આપણા દેશમાં બારે માસ તહેવારો સતત ચાલુ જ રહે છે. તહેવારો નિમિત્તે ગિફ્ટ અને શુભેચ્છાઓના આપ-લેનો દોર પણ ચાલુ રહે છે, એમાંય દિવાળી પર તો ખાસ. મોટાભાગના લોકોને એક આદત હોય છે કે જેમને પણ ગિફ્ટ કે શુભેચ્છાઓ આપવાની હોય તેમનું લીસ્ટ બનાવી લે છે જેથી કોઈ અગત્યની વ્યક્તિ કે પ્રિયજન ભેટ-સોગાદ કે  શુભેચ્છા મેળવવાથી વંચિત ન રહી જાય. કેવો સરસ આઇડિઆ ! પણ આમ છતાં એક વાત ચોક્કસ છે કે એક ખૂબ જ અગત્યની વ્યક્તિને ગિફ્ટ આપવાનું કદાચ ચૂકાઈ ગયું હોય તેવું બનવાની પૂરી શક્યતા છે અને આ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ તમે પોતે છો ! તો આજે આપણે આપણી જાતને તહેવારો નિમિત્તે આરોગ્ય અને તંદુરસ્તીની અણમોલ ગિફ્ટ આપીશું. પણ એ પહેલાં તહેવારો દરમિયાન આપણી તંદુરસ્તીનું ટાયર કેવી રીતે પંક્ચર થાય છે એના પર એક નજર તો નાખવી જ પડશે.

શરૂઆત ભોજનથી કરીએ. કુછ મીઠા હો જાય! કેમ નહીં ? તહેવારોમાં તો ખૂબ મીઠાઈઓ, તળેલાં ફરસાણ અને મેંદા, ઘી, નમક, વેજીટેબલ ઘી તથા તેલની બનેલી વાનગીઓ ખવાઈ હોય. તેમાં કૃત્રિમ રંગ, પ્રિઝર્વેટીવ વગેરે પણ હોવાનાં જ. અને ડિસ્કાઉંટમાં મળતા કૃત્રિમ કોલ્ડડ્રિંક્સના જે બાટલા ગટગટાવ્યા તેને પણ યાદ કરો. ખાંડ, નમક અને મેંદો આ ત્રણ ઝેર પેટમાં છૂટથી પધરાવ્યાં હોય. એટલે ટૂંકમાં પેટમાં અને શરીરમાં વણજોઈતી કેલોરી, ટ્રાંસ ફેટ અને કોલેસ્ટેરોલનો ભરાવો થવાનો એ નક્કી. અધૂરામાં પૂરું ઉજાગરા અને અનિયમિત જીવનશૈલી તહેવારોમાં તો ખાસ હોય જ! બહારનું ખાઈ-ખાઈને ઘણાં તો નવા વર્ષનું સ્વાગત જ બેસી ગયેલા ગળા, શરદી, ઉધરસ અને તાવ સાથે કરે છે ! વેલ, આપણા શરીરને અને શરીરની સરસ રીતે ચાલતી સિસ્ટમને પૂરેપૂરી બગાડવાનું હજુ આટલું ઓછું હોય તેમ દિવાળીના સમયે ફટાકડાના ધુમાડાથી આપણાં ફેફસાંને છલોછલ ભરીને આપણે નવા વર્ષનું સ્વાગત કર્યું હોય ! અને ધુમાડો ખાવાનો સીલસીલો છેક દેવદિવાળી સુધી ચાલે.  આમ, શરીરમાં અનેક પ્રકારના પ્રદૂષકો, પછી ચાહે તે ભોજન, પીણાં કે હવામાનમાંથી આવ્યા હોય, તે જમા થયા એ નક્કી છે. આ પ્રદૂષકો એક પ્રકારનાં ઝેર કે ટોક્સિન જ છે. મતલબ કે વર્ષના પ્રારંભે તંદુરસ્ત રહેવા માટે શરીરમાં જો ટોક્સિન ભેગા થયા તો તેને દૂર કરવા ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા પણ કરવી જ પડે, ખરુંંને? તો ચાલો, જાણી લઈએ, શરીરની આંતરિક સાફસૂફી અને ડિટોક્સિફિકેશન કેવી રીતે કરીશું.

સહુ પહેલાં તો બજારુ અને બહારનાં ખાણાં-પીણાં પર ફુલસ્ટોપ લગાવવું પડશે. ખરેખર તો દિવાળીમાં કૃત્રિમ રંગ-સુગંધવાળી બહારની મોંઘી પણ નુકસાનકારક મીઠાઈઓ અને મુખવાસ કે જે આજકાલ ઘણાં લોકપ્રિય છે તેને બદલે ઘરે બનાવેલી શુદ્ધ ઘીની સ્વાસ્થ્યપ્રદ મીઠાઈઓ મહેમાનોને આપવાનો નવો-બહેતર ટ્રેંડ શરૂ કરવાની ખાસ જરૂર છે. ઘરે પણ તળેલા, સાંતળેલા, પ્રોસેસ્ડ કરેલા કે પ્રિઝર્વ કરેલા ખાદ્યોને તમારી પ્લેટમાં કામચલાઉ ‘નો એંટ્રી’ કહેવું પડશે. હવે નમક અને ખાંડ બને તેટલાં ઓછાં કરો. આ માટે થોડા સમય માટે અથાણાં, પાપડ, ફરસાણ, ગાંઠિયા, પોટેટો ચીપ્સથી દૂર રહો. એટલે બહારથી હાનિકારક પદાર્થો શરીરમાં ઠલવાતા અટકશે. આટલો કંટ્રોલ કરશો એટલે જો બ્લડપ્રેશર વધ્યું હશે તો ફરીથી નોર્મલ થવા લાગશે અને શરીરમાં વધારાની ચરબી અને શર્કરા ઉમેરાતાં અટકશે.

હવે શરીરની ડાયજેસ્ટીવ સિસ્ટમ ખાસ કરીને જઠર, નાના આંતરડા અને મોટા આંતરડાને શુદ્ધ કરવાની કવાયત શરૂ કરવી જોઈશે. તહેવારોના ભોજનમાંથી નોંધપાત્ર માત્રામાં મેંદો અને એસીડીટી કરે તેવા ખાદ્યોનો રોજ-રોજ જમાવડો પાચનતંત્રના આ અંગોમાં થતો હોય છે. ખાસ કરીને મેંદો તો આંતરડાના અંદરના પડમાં લાંબો વખત ચોંટી જાય છે. ઉપરાંત મળ કઠણ અને ચીકણો બની આંતરડામાં પડી રહે છે જે ખરેખર ઝેરી કચરો જ સાબિત થાય છે, જે પેટને ઉકરડામાં ફેરવી નાખે છે. પેટમાં અનેક હાનિકારક અને ગેસ ઉત્પન્ન કરતાં જીવાણું આ ઉકરડા ઉપર નભે છે. ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, ગેસ, ગોળો ચડવો, મોં બેસ્વાદ કે કડવું થવું, કબજીયાત, ઝાડા અને એસીડીટી આમાંનાં કોઈ લક્ષણો દેખાય એટલે પેટની બેહાલી થઈ ચૂકી છે એમ સમજવું. પેટ અને પાચનતંત્રના અવયવોને સાફસૂથરા, હળવાફૂલ અને ફરીથી કાર્યક્ષમ બનાવવા માટે નવશેકા પાણીનો ઉપયોગ શ્રેષ્ઠ છે. સવારે નરણા કોઠે નવશેકું પાણી જેટલું પિવાય તેટલું પીવો. ત્યારબાદ હળવું વોકિંગ કરો. તમે ઇચ્છો તો નવશેકા પાણીમાં

લીંબુ અને મધ ઉમેરી શકો. જો વધુ તકલીફ લાગે તો થોડા દિવસ રાત્રે એક-બે ચમચી ઈસબગુલ પાણીમાં પલાળીને પી જવાનું રાખો. ઈસબગુલ રેષાનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આને લીધે કઠણ મળ ઢીલો થશે, પેટ સાફ આવશે, કબજીયાત દૂર થઈ જશે અને આંતરડાં ચોખ્ખાં થશે.

દરેક પ્રકારના તૈયાર અને તળેલા નાસ્તા બંધ કરી ઋતુ અનુસારનાં તાજાં ખાટાં ફળ જેવાં કે લીંબુ, સંતરાં, મોસંબી, પપૈયું, જામફળ પુષ્કળ ખાઓ. બને તો તેનો રસ ન લેતાં ટુકડા કે ચીરીઓ કરીને ખાવાં. આ બધાં જ ફળમાં વિટામીન સી પુષ્કળ રહેલું હોય છે. વિટામીન સી એક પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે જે શરીરની અંદરના ટોક્સિનની સાફસફાઈ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેપ્સિકમ અને મોળાં મરચાં, ફુદીનો, કાકડી, લીલી ડુંગળીનાં પાન, આદુ અને લસણનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવો કેમ કે તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખાઈને લોહીની વધેલી ચરબી-કોલેસ્ટેરોલ ઘટાડવામાં આ બધા કુદરતી ખાદ્યોનો રોલ ખૂબ અગત્યનો છે. તહેવારો દરમિયાન ચટાકેદાર ખાવાનું મન થાય તો આ બધાં શાક ઉમેરેલી હોય તેવી વાનગીઓ જેમ કે લીલી ચટણી, મૂઠિયાં, પાત્રાં, બટેટાપૌંઆને બદલે કોબી-ગાજર-કેપ્સિકમ-ડુંગળી ઉમેરેલા એકદમ સ્વાદિષ્ટ સબ્જી પૌંઆ, વેજ ફ્રાઈડ રાઈસ કે પુલાવ, સ્ટફ્ડ ઈડલી કે સ્ટફ્ડ પરોઠાં, વિવિધ સૂપ જેવી શાકભાજીથી ભરપૂર વાનગીઓ વિટામીન, ખનીજ ક્ષાર અને રેષાથી સમૃદ્ધ હેલ્ધી ફૂડ ગણી શકાય.

સવારે નાસ્તામાં તાજાં ફળ (ફળના રસ નહીં) ખાસ કરીને ચીકુ, પપૈયું, કેળાં અને જામફળ ખાઓ. બપોરના જમવામાં અચૂક અને ભરપૂર સલાડ લો. રાત્રે સૂતી વખતે ઈસબગુલ દૂધમાં ભેળવીને પીઓ. બને તો ચા-કોફી ઓછાં કરો. ઘી ખાઓ તો ગાયનું જ ઘી ખાઓ. ગાયનું સારું ઘી શહેરમાં મળતું નથી એવી ફરિયાદ ઘણા લોકો કરતા હોય છે. તો તેમની જાણ માટે કે અમૂલ ડેરી રેગ્યુલર ઘીના લગભગ ભાવેભાવ જ ગાયનું ઘી ‘કાવ ઘી’ના નામે બનાવીને વેચે છે. અઠવાડિયામાં ઓછામાં-ઓછા ત્રણ દિવસ રાત્રે ખીચડી-લીલી ભાજીનું શાક કે ઘઉંની થૂલી અને ભાજી ખાઓ. બને તો અઠવાડિયે એક દિવસ ફક્ત તાજાં ફળ અને ગાયનું દૂધ પીને ઉપવાસ કરો. આને લીધે ધીમે-ધીમે આંતરડાં અને પાચનમાર્ગના અન્ય અવયવોમાં જામેલો, સુકાયેલો અને ચોંટેલો મળ (જેના વિશે મોટાભાગના લોકો અજાણ હોય છે) સાફ થશે અને આંતરડાંને બળ મળશે, જઠરની તંદુરસ્તી જળવાશે અને એસીડીટી થતી અટકશે. ડાયાબિટિસ અને વજન વધ્યું હશે તો એ પણ ધીમે-ધીમે કાબૂમાં આવશે.

શ્ર્વાસમાં જે કાંઈ અશુદ્ધિ ગઈ હશે તે ફેફસાંની સાથે રક્તને પણ અશુદ્ધ કરે છે. આના શુદ્ધિકરણ માટે કસરત અને પ્રાણાયામ અચૂક કરવાં જોઈએ. રોજ ઓછામાં ઓછું 40 મિનિટ એક્દમ ઝડપથી ચાલો. જો તમે ગ્રુપમાં-વાતો કરતા કે ધીમેધીમે ચાલશો તો તેનો શરીરને કોઈ ખાસ ફાયદો નહીં થાય. આથી એક્દમ ઝડપી, હૃદયના ધબકારા વધે અને શરીરને પરસેવો છૂટે તે પ્રમાણે ચાલવાથી જ કેલોરી બળશે. ધુમાડો ઓકતાં વાહનોની અવરજવરવાળા રસ્તા પર ચાલવું નહીં. ઘરની નજીકના બગીચા કે પાર્કમાં પીપળાનાં સંખ્યાંબંધ વૃક્ષ અચૂક વાવવાં જોઈએ કેમ કે તે આજના  પ્રદૂષણભર્યા માહોલમાં કુદરતી રીતે ભરપૂર ઓક્સિજન આપે છે. ત્યાં બેસીને કરાતાં યોગ અને પ્રાણાયામ વધુ ફાયદો કરે છે. કપાલભાતી, કુંભક-રેચક, અનુલોમ-વિલોમ, ભ્રામરી અને શીત્કારી કે શીતલી પ્રાણાયામ ચોક્કસ કરો. આ બધા પ્રાણાયામ શરીરનાં ઝેરી તત્ત્વોને બહાર કાઢી શરીરને પ્રાણવાયુ અને ઊર્જાથી ભરી દે છે. આ બધા આસાન ઉપાયો આપણા જીવનને ‘હેપ્પી’ તો બનાવશે જ, સાથે-સાથે ‘હેલ્ધી’ પણ બનાવશે!

Total Views: 2,172

6 Comments

 1. Punambhai patel October 28, 2022 at 6:10 am - Reply

  Very useful

 2. જનક રાવલ October 28, 2022 at 2:29 am - Reply

  ખૂબજ સુંદર અને રસપ્રદ જાણકારી આપવા બદલ આભાર

 3. જનક રાવલ October 28, 2022 at 2:28 am - Reply

  ખૂબજ સુંદર અને રસપ્રદ માહિતી

 4. Haresh Joshi October 28, 2022 at 1:41 am - Reply

  Very nice article for health after Diwali

 5. Gita Patel October 27, 2022 at 2:23 am - Reply

  Very nice information . Everyone should be conscious about the health .

 6. Savitaben parsana October 27, 2022 at 12:04 am - Reply

  👌👌👌

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.