગરમા ગરમ સમોસા. ડુંગળી અને દૂધ પણ સાથે ન ખાવાં જોઈએ કેમ કે તામસિક અને સાત્ત્વિક ભોજન-પદાર્થ સાથે ન લેવાય. ફણસ અને દૂધ પણ સાથે ન ખાવાં કારણ કે તેથી કફ ખૂબ જ વધી જાય છે.

તેવી જ રીતે અડદની દાળ અને દહીં પણ સાથે ન ખાવાં જોઈએ. ભોજન અને દૂધ પીવાના સમય વચ્ચે એકથી દોઢ કલાકનો ગાળો હોવો જોઈએ.

રાતે દહીં ન ખાવું અને દિવસે પણ દહીંમાં ખાંડ કે કાળાં મરી નાખીને ખાવું જોઈએ.

જમીન પર બેસીને ખાવાથી ભોજન ખૂબ જ સારી રીતે પચે છે, ખુરશી પર બેસીને જમવાથી તેટલું સારી રીતે પચતું નથી. ભોજન કર્યા પછી પાંચથી દસ મિનિટ વજ્રાસનમાં બેસવાથી ભોજન સારી રીતે પચે છે અને અપચો, એસીડીટી વગેરે બીમારીઓ થતી નથી. વજ્રાસન કર્યા પછી સો ડગલાં ચાલવું જોઈએ. રાતના ભોજન બાદ બે કલાક પછી જ સૂવું જોઈએ. રાત્રિભોજન પછી થોડું હરવું-ફરવું સારું છે.

ભોજન જમવાની સાથે સાથે ભોજનનું પાચન થવું તે પણ તેટલું જ અગત્યનું છે કેમ કે નહીં પચેલો ખોરાક ‘આમ’ પેદા કરે છે, જે શરીરમાં વિવિધ પ્રકારના toxins ઉત્પન્ન કરે છે. આમરસ દ્વારા ઉત્પન્ન થયેલાં toxins આપણા શરીરનાં વિવિધ અંગોમાં જઈને blockage પેદા કરે છે જેનાથી કોલેસ્ટેરોલ, આર્થરાઈટિસ, હાર્ટએટેક ઇત્યાદિ બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. સતત કબજિયાત રહેવાથી ઉપરોક્ત બીમારીઓ ઉપરાંત હરસ-મસા વગેરે ઉદ્ભવ પામે છે. ભોજન સારી રીતે ચાવીને ખાવાથી આપણો લાળરસ (સલાઈવા) ભોજનમાં ભળે છે અને તે ભોજનને સારી રીતે પચવામાં સહાયક બને છે. ભૂખ લાગી હોય તેનાથી એક રોટલી ઓછી ખાવાથી પાચન સારી રીતે  થાય છે.

ભોજન પછી તરત જ વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. માત્ર એક કે બે ઘૂંટડા પાણી ગળું સાફ કરવા માટે પી શકાય, કારણ કે ભોજન કર્યા બાદ જ્યારે પાચનક્રિયા થતી હોય છે ત્યારે પાચક-અગ્નિ તીવ્ર હોય છે અને પાણી પી લેવાથી પાચક-અગ્નિ મંદ પડી શકે છે. ભોજનના એક કે દોઢ કલાક પછી અને એક કે દોઢ કલાક પહેલાં પાણી પીવું જોઈએ. ભોજન કરતી વખતે છાશ પીવી એ પાચનક્રિયા માટે સારી બાબત છે.

અધિક તેલ અને ઘીવાળું ભોજન કર્યા પછી ગરમ પાણી પીવું જોઈએ. ઠંડું પાણી પીવાથી કફની વૃદ્ધિ થવાની શક્યતા છે. ગરમ પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય એમ પણ સારું થાય છે તેથી સવારે ખાલી પેટે કે દિવસ દરમિયાન જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ બાબત છે. ભોજન સંબંધિત આ નાની-નાની વાતો ધ્યાનમાં રાખવાથી ડોક્ટરોને અપાતા હજારો રૂપિયાના ખર્ચમાંથી બચી શકાય છે.

ભોજન શામાં કરવું :-

ભોજન જો માટીના વાસણમાં રાંધવામાં આવે તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ બને છે. આજેય જગન્નાથપુરીમાં ભગવાનનો ભોગ માટીનાં વાસણમાં રાંધવામાં આવે છે. એક સંશોધન દ્વારા સિદ્ધ કરાયું છે કે માટીનાં વાસણમાં રાંધવામાં આવેલા ભોજનનાં સૂક્ષ્મ પોષક તત્ત્વો 100% સુરક્ષિત રહે છે. કાંસા અને પિત્તળના વાસણમાં બનાવેલા ભોજનનાં સૂક્ષ્મ પોષક તત્ત્વો 5% જેટલાં ઓછાં થઈ જાય છે, છતાંય તે ભોજન સ્વાસ્થ્ય માટે ઉપયોગી જ બને છે. એલ્યુમિનિયમનાં વાસણોમાં તૈયાર કરાયેલું ભોજન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે, તેમાંના અન્નનાં 70% સૂક્ષ્મ પોષક તત્ત્વો નાશ પામે છે. એલ્યુમિનિયમનાં વાસણોમાં રંધાયેલા ભોજનથી અને તેમાં રાખીને કરાતા ભોજનથી આપણા મન-મસ્તિષ્કની કાર્યક્ષમતા ક્રમશ: ઘટતી જાય છે. સ્ટીલનાં વાસણ એલ્યુમિનિયમનાં વાસણ કરતાં સારાં છે.

આયુર્વેદની દૃષ્ટિએ ભોજન બનાવતી વખતે તેમાં સૂર્યપ્રકાશ અને હવાના સ્પર્શની હાજરી સ્વાસ્થ્ય માટે અત્યાવશ્યક છે. પ્રેશર કુકરમાં રંધાતા ભોજનમાં ન તો સૂર્યપ્રકાશ, ન તો હવાનો સ્પર્શ થતો હોય છે એટલે તેનાં પોષક તત્ત્વો 90% નાશ પામે છે. પ્રેશર કુકરની સીટી ઉતારીને બનાવેલ ભોજનમાં પોષક તત્ત્વોનું નુકસાન ઓછું થાય છે.

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.