એક વખત એક મહાન સંત-ઋષિ પોતાની કુટિરની બહાર વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેમની આસપાસ ભિન્ન ભિન્ન ધર્મશ્રદ્ધા ધરાવનાર, ભિન્ન ભિન્ન પથે ચાલીને ઈશ્વરની આરાધના કરનાર ધર્મજિજ્ઞાસુઓ બેઠા હતા. તેમની આરાધનાનાં પથો, વિધિવિધાનો, સંપ્રદાયો, સંકલ્પનાઓ ભિન્ન ભિન્ન હોવા છતાં વિશ્વના વિવિધ ધર્મોના પથે ચાલીને પણ કોઈ એક સામાન્ય ભૂમિકા શોધી શકાય કે કેમ, એ પરમ સત્ય સુધી પહોંચી શકાય કે કેમ, એની ગંભીર-ગહન ચર્ચા ચાલતી હતી. પેલા સંતે આવા આરાધકોને આ પ્રશ્નનો ઉકેલ શોધવા-વિચારવા પ્રેર્યા. દિવસો સુધી ચર્ચા-વિમર્શ ચાલ્યો, પણ ક્યાંય સ્પષ્ટ ઉકેલ શોધ્યો મળતો ન હતો. અંતે તેઓ થાક્યા અને પેલા સંત પાસે જઈને એ પ્રશ્નનો સાચો ઉકેલ બતાવવા વિનંતી કરી. સંતે તેમને કહ્યું, ‘ઘણી બાબતોમાં અલગ અલગ લાગતા વિશ્વના ધર્મો વચ્ચે પણ એક સામ્યતા છે અને તે એ છે કે તેઓ પરસ્પર એકબીજાના વિરોધી નથી. તે બધા વચ્ચે સર્વસામાન્ય ભૂમિકા છે.
દરેક ધર્મને ત્રણ અંગ હોય છે : દાર્શનિક, પૌરાણિક કથાવસ્તુ અને વિધિવિધાનો. જો તમે ધર્મના દાર્શનિક પાસા તરફ નજર કરશો કે તેનું પરીક્ષણ કરશો તો તમને સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે તેમણે તારવેલાં અને મનમાં જાળવી રાખેલાં સત્યો વધતા-ઓછા પ્રમાણમાં એક સમાન હોય છે, તેમાં ભેદ હોતો નથી. પુરાણો વૃત્તાંત અને પૌરાણિક કથાઓ, દેવદૂતો-સંતો ઋષિઓની વાર્તા-કથા દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં સત્યોની વાત કરે છે. સંતો-મહર્ષિઓએ શોધેલાં સત્યોની આ આખ્યાયિકાઓ પણ ધર્મના દર્શનશાસ્ત્ર દ્વારા રજૂ કરાયેલાં સત્યોની બરોબર મળતી આવે છે. કદાચ એ જ સત્યો એમાંથી બહાર આવતાં આપણને જોવા મળે છે. પૌરાણિક કથાવાર્તાઓ દ્વારા રજૂ થતાં સત્યોને જે જિજ્ઞાસુઓ સમજી શકતા નથી, સાથે ને સાથે દર્શનશાસ્ત્રનાં ભારેખમ સત્યોને સમજવાનું અને ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રમાણમાં ઓછું છે, એમને માટે દરેક ધર્મમાં વિવિધ વિધિવિધાનો, કર્મકાંડો, ધર્મની કેટલીક પરંપરાગત પ્રણાલીઓ અને અધિકૃત નિશ્ર્ચિત માન્યતાઓનું ઉમેરણ થયું છે.
એટલે આપણે જ્યારે વિધિવિધાનો, ધર્મપ્રણાલીઓ અને અધિકૃત માન્યતાઓને સાથે રાખીને ધર્મની આરાધના, સત્યની શોધના કરીએ છીએ ત્યારે બધા ધર્મોમાં આપણને પૃથક્તા જોવા મળશે. આ બધા ધર્મો આપણને ભિન્ન ભિન્ન લાગવાના જ. પરંતુ આપણે પુરાણની આખ્યાયિકાઓ, દેવદૂત-દેવ-દેવીની કથા-વાર્તાઓ તરફ વળીએ ત્યારે તેમના સૂચિતાર્થો અને એમની ભીતર રહેલા સંદેશ એક સમાન લાગે છે. અને અંતે જ્યારે આપણે દર્શનશાસ્ત્રને ચકાસીએ કે દરેક ધર્મની પશ્ર્ચાદ્ ભૂમિકાને જોઈએ ત્યારે તે સત્યો એક સમાન જ લાગે છે. દરેક ધર્મના દર્શનશાસ્ત્રમાં આપણને દરેક ધર્મની સમાન ભૂમિકા મળી રહેવાની. શ્રીરામકૃષ્ણદેવ આ વાત આપણને આ રીતે સમજાવે છે :
‘સોનામાંથી જુદાં જુદાં ઘરેણાં બનાવવામાં આવે છે. પદાર્થ એક જ છે છતાં, તે જુદાં દેખાય છે અને જુદાં રૂપ ધારણ કરે છે. એ રીતે એક જ ઈશ્વર જુદા જુદા દેશોમાં અને જુદા જુદા કાળમાં જુદાં જુદાં નામરૂપે પૂજાય છે. ભાવના અનુસાર એ ભલે જુદી જુદી રીતે ભજાતો હોય- કોઈ માતા તરીકે, કોઈ પિતા તરીકે, કોઈ સખા તરીકે, કોઈ પ્રિયતમ તરીકે, કોઈ પોતાના અંતરની મોટી મિરાત તરીકે તો કોઈ પોતાના લાડકડા બાળ તરીકે એને ભજે છે પણ, આ બધાં વિવિધ રૂપોમાં પૂજાતો ઈશ્વર એક જ છે.
કોઈ મોટા તળાવને ઘણા ઘાટ હોય છે. માણસ કોઈ પણ ઘાટે નહાવાને કે ઘડો ભરવાને જાય, એ પાણી પાસે પહોંચે છે. પછી, એક ઘાટ બીજા કરતાં ચડિયાતો કહી, ઝઘડવાનો કોઈ અર્થ નથી. એ રીતે પરમાનંદને જળાશયે પહોંચવાના ઘણા ઘાટ છે. જગતનો દરેક ધર્મ એક ઘાટ છે. નિષ્પાપ અને વ્યાકુળ હૃદય સાથે કોઈ પણ ઘાટે જાઓ, તમે સચ્ચિદાનંદરૂપી વારિ જ પામશો. પણ તમારો ધર્મ બીજાના ધર્મ કરતાં ચડિયાતો છે એમ નહીં કહો.’
Your Content Goes Here