સરયૂબાલાદેવીની નોંધ

એક શિષ્ય કેટલાંક પૂર્ણ વિકસિત પુષ્પો, ચમેલીનો એક મોટો હાર, ફળો અને મીઠાઈ લાવ્યો હતો. તેણે આ બધું શ્રીમાના ચરણે ધર્યું અને તેમની પૂજા કરવા લાગ્યો. તે દૃશ્ય બહુ સુંદર હતું. શ્રીમા સ્થિર બેઠાં હતાં અને હસતાં હતાં. તેમના ગળામાં હાર હતો અને ફૂલો તેમના પવિત્ર ચરણે અર્પિત થયાં હતાં. જ્યારે તે શિષ્યે તેમની પૂજા સમાપ્ત કરી ત્યારે તે પોતે જે કાંઈ લાવ્યો હતો તે બધું ચાખવાનું તેમને કહ્યું જેથી તેમાંથી થોડી અર્પિત વસ્તુઓ તે પ્રસાદ તરીકે લઈ જઈ શકે. આ સાંભળીને ગૌરી મા હસ્યાં અને કહ્યું, ‘ઠીક, તો મા, આ વખતે તો તમારી દૃઢનિશ્ર્ચયી અનુયાયીની ગણના કરવી જ જોઈએ અનેે તમારે કાંઈક લેવું જ પડશે.’

શ્રીમાએ હસતાં હસતાં કહ્યુુંં, ‘ના, ના, આટલું બધું નહીં. હું ખરેખર આટલું બધું નહીં લઈ શકું.’ ફળ અને મિષ્ટાન્નમાંથી જરા જરા ચાખીને તેને શિષ્યના હાથમાં મૂક્યાં. અનેરા આનંદ સાથે તેણે તે દરેક વસ્તુઓને શિરોધાર્ય કરી અનેે શ્રીમાને પ્રણામ કરીને રજા લીધી. પછી શ્રીમાએ પોતાની ડોકમાંથી હાર કાઢી નાખ્યો અને તે ગૌરી માના ગળામાં પહેરાવ્યો.

ભૂદેવે એક રથ બનાવ્યો હતો. ઠાકુર તેમાં બિરાજવાના હતા અને આ માટે બધું તૈયાર કરવામાં આવતું હતું. . .

અમે ગૌરી મા વિષે વાતો કરતાં હતાં. શ્રીમાએ કહ્યુુંં, ‘ગૌરી-દાસી પોતાના આશ્રમની છોકરીઓની ઘણી જ સંભાળ લે છે. જો કોઈ બીમાર પડે તો તે જાતે બધી જ સેવા-ચાકરી કરે છે. જીવનમાં તેણે કદી આમ કર્યું નથી, પણ ઠાકુર આ રીતે તેની પાસે કામ કરાવે છે. આ તેનો છેલ્લો જન્મ છે.’

બાજુના ઓરડામાં ઠાકુરે પોતાના રથ ઉપર સવારી કરી હતી. શ્રીમા પલંગ ઉપર બેઠાં હતાં; તેમનાં નેત્રો શ્રીરામકૃષ્ણદેવ ઉપર સ્થિર હતાં, જેમાંથી તેમનો અત્યંત આનંદ દેખાઈ આવતો હતો. પછીથી ભૂદેવ અને બીજા શિષ્યો, ઠાકુર અને તેમના રથને નીચે લઈ ગયા. રથને રસ્તા ઉપર ખેંચવા લાગ્યા અનેે પછી નદી તરફ લઈ ગયા. તેઓ એ રથને સાંજે પાછો અંદર લાવ્યા. હવે સ્ત્રીઓએ તેને ઉપરના ઓરડામાં ખેંચીને લઈ જવાનું શરૂ કર્યું. પછી શ્રીમા, રાધુ, નલિનીદીદી અને મેં પણ રથ ખેંચ્યો. શ્રીમાએ, જે કોઈ અંદર આવે તેની પાસે, રથનાં વખાણ કર્યાં. છેવટે દરેક સ્ત્રીએ પોતાના ભાગનો પ્રસાદ લીધો અને છૂટાં પડ્યાં. . . જ્યારે રથને સામેની શેરીમાં ખેંચીને લઈ જતા હતા ત્યારે શ્રીમાએ કહેલું, ‘જગન્નાથનાં દર્શન કરવા સૌ કોઈ પુરી નહીં જઈ શકે. જેઓએ ઠાકુરને અહીં જોયા છે તેઓને તેટલો જ લાભ મળશે.’

18 સપ્ટેમ્બર 1912 : ગૌરી માની શાળામાં હું મારા કામમાં એટલી તો ડૂબેલી રહું છું કે જ્યારે મને શ્રીમા પાસે જવાની ઇચ્છા થાય ત્યારે ત્યાં જવાની વ્યવસ્થા પણ કરી શકતી નથી. રાધાષ્ટમીના દિવસે મને થોડો સમય મળ્યો અનેે હું ત્યાં ગઈ. શ્રીમા ત્યારે ગંગાસ્નાન માટે જવા તૈયાર થતાં હતાં. અને બીજા ઓરડામાં પોતાના શરીરે તેલ-માલિશ કરતાં હતાં. (શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : 88)

Total Views: 375

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.