કર્મવિધાનથી બંધાયેલ રહેવું તથા એ ચક્રનાં પૈડાંથી પિસાતા રહેવું અનિવાર્ય નથી. તેના દુ:ખદાયી દાંતાથી મુક્ત થવાનો ઉપાય છે. ભગવદ્ ગીતા (18.66)માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્મબંધનમાંથી મુક્ત થવાનો સીધો સાદો ઉપાય બતાવતાં કહે છે: ‘બધા ધર્મ-અધર્મને ત્યજીને તું પોતાની જાતને કોઈપણ શરત વિના મને સમર્પિત કરી દે. હું તને બધાં બંધનોથી મુક્ત કરી દઈશ. હે અર્જુન, તું શોક ન કર.’ માનવજાતિ માટે ભગવાનનું આ આશ્ર્વાસન છે. બધા મહાન અવતારોએ માનવજાતિને આવું આશ્ર્વાસન આપ્યું છે, પરંતુ એમાં વિશ્વાસ કે શ્રદ્ધા રાખીને પૂર્ણ મનથી પોતાની જાતને સમર્પિત કરી દેવી કઠિન છે.
5ાશ્ર્ચાત્ય ચિંતનમાં પ્રાગ્ભાવ અને પુનર્જન્મ:
શતાબ્દીઓ પહેલાં પ્લેટોએ આવી ઘોષણા કરી હતી, ‘જીવ ચિરંતન છે અને કારાગાર જેવા દેહમાં આવતાં પહેલાં પણ તે વિદ્યમાન હતો. કેવળ આત્મજ્ઞાન જ જીવને મુક્ત કરી શકે છે. એ જ્ઞાન નવું નથી. કેવળ વિસ્મૃતિની પુન:સ્મૃતિ માત્ર છે.’
જીવનો પ્રાગ્ભાવ અને અમરત્વનો સિદ્ધાંત પ્લેટોનો જ એક મુખ્ય સિદ્ધાંત ન હતો. પરંતુ ઓર્ફિક અને પાયથાગોરિયન જેવા અનેક મહાન પુરાતન ચિંતકોનો પણ મુખ્ય સિદ્ધાંત હતો.
નિઓ-પ્લેટોનિઝમના પ્રતિષ્ઠાતા પ્લોટિનસ (ઈ.સ.205-270)ની માન્યતા હતી કે માનવ-આત્મા વિશ્વાત્માનો એક અંશ છે. તે જડ પદાર્થ તરફ જઈને પોતાની આધ્યાત્મિક સ્થિતિમાંથી ચ્યુત થયો છે. તેણે જડ પદાર્થનાં બંધનમાંથી મુક્ત થવા સંઘર્ષ કરવો જોઈએ.આ કાર્યમાં અસફળ થવાથી માનવી મૃત્યુ પછી બીજા દેહમાં પ્રવેશ કરે છે. તે જ્યાં સુધી જડ મલિનતાઓથી મુક્ત થતો નથી ત્યાં સુધી તે જન્મ-મૃત્યુના ચક્રમાંથી પસાર થતો રહે છે. ભિન્ન ભિન્ન પ્રકારની સાધનાઓ દ્વારા શુદ્ધ થઈને આત્મા વિશ્વાત્માની સાથે અને અંતે ઈશ્વર સાથે ભળી જાય છે.
કબાઇલીઓએ આ સિદ્ધાંતને યહૂદી ધર્મમાં પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાઇબલના ‘ન્યૂ ટેસ્ટામેન્ટ-નવો કરાર’માં પણ આપણને પુનર્જન્મના સિદ્ધાંતનું અસંદિગ્ધ પ્રમાણ જોવા મળે છે. પર્વતશિખર પર રૂપાંતરણનાં દર્શનમાં ઈશુના અંતરંગ શિષ્યોએ ઈશુની બન્ને બાજુએ મૂસા અને ઈલિયાસની આકૃતિ જોઈ હતી. ઈલિયાસ એક પુરાતન યહૂદી પયગંબર હતા. એમના વિશે ઈશુએ કહ્યું હતું, ‘તે ઈલિયાસ પહેલાં આવી ચૂક્યો છે’ અને એમના શિષ્યો સમજ્યા કે બેપ્ટિઝમ દેનાર જ્હોન વિશે કહી રહ્યા છે. ઈશુ બેપ્ટિઝમ દેનાર જ્હોનને ઈલિયાસનો પુનરાવતાર માનતા હતા.
આદિ ઈસાઈ ધર્મસંઘના મેનિચિયન અને ગ્નોસ્ટિક સંપ્રદાય આત્માના પ્રાગ્ભાવમાં અને મૃત્યુ પછીની વર્તમાન પરિસ્થિતિમાં પણ એટલો જ વિશ્વાસ રાખતા હતા. આદ્ય ઈસાઈ મહાનતમ વિદ્વાનોમાંના એક ઓરિગને (ઈ.સ.185-251) કહ્યું હતું, ‘માનવ-મન ક્યારેક શુભ તો ક્યારેક અશુભથી પ્રભાવિત થાય છે. મારી માન્યતા છે કે એનું કારણ ભૌતિક દેહજન્મથી વધારે પુરાતન છે.’ પરંતુ આ વિચાર નિશ્ર્ચિતરૂપે રૂઢિવાદી ઈસાઈ ધર્મના સિદ્ધાંતથી વિરુદ્ધ હતો. એટલે ઈસાઈ ધર્મસંઘે તેને દૃઢતાપૂર્વક દબાવી દીધો. ઈ.સ. 543માં કુસ્તુન્તુનિયાની(કોન્સ્ટંટિનોપલ) ઈસાઈ ધર્મની પરિષદમાં આવી ઘોષણા કરી: ‘જો કોઈ જીવોનો પુરાણોક્ત પ્રાગ્ભાવ તથા તેને પરિણામે પુન: સ્થાપનાની બિભત્સ ધારણાનું પોષણ કરે તો તેને ધિક્કાર છે.’ પરંતુ સંઘબદ્ધ ઈસાઈ ધર્મના પ્રયાસો હોવા છતાં આ સિદ્ધાંતને સંપૂર્ણ રીતે દબાવી શકાયો નથી. તે બીજા દેશોમાં તથા ઈસાઈ પ્રદેશોમાં પણ કેટલાક અપરોક્ષાનુભૂતિવાદી સંપ્રદાયોમાં પોષાતો રહ્યો. પુનર્જાગરણના કારણે જીયોર્ડાનો બ્રૂનો (ઈ.સ.1548-1600)નામના ઇટાલીના એક ખ્રિસ્તી સંન્યાસી અને દાર્શનિકે પુનર્જન્મવાદના સિદ્ધાંતનું સમર્થન કર્યું. તે પરમાત્માના સર્વવ્યાપીપણા તથા માનવ આત્માના અમરત્વમાં શ્રદ્ધા ધરાવતા હતા. તેમને બંદી બનાવવામાં આવ્યા, કેટલીય યાતનાઓ આપવામાં આવી અને અંતે જીવતા બાળી નાખવામાં આવ્યા. તેમનું મૃત્યુ થયું, પરંતુ તેમણે દર્શનશાસ્ત્રને ધર્મશાસ્ત્રથી મુક્ત કરવામાં ઘણી મદદ કરી.
પરંતુ પુનર્જન્મવાદના સિદ્ધાંતમાં એવી શક્તિ હતી કે એને બહુ બહુ તો દબાવી શકાયો હતો. તે સિદ્ધાંત સદીઓ સુધી લોકોેના વિચારોને પ્રભાવિત કરતો રહ્યો, પછી ભલે લોકો એના વિશે મુક્ત મને કહેવામાં ડરતા રહ્યા હોય. ઈસાઈ-તપાસ ન્યાયાલયનો અંત આવતાં ચિંતકો, કવિઓ અને દાર્શનિકો પોતપોતાના વિચારોને વધારે સ્પષ્ટરૂપે વ્યક્ત કરવા લાગ્યા.
ડાર્વિનના મહાન અનુયાયી થોમસ હક્સલે (ઈ.સ.1825-95) પુનર્જન્મવાદના સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવતા હતા. એમણે હિંમતપૂર્વક કહ્યું, ‘પ્રત્યેક પ્રાણી પોતાનાં કર્મ પ્રમાણે ફળ ભોગવે છે – જો આ જન્મમાં ન ભોગવે તો પછીના ભવોની અનંત શૃંખલામાંથી એક અથવા બીજામાં ભોગવે છે કે જે શૃંખલા તેનો અંતિમ જન્મ છે.’ તેઓ પોતે વૈજ્ઞાનિક હતા અને એમની માન્યતા હતી કે કારણ વિના કંઈ પણ થઈ શકતું નથી. તેઓ વધુમાં કહે છે, ‘ક્રમવિકાસવાદની જેમ પુનર્જન્મવાદના મૂળમાં પણ મહાન સત્ય રહેલું છે.’
ઇમર્સન (ઈ.સ.1803-1882) તથા એમના કેટલાક ન્યૂ ઇંગ્લેન્ડના સમકાલીન દાર્શનિકોના પણ આવા જ વિચારો હતા. ઇમર્સન ભગવદ્ગીતાથી ઘણા પ્રભાવિત થયા હતા. એમનામાં આવું કહેવાનું સાહસ હતું: ‘આપણી નીચે સીડીઓ છે. એના પર આપણે ચડી ચૂક્યા છીએ. ઉપર પણ પગથિયાં છે, એમાંથી કેટલાંક ઉપર જતાં આંખોથી અદૃશ્ય થઈ ગયાં છે.’
કવિઓ આત્માની નિકટતર વાસ કરે છે અને જેને તેઓ સત્ય સમજે છે, તેને પોતાની અનુપમ શૈલીમાં વ્યક્ત કરે છે. જેમ કે કવિ વિલિયમ વર્ડ્ઝવર્થે કહ્યું છે:
‘જન્મ એક નિદ્રા અને વિસ્મરણ માત્ર છે. આપણી સાથે જે આત્મા જન્મે છે, જે જીવનનું નક્ષત્રબિંદુ છે, તેનો આધાર ક્યાંય હોતો નથી. કોઈ સુદૂર સ્થાનેથી તે આવે છે.’ કવિ ટેનિસન નિમ્ન જન્મોની વાત કરે છે, જ્યાંથી જીવ પસાર થતો આવ્યોે છે, પરંતુ એનું કોઈ સ્મરણ નથી: ‘જો નિમ્ન યોનિઓમાંથી આવ્યો છું, તો હું મારા દુર્ભાગ્યને ભૂલી ગયો છું, શું આપણે પોતાના પ્રથમ વર્ષને ભૂલી જતા નથી?’ વોલ્ટ વ્હિટમેને આ જ વિચારોને સાહસ કરીને અભિવ્યક્ત કર્યા છે, પરંતુ આપણે એ નથી જાણતા કે આ વિચારો એમણે ક્યાંથી મેળવ્યા છે: ‘જીવન, તું અનેક મૃત્યુઓનું પરિણામ છો, ચોક્કસપણે હું પહેલાં દશ હજારવાર મર્યો છું.’
આ એક વિચિત્ર વિચાર છે. ઘણા લોકો એની પુષ્ટિ કરે છે. ઘણા લોકો પુનર્જન્મના સિદ્ધાંતને ઘણો યુક્તિસંગત માનવા લાગ્યા છે. જર્મનીના નાટ્યકાર તથા સમાલોચક લેસિંગે(ઈ.સ 1719-81) પ્રશ્ન કર્યો હતો: ‘જ્યાં સુધી હું નવું જ્ઞાન,નવો અનુભવ પ્રાપ્ત કરી શકતો નથી, ત્યાં સુધી હું પુનર્જન્મ શા માટે ન લઉં?’ (ક્રમશ:)
Your Content Goes Here