(અનુવાદક : કુસુમબહેન પરમાર)

સેવક – કેવી રીતે મન ગુરુ થઈ જાય છે?

મહારાજ – જો તમને ઇષ્ટમાં વધારે પ્રેમાકર્ષણ હોય, તો તમારું મન ઇષ્ટપ્રેમને છોડીને બીજા કશામાંય જવા ઇચ્છે નહિ અર્થાત્ મન સારી વસ્તુ જ લેવાનું. ત્યારે મન ગુરુ બની જાય છે. તમારે આવો વિશ્વાસ રાખવો જોઈએ, ‘મેં શ્રીરામકૃષ્ણનો આશ્રય લીધો છે, પછી મારે શી ચિંતા?’ ઈશ્વરની ઇચ્છાથી જ બધું થઈ રહ્યું છે. ઈશ્વર જ બધું સર્જે છે, એટલે પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાથી કંઈ ચાલશે નહીં. જ્યાં સુધી આપણે દેહની ભીતર છીએ, ત્યાં સુધી આપણને આ બધી વાતો કહેવાનો અધિકાર નથી.

પ્રશ્ન – દેહાતીત અવસ્થા કેવી હોય છે?

મહારાજ – એ ગાડીમાં ચડવા અને ઊતરવા જેવી છે. જ્યાં સુધી ગાડીમાં હો, ત્યાં સુધી શરીરનાં સુખ-દુ:ખનો બોધ કરો છો. ગાડીમાંથી ઊતરતાં જ આત્માનંદ-સ્વરાટ્! શ્રીઠાકુરજી તેમજ શ્રીશ્રીમા પ્રાય: આ અવસ્થામાં જ રહેતાં અને આનંદનો અનુભવ કરતાં હતાં – પરમાનંદ! શ્રીશ્રીમા દિવસભર શાકભાજી સુધારતાં રહેતાં અને વચ્ચે વચ્ચે કહેતાં, ‘હું આ શું કરી રહી છું!’

પરંતુ તેઓ ત્યાં પણ જઈ શકે છે અને અહીં પણ આવી શકે છે. એ લોકોનું શરીર શુદ્ધસત્ત્વ હતું એવં કામ-ક્રોધથી મુક્ત હતું. આપણે લોકો એક વાર ત્યાં જઈને, એ આનંદના બજારને છોડીને શું આ નરકમાં ફરીથી આવીશું?

સેવક – ગીતા (9.29)માં આવે છે – ‘સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિય: । – હું સર્વ ભૂતોમાં એક સરખો છું. મારો કોઈ દ્વેષપાત્ર નથી અને પ્રિય પણ નથી.’ અને વળી ગીતા(16.19)માં કહે છે – ‘ક્ષિપામ્યજસ્રમશુભાનાસુરીષ્વેવ યોનિષુ। – અધમ માણસોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં ફેંકું છું.’ તો હવે આ બન્ને પરસ્પર વિરોધીભાવોનો સમન્વય કેવી રીતે કરીશ?

મહારાજ – આ બધાં અપેક્ષિત સત્ય છે. એક સ્તરે એવું લાગે છે – ક્ષિપામ્યહમ્ અને બીજે તબક્કે એવું દેખાય છે કે કોઈ કોઈને પણ ફેંકતો નથી.

બપોરના સમયે મહારાજને ઉઠાડતી વખતે સેવકથી એમનો ઝભ્ભો ફાટી ગયો. સેવક દુ:ખી થઈને ચુપચાપ ઊભો છે.

મહારાજ – એથી શું થયું? સંન્યાસીનું વસ્ત્ર ફાટેલું રહે, એનાથી શું થાય? ફાટેલી કંથા અને મૂંડેલું માથું. એ દિવસે એક નાનકડી બાળકી પોતાની મા સાથે આવી હતી. મેં એ બાળકીને પૂછ્યું કે શું તું અહીં રહીશ? તેણે પોતાની માતાના ગળે વળગીને કહ્યું, ‘જો મા રહે તો.’ ઈશ્વર પ્રત્યે આ પ્રકારનાં પ્રેમ અને આકર્ષણ જોઈએ. અત્યંત ધ્યાનથી સાંભળો – આધ્યાત્મિક જીવન સંપૂર્ણરૂપે મનનો જ ખેલ છે. આંતરિક જીવન લોકપ્રદર્શન માટે નથી. શિખા રાખવી અને ભગવાં વસ્ત્ર પહેરવાં એ ઉદ્દેશ નથી. એ બધાં કેવળ સાધન છે. સાંસારિક વિષયોની ઉપેક્ષા કરવી પડશે. ધારો કે તમે રસ્તામાં વિષ્ટા જોઈ, તો શું તમે એને હલાવીને જોશો કે શું તમે એ તરફથી દૃષ્ટિ દૂર રાખીને ચાલ્યા જશો? એવી જ રીતે જગતમાં કંઈ ખરાબ જુઓ તો એના પર વિચાર કર્યા વિના ઉદાસીન થવાનો પ્રયત્ન કરો. તમારા લોકોની ઉંમર નાની છે. જો તમે લોકો ઇચ્છો તો આ જ ક્ષણે ઈશ્વરની અનુભૂતિ થઈ શકે છે. સંપૂર્ણ મન અને ઇન્દ્રિયોને એકાગ્ર કરવાથી જ થાય –  ‘આત્મસંસ્થં મન: કૃત્વા ન કિંચિદપિ ચિન્તયેત્। મનને હૃદયની ગહનતામાં લઈ જવાનું છે. ઈશ્વરપ્રાપ્તિનો કેવળ અનુભવ કરવાનો છે, બીજુ કંઈ નહીં. બાળપણમાં અમારા ગામમાં એક સુંદર યુવક હતો. કેટલાક એના ચારિત્ર્યની ટીકા કરતા. એક દિવસ એણે કહ્યું, ‘હું તો 80 વર્ષ સુધી ભોગ ભોગવવા ઇચ્છું છું એટલે અત્યારે મારે સંયમથી રહેવું પડશે.’ હું તો એ વાત સાંભળીને ચોંકી ઊઠ્યો. અરે બાપ રે! ભોગ ભોગવવા માટે સંયમી થવું પડે છે, તો ઈશ્વરચિંતન કરવા કેટલી વધારે શક્તિ લાગશે! એમાં કેટલા સંયમની આવશ્યકતા છે! એક દિવસ મનને બળપૂર્વક ઇષ્ટમાં લગાડી તો જુઓ, કેટલી શક્તિ વાપરવી પડે છે!

15

14-11-1959

5્રેમેશ મહારાજના પેટ પર નાની નાની ફોડલી નીકળી. દવાની પ્રતિક્રિયા હોય એવું લાગે છે. સેવક ત્યાં એક મલમ લગાડીને માલિશ કરે છે.

મહારાજ – જુઓ, નકામા ધૂંબા ખાઈને મરું છું! જેમ એક સંસારી સંસારની જાળમાં ફસાઈને કષ્ટ પામે છે, તેવી રીતે આપણે લોકો પણ ક્યાંકથી એક દેહ પામીને દુ:ખ ભોગવીએ છીએ. એવી રીતે ચાલો કે જેથી શરીરનાં કષ્ટમાંથી મુક્તિ મેળવી શકો. સાચી વાત એ છે કે શરીરની બહાર ન નીકળવાને લીધે ધૂંબા ખાઈ ખાઈને પ્રાણ જવાનો. તમારા લોકોમાં શક્તિ છે, સામર્થ્ય છે, તમારા દ્વારા થોડોક પ્રયત્ન કરવાથી પણ થઈ જશે. અમારાથી તમે લાખ ગણા શ્રેષ્ઠ છો. જુઓ, આ શરીર કેટલું કષ્ટ આપે છે! જ્યારે એને બાળો ત્યારે એક દંડો લઈને જોરથી મારજો. હું દૂરથી ઊભો રહીને જોઈશ કે બેટા કેવી રીતે બળી રહ્યો છે!

જુઓ, તું ઘર છોડીને ચાલ્યો આવ્યો છે, એટલે બચી ગયો. નહીં તો એમ. એ.ની પરીક્ષા પાસ કર્યા પછી તમે ઝાલ્યા ન રહેત. ‘મારો વિચાર છે’, આ અહંકારથી બધા અંધ છે. વિશ્વવિદ્યાલયમાંથી ઉત્તીર્ણ થયેલા છોકરાઓ ‘હું કંઈક છું’ એમ વિચારે છે! કોઈ નવો વિચાર સહજ સરળ રીતે ગ્રહણ કરવા ઇચ્છતા નથી.

5-12-1959

બે-ચાર દિવસ પહેલા બેલુરની બી.ટી કોલેજમાંથી કલાવિભાગના એક અધ્યાપક ચૈતન્યદેવનાં બે ચિત્ર લઈને આવ્યા. આ ચિત્રો સ્વામી સારદેશાનંદજી દ્વારા લિખિત પુસ્તકમાં છપાશે. મહારાજજીએ આ ચિત્રોની ખૂબ પ્રશંસા કરતાં કહ્યું, ‘આપણા દેશમાં ચિત્રનું કોઈ મહત્ત્વ નથી. ફ્રાંસમાં મારા એક મિત્રે ચિત્રાંકન માટે રૂા.16,000 મેળવ્યા હતા. પરંતુ આપણા દેશમાં એનું કોઈ મહત્ત્વ જાણતું નથી. પરંતુ જે રીતે ચૈતન્યદેવ સુવ્યવસ્થિત રહેતા હતા અને એમની ચાદર(ઉપરણું) ઝૂલતી રહે છે, એવું તો લાગતું નથી. વળી એમના પગ મોટા હતા.

18-12-1959

સેવક – અમે આ જીવનમાં જ અધ્યાત્મરસનું આસ્વાદન કરીશું, એટલે અમે ઘરબાર છોડ્યાં છે. જો જીવનમુક્ત ન થઈ શકીએ તો શું આ જીવનનો ત્યાગ કરવો યોગ્ય છે?

મહારાજ – જુઓ, જીવનમુક્તિ હમણાં નહીં, એ બધું દશ વર્ષ પછી. અત્યારે બધાનું અધ્યયન કરો. મહારાજ લોકોના જીવન વિશે જાણો, સંઘજીવનને જુઓ, પછી જે થવાનું છે તે થશે. ઉત્તરાખંડમાં એક પ્રથા પ્રચલિત છે – કેટલાક સાધકો જીવનમાં પરમાત્માની પ્રાપ્તિ અસંભવ છે એ જોઈને સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરે છે. એ સાધક ઈશ્વરને પ્રાર્થના કરે છે કે પછીના જન્મમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા એને અનુકૂળ દેહ અને મન મળે. આવું કરવું એ પણ એક પ્રકારે આત્મહત્યા છે.                    (ક્રમશ:)

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.