સ્વામી વિવેકાનંદજીનું એક સ્વપ્ન હતું કે બાળકો ઉત્તમ, ચારિત્રવાન, નિર્ભય બને અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપે. આજનાં બાળકો પાસે માહિતીનો ખજાનો છે. પણ જીવન મૂલ્યો કશરય ટફહીયત નહીંવત્ છે. આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક વારસો તેમને સફળ વ્યક્તિ બનાવીને સમાજમાં પ્રસ્થાપિત કરી શકે.

સ્વામી વિવેકાનંદે વિદ્યાર્થીઓ માટે જે સંદેશ અને અમૂલ્ય વિચારો, પુસ્તકો આપ્યાં છે, તે આજના મોબાઈલ ને ઈન્ટરનેટના સમયમાં બાળકોને વાંચતા કરવા એ ખરેખર ઘણું જ દુષ્કર કાર્ય છે.

પણ સ્વામીજીના વિચારોનો જ એ પ્રભાવ છે કે આજે પણ બાળકો સ્વામીજીનાં પુસ્તકો ખરીદે છે અને વાંચે છે. માત્ર પુસ્તકના વેચાણ ખાતર જ નહીં પરંતુ જો તેમને યોગ્ય રીતે પ્રેરણા પૂરી પાડવામાં આવે તો એક વિચાર, એક પુસ્તક જીવન બદલી શકે.

પણ શા માટે એમણે પુસ્તકો વાંચવાં જોઈએ? અન્ના હજારેનો જ દાખલો લો ને, કઈ રીતે ‘શક્તિદાયી વિચાર’ નામની નાની પુસ્તિકાએ તેમનું જીવન બદલી નાખ્યું! આવી ભૂમિકાઓ પૂરી પાડવામાં આવે, પછી પુસ્તક પ્રદર્શન ગોઠવવામાં આવે અને બાળકો હોંશે હોંશે એ લેવા આવે.

સૌ પ્રથમ પ્રાર્થનામાં એકાગ્રતા માટે ખૂબ જરૂરી એવાં ૐકાર, પ્રાણાયામ અને ધ્યાનથી શરૂ કરીને પુસ્તકોનું મહત્ત્વ સમજાવીને તેના દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાનો ઉદાત્ત પ્રયત્ન કરવામાં આવ્યો.

રાજકોટ શહેરની પ્રાથમિકથી માંડીને હાયર સેક્ધડરી સુધીની સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર – બધા જ પ્રકારની 35 શાળાઓમાં વિવેકાનંદ સાહિત્ય લઈને જવાનું થયું. લગભગ 3000 વિદ્યાર્થી બાળમિત્રોને મળવાનું થયું, જેમાં અનેક સુખદ અનુભવો થયા.

જેમ કે કોઈ પ્રાથમિક શાળાનું બાળક 10 રૂા. હોંશે હોંશે લઈને આવે ને કહે, ‘દીદી, મને સુવિચારની બુક આપોને. તમે કીધું તે અન્ના હજારેવાળી બુક આપોને.’ નચિકેતાની વાર્તા બાળકોને ગળે ઉતારી હોય તો સ્વામીજીને નચિકેતા શા માટે પ્રિય હતો એ તેઓે સમજી જવાના અને એ વાર્તાની ચોપડી તમારી પાસે માગશે. પછી એ કદાચ નચિકેતા બનવાનો પ્રયત્ન પણ કરે. એવી જ રીતે શ્રીમા શારદાદેવી, ભગિની નિવેદિતાની વાત કરીએ તો એ પુસ્તિકાઓ પણ હોંશે હોંશે માગશે અને વાંચશે.

કોઈક શાળામાં કે જ્યાં દીકરીઓ સવારમાં પારકું કામ કરીને આવે તે આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પુસ્તકો ખરીદી ન શકે. દા.ત. ભારતની મહાન નારીઓ પુસ્તક વિશે વાત કરી હોય. તેની કિંમત રૂા. 50/-. ન ખરીદી શકે તો પૂછે, ‘દીદી અમે 2-પિરિયડ અહીં બેસીને આ બુક વાંચીએ, બિલકુલ પુસ્તક બગાડશું નહીં.’ ત્યારે ઉત્સાહથી તેને પુસ્તક વાંચવા આપતાં એક સંતોષની લાગણી થાય.

કોઈ કોઈ શાળામાં એટલાં તોફાની બાળકો, એવાં શાંતિથી બેસીને પુસ્તકો વાંચતાં હતાં કે તેમના શિક્ષકો અને આચાર્યને નવાઈ લાગતી હતી. તે ખરેખર સ્વામીજીના વિચારોનો જ ચમત્કાર છે. ક્યાંક બાળકો એ પોતાના પોકેટ મનીમાંથી, ક્યાંક નાસ્તાના પૈસા બચાવીને પણ 1 નાની પુસ્તિકા તો લીધી જ. ક્યાંક વાલીઓને પણ આમાં સામેલ કરીને નવતર પ્રયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ સફળ રહ્યો કારણ કે વાલીઓ બાળકોના ઘડવૈયા છે.

આમ આ રીતે સ્વામીજીનો સંદેશ બાળકો સુધી પહોંચાડવાનો એક ઉત્તમ ધ્યેય પાર પાડવામાં સફળતા મળી. મૂલ્યશિક્ષણના એક નવતર પ્રયોગ દ્વારા કેટલા બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, વાલીઓને મળવાનું થયું. અને જોતજોતામાં રૂા.1,00,000/-(એક લાખ)ની કિંમતનાં પુસ્તકોનું વેચાણ થયું. એ તો એની બીજી બાજુ છે. પણ મુખ્ય ધ્યેય તો બાળકો સુધી સ્વામીજીનો સંદેશ પહોંચાડવાનું માધ્યમ બનવાની તક મળી તેનો અપાર આનંદ છે. ભગિની નિવેદિતાની 150મી જન્મ જયંતી નિમિત્તે તેમનું ઋણ ચૂકવવાની પણ એક તક મળી. આશ્રમ દ્વારા મૂલ્યશિક્ષણના યજ્ઞકાર્યમાં મને યત્કિંચિત્ આહુતિ આપવાનો આત્મસંતોષ મળ્યો કારણ કે બચપણથી સ્વામી વિવેકાનંદ મારા આદર્શ રહ્યા છે અને 6 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી શ્રીરામકૃષ્ણદેવ જ મારા પિતા(બાબા) છે. મા શારદા જ મારાં માતા છે. એમની એક વિશિષ્ટ દીકરી હોવાને નાતે તેઓ ખુશ થાય એવું કોઈ કાર્ય કરવાની સતત ઝંખના રોજ દિલમાં રહે.

આ કાર્ય પાછળ સ્વામી સર્વસ્થાનંદજી, સ્વામી ઇષ્ટમયાનંદજીનું માર્ગદર્શન તથા સ્વામી ધર્મપાલાનંદજીનો સહકાર મળતો રહે છે. દર વર્ષે આ કાર્ય આમ જ અવિરત પણે ચાલતું જ રહે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી સ્વામીજીનો સંદેશ પહોંચાડી શકું, એમનાં સૂત્રો બોલાવી સ્વદેશમંત્રનું પઠન કરાવી તેમનાંમાં આત્મવિશ્વાસ અને દેશભાવના જગાડી શકું એવી શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને શ્રીસ્વામીજીના ચરણોમાં પ્રાર્થના.

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.