(અનુવાદક : કુસુમબહેન પરમાર)

પ્રશ્ન – જે લોકોનો આ અંતિમ જન્મ છે, એ લોકો આ જન્મમાં જે કંઈ પણ કર્મ કરે, શું એને આ જન્મમાં એ ભોગવવાં પડે ?

મહારાજ – અવશ્ય, આ જન્મમાં જે કંઈ કરે, તેને એનું ફળ પણ ભોગવવું પડે, ત્યારે જ મુક્તિ મળે! એટલે જ કહું છું કે પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન ન કરો. ઘરમાં મારી માતા કહ્યા કરતી, ‘દુ:ખી હય ચંડાલ શાપે, ખંડાતે નારે વિધાતાર બાપે.’ ચંડાળના શાપથી પણ દુ:ખ મળે છે. બ્રહ્માના પિતાથી પણ એ દુ:ખ કપાતું નથી. કોઈને કષ્ટ ન દેવું.

જે લોકો કહે છે – ‘અમારું નહિ થાય, અમે પાપી છીએ,’ આવા લોકો પલાયનવાદી માનસિકતાવાળા છે. એ લોકો કંઈ કરવા ઇચ્છતા નથી, એટલે આવી નિરર્થક વાતો કરે છે. અને જે વ્યક્તિ જે કાર્ય કરે છે, તે તે જ ઇચ્છે છે. અર્થાત્ એને વધારે આવશ્યકતાનો બોધ નથી.

પ્રશ્ન – મહારાજજી, જો અમે લોકો સાધનભજન ન કરીએ અને પડ્યા રહીએ, તો અમારી મુક્તિ ક્યારે થશે?

મહારાજ – સકૃદાગામી. સ્વામી શ્રદ્ધાનંદ ઈ.સ. 1934માં કોલેજમાં ભણતા હતા. (સ્વામી શ્રદ્ધાનંદજી મહારાજે સાન્ફ્રાન્સિકોમાં દેહત્યાગ કર્યો હતો.) મારી પાસે બેસીને હાસ્યવિનોદ કરતા. એક દિવસ વાતવાતમાં મેં કહ્યું, ‘શ્રીરામચંદ્રજીની સંકલ્પપૂર્તિ માટે સેતુનિર્માણ કાર્યમાં પથ્થર ઉપાડીને વાનરો મુક્ત થયા હતા.’ આ વાતથી તેઓ એટલા મુગ્ધ થયા કે પછી તેમણે એના પર એક નાટક લખીને તેને મંચ પર ભજવ્યું હતું. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ શ્રીઠાકુર જે ઉદ્દેશથી આવ્યા હતા, એમના એ વ્રતમાં, તેમના સેવાકાર્યમાં સહાયતા કરે છે, તે પણ મુક્ત થશે.

સેવક – શ્રીઠાકુરજીનું વ્રતકાર્ય-મુખ્ય ઉદ્દેશ કયો છે?

મહારાજ – પ્રેમ, બધાંનું મંગળ-ચિંતન કરવું, અને એ બધાંની સેવા કેવી રીતે કરાય, ‘શિવભાવે જીવસેવા’ તેમજ ચાર યોગ એક છે, એને પણ જાણવું. કેવળ કર્મ કરવાથી વ્યક્તિ બહિર્મુખ બની જાય છે, કેવળ જ્ઞાનવિચાર કરવાથી વિદ્વાન બની જાય છે અને ભક્તિમાં ભાવુક બની જાય છે. એટલે આ ચારેયના સમન્વયની આવશ્યકતા છે. જ્ઞાન અને યોગ ન રહેવાથી વ્યક્તિની શરીર પ્રત્યે આસક્તિ થઈ જાય છે. નારાયણભાવ દૂર પડ્યો રહે છે.

બપોરે મહારાજજી બેસીને ચિત્રોનું પુસ્તક જુએ છે. જ્યાં શ્રીઠાકુરજી શ્રીમા શારદાદેવીને અલંકાર ઉતારવાની મનાઈ કરી રહ્યા છે, ત્યાં શ્રીઠાકુરજીને છાયા જેવા ચિત્રાંકિત કર્યા છે.

મહારાજ – જુઓ, આ ચહેરો તો કેવળ આંખોથી દૃષ્ટિગોચર થતો નથી. એ ભાવશરીર છે. તેને પ્રેમની આંખોથી જોઈ શકાય. એની છાયા પડતી નથી. જેણે આ ચિત્ર દોર્યું છે, તે આ વાત જાણતો નથી.

21-12-1959

પ્રાત:કાળ છે, પ્રેમેશ મહારાજજીનું શરીર ઘણું અસ્વસ્થ છે. તડકો નીકળ્યો છે. તેઓ પ્રાંગણમાં ખુરશી પર બેઠા છે. સિલેટ(બાંગ્લાદેશ)ના ભક્ત શ્રીકાંતે આવીને પૂછ્યું, ‘મહારાજ, શ્રીઠાકુરનું ધ્યાન ચક્ષુ સમક્ષ (રાખીને) કરું કે હૃદયમાં કરું?

મહારાજ – મેં જોયું છે કે ચક્ષુ સમક્ષ ધ્યાન ઘણું સારું હોય છે. હા, આંખોની સામે(રાખીને) ધ્યાન કરવું.

સાંજે એક અધ્યાપક આવ્યા હતા. તેઓએ પોતાના હાથમાં પકડી રાખેલ ‘વિવેકાનંદ ચરિત’ પુસ્તકને જમીન પર રાખીને મહારાજજીને પ્રણામ કર્યા. એમના ચાલ્યા ગયા પછી મહારાજજીએ કહ્યું, ‘જોયું, એ વ્યક્તિએ કેવી કરામત કરી! ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનાં પુસ્તકો હોય તેમ તે સ્વામીજીના પુસ્તકને સમજે છે.’ પછીથી એ જ અધ્યાપકની સાથે પુન: મુલાકાત થતાં મહારાજજીએ કહ્યું, ‘એ પુસ્તકને મારા મસ્તક પર થોડો સ્પર્શ કરાવી દો. ભાગવત-ભક્ત-ભગવાન આપણે માટે ત્રણેય સમાન છે.’ તે સજ્જન ખૂબ દુ:ખી થયા અને એ પુસ્તકનું મહત્ત્વ સમજી ગયા.

રાત્રિએ મહારાજજી સૂવા જઈ રહ્યા છે. એમણે કહ્યું, ‘જુઓ, ગૃહસ્થના ઘરમાં કોઈનું મૃત્યુ થવાથી તે લોકો શોક કરે છે અને રડે છે. સાધુના મરવાથી કંઈપણ કરતા નથી. કેવળ દેહને અગ્નિદાહ આપે છે. સાધુઓએ પોતાનું શ્રાદ્ધ કરી લીધું હોય છે. હવે આવા લોકોનું કોઈ કર્મ બાકી રહેતું નથી. કેટલાક લોકો વિચારે છે કે બાર દિવસ પછી ભંડારો, ધારો કે શ્રાદ્ધભોજન છે. લોકોની સાથે વધારે પ્રમાણમાં હળવામળવાથી ધીમે ધીમે એ લોકોનાં ચાલચલન પોતાના જીવનમાં આવી જાય છે. માતપિતાનું શ્રાદ્ધ બ્રહ્મચારી અવશ્ય કરશે. માતપિતા શું કંઈ સામાન્ય છે? શું એ લોકોનું ઋણ ચૂકવી શકાય છે?

2પ-12-1959

પ્રેમેશ મહારાજજીનું શરીર ઘણું અસ્વસ્થ છે. મહારાજજી અને સેવક ઓસરીમાં બેઠા છે.

મહારાજ – સ્થૂળ એવં સૂક્ષ્મ શરીરની દાસતામાંથી મુક્તિ મેળવવા યોગાભ્યાસ કરો. નહીં તો વૃદ્ધાવસ્થામાં સમજાશે. જો મુક્ત પણ ન થઈ શકો છતાં દરરોજ ચિંતન કરતાં કરતાં દૃઢ વિશ્વાસ થશે, એની સાથે દેહનું કષ્ટ બીજાનું કષ્ટ છે એવું વિચારવાનો પ્રયાસ કરવાથી થોડી શાંતિ પામશો.

સેવક ગીતા પાઠ કરે છે.

પ્રશ્ન – ગીતામાં જે ‘અહમ્’, ‘મમ’ કહેવામાં આવ્યું છે, તે બધું શું નૈર્વ્યક્તિક અહમ્ છે કે શ્રીકૃષ્ણ માટે એમ કહેવાયું છે?

મહારાજ – ‘અવ્યક્તં વ્યક્તિમાપન્નં…’ ‘અવજાનન્તિ માં મૂઢા:’ એમ કહેવાથી નૈર્વ્યક્તિક ઈશ્વરનો બોધ થાય છે. પરંતુ ‘યે યથા મામ્ પ્રપદ્યન્તે’ – જે કોઈ જે ભાવે એમની આરાધના કરે, તે એ જ ભાવથી એમને પ્રાપ્ત કરશે. વાસુદેવ શ્રીકૃષ્ણનું ચિંતન કરવાથી નિત્યકૃષ્ણનો બોધ થશે.

પ્રશ્ન – શું એમાં વિરહ નથી?

મહારાજ – એ વિરહ પણ આનંદની જ એક બીજી અવસ્થા છે.

પ્રશ્ન – જે લોકો વૃક્ષ, પથ્થર વગેરેની પૂજા કરે છે, શું તેનાથી તેમની મુક્તિ નહીં થાય?

મહારાજ – થશે, જો તે લોકો એક પથ્થરની અંદર પણ નૈર્વ્યક્તિક નિર્ગુણ ઈશ્વરની ધારણા કરે તો. નહીં તો –

‘યાન્તિ દેવવ્રતા દેવાન્ પિતૃન્ યાન્તિ પિતૃવ્રતા:।

ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ

મદયાજિનોઽપિ મામ્॥

‘સ્થૂળ-શરીર’ અને ‘સૂક્ષ્મ-શરીર’ની પેેલે પાર  ‘કારણ-શરીર’ આવેલું છે. ત્યાં જ આનંદમય કોષ છે. કારણ-શરીરની પાર જવાથી નિર્વાણ અર્થાત્ મુક્તિ થઈ જાય છે. (ક્રમશ:)

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.