મણકો પહેલો – ભૂમિકા

ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા ભારતની ભૂમિમાં જન્મેલાં અને વિકસેલાં દર્શનો પર એક અછડતી નજર નાખવાનો આ ઉપક્રમ છે.

તો આ દર્શન એટલે શું ? એ પહેલાં જોઈએ. ‘દર્શન’ શબ્દનો વાચ્યાર્થ તો ‘ચાક્ષુષ જ્ઞાન’ એવો થાય છે. પણ અહીં એનો ધ્વન્યર્થ જે ‘અધ્યાત્મ જ્ઞાન’ છે તે જ લેવાનો છે. અર્થાત્ આત્મા, પરમાત્મા જેવાં અતીન્દ્રિય તત્ત્વોનું વિશદ અને પદ્ધતિસરનું તર્કપૂત વર્ણન જે કરે તેને ‘દર્શન’ કહેવાય. અથવા તો એની અનુભૂતિ કરે કે કરાવે એને ‘દર્શન’ કહેવાય. એટલે એના શાસ્ત્રને પણ ઔપચારિક રીતે ‘દર્શન’નું નામ આપવામાં આવ્યું છે.

આ ઇન્દ્રિયાતીત તત્ત્વોમાં વિશ્વનું મૂળ કારણ, એનું યથાર્થ સ્વરૂપ અને એને જાણવા-અનુભવવાની રીત વગેરેનો સમાવેશ થાય છે. મૂળ તત્ત્વો ‘પ્રમેય’ કહેવાય અને એને જાણવાની રીતને ‘પ્રમાણ’ કહેવામાં આવે છે.

પશ્ચિમના દેશોમાં પણ દર્શનો નીપજ્યાં છે અને ત્યાં તેનો ક્રમસર વિકાસ પણ થયો છે. પરંતુ દર્શનનો મહિમા ભારતમાં પશ્ચિમના દેશો કરતાં ઘણો જ વધારે છે. એક કારણ એ પણ છે કે પશ્ચિમના દેશોમાં હવે દર્શનનો હેતુ – પ્રયોજન – કેવળ વિધાનોનો મનોવિનોદ અને મનસ્વી કલ્પનાવૈભવ જ રહ્યો છે, જ્યારે ભારતનાં દર્શનોનું પ્રયોજન તો જીવનલક્ષી, ધર્મમૂલક, વિવિધ તાપનિવારક મોક્ષ – મુક્તિ – નિ:શ્રેયસ જ રહ્યું છે. આ રીતે ભારતમાં દર્શનોનો માનવીય જીવન સાથે પ્રગાઢ સમ્બન્ધ રહ્યો છે.

ભારતીય દર્શનોનો પૂરો પરિચય નહિ પામેલા પાશ્ર્ચાત્ય લોકોનો ભારતીય દર્શનો ઉપર એવો આક્ષેપ છે કે ભારતનાં દર્શનો તો કેવળ માન્યતામૂલક તર્કવિહીન કલ્પનાઓ જ છે ! એટલે એને તમે ભલે ધર્મશાસ્ત્ર કહેવું હોય તો કહો, પરન્તુ એ તત્ત્વજ્ઞાન – ફિલોસોફી  તો નથી જ ! પરન્તુ આ આક્ષેપ તો કેવળ મિથ્યારોપ જ છે. તેમનું અજ્ઞાન જ એ સૂચવે છે કે એ લોકોને ભારતીય દર્શનની ચર્ચાપદ્ધતિનો લેશમાત્ર પણ ખ્યાલ નથી. ભારતીય દર્શનની ચર્ચાપદ્ધતિમાં ત્રણ અંગોે અનિવાર્ય છે:

(1) નિરૂપ્ય વસ્તુનો સબળ પૂર્વપક્ષ  (2)  એનું પ્રબળ તર્કપૂર્ણ ખંડન  (3)  સિદ્ધાન્તનિરૂપણ. એટલે પાશ્ર્ચાત્યોનો ઉપર કહેલો આક્ષેપ તો તદ્દન બિનપાયાદાર જ છે. ભારતનું ન્યાયદર્શન તો તદ્દન તર્કપ્રધાન, સાવ બૌદ્ધિકતાપૂર્ણ જ છે અને બધાં જ દર્શનોના ઉત્તરકાલીન પ્રમાણગ્રંથોનો તો આધાર જ બૌદ્ધિક તર્કો છે. વળી આ બૌદ્ધિકતાને સત્કારવા માટે ભારત જેવા અધ્યાત્મપ્રધાન દેશમાં ચાર્વાક જેવી ભૌતિક વિચારસરણીને પણ ‘દર્શન’ની ઉચ્ચ પદવી આપી છે એ ખાસ ઉલ્લેખનીય છે. તદુપરાંત વૈદિક દર્શનોમાં શ્રવણ, મનન, નિદિધ્યાસનનાં સોપાન જે ગણાવ્યાં છે તેમાંનું બીજું પગથિયું ‘મનન’ બૌદ્ધિકતાના સ્વીકારનો સ્પષ્ટ નિર્દેશ કરે જ છે.

ભારતનાં દર્શનોના આસ્તિક અને નાસ્તિક- એવા બે ભાગ પાડવામાં આવ્યા છે. પણ એ વિભાગો ઈશ્વરને માનવા, ન માનવાને કારણે પડાયા નથી પણ વેદનું પ્રામાણ્ય સ્વીકારે તે ‘આસ્તિક’ અને ન સ્વીકારે તે ‘નાસ્તિક’ – એ રીતે પાડવામાં આવ્યા છે. સાંખ્યોએ તેમ જ ન્યાય-વૈશેષિકોએ જો કે મોડે મોડેથી વેદપ્રામાણ્ય સ્વીકારી લીધું છે એટલે આવાં આસ્તિક દર્શનોમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા -એમ છ દર્શનો આવે છે. પાછળથી એની ‘ષડ્દર્શન’ એવી અતિશિથિલ સંજ્ઞા રૂઢ બની ગઈ છે. બૌદ્ધ અને જૈનદર્શનો નાસ્તિક દર્શનો ગણાવા લાગ્યાં. આ રીતે મુખ્ય દર્શનો ગણીએ તો નવેકની સંખ્યા થાય છે પણ જો ભારતનાં બધાં જ દર્શનોની વાત કરીએ તો આ આંકડો વીસેક સુધી પહોંચી જાય છે. એટલે તો આપણે અહીં એ મુખ્ય નવેક દર્શનો પૂરતી જ અછડતી થોડીક વાતો કરીશું.

ભારતીય દર્શનોનાં વિકાસનાં પરિબળોમાં નીચેની બાબતોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે:

(1) આસ્તિક દર્શનો અને નાસ્તિક દર્શનોની પરસ્પર ખંડનમંડનાત્મક દલીલો (2) આસ્તિક દર્શનોમાં પણ એકબીજાના ખંડન અને સ્વસિદ્ધાંતના મંડનની દલીલો (3) બૌદ્ધોની વિવિધ શાખાઓમાં ચાલેલાં ખંડનમંડનો (4) શૈવ-શાક્ત-વૈષ્ણવ આદિ આગમો સાથેના વાદવિવાદો. (5) વેદાન્તની વિવિધ શાખાઓ વચ્ચેના મતમતાન્તરોની દલીલો અને (6)  વ્યાકરણ, આયુર્વેદ વગેરેનાં તત્ત્વજ્ઞાનો.

કેટલાક પશ્ચિમી આલોચકો એવું કહે છે કે ભારતીય દર્શનો કરતાં પશ્ચિમી દર્શનો વિશાળ, વિસ્તૃત અને ખરા અર્થમાં જેને દર્શન-ફિલસૂફી કહી શકાય તેવાં છે કારણ કે પશ્ચિમનાં દર્શનોમાં તત્ત્વજ્ઞાન, પ્રમાણશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સૌન્દર્યશાસ્ત્ર, કાનૂનશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, માનસશાસ્ત્ર, રાજનીતિ, ઇતિહાસ વગેરે અનેકાનેક વિષયો સમાવિષ્ટ થઈ જાય છે, જ્યારે ભારતીય દર્શનોમાં તો માત્ર અધ્યાત્મવાદ જ સમાયેલો છે એટલે એને ‘દર્શન’ નામ આપવું યોગ્ય નથી.

પૂર્વ-પશ્ચિમના આ દર્શનવિષયક પાયાના વિવાદનું સ્પષ્ટ અને વાસ્તવિક સમાધાન એ છે કે પશ્ચિમી દર્શનોમાં ઉપર બતાવેલા વિષયો જાગતિક છે એટલે ભારતના મનીષીઓએ તે તે વિષયનાં અલગ શાસ્ત્રો રચીને ત્યાં એની વિસ્તૃત ચર્ચા કરી છે અને દર્શનોમાં કેવળ અધ્યાત્મનો વિષય જ રાખ્યો છે. ઉદાહરણાર્થ લલિતકલાઓ સાહિત્યશાસ્ત્રમાં, નીતિશાસ્ત્ર ધર્મશાસ્ત્રોમાં, કાયદાશાસ્ત્ર સ્મૃતિગ્રંથોમાં, રાજનીતિ અર્થશાસ્ત્રમાં, ઇતિહાસ પુરાણોમાં, ભાષાવિજ્ઞાન વ્યાકરણશાસ્રમાં અને મનોવિજ્ઞાન યોગશાસ્ત્રમાં સમાવિષ્ટ કરી દીધેલ છે. આ રીતે વિષયનિરૂપણના રસ્તા જુદા છે, એની અવગણના નથી. ‘દર્શન’ શબ્દની ગરિમા ભારતે અધ્યાત્મને આપી છે કારણ કે ભારતીય જીવનના કેન્દ્રમાં જ અધ્યાત્મ છે-ધર્મ છે; એ ધરીની આસપાસ જ બીજા બધા વિષયો ઘૂમે છે.

એક વાત સાચી છે કે પશ્ચિમનાં દર્શનોના ઇતિહાસની પેઠે ભારતીય દર્શનોનો પરસ્પરપૂરક ક્રમબદ્ધ સમયાનુસારી કે જીવનાનુસારી સામાજિક સ્થિતિને અનુરૂપ ઇતિહાસ ગોઠવી શકાય તેમ નથી. ભારતીય દર્શનના ઇતિહાસમાં સમય સદાય વાદગ્રસ્ત રહ્યો છે. આપણે થોડાં લેખકનામ અને ગ્રંથનામ મેળવી શકીએ. ક્યાંક એ બન્નેનું અસ્તિત્વ, પ્રાપ્ય ગ્રંથસંદર્ભથી જ માત્ર મળે છે. આવી અવ્યવસ્થિત પરિસ્થિતિમાં આપણે ભારતનાં દર્શનોની ઉપરછલ્લી ઝાંખી કરવાના છીએ, આ વાત ખાસ યાદ રાખવી.

ભારતમાં દર્શનના ઉદ્ભવની વાત કરીએ તો ઋગ્વેદના નાસદીયસૂક્તમાં દાર્શનિક વિચારબીજ સાંપડે છે. ‘અનેક દેવો એક જ શક્તિનાં રૂપ છે’ – એ વાત પણ ઋગ્વેદમાં છે. પુરુષસૂક્ત પણ બ્રહ્મવાદની નજીક છે અને આવું આવું તો વેદમાં ઘણું બધું છે. ત્યાર પછી ઉપનિષદોમાં આ તત્ત્વજ્ઞાનનો વિકાસ થયો. કેટલાક વિદ્વાનોના મતે આ વેદવિભાગ ભારતીયોની પરંપરાનો છે, પોતાના ‘સાંખ્યયોગ’ ગ્રંથમાં (પૃ.27) શ્રી નગીન શાહે લખ્યું છે:  ‘સાંખ્ય, યોગ, જૈન અને બૌદ્ધ ભારતીય પરંપરાની શાખાઓ લાગે છે. વૈશેષિક અને ન્યાયનાં મૂળ પણ ભારતીય પરંપરાનાં હોય તો નવાઈ નહિ.’ પછી એ બધાં દર્શનો વિકસતાં રહ્યાં.

આ રીતે પ્રાચીન કાળથી આજ સુધી અવિચ્છિન્ન રીતે દર્શનોની ધારા અહીં ચાલતી રહી છે. એનાં ચિંતન, મનન, વિવેચન, વિવરણ થતાં જ રહ્યાં છે. આ ભારતીય દર્શનો જીવન જીવવાની રીત શીખવે છે; ત્રિવિધ તાપમાંથી આત્યંતિક મુક્તિને ઝંખે છે, એટલે જ્યાં સુધી માનવજીવન જિવાતું રહેશે અને જ્યાં સુધી માણસ દુ:ખની આત્યંતિક મુક્તિને ઝંખતો રહેશે, ત્યાં સુધી આ દર્શનોની પ્રસ્તુતતા રહેવાની જ ! અને માનવજીવન તો સનાતન છે. એની મુક્તિની ઝંખના પણ સનાતન જ છે. એ મુક્તિઝંખનાનું ભવ્ય સંગીત શાશ્ર્વત છે. તો આ દર્શનશાસ્ત્ર પણ શાશ્ર્વત છે કારણ કે શાશ્ર્વત સંગીતનું એ વાદ્ય છે!

Total Views: 400

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.