એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી પહેલાં જ એ ઝાડ નીચે ગયો હતો. પણ એ પ્રાણીને લાલ શેનું કહો છો ? તે લીલું છે. મેં મારી આંખે જોયું છે.’ ત્રીજાએ કહ્યું કે એને હું બરાબર જાણું છું. તારી પહેલાં હું ત્યાં જઈ આવ્યો છું. તે પ્રાણી મેં પણ જોયું છે. એ લાલેય નથી તેમ લીલુંય નથી. મારી સગી આંખે જોયું છે કે તે છે વાદળી. બીજા બે જણા હતા તેઓએ કહ્યું કે પીળું, બદામી, એમ જુદા જુદા રંગનું. આખરે એ બધા વચ્ચે તકરાર થઈ. સૌ માને કે પોતે જે જોયું છે તે જ સાચું. તેમને ઝઘડતા જોઈને એક માણસે પૂછ્યું, ‘ભાઈ, વાત શી છે ? શા માટે લડો છો ?’ જ્યારે બધાએ પોતપોતાની હકીકત કહી સંભળાવી ત્યારે એ બોલ્યો, ‘હું એ ઝાડ નીચે જ રહું છું અને એ પ્રાણી શું છે તે હું જાણું છું. તમે બધા જે જે કહો છો એ બધું ખરું છે. એ છે કાકીડૉ. એ ક્યારેક લાલ, ક્યારેક લીલો, તો ક્યારેક વાદળી, એમ જુદા જુદા રંગનો દેખાય. તેમજ વળી ક્યારેક જોઉં તો તેનો કશો રંગ જ નહિ, નિર્ગુણ.’

ઈશ્વર સાકાર એટલું માત્ર બોલ્યે જ શું વળે ? ઈશ્વર શ્રીકૃષ્ણની પેઠે મનુષ્ય-શરીર ધારણ કરીને આવે એ પણ સાચું, જુદાં જુદાં રૂપ ધારણ કરીને ભક્તને દર્શન દે એ પણ સાચું, તેમજ વળી તે નિરાકાર, અખંડ સચ્ચિદાનંદ એ પણ સાચું. વેદમાં તેમને સાકાર નિરાકાર બન્ને કહેલ છે. સગુણ પણ કહેલ છે, નિર્ગુણ પણ કહેલ છે.

એ શેના જેવું ખબર છે ? સચ્ચિદાનંદ જાણે કે અનંત સાગર. ઠંડીને લીધે સાગરનું જળ બરફ થઈને તરે, જુદા જુદા આકાર ધારણ કરીને બરફનાં ચોસલાં થઈને સાગરના જળમાં તરે. તેમ ભક્તિ-હિમ લાગીને સચ્ચિદાનંદ-સાગરમાં સાકાર મૂર્તિનાં દર્શન થાય. ભક્તને માટે સાકાર. વળી પાછો જ્ઞાન-સૂર્ય ઊગે, ત્યારે બરફ ઓગળીને પહેલાંની માફક જેવું જળ, તેવું જ જળ. નીચે ઉપર જળથી પરિપૂર્ણ, જળે જળ. એટલે શ્રીમદ્ ભાગવતમાં સ્તુતિ કરી છે કે પ્રભો, તમે જ સાકાર, તમે જ નિરાકાર. અમારી સામે તમે મનુષ્ય થઈને વિચરો છો, પરંતુ વેદમાં તમને જ વાણી અને મનથી અતીત કહેલ છે.

તેમ છતાંય, તમે એમ કહી શકો કે કોઈ કોઈ ભક્તની પાસે પ્રભુ નિત્ય-સાકાર. એવી એવી જગા પણ છે કે જ્યાં બરફ કદી ઓગળે જ નહિ. સ્ફટિકનો આકાર ધારણ કરે.

ઈશ્વર સાકાર તેમજ નિરાકાર, તેમજ સાકાર નિરાકારથીય પર. ઈશ્વરની મર્યાદા બાંધી શકાય નહિ.

વેદમાં હોમા પંખીની વાત આવે છે. એ પંખી આકાશમાં જ રહે. જમીન ઉપર ક્યારેય આવે નહિ. આકાશમાં જ ઈંડું મૂકે. એ ઈંડું પડવા માંડે. પણ એ પક્ષી એટલે ઊંચે હોય કે ત્યાંથી ઈંડું પડતાં પડતાં સેવાઈને ફૂટી જાય. એટલે એમાંથી બચ્ચું બહાર આવે. એ પણ નીચે ઊતર્યા કરે. એ વખતેય તે એટલું બધું ઊંચે હોય કે પડતાં પડતાં તેને પાંખ ફૂટે અને આંખો ઊઘડે. ત્યારે એ જોઈ શકે કે હું જમીન તરફ પડ્યે જાઉં છું, જમીન પર પછડાયું કે તરત જ મોત ! તેથી જેવી જમીન નજરે પડે કે તરત જ મા પાસે સીધી દોટ. એકદમ ઉપર ઊડવાની શરૂઆત કરે કે જેથી તે માની પાસે પહોંચી શકે. તેનું એક જ ધ્યેય કે મા પાસે પહોંચવું. (શ્રીરામકૃષ્ણ કથામૃત, 1.179-81)

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.