મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી-

એક સમયે, જંગલમાં ઝૂંપડી બાંધીને ગૌતમ નામના વિનમ્ર અને આત્મસંયમી ઋષિ નિવાસ કરતા હતા. તેમને એક વખત માતાવિહોણું હાથીનું બચ્ચું મળી આવ્યું અને તે જોતાં ઋષિ અત્યંત શોકાતુર બન્યા. તે નાનું પશુ કદાવર અને જોરાવર હાથી બની ગયું ત્યાં સુધી તે સજ્જન ઋષિએ તેનું લાલનપાલન કર્યું.

એક વખતે ઇન્દ્રે તે પર્વત સમાન મહાકાય વિશાળ પ્રાણીને જોયું અને રાજા ધૃતરાષ્ટ્રનો સ્વાંગ લઈને તે હાથીને પકડ્યો અને તેને લઈને ચાલવા લાગ્યો. તે જોઈને ગૌતમે ઇન્દ્રને કહ્યું, ‘હે કૃતઘ્ન રાજા, મારો હાથી ન લઈ જાઓ. તે હાથી તો મને જળ અને લાકડાં લાવી આપે છે, જ્યારે હું બહાર જઉં છું ત્યારે મારા આશ્રમની રક્ષા કરે છે, તે ખૂબ ભલો અને આજ્ઞાંકિત છે, વળી તે મને ખૂબ જ વહાલો પણ છે.’

ધૃતરાષ્ટ્રે હાથીના બદલામાં ગૌતમ ઋષિને સો ગાયો, નોકરાણીઓ, સોનું અને રત્નો આપવાનું જણાવ્યું. પરંતુ ધન-સંપત્તિ વનવાસી ઋષિને શા ખપનાં? ધૃતરાષ્ટ્રે દલીલ કરી કે હાથી તો રાજવી પ્રાણી છે અને રાજાના દરબારની સેવા માટે યોગ્ય છે અને આમ કહી તે હાથીને લઈ ચાલતો થયો.

પરંતુ ગૌતમ ઋષિએ કહ્યું, ‘તું યમલોકમાં જઈશ, છતાંય ત્યાં પણ હું તારી પાસેથી હાથી પાછો લેવા માટે આવીશ.’ રાજાએ ઉત્તર આપ્યો, ‘જેઓ પાપી અને નાસ્તિક છે, ઇન્દ્રિયસુખની તૃપ્તિમાં રત છે તેઓ યમલોકમાં જાય છે.’

ગૌતમ ઋષિએ જવાબ આપ્યો, ‘યમલોકમાં સત્યનું ચલણ છે. દુર્વૃત્તિ તો સદ્વૃત્તિ પર (કામચલાઉ) વિજય મેળવે છે.’

રાજાએ કહ્યું, ‘યમલોકમાં તો માત્ર પાપી જ જાય, હું તો ઊર્ધ્વતર લોકમાં પહોંચીશ.’ ગૌતમ ઋષિએ કહ્યું, ‘તું ભલે ગંધર્વો અને અપ્સરાઓના વૈશ્રાવણ લોકમાં જાય, હું ત્યાંથી પણ મારો હાથી પાછો લાવીશ.’

રાજાએ કહ્યું, ‘હું તો હજીય ઉચ્ચતર સ્થાન શોધીશ.’ ઋષિએ કહ્યું, ‘તું ભલે કિન્નરોના ગાનથી ગુંજતાં ફૂલભર્યાં જંગલોવાળા સુમેરુ પર્વતની ટોચ પર જા, હું ત્યાં પણ તારો પીછો કરીશ અને મારો હાથી પરત મેળવીશ.’

આમ પ્રત્યેક ઉચ્ચતર સ્થાન વિશે ઇન્દ્ર કહેતો ગયો: નૃત્ય અને ગાયન-વાદનને વરેલાઓના આશ્રયસ્થાન એવો ફૂલોની વનરાજીવાળો નારદલોક, સોમની સુંગધયુક્ત ભૂમિ, અપ્સરાઓથી શોભતું ઇન્દ્રનું સ્વર્ગ, ઋષિઓનાં સ્વર્ગ, બ્રહ્મલોક ઇત્યાદિ. ધૃતરાષ્ટ્રે કહ્યું,  ‘ત્યાં તું મને શોધી શકીશ નહિ.’ ઋષિએ કહ્યું, ‘હું તને ત્યાં પણ શોધી કાઢીશ અને મારો હાથી પાછો મેળવીશ. હવે હું તને ઓળખી ગયો છું. તું ઇન્દ્ર છે, ભિન્ન ભિન્ન રૂપ લઈને ફરવાની ટેવવાળો છે.’

ગૌતમ પોતાને ઓળખી ગયો છે એ જાણીને ઇન્દ્ર પ્રસન્ન થયો અને તેમને વરદાન આપ્યું. ગૌતમ ઋષિએ કહ્યું કે હાથી તેમને પાછો મળવો જોઈએ કારણ કે તે ઘણો નાનો છે, હજુ માત્ર દસ જ વર્ષનો. મેં તેને મારા સંતાનની જેમ ઉછેર્યો છે. આ ગાઢ જંગલમાં તે મારો પ્રિય સાથીદાર છે. ઇન્દ્રે જવાબ આપ્યો, ‘જુઓ, હાથી તમને એટલો પ્રિય છે કે તે તમારી નજીક આવે છે અને તમારાં ચરણોમાં તેનું મસ્તક ઝૂકાવે છે. તમારું શુભ થાઓ.’ પછી ગૌતમ ઋષિએ દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા અને હાથી લઈને ચાલ્યા. ઇન્દ્રે ફરી વખત ગૌતમ ઋષિને આશીર્વાદ આપ્યા અને હાથી સહિત ગૌતમ ઋષિને સાથે લઈ તેઓ સ્વર્ગમાં સિધાવ્યા, જે લોકમાં સત્પુરુષો પણ ભાગ્યે જ જાય છે.

જે આ કથા કહેશે અથવા સાંભળશે તે આવા સ્વર્ગના અધિકારી બનશે.

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.