ઈક નદિયા ઈક નાર કહાવત, મૈલો હી નીર ભરો !
જબ મિલ કરકે એક બરન ભયે, સુરસરિ નામ પર્યો.
આ અવતરણ પરથી આપણને આપણી રાષ્ટ્રિય એકતાની દીવાલમાં બાકોરાં પાડનાર અનેક સુરંગોનો ખ્યાલ આવે છે અને રાષ્ટ્રિય એકતા સાધવામાં રાજકીય બળ કરતાં ધાર્મિક કે આધ્યાત્મિક બળ કેટલું મોટું અને પ્રભાવશાળી હતું એનો ખ્યાલ આવે છે.
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો આપણે રાષ્ટ્રિય એકતાની બાબતમાં ગૌરવ લઈ શકીએ તેમ નથી. વા-વંટોળની માફક મહંમદ ઘોરી ચઢી આવ્યો, મૂર્તિ અને મંદિરો ભાંગ્યાં. અલગ અલગ રીતે આપણે પ્રતિકાર કર્યા પણ રાષ્ટ્રિય એકતાને નામે શૂન્ય. ધર્મના નામે ‘હર હર મહાદેવ’ કહીને પણ આપણે એકત્ર થઈ શક્યા નહીં. શીખો એ બાબતમાં અપવાદરૂપ છે. ‘અલ્લાહો અકબર’ને નામે મુસ્લિમો એક થઈ શક્યા હતા. શિવાજી મરાઠાઓને એકત્ર કરી શક્યા હતા ને રાષ્ટ્રિય એકતાની દિશામાં કંઈક હલચલ થઈ હતી. પણ પેશવાઓની ‘સ્વાર્થબુદ્ધિ અને ભેદબુદ્ધિ’ એ સાકાર થતા સ્વપ્નને રોળી નાખ્યું. આમ અફઘાનો, તુર્કો, મુઘલો, અંગ્રેજો વગેરેનાં સતત આક્રમણોથી આપણે છિન્ન-ભિન્ન થઈ ગયા હતા. આપણી અખંડિતતા ગુમાવી બેઠા હતા. રાજકીય દૃષ્ટિએ આ સ્થિતિ હતી તો ધાર્મિક દૃષ્ટિએ તો અત્યારના અર્થમાં આપણે રાષ્ટ્રિયતાનો વિચાર કર્યો જ નથી. આપણા દેશમાં અનેક ધર્મો અને અનેક સંપ્રદાયો છે. જુદા જુદા ધર્મ સંપ્રદાયવાળાઓની વફાદારી એમના વાડાઓ પૂરતી જ મર્યાદિત છે. ધર્મ અને સંપ્રદાયની આ સંકુચિતતાએ દેશની અખંડિતતાનો વિચાર કરવા દીધો જ નથી. કોઈક કોઈક દીર્ઘદ્રષ્ટા સમ્રાટો કે લોકનેતાઓએ એ દિશામાં વિચાર કર્યો છે જે લાંબો સમય ટક્યો નથી.
આપણી જ્ઞાતિઓનાં બંધનોએ રાષ્ટ્રિયતાના માર્ગની મોકળાશ વધારવા કરતાં કાંટા જ વધાર્યા છે. આપણાં ઘર આપણા સંકુચિત કિલ્લા બન્યા અને આપણા ગ્રામદેવતા આપણા રાષ્ટ્રદેવતા કરતાં ઊંચે આસને પ્રતિષ્ઠિત થયા. આમ ઘર, ગામ, સમાજ, ધર્મ, રાજ્ય-સર્વથા આપણી પ્રવૃત્તિ રાષ્ટ્રિય-એકતાને પોષક નીવડી શકી નથી.
રાષ્ટ્ર અને રાષ્ટ્રિયતાની વ્યાપ્તિ બાંધવી એ અઘરી વસ્તુ છે. એનો આધાર એક જ વસ્તુ ઉપર નથી, અનેક પરિબળો એની પાછળ કામ કરી રહ્યાં હોય છે. એકતા એ એનો આત્મા છે અને એ એકતા અનેક બાબતો ઉપર આધાર રાખે છે. દા.ત. એક પ્રજા તરીકે આપણે ત્યાં હિન્દુ, બૌદ્ધ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, શીખ, જૈન વગેરે અનેક સંપ્રદાય અને ધર્મના માણસો છે. એમની વફાદારીમાં દૃઢ અને તીવ્ર એકતા નથી. બિનસાંપ્રદાયિક રાજ્યનો આદર્શ આપણે સ્વીકાર્ય છે. પણ પૂરતી કેળવણી અને સંસ્કારને અભાવે આપણી શુદ્ધ રાષ્ટ્રભક્તિ જામતી નથી. દેશની વફાદારી કરતાં સંપ્રદાય અને ધર્મની વફાદારી વધી જતી હોય છે. આપણને ગમે કે ન ગમે પણ આ કડવું સત્ય છે. રાષ્ટ્રિયતાની એક શરત છે ભૌગોલિક એકતા. આ ભૌગોલિક અખંડિતતા જ્યારે બહારના દેશોનાં આક્રમણોથી ખંડિત થાય છે ત્યારે રાષ્ટ્રના એક અંગ તરીકે આપણાં રુવાડાં ખડાં થતાં જોઈએ છીએ. બીજાં રાષ્ટ્રો ઉપર આક્રમણ કરવું એ ભૂંડી ચીજ છે, પણ અન્ય રાષ્ટ્રોનાં આક્રમણોને ખાળવા જેટલી રાષ્ટ્રિય એકતા તો હોવી જ જોઈએ. આજે તો ભાષાવાર પ્રાંત રચનાને કારણે આપણી પ્રાદેશિક ભક્તિ એટલી બધી સંકુચિત થઈ ગઈ છે કે આપણા પડોશી પ્રાંતો જ આપણે માટે પરદેશી જેવા થઈ પડ્યા છે ને આપણા દેશમાં પ્રાંતે પ્રાંતે નિર્વાસિતોની સંખ્યા વધતી જાય છે. આ ભાષાવાદની માફક જ્ઞાતિવાદ, રાજ્યવાદ, સંપ્રદાયવાદ, રાષ્ટ્રભાષાના પ્રશ્નો, નદીના પાણીના પ્રશ્નો, લિપિના પ્રશ્નો – આવા અનેક સંકુચિત અને સંકુલ પ્રશ્નો આપણી રાષ્ટ્રિય-એકતાના મૂળમાં કુઠારાઘાત કરે છે. આપણી ભાવાત્મક એકતા જામતી નથી. આપણામાં શુદ્ધ, તંદુરસ્ત અને વિકસતી જતી લોકશાહીને પોષક તત્ત્વો ખરેખર છે ખરાં? રાષ્ટ્રની વફાદારી કરતાં એમાં અંગત વફાદારી વિશેષ નથી શું ? આપણે આ બધા સંકુચિત વાડાથી ઉપર ઊઠીને રાષ્ટ્રહિતની દૃષ્ટિએ વિચારીએ છીએ ખરા?
સીમિત ભૌગોલિક પ્રદેશમાં અમુક એક જ જાતિ રહેતી હોય તેથી રાષ્ટ્ર બને ને રાષ્ટ્રિય એકતા જળવાય એ વાત પણ સાચી નથી. યુ.એસ.એ.માં અનેક જાતિઓ હોવા છતાં પણ ત્યાં રાષ્ટ્રિયતા જામી છે. સ્વીસ જેવા દેશોમાં અનેક ભાષાઓ હોવા છતાં પણ ખાસ વાંધો આવતો નથી. જંગમ યહૂદીઓને માતૃભોમના અસ્તિત્વ કરતાં એની અપેક્ષાઓ અને પ્રતીક્ષા એકતાના સૂત્રે ગંઠિત રાખે છે. એટલે એક જ જાતિ, એક જ સીમિત પ્રદેશનિવાસ, એક જ ભાષા, એક જ સંપ્રદાય-ધર્મ, એક જ ઇતિહાસ, એક જ પંરપરા, સમાન હિતો, સમાન રાજકીય આકાંક્ષાઓ, સમાન આદર્શો- એથી રાષ્ટ્ર બને અને રાષ્ટ્રની અખંડિતતા જળવાય એ સંપૂર્ણ સત્ય નથી, અમુક અંશે જ સાચું છે. એકતાનો ભાવ જન્માવનાર સૂક્ષ્મ પરિબળો તો તેમના પ્રજાકીય સામૂહિક પુરુષાર્થ, સમાન ભવ્ય ઇતિહાસ, કલા, સાહિત્ય અને ઉજ્જવળ સંસ્કૃતિમાં પડેલાં હોય છે. રાષ્ટ્રિયતા એ તો એક પ્રબળ ભાવના છે, જે વિશેષત: પ્રજાના અંતરમાં ઊગતી હોય છે, જે પ્રજાને સંવાદી જીવન જીવવા સતત પ્રેરે છે. કંઈક અંશે એ આધ્યાત્મિક વૃત્તિ જેવી છે. એ ભાવનાત્મક એકતાવૃત્તિ છે જે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રજાને જીવંત અને અખંડિત રાખે છે.
‘પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ’માં ટાગોર કહે છે : ઇંગ્લેન્ડમાં કહો કે ફ્રાંસમાં કહો, બીજી બધી બાબતોમાં લોકોના અભિપ્રાય જુદા જુદા હોઈ શકે પરંતુ પોતપોતાના રાષ્ટ્રિય સ્વાર્થનું પ્રાણપણે રક્ષણ અને પોષણ કરવું જોઈએ એ વિશે મતભેદ નથી. એ બાબતમાં તેઓ એકાગ્ર છે, પ્રબળ છે, નિષ્ઠુર છે. ત્યાં આઘાત થતાં આખો દેશ એક મૂર્તિ ધારણ કરીને ઊભો થઈ જાય છે.
પ્રત્યેક જાતિને જેમ એક જાતીય ધર્મ હોય છે તેમ જાતિ, ધર્મથી પર એક શ્રેષ્ઠ ધર્મ પણ હોય છે. તે માનવ માત્રનો ધર્મ છે.
કંજૂસના ઘરમાં પડ્યું પડ્યું સડતું આતિથ્યભ્રષ્ટ આસન નહીં, પણ સૌ જેના ઉપર વિના વિરોધે સ્થાન પામી શકે એવું ઉદાર આસન એ જ ચિરંતન ભારતવર્ષનું સ્વરચિત આસન છે.
આપણી રાષ્ટ્રિયતા ભલે હજી શિશુ અવસ્થામાં હોય, ભલે હજી એને વિકાસની વસમી વેદના વેઠવાની હોય, પણ એનો અંતિમ આશય રાષ્ટ્રકલ્યાણ દ્વારા માનવ કલ્યાણનો હોઈ, એના યોગ્ય વિકાસ માટે, એની ભાવનાઓને માટે આજે તો એકતા અનિવાર્ય શરતરૂપ છે- અને આ એકતાનાં કેટલાંક પ્રભાવશાળી કરણોમાં આપણા રાષ્ટ્રધ્વજ અને આપણા રાષ્ટ્રગીતનો પણ સમાવેશ થાય છે.
Your Content Goes Here