પર્વતરાજ હિમાલય

પર્વતરાજ હિમાલયની ભવ્યતા યુગો યુગોથી પ્રસિદ્ધ છે. શિવ-શક્તિની લીલાભૂમિ, દેવી-દેવતાઓની, યક્ષોની, ગંધર્વોની, કિન્નરોની અને વિદ્યાધરોની કર્મભૂમિ, ઋષિમુનિઓની તપોભૂમિ, સાધકોની સાધનાભૂમિ અને સહેલાણીઓ માટે સહેલગાહીભૂમિ! આટઆટલી વિવિધતા ધરાવતા પર્વતરાજને સમજવો અને માણવો એ બહુ જૂજ લોકોના ભાગ્યમાં હોય છે.

કેટકેટલા ઇતિહાસો જોઈ ચૂકેલા હિમાલયમાં માઈલો સુધી વિસ્તરેલી એની ગગનચૂંબી હિમાચ્છાદિત પર્વતમાળાઓ, બારેમાસ ખળખળ વહેતી નદીઓ, હર્યાંભર્યાં વૃક્ષોથી ભરેલાં જંગલો, તો વળી અમૃતતુલ્ય ઔષધિઓ આપતી વનસ્પતિઓ, જેમાં શરીર અને મનને તંદુરસ્ત રાખતી અને જીવલેણ રોગોનો સામનો કરી શકે તેવી અનેક જડીબૂટીઓનો પણ સમાવેશ થાય છે; એની મનમોહક ઘાટીઓ, જાતજાતનાં સોહામણાં પશુપક્ષીઓ તથા જંગલી પ્રાણીઓથી આજે પણ લાખો લોકોને એક યા બીજા કારણસર આકર્ષિત કરી રહ્યો છે.

આમ તો હિમાલયની બધી જ શૃંખલાઓ પૂજ્ય છે પરંતુ મધ્ય હિમાલય, ઉત્તરાંચલ વધારે મહત્ત્વપૂર્ણ છે. મુખ્યત્વે તેમાં આવેલ બદરીનાથ જે વિષ્ણુને સમર્પિત છે, કેદારનાથ જે શિવને સમર્પિત છે, ગંગાનું ઉદ્ભવસ્થાન ગંગોત્રી, યમુનાનું ઉદ્ભવસ્થાન યમુનોત્રી, સુપ્રસિદ્ધ કૈલાસ પર્વત કે જે શિવશક્તિનું આવાસસ્થાન મનાય છે અને માનસરોવર, સાંસ્કૃતિક દૃષ્ટિએ અને ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનાં છે.

ધાર્મિક સ્થાનો ઉપરાંત એમાં નૈનિતાલ, ભીમતાલ, સીમલા, મસૂરી, ધરમશાળા જેવાં પર્યટકોને આકર્ષતાં સ્થળો પણ આવેલાં છે.

અલમોડા

દરિયાની સપાટીથી 4938 ફૂટની ઊંચાઈ ઉપર આવેલ અલમોડાની પૂર્વ દિશામાં પિઠોરાગઢ જિલ્લો છે (જેની સીમાથી તિબેટ શરૂ થાય છે). પશ્ચિમ દિશામાં ગઢવાલ જિલ્લો, ઉત્તરમાં બાગેશ્ર્વર જિલ્લો અને દક્ષિણમાં નૈનિતાલ જિલ્લો આવેલ છે.

ભૂતકાળમાં ચંદ્રવંશીઓએ અલમોડામાં કિલ્લા, રાજમહેલ, સૈનિકો માટે રહેઠાણ, મંદિરો વગેરે બાંધ્યાં હતાં. પરંતુ બ્રિટિશરોએ એની જગ્યા પર પશ્ચિમી ઢબનાં મકાનો, રહેઠાણો, કચેરીઓ, સર્કિટ હાઉસ, નિશાળો, કોલેજ, પરેડ ગ્રાઉન્ડ વગેરે બંધાવ્યાં. પુરાતત્ત્વમાં આના અવશેષો જોવા મળ્યા છે પરંતુ સ્વતંત્રતા મળ્યા પછી, ભારત સરકાર અલમોડાને એક શહેર તરીકે વિકસાવી રહી છે. વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ઉત્તરાંચલની પરંપરાગત સંસ્કૃતિની પ્રતિનિધિસમી પ્રાચીન ઇમારતો તૂટવા માંડી છે. વિકાસના હવનમાં તે મોટી આહુતિ સમાન છે! જેનો કોઈ વિકલ્પ નથી!

અહીં પહાડોમાં ગામનાં નામ ત્યાં ઊગતી કોઈક વનસ્પતિ અથવા ત્યાં વસતી કોઈક જાતિ પરથી રાખવાની પરંપરા પ્રચલિત છે. અલમોડામાં વિશાળ માત્રામાં ઊગતા અલમોડા નામના ઘાસ પરથી અથવા તો ત્યાં તે સમયે વસતા અલમિયા જ્ઞાતિના લોકો પરથી આ જગ્યાનું નામ અલમોડા પડ્યું હોય એવું જણાય છે. પ્રાચીન કાળમાં આ જગ્યા અલકાપુરી એટલે કે દેવોની ભૂમિ પણ કહેવાતી હતી.

અલમોડાનો ઇતિહાસ

અલમોડાની ચારે બાજુએ ફેલાયેલી સુંદર પર્વતમાળાઓમાં છઠ્ઠી સદીથી માંડીને અત્યાર સુધીના જાતજાતના પુરાતત્ત્વના અવશેષો મળી આવ્યા છે. અલમોડાથી એક કિ.મિ. થી દસ કિ.મિ. સુધીમાં વિવિધ પ્રકારનાં મંદિરો, જેમાં શિવ, શક્તિ, ગણેશનાં વિવિધ સ્વરૂપોનાં મંદિરોમાં જે તે સમયના ઐતિહાસિક સંદર્ભના પ્રાચીન શિલાલેખો તથા જે તે સદીની સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિકતાની ઝાંખી કરાવતા ગ્રંથો તથા બીજા અવશેષો પણ મળી આવ્યા છે. વળી ભૂગોળની દૃષ્ટિએ આજુબાજુની પર્વતશૃંખલાઓને જોડવામાં દરેક માર્ગોના કેન્દ્રબિંદુ એવું અલમોડા ચંદ્ર શાસકોની રાજધાની બનતાં પહેલાંની કેટલીય સદીઓથી મનુષ્યોની ગતિવિધિઓનું સ્થાન બની ચૂક્યું હતું. ચંદ્ર શાસકોએ એટલે જ અલમોડાને પોતાની કર્મભૂમિ બનાવી હશે, એમ કહેવામાં જરાયે ખોટું નથી.

મધ્ય હિમાલય બે ભૂખંડોમાં વહેંચાયેલો છે. એક બાજુ કુમાઉં અને બીજી બાજુ ગઢવાલ. સાંસ્કૃતિક દૃષ્ટિએ બંને એક જ છે પરંતુ સમયના વહેણમાં ધીરે ધીરે ઇતિહાસ બદલાતો ગયો અને ઈ.સ. પૂર્વે 500 થી 1200 દરમિયાન કુમાઉં ચંદ્રવંશી શાસકોના હાથમાં આવ્યું, જ્યારે ગઢવાલ પર પંવારવંશીઓનું રાજ આવ્યું. ચંદ્રવંશીઓએ અલમોડાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન કર્યું છે. ચંદ્રશાસકોની પહેલી રાજધાની ચંપાવત (પિઠોરાગઢ જિલ્લામાં) હતી. તે સોળમી સદીમાં અલમોડામાં સ્થાપિત થઈ. ભૂગોળની દૃષ્ટિએ અલમોડા વાહનવ્યવહારની રીતે, વેપારની રીતે તથા ખાસ કરીને વિદ્યાધરોની કર્મભૂમિની રીતે એકદમ વિકસી રહ્યું હતું, જે આજે પણ દેખાઈ આવે છે. અલમોડામાં મનોરમ્ય હરિયાળીની સાથે બરફથી ઢંકાયેલ હિમાલયનાં ત્રિશૂળ અને નંદાદેવી જેવાં જાણીતાં શિખરોનો સમાવેશ થાય છે. અહીંની અજોડ હસ્તકલા ખૂબ જ પ્રખ્યાત છે. તે ઉપરાંત અહીંનો સાંસ્કૃતિક વારસો અજોડ છે. એક સંસ્કાર નગરીનું સ્થાન અલમોડાએ સદીઓથી જાળવી રાખ્યું છે. ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણને વિકસાવવામાં ચંદ્રવંશીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ક્યાં ક્યાંથી વિદ્વાનો અહીં આવતા, ધર્મસભાઓ થતી, શાસ્ત્રો ઉપર ચર્ચા-વિચારણા થતી, વાંચન-લેખન થતાં! એ બધી વસ્તુઓ પુરાતત્ત્વના અવશેષો તથા તત્કાલીન પુસ્તકો પરથી પુરવાર થાય છે.

દેશની અનેક મહાન વિભૂતિઓને આકર્ષવામાં આ એક મહત્ત્વનું કારણ હતું. મૂળથી અલમોડા બ્રાહ્મણોનું નગર હતું એટલે એમાં બૌદ્ધિક પ્રવૃત્તિઓ ખૂબ ફૂલી ફાલી હતી, એમાં ચંદ્રનરેશ જાતે સક્રિય રહેતા હતા. કુમાઉંની કેટલીક જગ્યાઓ પરથી પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો મળ્યા છે, જેમાં એવું સ્પષ્ટપણે લખાયું છે કે એમને કોઈક ચંદ્રવંશી રાજાએ આશ્રય આપ્યો હતો. અલમોડામાં 250થી વધારે વર્ષ સુધી ચંદ્રવંશીઓનું રાજ્ય હતું. એ દરમિયાન અહીં ભારતનાં અનેક સ્થાનોથી વિદ્વાનો આવતા હતા. એનું ઝળહળતું ઉદાહરણ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ વિદ્વાન અનન્તદેવ છે. તેમણે રાજા બાજ બહાદૂર ચંદ્રના ગાળામાં ‘સ્મૃતિ કૌસ્તુભ’ નામના ધર્મગ્રંથની રચના કરી હતી. જાગેશ્ર્વરમાં મળેલા આઠમી સદીના શિલાલેખો પણ એ સૂચવે છે કે ત્યાં મોટી માત્રામાં બંગાળથી તીર્થયાત્રીઓ અને પર્યટકો આવતા હતા. બંગાળ તો ધર્મક્ષેત્રે – અધ્યાત્મક્ષેત્રે તે સમયે ખૂબ જ પ્રખ્યાત હતું. એક જમાનામાં બંગાળ સંતોની, ફિલોસોફરોની અને ક્રાંતિકારીઓની ભૂમિ ગણાતી હતી. ભૂતકાળ એ વાતની સાક્ષી પૂરે છે. ‘Autobiography of Yogi’ના વર્ણનમાં યોગાનંદની ગુરુશિષ્ય પરંપરામાં સ્વામી યોગાનંદ બાબાજી (Yogananda – 1971 chp. 33-34)ની ઓળખાણ તત્કાલીન પરમ પૂજ્ય હેડાખાન બાબાજીના માધ્યમથી કરી શકાય છે. આ યોગાનંદજી પણ અલમોડામાં હતા એ વાતની પૂર્તિ કરાવે છે. પ.પૂ. યોગાનંદજી પછી ચાલુ રહેલી એમની વંશાવલી આજે પણ અલમોડાની 2 કિ.મિ. દૂર આવેલ મિરતોલા ખાતે એમના શિષ્યો દ્વારા સચવાઈ રહેલી છે. ખૂબ સુંદર આશ્રમ ભાવિક ભક્તોને નાના સરખા રળિયામણા ગોકુળિયાની યાદ તાદૃશ કરાવે છે. બે શિષ્યો કૃષ્ણપ્રેમ અને યશોદામાની યાદો અપાવતી એમની સમાધિ અને સુંદર મંદિર તથા આશ્રમ આજે પણ કૃષ્ણભક્તો માટે યાત્રાનું ધામ બની રહ્યાં છે. આ આશ્રમ ‘શ્રીયશોદામા આશ્રમ’ તથા ‘શ્રીકૃષ્ણપ્રેમ આશ્રમ’ તરીકે પણ ઓળખાય છે.

આ રહ્યું અલમોડા સહેલાણીઓ માટેનું. આને લગતાં ઘણાં પુસ્તકો વિસ્તારપૂર્વક લખાયેલાં છે જ! અહીં અલમોડા એક સાધક-ભક્ત માટે કેટલું અજોડ છે, એના વિશે લખવાનો મુખ્ય ઉદ્દેશ છે! તેમાંય શ્રીરામકૃષ્ણદેવ-શ્રીમા શારદાદેવી-સ્વામી વિવેકાનંદના ભક્તો માટે તો એ એક આરાધ્ય યાત્રાધામ છે. એના વિશે જોયેલી અને જાણીતી વાતો, ગુજરાતી વાચકો સુધી પહોંચાડવાનો વિશિષ્ટરૂપનો પ્રયાસ છે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા ભક્તો માટે આ કદાચ નવું નહીં હોય, પરંતુ જેઓને અલમોડા પ્રત્યક્ષરૂપે જવાનો અવસર ન મળ્યો હોય એવા કેટલાય આકાંક્ષુ ભક્તો માટે અહીંથી ઘણું જાણવાનો લહાવો મળશે, એવી આશા છે.

અલમોડામાં કેટકેટલા મહાત્માઓ અને મહાનુભાવો આવી ગયા અને પોતપોતાની દૃષ્ટિએ એને માણતા ગયા અને સરાહતા ગયા. એમાં વિવેકાનંદજી તથા એમના ગુરુભાઈઓ સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી શિવાનંદજી, સ્વામી અખંડાનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી તુરીયાનંદજી, સ્વામી શારદાનંદજી, સ્વામી નિરંજનાનંદજી તથા શિષ્યો જેવા કે સ્વામી કૃપાનંદજી, સ્વામી સદાનંદજી, સ્વામી સ્વરૂપાનંદજી તથા શ્રીમતી ઓલીબુલ, શ્રીમતી મેકલાઉડ, સિસ્ટર નિવેદિતા, શ્રીમતી પેટરસન જેવી વિદેશી મહિલાઓ પણ હતી. આ તો માત્ર ઠાકુર-મા-સ્વામીજી સાથે જોડાયેલા લોકો હતા. આ ઉપરાંત મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સર જગદીશચંદ્ર બોઝ, પ્રો. બોસી સેન, નહેરુ કુટુંબના સભ્યો તથા અગણિત સંતોથી પવિત્ર બનેલી અલમોડાની ભૂમિ એક અદ્‌ભુત અનુભૂતિ કરાવે છે.

સ્વામી વિવેકાનંદે અલમોડાથી હિમાલય અને એની આસપાસની નિર્મળ અને શાંતિ પમાડતી પવિત્ર સુંદરતા પહેલી વખત જોતાં કહ્યું હતું કે આ આપણા પૂર્વજોના સ્વપ્નાઓનો દેશ છે, જેમાં ભારતજનની

શ્રી પાર્વતીજીએ જન્મ લીધો હતો. “These Mountains are associated with the best memories of our race. Hence, therefore, must be one of centers, not merely activity, but more of calmness, of meditation and of peace and I hope some one to realize it.” એમની આ દિવ્યવાણી સાકાર થયા વિના રહે ખરી! હકીકતમાં અહીં એક સુંદર આશ્રમ બન્યો, જે સ્વામીજીના કહ્યા પ્રમાણે જ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા અનેક પ્રવૃત્તિમય આશ્રમોને બદલે માત્ર સાધન-ભજન-તપસ્યા અને શાંતિની શોધમાં ફરતા સાધુ-સંતો તથા ભક્તો માટે એક અતુલ્ય આશ્રમ બની ગયો! જેનું નામ છે ‘રામકૃષ્ણ કુટિર’, જે અત્યારના ‘Bright End Corner’ પર આવેલી છે. દુ:ખની વાત એટલી જ કે આ આશ્રમ જોવા વિવેકાનંદજી રહ્યા ન હતા.

સ્વામી વિવેકાનંદના કહેવા મુજબ સનાતન સત્ય અને વેદોનું ઉદ્ભવસ્થાન ઉત્તરાખંડ છે. એ વાતની સાક્ષી પૂરતાં અનેક સ્થળો, મંદિરો, શિલાલેખો, ગ્રંથો અને સાહિત્ય આજે પણ મોજૂદ છે. સ્વામીજીએ તો એટલે સુધી કહ્યું હતું કે ‘ભારતના ધર્મના ઇતિહાસમાંથી જો હિમાલયના પર્વતો ના હોય તો બાકી ખાસ રહેતું નથી.’ એટલે જ અહીં ઉત્તરાખંડમાં રામકૃષ્ણ મઠ અને મિશનના આશ્રમો હોવા જ જોઈએ. ખૂબ આનંદની વાત એ છે કે એમની એ દિવ્ય પ્રેરણા મુજબના ત્રણ આશ્રમો દિવ્યશક્તિથી બની શક્યા. એક અલમોડામાં, બીજો શ્યામલાતાલમાં અને ત્રીજો માયાવતીમાં. એમના અલમોડા આશ્રમનો વિગતવાર અહેવાલ અહીં આપવાનો નમ્ર પ્રયાસ છે.  (ક્રમશ:)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram