મણકો બીજો  –  ચાર્વાક દર્શન

અહીં આપણે પહેલાં વેદપ્રામાણ્યને ન માનતાં એવાં ચાર્વાક-જૈન-બૌદ્ધ વગેરે દર્શનોથી માંડીને પછી વેદપ્રામાણ્યને માનતાં દર્શનો પર ઉપરછલ્લી નજર નાખીશું. પહેલાં ચાર્વાક દર્શનની થોડી વાતો કરીએ:

ભારત જેવા અધ્યાત્મપ્રધાન દેશમાં ચાર્વાક જેવા ભૌતિકવાદી દર્શનનો ઉદ્ભવ ઘણો વિસ્મયકારક લાગે, છતાં એનાં મૂળ પણ છેક વેદ-પુરાણાદિમાં મળી આવે છે. એના પ્રસ્થાપક કોઈ બૃહસ્પતિ નામક વિચારક કહેવાય છે. પણ એનો સમય નક્કી થતો નથી.

‘ચાર્વાક્’ શબ્દ ‘ચારુ + વાક્’ ( મીઠી વાણી ) પરથી થયો છે એમ વિદ્વાનો માને છે. કહેવાય છે કે નીતિનિયમો વિશેના ભૌતિક અભિગમની મીઠી લાગતી વાણીથી બૃહસ્પતિ અને એના અનુયાયીઓએ લોકોને આકર્ષ્યા હતા, તેથી તેઓ ‘ચાર્વાક્’ કહેવાયા. એનું બીજું નામ ‘લોકાયતિક’ પણ છે.

આ એક ભૌતિકવાદી દર્શન છે. એના મત મુજબ ઇન્દ્રિયો દ્વારા અનુભવાતાં મહાભૂતો જ સત્ય છે. સ્વતંત્ર આત્મા જેવું કશું છે જ નહિ. મહાભૂતોના વિશિષ્ટ સંયોજનથી જ ચેતન પ્રગટે છે; ઈશ્વર, પરલોક વગેરે ખાલી કલ્પનાઓ જ છે. માત્ર પ્રત્યક્ષ જ, એક જ પ્રમાણ છે; વર્તમાન જીવન સારી રીતે જીવાય એ જ જીવનનો હેતુ છે. એના સામાજિક નીતિનિયમો પણ એને જ અનુસરે છે.

આ દર્શનનાં બૃહસ્પતિ રચિત કેટલાંક ગણ્યાં-ગાંઠ્યાં સૂત્રો જ જુદા જુદા દર્શનગ્રંથોમાં સંદર્ભરૂપે વેરાયેલાં જોવા મળે છે. આખો ગ્રંથ મળતો નથી. તદુપરાંત, જયરાશિ રચિત ‘તત્ત્વોપપ્લવસિંહ’ નામે ગ્રંથ પણ મળ્યો છે. બસ, આટલું જ સાહિત્ય આ મતનું મળે છે. વિદ્વાનોને મતે આ લોકાયતો – ચાર્વાકોની ઘણી શાખાઓ હતી. અને તત્ત્વોપપ્લવસિંહ ગ્રંથ તો એની કોઈ એક માત્ર શાખાનો ગ્રંથ છે. જો આમ હોય તો આ મતને પૂરેપૂરો સમજવામાં આપણી મુશ્કેલી ઘણી વધી જાય છે કારણ કે એનું બહોળું સાહિત્ય તો આ મત તરફની લોકોની ખૂબ વ્યાપક અવહેલનાના કારણે નષ્ટ થઈ ગયું છે અથવા નષ્ટ કરી નખાયું છે.

પૂર્વોક્ત રીતે ભૂતોના વિશિષ્ટ સંમિશ્રણથી ચેતન પ્રકટે છે. એનું કારણ ચાર્વાકો ‘સ્વભાવ’ કહે છે અને એ માટે અગ્નિની ઉષ્ણતા, જળની શીતળતા જેવાં ઉદાહરણો આપે છે. એકલા પ્રત્યક્ષને જ પ્રમાણ માનતા ચાર્વાકોમાં ધુરંધર ક્યારેક અનુમાનને સ્વીકારે છે ખરું, તો પણ મરણોત્તરસ્થિતિ, સ્વર્ગ, કર્મ વગેરે અદૃશ્ય માટે તો એ અનુમાનનો અનાદર જ કરી દે છે. આ ચાર્વાકો ભૂતોમાં પણ પૃથ્વી, તેજ, જળ અને વાયુ એમ ચારને જ સ્વીકારે છે. પાંચમા આકાશને તો એ ક્યારેક જ સ્વીકારતો નજરે પડે છે. ‘તત્ત્વોપપ્લવસિંહ’  પરથી એવું પણ જોઈ શકાય કે ચાર્વાકોની એક શાખા જ્ઞાન પ્રામાણ્યને પણ સ્વીકારતી ન હતી.

ચાર ભૂતોને જ જગત માનનારા આ ચાર્વાકો એ ભૂતોની ઉત્પત્તિ ક્યાંથી અને કઈ રીતે થઈ, તે વિશે કશું જ કહેતા નથી. અન્ય કોઈ દૃષ્ટ-અદૃષ્ટ-ચેતન કે અન્તર્યામીની સત્તા નહિ માનનારા તેઓ આ આખાય જગતને એક અકસ્માત જ માનતા હશે ? ચાર્વાકો તો જગતની આ કારણ વિષયક વાતને વિડમ્બના જ માને છે ! જીવની ઉત્પત્તિનું કારણ તો ‘સ્વભાવ’ બતાવ્યો. કોઈ ઈશ્વરની સત્તા ચાર્વાકોને માન્ય નથી કારણ કે ઈશ્વરસાધક શબ્દપ્રમાણને તો તેઓ સ્વીકારતા જ નથી !

ચાર્વાકો સ્પષ્ટ રીતે જ આધિભૌતિક સુખવાદી છે. એ જ દૃષ્ટિથી તેઓ માણસનાં કર્તવ્ય-અકર્તવ્યોનો નિર્ણય કરે છે. ચાર પુરુષાર્થોમાં તેઓ ફક્ત અર્થ અને કામનો જ વિચાર કરે છે અને ધર્મ તથા મોક્ષની હાંસી ઉડાવે છે.

અધ્યાત્મપ્રધાન ભારતમાં આવા આધિભૌતિક સુખવાદી દર્શનનો ઉદય અન્ય બધાં જ અધ્યાત્મવાદી દર્શનો સાંખી ન શકે એ સ્વાભાવિક જ છે. એટલે ભારતનાં બધાં જ આસ્તિક તેમજ નાસ્તિક દર્શનો ખાઈ-પીને એ ચાર્વાકોની પાછળ પડી ગયાં. એમને બીક લાગી કે આવું ભૌતિકવાદી દર્શન જો ભારતમાં ફેલાશે તો એનાં આચારશાસ્ત્રીય બધાં તત્ત્વોથી આખો સમાજ છિન્નભિન્ન થઈ જશે. એટલે એમણે બધાંએ સાથે મળીને જોરશોરથી ઝનૂનપૂર્વક ચાર્વાકોનું ખંડન કર્યું. એ ખંડન કેવળ ધાર્મિક ન રહ્યું. એમણે સૌએ ચાર્વાકોનું ગ્ંરથસાહિત્ય નષ્ટ કરવાનું કામ પણ કર્યું હોય એવો સંભવ લાગે છે. અને કદાચ એને પરિણામે આજે સાચા ચાર્વાકદર્શનને સમજવા માટે આપણી પાસે માત્ર એક જ ગ્રંથ અને અન્ય દર્શનોના ગ્રંથોમાં વેરાયેલાં રડ્યાં-ખડ્યાં સંદર્ભ વાક્યો સિવાય કશું જ રહ્યું નથી !

પણ અહીં સૌથી મોટો પ્રશ્ન તો એ થાય છે કે જો એ ચાર્વાકો ક્ષુદ્ર ભૌતિક મોજશોખમાં જ રચ્યા-પચ્યા રહેતા હોય અને અમર્યાદ સ્વેચ્છાચારી જીવન જીવતા હોય, તેમજ કોઈ પણ પ્રકારની સામાજિક જવાબદારી સ્વીકારતા જ ન હોય તો પછી એના વિરોધીઓએ એવા નિમ્ન પ્રકારની વિચારસરણી ધરાવનારાઓને ‘દર્શન’નું ગરિમાપૂર્ણ પદ શા માટે આપ્યું? એ પદ એમને કોણે આપ્યું ?

આ અતિગંભીર પ્રશ્ન આપણને વિચારતા કરી મૂકે છે. વિચાર કરતાં તો એવું જણાય છે કે ઉપર જણાવેલા ચાર્વાકદર્શનના સિદ્ધાંતો એ સાચું ચાર્વાકદર્શન નથી, પરન્તુ એ ભૌતિકવાદી દર્શનને ઉતારી પાડવા માટે આધ્યાત્મિક દર્શનોએ કરેલી અતિશયોક્તિપૂર્ણ અને વિકૃત એવી એની ખંડનાત્મક રજૂઆત છે. આપણા દુર્ભાગ્યે ચાર્વાકદર્શનના મૌલિક ગ્રંથો આપણને મળતા નથી એટલે આપણે એના વિશે કશું જ પ્રમાણભૂત રીતે કહી શકતા નથી. પણ એટલું તો ચોક્કસ જ છે કે જે વિચારધારાને વિરોધીઓ પાસેથી પણ ‘દર્શન’ તરીકેની માનાર્હ પદવી મળી એ લોકો કદીય બેજવાબદાર જીવન જીવતા હોય જ નહિ ! એ તદ્દન અસંભવિત છે.

વળી આગળ કહ્યા પ્રમાણે આ ચાર્વાકોની તો અનેક શાખાઓ હતી. તેમાંની કઈ શાખાએ ‘કરજ કરીને ઘી પીવાનું’ કે એવું અન્ય અણછાજતું વિધાન કર્યું છે તે આપણે જાણતા નથી. સંભવ છે કે કોઈએ હળવાશથી મોજમાં આવીને વર્તમાન જીવનને માણી લેવા લોકોને સમજાવવા માટે આવું કહી દીધું હોય અને પ્રતિપક્ષીએ એને ગણીને ગાંઠે બાંધ્યું  હોય ! યજ્ઞમાં પુષ્કળ ઘી હોમવાને બદલે એનો ભોજનમાં ઉપયોગ કરવા સૂચવ્યું હશે. આવા ઐહિક જીવનના મહિમાગાનને વિરોધીઓએ પોતાની મનમાની રીતે બેજવાબદાર ઠેરવીને – એના સાચા મર્મને અવગણીને – ચાર્વાકોને તિરસ્કારપૂર્વક હસી કાઢ્યા હોય એવું લાગે છે.

આપણે પૂર્વગ્રહ વિના વિચારીએ તો એવું જ લાગે કે આધુનિક સામાજિક વિજ્ઞાનીઓ અને ચાર્વાકો વચ્ચેે ઘણું સામ્ય છે. રાજકીય તેમજ દાર્શનિક સંપ્રદાયોથી મુક્ત એવા સુખમય અને વ્યવસ્થિત જીવનનો કોઈ પણ બુદ્ધિજીવી વિચાર કરે તો તે આવો જ વિચાર કરે. આવી જ બાબતો ગણાવે : સમાજ, પરિવાર અને વ્યક્તિની કેટલીક બાબતોમાં સ્વતંત્રતા, કલા અને સૌંદર્યની સમજણ, આર્થિક સુવિધા, વ્યવસાય, શરીર-સ્વાસ્થ્ય, મનોરંજનનાં ઉપકરણો અને કાનૂની  સુવ્યવસ્થા.

ચાર્વાકો કંઈ સમાજમાં અરાજકતા ફેલાય એવું તો ઇચ્છતા ન હતા. દંડનીતિનું મહત્ત્વ તો તેમણે સ્વીકાર્યું જ છે. કૌટિલ્ય કહે છે: બૃહસ્પતિના અનુયાયીઓ (ચાર્વાકો) કૃષિ, વાણિજ્ય, પશુપાલન, દંડનીતિ અને વાર્તાને સ્વીકારે છે.  (જુઓ : સર્વસિદ્ધાંતસંગ્રહ, લોકાયતિક પક્ષનું પ્રકરણ).

તો આપણી સામાજિક વિચારધારા આ લોકાયતિકો કરતાં ક્યાં જુદી પડે છે? એ લોકો આપણી મોક્ષની, ત્યાગની, વૃત્તિદમનની કે પરલોક વગેરેની વાતોને સ્વીકારતા નથી, બસ એટલું જ ! તેઓે જનસાધારણના તત્ત્વજ્ઞો જ રહ્યા. સામાન્ય માણસોના ફિલોસોફરો રહ્યા. એટલું જ ને? વર્તમાન જીવનને માણી લેવાનો તેમનો ઉપદેશ છે. ‘ધન્ય આજનો લ્હાવો લીજિયે, કાલ કોણે દીઠી છે?’ એ એમનો મૂળ મંત્ર છે.

તપ – ત્યાગ – બ્રહ્મચર્યાદિથી વર્તમાન જીવનના આનંદને ગુમાવી દેવાની તેઓ ના પાડે છે. આ લોકાયતોનો સંબંધ અર્થશાસ્ત્રમાં બૃહસ્પતિ, ઉશનસ્ વગેરે સાથે છે. એનાથી જ એનો ઉદ્ગમ અને પોષણ થયાં છે. અને આવા અર્થશાસ્ત્રીઓને-સમાજશાસ્ત્રીઓને-કોઈ આધ્યાત્મિક ધર્મ હોતો નથી એટલે આપણે આ ચાર્વાકો વિશે કહી શકીએ કે તે એક સામાજિક-રાજકીય એવી દાર્શનિક વિચારસરણી છે.

Total Views: 273

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.