વિકરાળ સંસારમાં મોહજ્વાળાદગ્ધ જીવ અનેકાનેક યોનિઓમાં ભ્રમણ કરતો દૈવવશાત્ જ્યારે મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ત્યારે એનું ચરમ લક્ષ્ય ઇન્દ્રિયસુખ કે ભોગવિલાસ નહીં પણ એકમાત્ર પ્રભુપ્રાપ્તિ જ હોવું જોઈએ, જેમ કે શ્રીરામકૃષ્ણદેવ વારંવાર કહ્યા કરે છે : ‘મનુષ્યજીવનનો ઉદૃેશ છે ઈશ્વર પર પ્રેમ થવો, ઈશ્વરને ચાહવો, ઈશ્વરમાં ભક્તિ જ સાર વસ્તુ.’ તો આવી ભગવત્ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે સત્સંગ-સાધુસંગ. સત્સંગ પણ ત્યારે જ સંભવ છે, જ્યારે સત્ સંત અર્થાત્ સાચા સાધુ મળે. સત્ના વિભિન્ન અર્થો પૈકી અત્રે આપણો સત્નો અર્થ ‘સંત’-સાધુપુરુષ એમ અભિપ્રેત છે. વિશાળ અર્થમાં જોઈએ તો સત્સંગ એટલે સાધુસંગ, સજ્જનપુરુષનો સંગ, શાસ્ત્રનો સંગ ઇત્યાદિ. સત્સંગ એટલે મહાપુરુષમાં પ્રેમ.

સાધનપંચક (2)માં સત્યશોધકે સંતોનો સંગ કરવાનું વિધાન છે. संग: सत्सु विधीयताम् ।

શ્રીરામકૃષ્ણ તેથી જ વારંવાર સાધુસંગ-સત્સંગ કરવા પર ભાર મૂકે છે. શ્રી‘મ’ એકવાર શ્રીરામકૃષ્ણદેવને પૂછે છે કે ઈશ્વરમાં મન કેવી રીતે જાય ? તેના ઉત્તરરૂપે શ્રીઠાકુર કહે છે કે ‘ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન કરવાં જોઈએ અને સત્સંગ.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત 1.22) વળી સંસારીજીવો માટે શું કોઈ ઉપાય નથી એવા એક ભક્તના પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીઠાકુર કહે છે કે ‘વચ્ચે વચ્ચે સાધુસંગ વગેરે કરવાં જોઈએ.’

ભારતવર્ષમાં સાધુસંતને ઈશ્વરના પ્રતિનિધિ માનવામાં આવે છે, સાધુસંત અને ભગવાનમાં અભેદ માનવામાં આવે છે. સાધુસંતોનો મહિમા એટલો અધિક છે કે સમગ્ર ત્રિલોક પણ તેનો પાર પામી શકે નહીં. નારદીય ભક્તિસૂત્રમાં છે કે तस्मिंस्तज्जने भेदाभावात्।  ભગવાન અને તેના પ્રિયજન-મહાપુરુષમાં કોઈ ભેદ નથી.

આવો સાધુસંગ અતિદુર્લભ, અગમ્ય અને અમોઘ એટલે કે હંમેશાં લાભકારક-કદાપિ વ્યર્થ ન જનારો છે એટલે જ નારદીય ભક્તિસૂત્ર (39) જણાવે છે કે महत्संगस्तु दुर्लभोऽगम्योऽमोघश्च ।  સંત તુલસીદાસ પણ તેવા જ ભાવમાં લખે છે – बिनु हरिकृपा मिलहिं नहिं संता । ભગવત્કૃપા વિના સાધુસંતનો સમાગમ થતો નથી. એનું કારણ શુંં ? તેના જવાબ રૂપે ભાગવત 9.4.68માં છે : साधवो हृदयं महयं साधूनां हृदयं त्वहम् ।

સાધુસંગનો મહિમા અપાર છે. શ્રીમદ્ ભાગવતનો શ્ર્લોક (1.18.13) આ ઉક્તિની પૂર્તિ કરે છે-

तुलयाम लवेनापि न स्वर्गं नापुनर्भवम् ।

भगवत्संगि संगस्य मर्त्यानां किमुताशिष: ॥

ભગવત્સંગી, ભગવત્પ્રેમી સાધુ-મહાત્માના લેશમાત્રના સત્સંગની તુલના સ્વર્ગ અને મોક્ષ સાથે પણ કરી શકાતી નથી, તો પછી મનુષ્યના તુચ્છ ભોગોની વાત જ કયાં રહી ?

સંસારસમુદ્રમાં ડૂબતા માનવ માટે સાધુસંતોનું અવલંબન દૃઢ નૌકા સમાન છે. સંસારસમુદ્રને કોણ પાર કરી શકે તેના જવાબમાં નારદભક્તિસૂત્ર (46) કહે છે, यो महानुभावान् सेवते – જે મનુષ્ય મહાનુભાવો અને સાધુસંતોનો સંગ-સેવા કરે છે તેઓ.

શ્રીઠાકુર જણાવે છે કે સાધુસંગથી એક લાભ થાય, સત્-અસત્નો વિચાર આવે. (કથામૃત.1.41) સત્-અસત્નો વિચાર એટલે સારાસાર વિવેક. માનવમન અતિ દુર્બળ છે, સાથોસાથ પ્રચ્છન્ન વિભૂતિનો આગાર પણ છે. કુસંગથી મનનું પતન થાય છે, તે જ મન સાધુસંગ પ્રાપ્ત થતાં ઊર્ધ્વ ગતિ પામી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક જીવન માટે ‘વિવેક’ અત્યાવશ્યક ગુણ છે. તુલસીદાસ પણ ગાય છે કે ‘બિનુ સતસંગ વિવેક ન હોઈ.’ આમ સાધુસંગથી કરોડો તીર્થોમાં સ્નાનનું ફળ મળે છે, દેહમનનાં પાપ નષ્ટ થાય છે. ભક્ત કવિ સૂરદાસની અનુભૂતિ વદે છે કે ‘જા દિન સંત પાહુને આવત, તીરથ કોટિ સમાન કરે ફલ, જૈસો દરશન પાવત.’

સતત-અવારનવાર સત્સંગ અર્થાત્ સાધુસંગથી વિચારોનું દિશાપરિવર્તન થાય છે. તમે જાતે જ અનુભૂતિ કરો-કોઈ ઉદ્યાન પાસેથી પસાર થાઓ તો વિભિન્ન પુષ્પોની સુગંધ મનને પ્રસન્નતાથી ભરી દેશે. સંત કબીર સમજાવે છે કે ‘કબીરા સંગતિ સાધુ કી, જ્યોં ગંધી કી વાસ, જો કછુ ગંધી દે નહીં, તો ભી વાસ સુવાસ.’ જો કોઈ પુષ્પ-વિક્રેતાને તમે કંઈ પણ ન આપો, છતાં તેનાં પુષ્પોની સુવાસ વિના માગ્યે-વિના મૂલ્યે તમને મળી જશે. તેવું જ છે સાધુસંગનું- ન કંઈ આપવું, ન કંઈ લેવું, છતાં વાતાવરણમાં સુગંધ- એ છે સાધુસંગની દેન.

સંત તુલસી ગાય છે કે ‘સઠ સુધરહિં સતસંગતિ પાઈ.’ જેમ લોખંડની કઠોરતા અને કાલિમા, પારસમણિના સંસ્પર્શમાત્રથી સુવર્ણની કોમળતા અને કમનીયતામાં ફેરવાઈ જાય છે તેવી જ રીતે સાધુસંગના પ્રતાપે કુમાર્ગી પાવન થઈ જાય છે. શું આ કથનનાં દ્રષ્ટાંતોની કોઈ કમી છે ? ના, જુઓ જવલંત અને જીવંત દૃષ્ટાંતો- વાલિયો લૂંટારો નારદમુનિના અલ્પસંગથી મહાકવિ વાલ્મીકિ બન્યો, ક્રૂરકર્મી અંગુલિમાલનું હૃદયપરિવર્તન પણ કેવી રીતે થયું- ક્ષણમાત્રના સાધુસંગથી.

કોઈપણ સાધુપુરુષ સમીપ જઈને તેમનાં દર્શન કરવાનું પ્રથમ ફળ તો એ હોય છે કે વ્યક્તિ પોતાને શાંત અને શુદ્ધ પરિવારોમાં રહેલો અનુભવે છે, જેનાથી વૈષમ્ય, અભાવ, દુ:ખ, ચિંતા અને ગ્લાનિના સઘળા ભાવ મટી જાય છે. જ્ઞાની સાધુસંતોના સમાગમથી તો સવિશેષ લાભ થાય છે કેમ કે તેમના શ્રીમુખેથી ભગવાનનો મહિમા, દયાળુતા અને પ્રેમની રસમય કથા સાંભળવા મળે છે પરંતુ મહાત્માઓનાં દર્શનથી જે સુખ મળે છે અને તેમના સંગથી જે લાભ પ્રાપ્ત થાય છે તે મોક્ષ સુખથી અધિક હોય છે અને સાધુસંગ કે સત્સંગનો સૌથી ઉચ્ચ અર્થ આ જ છે.

સ્કંદપુરાણ મુજબ जगति मनुजानां दुर्लभ: साधुसंग: ।  અર્થાત્ જગતમાં મનુષ્યોને સાધુસંગ દુર્લભ છે.

શ્રીઠાકુર કહે છે કે સંસારી માણસોને સાધુસંગની હંમેશાં જરૂર છે કેમ કે તેમને સંસાર-રોગ લાગુ પડેલો છે.(કથામૃત.1.391) વળી તેઓ ઉમેરે છે કે સાધુસંગ કરવાથી ભગવત્તત્ત્વ સમજી શકાય.(કથામૃત.1.506) આવા સમર્થનમાં શાસ્ત્રવાક્ય છે કે- संग: सतां किमु न मंगलमाप्नोति સાધુસંગથી જીવનું ક્યું મંગળ નથી થતું ? અર્થાત્ સાધુસંગથી માનવજીવનનું સઘળું માંગલ્ય સિદ્ધ થાય છે. સાધુસંગથી ઈહલોક અને પરલોક બંને સુધરી જાય છે. સાધુસંગથી સાંસારિક જીવનમાં ચારિત્ર્ય-વિકાસ થાય છે અને અધ્યાત્મ જીવનમાં ભગવત્સત્તાની અનુભૂતિ થાય છે. એટલે જ ‘મોહમુદ્ગર’માં આચાર્ય શંકર નોંધે છે કે- क्षणमिह सज्जन संगतिरेका भवति भवार्णवतरणे नौका । સાધુપુરુષનો એક ક્ષણનો સંગ પણ ભવસાગર તરવામાં નૌકારૂપ નીવડે છે. આવા જ સંદર્ભની સૂક્તિ રામચરિતમાનસમાં છે- તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરિઅ તુલા એક સંગ તૂલ ન તાહિ સકલ મિલિ જો સુખ લવ સતસંગ. લંકિની નામની રાક્ષસી હનુમાનજીને કહે છે કે ત્રાજવાના એક પલ્લામાંનું સ્વર્ગ, અપવર્ગનું સુખ પણ અન્ય પલ્લામાંના સત્સંગના સુખની તુલનામાં હલકું પડે. કેવી ગરિમા છે સાધુસંગની, સત્સંગની !

શ્રીઠાકુર વિશેષત: જણાવે છે કે હંમેશાં સાધુસંગની જરૂર છે. સાધુસંગ કરવાથી શાંતિ થાય(કથામૃત.1.509) વળી અન્યત્ર કહે છે કે અધ્યાત્મજ્ઞાન ઉપાર્જન કરવા માટે સાધુસંગ જોઈએ.(કથામૃત.1.6.30) અવારનવાર સત્સંગની બહુ જ જરૂર.(કથામૃત.1.680) સાધુસંગથી પોતાની ઘડિયાળ મેળવીને ઘણીખરી બરાબર કરી લેવાય. (કથામૃત.2.446) એટલા માટે સાધુ સદાય જરૂરી છે.(કથામૃત.2.8)

સાધુ, સંત, ફકીર એ બધાં ફલત: સમાનાર્થી છે. સાધુસંતનો મહિમા અપાર છે, એથીય અપાર છે સાધુસંગનો મહિમા.

વસ્તુત: સાધુસંગનો યથાર્થ પરિચય સંતકૃપાથી જ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ પહેલાંથી જ કોઈને કોઈ દોષ શોધવાની દુષ્ટ બુદ્ધિથી, દોષારોપણ થઈ શકે એવાં છિદ્રો શોધવાની બદદાનતથી જે કોઈ સાધુસંત સમીપ જાય છે તેના માટે સાધુનો યથાર્થ પરિચય મેળવવાનું અને સંતકૃપા પ્રાપ્ત કરવાનું અત્યંત કઠિન છે. શ્રદ્ધા, સેવા અને જિજ્ઞાસાથી જ મનુષ્યને સાધુસંગનો લાભ થાય છે. આવું હોવા છતાંય અકારણ કૃપાળુ સાધુસંતનો અજ્ઞાત સંગ પણ ક્યારેય વ્યર્થ નથી જતો; જે મહાન કલ્યાણકલ્પતરુનું ભગવત્પ્રેમરૂપી અક્ષયબીજ છે તે હૃદયક્ષેત્રમાં પડી જ જાય છે તે અજ્ઞાત સત્સંગથી કાળક્રમે સાનુકૂળ સ્થિતિમાં ઊગે છે, ફળે-ફૂલે છે.

અહા ! જે ભાગ્યવાન્ મનુષ્યને આ જીવનમાં કોઈ સત્પુરુષનો પાવનસંગ મળી ગયો છે અને જેને તેમની ચરણધૂલિ મસ્તક પર ચઢાવવાનું અને ચરણસેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવી વ્યક્તિથી વિશેષ સુખ-શાંતિનો અધિકારી કોણ હોઈ શકે ?

સંત તુલસીદાસ સાધુસંગને બધાં જ સુખ અને આનંદનું મૂળ ગણાવે છે અને સત્સંગને જ બધી સાધનાઓનું ફળ માને છે, અન્ય સાધનાઓ ફૂલ સમાન છે- सतसंगति मुदमंगलमूला । सोइ सब सिधि सब साधन फूला । આટલું જ નહીં, વધુમાં તેઓ લખે છે કે સાધુસંગના પ્રભાવથી હલકામાં હલકો મનુષ્ય પણ સજ્જન બની જાય છે, જેમ કે પારસમણિના સંસ્પર્શથી લોખંડ પણ સ્વર્ણ બની જાય છે – सठ सुधरहि सतसंगति पाइ। पारस-परस कुधातु सुहाई ।

સાધુસંગ ત્રિતાપદગ્ધ જીવને આત્માના અનંત આનંદ પ્રતિ દોરી જાય છે. સાધુસંત સ્પર્શ દ્વારા અને કૃપાદૃષ્ટિના કિરણથી મનુષ્યના હૃદયમાં આત્મજ્ઞાનની જ્યોતિ પ્રગટાવે છે. સાધુસંગ સમગ્ર માનવજાતિને જન્મજન્માંતરની મોહનિદ્રામાંથી જગાડી શકે છે, દ્વંદ્વોથી મુક્ત કરી શકે છે અને જિજ્ઞાસુને કહી શકે છે કે- ‘ઊઠો, જાગો, તે પરમતત્ત્વને પિછાણો, જેના દ્વારા તમે આ સંસારરૂપી દુ:ખસાગરથી પાર થઈ શકો છો !’

સાધુસંગ માત્રથી જ, સાધુસંતની સન્નિધિ માત્રથી જ મનુષ્ય પવિત્ર બની જાય છે. જે મનુષ્ય એકપણ વખત સાધુસંતના તેજોમંડળની અંદર આવી ગયો, તે તો સદા માટે ધન્ય બની ગયો જ સમજવો !

શ્રીમદ્ ભાગવત (11.26.26)માં સાધુસંગનો મહિમા ગાતાં લખ્યું છે :

ततो दु:संगमुत्सृज्य सत्सु सज्जेत बुद्धिमान् ।

सन्त एतस्य छिन्दन्ति मनोव्यासंगमुक्तिभि: ॥

અર્થાત્ બુદ્ધિમાન મનુષ્ય દુ:સંગનો પરિત્યાગ કરીને સત્પુરુષોનો સંગ કરે કારણ કે સત્પુરુષો ઉપદેશો દ્વારા તેની આસક્તિઓનો નાશ કરી દે છે.

શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધના અગિયારમા અધ્યાયમાં અને તૃતીય સ્કંધના પચ્ચીસમા અધ્યાયના વીસથી સત્યાવીસ શ્ર્લોકમાં તથા અન્યત્ર સાધુસંગ કેવી રીતે મનુષ્યને પવિત્ર કરે છે તેનું વિશદ વર્ણન મળે છે.

વ્યક્તિની જ્ઞાનપિપાસા જેટલી તીવ્ર, તેટલી જ અધિક માત્રામાં તેને સાધુસંગનો લાભ મળે છે. શ્રીમદ્ ભાગવતના અગિયારમા સ્કંધમાં મહારાજ નિમિ કહે છે કે સંતોનો ક્ષણભરનો સંગ પણ અતિ મૂલ્યવાન હોય છે- संसारेऽस्मिन् क्षणार्धोऽपि सत्संग: शेवधिनृणाम्   (11.2.30) શ્રીમદ્ ભાગવતમાં અન્યત્ર છે કે इति जातसुनिर्वेद: क्षणसंगेन साधुषु (6.2.39) અર્થાત્  અજામિલ મહાપાતકી હતો પણ એક ક્ષણના સત્સંગથી તેને વૈરાગ્ય થયો, તે ભગવત્પથનો પથિક બની ગયો.

રાજા પરીક્ષિતને શૃંગી ઋષિનો શ્રાપ હતો કે ‘આજથી સાતમા દિવસે મેં મોકલેલો તક્ષકનાગ તને કરડશે.’ રાજા પરીક્ષિતે તત્ક્ષણ શ્રાપવિમોચન માટે શુકદેવજીનું શરણ ગ્રહણ કર્યું અને શ્રીમદ્ ભાગવતના શ્રવણ માત્રથી સાતમા દિવસે તેઓની સદેહ મુક્તિ થઈ. આ છે સત્સંગનું ફળ!

રાજા ઉત્તાનપાદની માનીતી પત્ની સુરુચિનાં કટુ વચનોથી દુ:ખી થઈ બાળક ધ્રુવ જંગલમાં તપ કરવા ચાલી નીકળ્યો. માર્ગમાં દેવર્ષિ નારદનો મિલાપ થતાં તેમણે ધ્રુવને જ્ઞાનોપદેશરૂપી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર આપ્યો. આના પરિણામરૂપે ધ્રુવને શ્રીહરિના સ્થાનની પ્રાપ્તિ થઈ. આ છે સત્સંગની મહત્તા!

રાજા રહૂગણે પાલખી ઉપાડનાર જડભરતને કટુ વચનો સંભળાવ્યાં. જડભરત તો હતા બ્રહ્મજ્ઞ પરમહંસ. તેમણે રાજાને પરમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને તેના ફળ સ્વરૂપ રાજાના સર્વ સંશયો દૂર થયા. આ છે સત્સંગનું  માહાત્મ્ય!

કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણના ગીતોપદેશથી સખા અર્જુનનો મોહનષ્ટ થયો હતો અને જ્ઞાનોપલબ્ધિ થઈ હતી – नष्टो मोह: स्मृतिर्लब्धा । (ગીતા – 18.73)

દુષ્કર સંસારસાગરથી શીઘ્રપણે પાર ઊતરવાનો સહજ-સરળ ઉપાય એક માત્ર સત્સંગ છે. સાધુપુરુષોનો સંગ આધિ-વ્યાધિ અને શોકતાપથી વિમૂઢ બનેલા મનુષ્યનાં હૃદય-મનને સુખકર છે, કેમ કે સાધુસંગમાં ભગવાનની લીલાશક્તિ પ્રકટ કરનારી કથા સાંભળવા મળે છે અને આ કથામૃતથી શીઘ્રતાપૂર્વક ભગવાન પ્રત્યે શ્રદ્ધા, અનુરાગ અને ભક્તિ જાગે છે.

આવો અપાર મહિમા છે સાધુસંગનો, સત્સંગનો. એટલે જ શ્રીઠાકુર કહે છે કે અવારનવાર સત્સંગની બહુ જ જરૂર.

Total Views: 384

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.