‘નર્મદે હર’

नर्मदा शर्मदा लोके पुरारिपददा मता ।

ये सेवन्ते नरा भक्त्या तेन यान्ति पुनर्भवम् ॥

નર્મદા મૈયા આ લોકમાં શાંતિ અને પરલોકમાં શિવલોક પ્રદાન કરે છે. જે મનુષ્ય ભક્તિભાવથી એની પૂજા-અર્ચના કરે છે તે ભવસાગર પાર કરી જાય છે.

એક મોટું દવાખાનું હતું. એક ડોક્ટર આ દવાખાનાની એક શાખાના વડા, બાળ દર્દીઓની ચિકિત્સામાં પારંગત. તેઓ ખૂબ જ નિષ્ઠાથી અને કાળજી પૂર્વક દરેક દર્દીની સેવા કરતા. બધા તે ડોક્ટરની ચિકિત્સા સેવાની પ્રશંસા પણ કરે. ડોક્ટરને શોધવા હોય તો દવાખાનમાં અથવા તેના પોતાના ઓરડામાં. આમ ડોક્ટર ચોવીસેય કલાક સેવામાં જ ઓતપ્રોત રહેતા. દવાખાનાના મેટરનીટી હોમમાં એક બપોરે બાળકનો જન્મ થયો. નવજાત શિશુની તબિયત થોડી નાજુક હતી. ડોક્ટરે તપાસ કરી ચિકિત્સા શરૂ કરી. તબિયતમાં થોડો સુધારો આવ્યો. ધીમે ધીમે સાંજ પડી. દવાખાનાના નિયમ પ્રમાણે દર્દીઓનાં બધાં સગાં થોડે દૂર આવેલ પરસાળમાં વિશ્રામ કરવા ગયા. આ બાળકની મા સિવાય બીજાં બધાં સગાં વિશ્રામગૃહમાં જતાં રહ્યાં.

રાત્રે બારેક વાગ્યે ડોક્ટર સાહેબ પર નર્સનો ફોન આવ્યો. ડોક્ટર તાબડતોબ પોતાના ઓરડામાંથી આશ્રમના જ પ્રાંગણમાં આવેલ દવાખાનામાં પહોંચ્યા. પેલા નવજાત શિશુની હાલત થોડી ગંભીર હતી. ડોક્ટરે તેમને બીજી દવાઓ આપી નર્સને વિશેષ સૂચનાઓ આપીને ફરી પોતાના ઓરડામાં ગયા. દવાખાનેથી વહેલી સવારે ફરીથી ફોન આવ્યો. ડોક્ટર ખૂબ જ ઝડપથી દવાખાને પહોંચ્યા. ઘણી જહેમત પછી પણ તે બાળકે થોડી જ વારમાં અંતિમ શ્વાસ લીધા. તે બાળકને પોતે બચાવી ન શક્યા એથી ડોક્ટર ખિન્ન થઈ ગયા. બાળકની માતા પણ બૂમબરાડા કરીને રડવા લાગી. બીજાં સગાંવહાલાં પણ આવી પહોંચ્યાં.

પેલી સ્ત્રીએ રડતાં રડતાં આરોપ મૂક્યો કે ‘મારું બાળક રાત સુધી સ્વસ્થ જ હતું. હું થોડી વાર સૂતી એટલી વારમાં આ લોકોએ બીજા મરેલા બાળકની સાથે મારું બાળક બદલી નાખ્યું છે. અહીં બાળક બદલવાનું ષડયંત્ર ચાલે છે.’ આવું તો તે કેટલુંય બોલવા લાગી. ડોક્ટર તો સ્તબ્ધ બની ગયા. નર્સ અને બીજા ડોક્ટરો પણ તે સ્ત્રીને કહેવા લાગ્યા કે તમારા બાળકને બચાવવાના બધા જ પ્રયત્નો અમે કર્યા હતા. પરંતુ બાળકની મા અને બીજાં સગાં કંઈ જ સાંભળવા તૈયાર ન હતાં. એમણે તો મીડિયાવાળાઓને બોલાવ્યા અને તેમણે કંઈક ધતિંગ કર્યાં.

પેલા ડોક્ટર સાહેબના ઓરડા અને દવાખાનાની વચ્ચે ભગવાનનું મંદિર હતું. હજુ સુધી ડોક્ટર સાહેબને કોઈએ મંદિરમાં જતા જોયા ન હતા. પરંતુ તે દિવસે ડોક્ટર સાહેબ મંદિરમાં ભગવાન સામે હાથ જોડી ઊભા હતા. આંખમાં અશ્રુની ધારા! ભગવાન સમક્ષ પોતાના હૃદયની વ્યથા રજૂ કરતાં ડોક્ટર સાહેબના મનમાં વિચાર આવે છે કે ‘મારી સેવાની આ સજા! મારી નિષ્ઠા સાથે આવી મજાક!’

હવે ડોક્ટરને વિરક્તિભાવ જાગ્યો- ડોક્ટરી પ્રત્યે, દવાખાના પ્રત્યે, દર્દીઓ પ્રત્યે, સંસાર પ્રત્યે! તેમની નજર સમક્ષ અંધકાર છવાઈ ગયો. ડોક્ટર સાહેબે બધું જ છોડી દઈને મા નર્મદાની પરિક્રમા કરવાનું શરૂ કર્યું. આ વાસ્તવિક ઘટના સેવાવ્રતીઓને ઘણું બધું કહી જાય છે. એટલે સ્વામીજીએ દરેક સાધકને જીવનમાં ચારેય યોગોનો સમન્વય કરવાનું કહ્યું છે. એ વિશદ ચર્ચાનો વિષય છે. રંગ અવધૂત બાબાએ કહેલી વાત અહીં ટાંકી શકાય : ‘જો કોઈને ભગવાનમાં શ્રદ્ધા ન હોય તેમ છતાં પણ તેમની અનુભૂતિ કરવી હોય તો જિજ્ઞાસા અને નમ્રતા સાથે નીકળી પડો મા નર્મદાની પરિક્રમાએ.’

લેખક સંન્યાસી પરિક્રમા કરતાં કરતાં ગુજરાતના કોટેશ્ર્વર પહોંચ્યા. ત્યાં તેમને એક સજ્જન ગૃહસ્થ સાથે મુલાકાત થઈ. તે ગૃહસ્થ પણ પરિક્રમા કરતા હતા. કોટેશ્ર્વર મહાદેવ આશ્રમની ગૌશાળામાં તેઓ સેવા આપતા હતા. કારણ કે ચાતુર્માસ ચાલતો હતો. વાતમાંથી વાત નીકળી, પરિક્રમા ક્યાંથી શરૂ કરી, શા માટે કરી વગેરે. તેમણે કહ્યું, ‘મહારાજ, મારાં બે ભણેલાં-ગણેલાં સંતાનોને નોકરી મળતી ન હતી. મેં નર્મદા મૈયાને પ્રાર્થના કરી કે મારાં બે બાળકો નોકરીમાં લાગે તો હું તમારી પરિક્રમા કરીશ. થોડા જ સમયમાં તેમને નોકરી મળી ગઈ. એટલે હું નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છું.’

આ ઘટનાઓ અંધશ્રદ્ધા વધારવા કે તેના માટે નથી પણ શ્રીશ્રીમા નર્મદા મૈયા આ સમયે પણ સાક્ષાત્ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનારાં જાગૃત દેવી છે- એ સૂચિત કરવા માટે છે.

પરિક્રમાનો અર્થ એટલે જેની પરિક્રમા કરવાની હોય તેને જમણા હાથે રાખીને જ્યાંથી પ્રદક્ષિણા શરૂ કરી હોય ત્યાં પાછા પહોંચીએ ત્યારે એક પરિક્રમા પૂરી થઈ કહેવાય. નર્મદા તટના બધા જ ઘાટ પાવન છે. તેથી કોઈપણ ઘાટથી પરિક્રમાનો પ્રારંભ કરી શકીએ. સામાન્ય રીતે લોકો અમરકંટક કે ઓમકારેશ્ર્વરથી પરિક્રમા શરૂ કરતા હોય છે. પરિક્રમા દરમિયાન મા નર્મદાનો પ્રવાહ જમણી બાજુએ રાખવાનો હોય છે. મુખ્ય પ્રવાહને ક્યારેય ઓળંગવો નહીં. પરિક્રમાના અંતે સાથે લીધેલ નર્મદાનું જળ ઓમકારેશ્ર્વર બાબાને ચડાવવાનું હોય છે, ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાય.

પરિક્રમા અંગે વધુ નિયમો, પથપ્રદર્શન, તીર્થસ્થાનો વગેરેની વિસ્તૃત માહિતી માટે ‘નર્મદા પરિક્રમા-માર્ગદર્શિકા’ પુસ્તક શ્રીરંગઅવધૂત પ્રકાશન, નારેશ્ર્વર દ્વારા માત્ર રૂ.10માં પ્રાપ્ય છે. એ પુસ્તકમાં પૂ.આત્મકૃષ્ણ મહારાજે પરિક્રમાવાસીઓ માટે ખૂબ પરિશ્રમ કરીને અત્યંત ઉપયોગી માહિતી આપેલ છે.

ત્રણ વર્ષ, ત્રણ મહિના, તેર દિવસમાં ખુલ્લા પગેચાલીને, માર્ગદર્શિકામાં બતાવ્યા અનુસાર જે તે નર્મદાતટના તીર્થમાં નિવાસ કરીને, સાધના કરીને પરિક્રમા પૂર્ણ થાય એને ઉત્તમ પરિક્રમા માનવામાં આવે છે. ઘણા ભક્તોની પરિક્રમા તો બાર-બાર વર્ષ સુધી ચાલે. કોઈ અખંડ જ્યોત લઈને, કોઈ ઊભા ઊભા (ખડેશ્ર્વરી બાબા), કોઈ કોઈ રમત-ગમતની હરીફાઈમાં ભાગ લીધો હોય તેમ 108 દિવસમાં પરિક્રમા કરતા હોય છે!

પરિક્રમાના બીજા પ્રકારોમાં ખંડ-ખંડ પરિક્રમા, હનુમાન પરિક્રમા, જલેરી પરિક્રમા છે. આપણી સંસ્કૃતિ અને આપણા ઋષિઓએ દરેક વ્યક્તિનો વિચાર કરીને યાત્રાની વ્યવસ્થા કરી છે. ખંડ-ખંડ પરિક્રમા તેનું ઉદાહરણ છે. જે વ્યક્તિ સમયને અભાવે એક સાથે પૂર્ણ પરિક્રમા કરી ન શકે તે ખંડ-ખંડ પરિક્રમા કરી શકે છે. ધારો કે કોઈ સાધક-ભક્તને વીસ દિવસની રજા મળી છે. તેઓ નિયમ મુજબ કોઈ પણ ઘાટેથી પરિક્રમા શરૂ કરીને 20 દિવસમાં 250 કિ.મિ. અંતર પગપાળા પાર કર્યા પછી યાત્રા છોડીને સ્વગૃહે જઈ શકે છે. ફરી બીજા વર્ષે કે પછીના સમયગાળામાં 20 દિવસ કે એક મહિનો રજા મળે ત્યારે જ્યાંથી તેમણે યાત્રા છોડી હતી ત્યાં સુધી તે બસ કે વાહન દ્વારા આવી શકે છે. અહીંથી તેઓ ફરી પગપાળા નર્મદા પરિક્રમા શરૂ કરી શકે છે. આમ ખંડ-ખંડમાં તેઓ પગપાળા પરિક્રમા પૂર્ણ કરી શકે છે.

શ્રી અમૃતલાલ વેગડનું ‘નર્મદા પરિક્રમાના અનુભવો’ નામનું પુસ્તક અત્યંત પ્રસિદ્ધ છે. તેમણે પણ આવી રીતે ખંડ-ખંડ પરિક્રમા કરી હતી.

હવે આપણે પરિક્રમાના અન્ય પ્રકારો જોઈએ. છલાંગ લગાવતા હોય તેમ પરિક્રમા દરમિયાન આવતાં મુખ્ય-મુખ્ય તીર્થનાં દર્શન કરી પરિક્રમા પૂર્ણ કરે તેને હનુમાન પરિક્રમા કહે છે. જલેરી પરિક્રમામાં સાગર-નર્મદા સંગમે ઉત્તરતટના મીઠીતલાઈથી શરૂ કરીને અમરકંટકથી ફરી  પાછા સાગર-નર્મદા સંગમ દક્ષિણતટે વિમલેશ્ર્વર મહાદેવ સુધીની પરિક્રમા કરવાની હોય છે. તેમાં નાવ દ્વારા સાગર ઓળંગાતો નથી.

પરિક્રમા દરમિયાન નર્મદાતટે આવેલાં તીર્થોના માહાત્મ્ય વિશે પૂજ્ય સ્વામી નર્મદાનંદ દ્વારા રચિત પુસ્તક ‘સાધકની સ્વાનુભવ કથા’ અથવા ‘મારી નર્મદા પરિક્રમા’ ભાગ-1-2માં સુંદર માહિતી આપેલ છે.

આ ઉપરાંત જે સાધક-ભક્તો શારીરિક રીતે સક્ષમ નથી, જેમને સમયનો અભાવ છે તેઓ વાહન દ્વારા પણ પરિક્રમા કરે છે. તેમાં અનેક ટ્રાવેલ્સવાળાઓ 15 દિવસ અથવા 21 દિવસમાં પરિક્રમા કરાવતા હોય છે. તેમાં નર્મદાતટનાં મુખ્ય મુખ્ય તીર્થોનાં દર્શન કરાવે છે. ઘણા પોતાના વાહનમાં પણ પરિક્રમા કરતા હોય છે. જેમણે પરિક્રમા કરેલ હોય એવી અનુભવી વ્યક્તિઓેને સાથે લેવી જોઈએ, તો સુંદરભાવે પરિક્રમા થાય છે. તેમાં રસોઈ બનાવવાનો સામાન, સ્ટવ વગેરે સાથે રાખવાનો હોય છે. આ પરિક્રમા પૂરી કરવામાં લોકોને 20-21 દિવસ થાય છે. ઘણા યુવાનો દ્વિચક્રી વાહન દ્વારા પણ પરિક્રમા કરતા હોય છે. નારેશ્ર્વરની આગળ આવેલ મોટી કોરલમાં રહેતાં અને નર્મદા મંદિરની સંભાળ રાખતાં કેવટ માજી આવી રીતે 30-40 વાર પરિક્રમા કરી આવ્યાં છે. તેઓ દ્વિચક્રી વાહન દ્વારા પરિક્રમા કરનારને માર્ગદર્શન આપે છે અથવા ક્યારેક તેમની સાથેય જતાં હોય છે.

આમ, શ્રીશ્રીમા નર્મદાની પરિક્રમા ઘણા બધા પ્રકારે થાય છે. શ્રીશ્રીમા નર્મદા કોની પરિક્રમાથી વધુ ખુશ થતાં હશે ?

પગપાળા પરિક્રમા દરમ્યાન અમે જોયું કે પગપાળા પરિક્રમા કરનારાઓમાં ઘણા લોકો વાહન દ્વારા પરિક્રમા કરનારની નિંદા કરતા હોય છે, વળી પગપાળામાં પણ ખુલ્લા પગે પરિક્રમા કરવાવાળા ચંપલ પહેરીને પરિક્રમા કરવાવાળાની નિંદા કરતા હોય છે, વળી ક્યારેક જોવામાં આવે ઘણા ત્યાગીઓનો જેટલો મોટો ત્યાગ હોય તેટલો મોટો વળી અહંકાર પણ હોય છે !

આમ, વાસ્તવમાં ‘સર્વધર્માં પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ…’ની  જેમ આપણે જે-તે દેવી દેવતાનું પૂજન-અર્ચન કરીએ ત્યારે આપણે તેમને સંપૂર્ણ શરણાગત, સમર્પિત થઈ જવું જોઈએ. તેવી જ રીતે નર્મદા પરિક્રમા દરમ્યાન જો આપણે શ્રીશ્રીમાના બાળક બની જઈએ, શરણાગત થઈ જાઈએ તો મા સૌથી વધુ ખુશ થાય છે. વાહનમાં પરિક્રમા કરનારે પગપાળા પરિક્રમા કરનારની કે પગપાળા પરિક્રમા કરનારે વાહનવાળાની નિંદા કરવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. દરેક પોતપોતાના ભાવથી મહાન હોઈ શકે.

એક સંન્યાસી મહારાજ ખુલ્લા પગે એકલા નર્મદા પરિક્રમા કરતા હતા. ખૂબ જ ભાવવાળા અને ભલા સાધુ હતા. એકવાર માર્ગમાં મોટો કાંટો પગમાં ખૂંચી ગયો. મહારાજના મુખમાંથી ‘મા’ શબ્દ નીકળી ગયો. ખૂબ જ દર્દ થવા લાગ્યું. આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યાં, પાસેના મોટા પથ્થર પર બેસી ગયા. જોયું તો મોટો બધો કાંટો ! કાંટાને કાઢી નાખ્યો. દર્દ થતું હતું, આંખમાં આંસુ પણ હતાં. થોડી જ વારમાં મહારાજ જુએ છે કે પાસે વહેતા નર્મદા મૈયાના નીરમાં 20 જોડી નવાં ચંપલ તરતાં-તરતાં આવ્યાં. મહારાજ ખૂબ જોરથી રડવા લાગ્યા. મા, તું કરુણામયી છો. કૃપાસિંધુ છો. મને કાંટો વાગ્યો અને  તે 20 જોડી ચંપલ આપ્યાં ! શ્રીમા નર્મદા મૈયા જાણે મને કહેતા હોય ‘બેટા, ચંપલ પહેરી લે. આમ શા માટે ફરે છે?  નિરહંકારે, નિરાલંબે, શુદ્ધ ભાવભક્તિથી પરિક્રમા કરે છે, તે પૂરતું છે.’ શ્રીશ્રીમાની કરુણા જોઈ મહારાજ ખૂબ  જોરથી રડે છે અને શ્રીશ્રીમાને કહે છે, ‘મા, તું મને આવી ભૌતિક સુવિધા આપીને ન સમજાવ, મારે આ કશુંય નથી જોઈતું, મારે તો બ્રહ્મજ્ઞાન જોઈએ છે. મા, મારે બીજું કશું નથી જોઈતું.’

શ્રીશ્રીનર્મદા મૈયાનો મહિમા અપરંપાર છે અને ધન્ય છે તેના આવા સંતોનેે ! નર્મદે હર…

Total Views: 465

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.