વિશ્વનો કોઈપણ કૃષ્ણપ્રેમી માનવ ‘રાધા’ના નામથી અજાણ હોઈ શકે નહીં. પૌરાણિક આધારો એમ સૂચવે છે કે મથુરા નજીકના બરસાના ગામના મુખી વૃષભાનુ અને તેમનાં પત્ની કલાવતીનું દિવ્ય સંતાન તે રાધા. પરંતુ રાધાની આટલી જ ઓળખ ઘણી અધૂરી કે એકાંગી લેખાય. રાધાના નામ પછી તરત શ્રીકૃષ્ણનું નામ બોલાય છે ત્યારે જ રાધાનું પૂર્ણ ચિત્ર પામ્યાનો અહેસાસ થાય છે. રાધા વિના કૃષ્ણ અને કૃષ્ણ વિના રાધા અધૂરાં. બન્ને વચ્ચેનું ઐક્ય અજોડ છે. મોરપીંછધારી કેશવ જો બંસીના સૂર છેડે તો વહેતા સંગીતની મધુરિમા તે રાધા છે. શ્યામ જો નૃત્ય કરે તો તેમનાં ચરણોની ગતિ અને લય તે રાધા છે.
શ્રીકૃષ્ણની પ્રતિભા પૂર્ણપુરુષોત્તમની છે. આ પ્રતિભાને ઝીલવા માટે, હૃદયમાં આસનસ્થ કરવા માટે, પોતાનાથી અભિન્ન બનાવવા માટે સમર્પણભાવ જરૂરી છે. એ સમર્પણભાવનું માનવસ્વરૂપ રાધામાં અવતર્યું છે. રાધાએ મોરપીંછધારી કૃષ્ણ પર પોતાનું સમગ્ર અસ્તિત્વ ન્યોછાવર કરી દીધું. તે કૃષ્ણની છાયા બની ગયાં.
ગોકુળ છોડીને શ્રીકૃષ્ણ મથુરા ગયા. તે પછી કદી ગોકુળ ન આવ્યા. આવવું હોત તો ગોકુળ દૂર ન હતું. કૃષ્ણ તો ન આવ્યા પણ રાધા કે અન્ય ગોપીઓ પણ તેમને મળવા મથુરા ન ગઈ! તે બધી કૃષ્ણ-વિરહમાં ઝૂરીને અશ્રુ સારતી રહી, તેમની લીલા સંભારતી રહી. રાધા સહિત ગોપીઓની આવી દશા જાણી અંતર્યામી શ્રીકૃષ્ણે ઉદ્ધવને ગોકુળ મોકલ્યા અને કહ્યું, ‘જાઓ અને ગોપીઓ સ્વસ્થ રહે તેવું સમજાવો.’ ઉદ્ધવને ગોકુળ આવેલા જોઈ સૌ રાજી થઈ ગયાં. શ્રીકૃષ્ણના કુશળ સમાચાર જાણવા આતુર ગોપીઓનો ભાવાવેશ જોઈ ઉદ્ધવે સમજાવવાનું શરૂ કર્યું, ‘તમે ક્યા કૃષ્ણની રાહ જુઓ છો? એ તો સર્વવ્યાપી છે. તમારી પાસે જ છે. તેની અનુપસ્થિતિનો શોક ન કરવો. તેના સગુણ નહીં પણ નિર્ગુણ રૂપમાં મન જોડીને સ્વસ્થ થવામાં સાર છે.’
ઉદ્ધવ પાસે જ્ઞાન હતું. પ્રમાણ-પ્રમેયની સમજ હતી. પરંતુ ઉદ્ધવની વાતોમાં ગોપીઓનું મન લાગ્યું નહીં. તે સૌ તો રોમે રોમમાં કૃષ્ણને શ્ર્વસી રહ્યાં હતાં. ત્યારે રાધા ઉદ્ધવને કહે છે, ‘હે ઉદ્ધવ! તમે ભલે આવ્યા. કૃષ્ણને જઈને કહેજો કે તેમના વિરહમાં ઝૂરવાના આનંદનો લહાવો અમે ખુદ તેમની સાથે પણ વહેંચવા નથી માગતાં. અમારે તો એક જ મન હતું અને તે માધવની સાથે ગયું. અમે તેમના પ્રેમવિયોગમાં એવાં ડૂબ્યાં છીએ કે અમારી આંખો તેમના યોગ-વિયોગના ભેદ ભૂલી ગઈ છે.’ પ્રેમમાં મસ્ત રાધાની આવી ઉચ્ચ ભૂમિકાજાણી ઉદ્ધવના જ્ઞાનનો અહંકાર પીગળી ગયો. પાછા વળતાં તેઓ મનોમન કૃષ્ણને કહે છે- ‘હે પ્રભુ! મને ગોપી બનાવી દો, મારા જ્ઞાનનો ભાર પ્રેમના પુષ્પથી હરી લો. પ્રભુ, મને આવી ભૂમિકા આપી દો.’ આમ, જ્ઞાનની દીક્ષા આપવા જનાર ઉદ્ધવ રાધા પાસેથી પ્રેમની દીક્ષા લઈ પાછા ફર્યા.
શ્રીકૃષ્ણ મથુરા છોડી દ્વારકા ગયા અને દ્વારકાધીશ કહેવાયા. દ્વારકાધીશનો પ્રભાવ સમસ્ત સંસારમાં છવાતો રહ્યો. ત્યારે પંડને કાંતતી રાધાએ જમના કાંઠે બેઠાં-બેઠાં કૃષ્ણ માટે કલ્યાણ-કામના કર્યા જ કરી, કર્યા જ કરી.
‘પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાહિ’. કૃષ્ણ માટેના સખ્યનું સાતત્ય અને સઘનતા છેવટે તાદાત્મ્યમાં પરિણમ્યું. દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું ચિત્ત પણ કદી રાધાથી વિમુખ થયું નથી. દ્વારકાના મહેલમાં મધરાતે રાધા તેમને સાંભરી છે. શ્રીકૃષ્ણે પોતાની સદાકાળની સખી તરીકે રાધાને હૃદયસ્થ કરી છે.
જ્યારે ભક્તના હૃદયમાં કૃષ્ણપ્રેમનો ઉદય થાય ત્યારે રાધારૂપી સાત્ત્વિક આનંદનું તેજ પણ જીવનમાં પથરાય. મીરા, ચૈતન્ય અને નરસિંહ જેવા પ્રેમી ભક્તોને આખી રાત હાથમાં કરતાલ કે મંજીરાં લઈને ઝુમાવનાર રાધારૂપી સાત્ત્વિક આનંદધારા છે.
રાધા તો શુકદેવજીનાં ગુરુ છે. એમણે શુકદેવજીને બ્રહ્મસંબંધ કરાવ્યો હતો. રાધા વ્રજનાં અધિશ્ર્વરી. રાધા આદ્યાશક્તિ, સંયોજિકા શક્તિ. જગતના વિખૂટા પડેલા જીવોને શ્રીકૃષ્ણ સાથે મિલન કરાવી આપનાર શક્તિ તે રાધા. આથી વૃન્દાવનના મહાત્માઓ ‘રાધે, રાધે’નો જાપ કરે છે. રાધાની કૃપા થાય તો જીવને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર અચૂક થાય. સાક્ષાત્કારની ક્ષણોમાં દ્વૈત તો હોવાનું જ; આથી રાધા શ્યામમાં લીન થયાં ને વિશ્વને દિવ્ય શબ્દ મળ્યો : રાધેશ્યામ!
સંસારના મોહથી ઉજ્જડ થઈ ગયેલા આપણા જીવનરૂપી ઉપવનને ફરીથી નંદનવન બનાવવા ‘રાધેકૃષ્ણ, રાધેકૃષ્ણ’ની રટણામાં મન પરોવવું એ જ સાચો માર્ગ છેે. રાધા-કૃષ્ણનું અવતરણ જીવનમાં થાય તો જ જીવન નંદનવન બને.
Your Content Goes Here