19મી શતાબ્દીના જર્મન દાર્શનિક ફિક્ટેએ કહ્યું હતું: ‘એ સર્વવિદિત તર્ક છે કે કાળના પરિપ્રેક્ષ્યમાં જેનો પ્રારંભ છે તેનો અંત પણ તેમાં થશે. એટલે કે જીવ મરણ પછી પણ અસ્તિત્વ ધરાવે છે અને તે અનિવાર્યપણે ચિરંતન પણ છે.’ પશ્ચિમના દેશોમાં મારા 17 વર્ષના નિવાસ દરમિયાન મારી એવી ધારણા બંધાઈ છે કે મોટા ભાગના લોકો પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે અને મોટા ભાગના લોકો સ્પષ્ટરૂપે એની ઘોષણા ખ્રિસ્તી ધર્મસંઘના ભયને કારણે કરતા નથી. એક પ્રસિદ્ધ અમેરિકન લેખક અને પ્રચારક ડોક્ટર પ્રેટ આ શતાબ્દીના પ્રારંભમાં ભારત આવ્યા હતા. પુનર્જન્મવાદ વિશે એમણે આમ લખ્યું છે: ‘જીવની એક યોનિમાંથી બીજી યોનિમાં જવાના સિદ્ધાંતમાં વ્યક્તિગતરૂપે હું વિશ્વાસ રાખતો નથી. પરંતુ હું એ વિષયમાં દુરાગ્રહી પણ નથી.’ વળી તેઓ આગળ લખે છે, ‘હું આ સિદ્ધાંતની ઉદાત્તતા અને સૌંદર્યથી વિશેષ પ્રમાણમાં પ્રભાવિત થયો છું. મૃત્યુને પ્રાપ્ત કરતા દેહ તથા ક્ષીણ થઈ રહેલાં વિશ્વોની વચ્ચેથી અનંત સાગરરૂપી પોતાના ગંતવ્ય સુધી દીર્ઘયાત્રા કરતા જીવના હિંદુ સિદ્ધાંતમાં નિર્વિવાદરૂપે એક ઉદાત્તતા છે.’ અને ‘હિંદુ તે અનંત જીવનમાં પ્રવેશ કરી રહ્યો છે, એવું એ માનતો નથી. તે એવો વિશ્વાસ રાખે છે કે તે અત્યારે અનંત જીવન જીવી રહ્યો છે.’
મહાન આચાર્યોને પૂર્વજન્મોનું જ્ઞાન હતું :
એક પ્રશ્ન છે. આવો પ્રશ્ન મેં પશ્ચિમના દેશોમાં કરેલા લાંબા સમયના નિવાસ દરમિયાન ઘણી વખત સાંભળ્યો છે : ‘જો આપણા પૂર્વજન્મ હતા તો એની આપણને સ્મૃતિ કેમ નથી થતી?’ સારું, આપણે પોતાના આટલા બધા પૂર્વ અનુભવોને ભૂલી ગયા છીએ, એ શું આપણું સૌભાગ્ય નથી? અને જો એક જ જન્મની, ધારો કે વર્તમાન જન્મની બધી સ્મૃતિઓ અચાનક કે એક પછી એક નિરંતર આપણા બધાનાં મનમાં જાગવા લાગે તો આપણી શી દશા થાય? આપણામાંથી મોટાભાગના લોકો તો પાગલ જ બની જશે અને આપણને રોગીના રૂપે રહેવાનું સ્થાન પણ નહીં મળે. આ માટે અસંખ્ય માનસિક ચિકિત્સાલયો શરૂ કરવાં પડે. આની સંખ્યા પહેલેથી જ વધતી જાય છે અને હવે વધારાની ક્ષમતા પણ નથી. આવું કહેવામાં પ્રાગ્-માન્યતા દોષ નથી. હું કેવળ આ જ સત્ય બતાવવા ઇચ્છું છું કે પ્રકૃતિમાતા આપણા મોટાભાગના ભૂતકાળને ભુલાવી દે છે. એને લીધે આપણે નવા વિચારો, નવી આકાંક્ષાઓ અને નવી આશાઓ સાથે પોતાના જીવનમાં એક નવા અધ્યાયનો પ્રારંભ કરી શકીએ છીએ.
શું પૂર્વજન્મોની સ્મૃતિઓને ફરીથી જાગૃત કરવી સંભવ છે? લોકો પોતાના ભૂતકાળ અને ભવિષ્ય વિશે ઘણા ઉત્સુક હોય છે. એટલે ભારતમાં અને વિશેષ કરીને પાશ્ર્ચાત્ય દેશોમાં જ્યોતિષી, હસ્તરેખા વિશેષજ્ઞ, સ્ફટિકદર્શક, મનને વાંચવાવાળા પરચિત્તજ્ઞાનીઓની ભરમાર જોવા મળે છે. અને કદાચ લોકોને ભગવાનને બદલે આવી વાતો પર વિશ્વાસ હોય એવું જોવા મળે છે. મને એક વાર્તા યાદ આવે છે : એક છોકરી એક પરચિત્તજ્ઞાની પાસે ગઈ. તે પોતાના બધા પૂર્વસંસ્કારોને વંચાવવા ઇચ્છતી હતી. અને પરચિત્ત પઠન કરનારે કહ્યું, ‘મહત્ત્વના વ્યક્તિઓ પાસેથી હું 100 ડોલર લઉં છું. બીજા કેટલાક પાસેથી 50 કે 25 ડોલર લઉં છું. પરંતુ તમારા મનને વાંચવા માટે 5 ડોલર પૂરતા છે.’ એનું મન કયા પ્રકારનું હતું ?
પૂર્ણ વિકસિત અને પરિપક્વ મગજવાળાને આવા ઊંટવૈદ્યોની જરૂર નથી હોતી. તેઓ પોતે જ સત્યનું અનુસંધાન કરવા ઇચ્છે છે. યોગસાધના દ્વારા પોતાના પૂર્વજન્મોની સ્મૃતિને ફરીથી મેળવી શકાય છે. મહાન યોગાચાર્ય પતંજલિનું આવું કથન છે, ‘અપરિગ્રહ સ્થૈર્યે જન્મકથન્તાસમ્બોધ: (પતંજલિ યોગસૂત્ર 2.39) અર્થાત્ અપરિગ્રહમાં સ્થિરતા મેળવીને કે પ્રતિષ્ઠિત થવાથી યોગીના પૂર્વજન્મો શા માટે અને કેવી રીતે થયા, એનું જ્ઞાન થાય છે. અને ‘સંસ્કાર સાક્ષાત્કરણાત્ પૂર્વજાતિજ્ઞાનમ્’ (પતંજલિ યોગસૂત્ર 3.18) અર્થાત્ પોતાના મનના સંસ્કારોના સાક્ષાત્કારથી યોગીઓને પૂર્વજન્મોનું જ્ઞાન થાય છે. પૂર્વજન્મોની સ્મૃતિને પુનર્જીવિત કરી શકાય છે, પરંતુ એને વિશે કુતૂહલ કે જિજ્ઞાસા ન હોવી એ વધુ સારું છે.
શુદ્ધ મન દ્વારા પોતાની પ્રવૃત્તિઓ પર ધ્યાન કરવાથી આપણને ભૂતકાળની ઓછામાં ઓછી એક ઝલક પ્રાપ્ત થઈ શકે છે. એ આપણને પોતાની વર્તમાન સ્થિતિને સમજવામાં અને ભવિષ્ય માટે પોતાને પ્રશિક્ષિત કરવામાં સહાયક બની શકે છે. વિશ્વના કેટલાક મહાનતમ આચાર્યો પોતાના પૂર્વજન્મ વિશે જાણતા હતા. અને તે વિશે એમણે પોતાના શિષ્યોને કહ્યું હતું. શ્રીકૃષ્ણે અર્જુનને (ભગવદ્ ગીતા 4.5) કહ્યું છે: ‘મારા ઘણા જન્મ થયા છે અને તારા પણ. હું એને જાણું છું અને તું જાણતો નથી.’ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે: ‘અબ્રાહમ પહેલાં હું હતો.’ (બાઇબલ, સેન્ટ જોન 8.58) ભગવાનના અવતાર આવી રીતે કહે છે. તેઓ અનંત ચૈતન્યયુક્ત બનીને જન્મ ગ્રહણ કરે છે. એને કારણે તેઓ ભૂતકાળને જાણી શકે છે. એટલે તેઓ આ જીવનનાટકમાં પોતાની ભૂમિકા આટલી સારી રીતે નિભાવી શકે છે.
બુદ્ધે ક્યારેય પોતે ઈશ્વર હોવાનો દાવો કર્યો નથી પરંતુ પછીથી એમના અનુયાયીઓ એમને અવતાર માનવા લાગ્યા. આમ છતાં પણ એમણે જન્મોની એક શૃંખલામાંથી, ભિન્ન ભિન્ન પ્રકારની શુદ્ધીકરણની પ્રક્રિયામાંથી પોતાના પસાર થવાની તથા અંતે નિર્વાણ કે ચરમજ્ઞાન પ્રાપ્તિની વાત કહી છે.
તેઓ એક રાજપુત્ર હતા અને એમણે સત્યને માટે સંસારનો ત્યાગ કર્યો હતો. જ્ઞાનલાભ પછી તેઓ પોતાનો અનુભવ સૌને વહેંચવા ઇચ્છતા હતા. ભિક્ષાપાત્ર હાથમાં લઈને તેઓ એક ઘેરથી બીજે ઘેર જતા. આ જોઈને એમના સમ્રાટ પિતાને આઘાત લાગ્યો અને તેમણે પુત્રને ઠપકો આપતાં કહ્યું, ‘આપણા જેવા મહાન કુળના સભ્ય થઈને તમારે આ રીતે ઘરે ઘરે ભિક્ષા માગવી ન જોઈએ.’ પરંતુ તેઓ ભગવાન બુદ્ધને વિચલિત ન કરી શક્યા. તેમણે પિતાને ઉત્તર આપતાં કહ્યું, ‘હે રાજન, તમે રાજાઓના વંશજ હોવાનો દાવો કરો છો, પરંતુ મારી વંશપરંપરા ઘણી ભિન્ન છે. હું બુદ્ધોના વંશમાં જન્મ્યો છું અને એમણે જે રીતે ઉદાર લોકો પાસેથી ભિક્ષા દ્વારા અન્ન પ્રાપ્ત કર્યું હતું, હું પણ એ જ કાર્ય કરું છું અને એનાથી ભિન્ન બીજું કંઈ ન થઈ શકે.’ એમનો મનોભાવ સામાન્ય લોકોથી ભિન્ન હતો. આપણે કોણ જાણે કેટલીય વાર વંશવૃક્ષને આટલું મહત્ત્વ આપીએ છીએ અને એ ભૂલી જઈએ છીએ કે આ આત્મા તો કોઈ પણ વંશવૃક્ષ કરતાં પણ પુરાતન છે. (ક્રમશ:)
Your Content Goes Here