શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

ઓરિસાનું પ્રાચીન જગન્નાથ મંદિર

જગન્નાથ પુરી હિંદુઓનાં ચાર ધામોમાંનું એક ધામ છે અને મુક્તિદાયિની સપ્ત નગરીઓમાંની એક નગરી છે. ઉત્તરમાં બદરીનાથ, દક્ષિણમાં રામેશ્ર્વર, પૂર્વમાં જગન્નાથ અને પશ્ચિમમાં દ્વારકાધીશ. આ ચાર ધામ ભારતની ચારેય દિશાઓને વિભૂષિત કરી રહ્યાં છે. હિંદુઓમાં એવી માન્યતા છે કે સ્વયં ભગવાન વિષ્ણુનું વિશ્રામસ્થાન બદરીનાથ છે, રામેશ્ર્વરમાં તેઓ સ્નાન કરે છે, પુરીમાં ભોજન કરે છે અને દ્વારકામાં શયન કરે છે.

પુરીનું જગન્નાથ મંદિર વિશ્વમાં પ્રાચીન-પ્રસિદ્ધ  અને વિશાળ મંદિર છે. ભગવાન જગન્નાથ જ ભગવાન શ્રીકૃષ્ણ (વિષ્ણુ) છે. આ મંદિરમાં શ્રીકૃષ્ણની સાથે રાધા કે રુક્મિણી નથી, પણ તેમની સાથે પોતાનાં ભાઈબહેન બલરામ અને સુભદ્રા જોવા મળે છે. આ મંદિર વિશે અનેક કથા-વાર્તા કહેવામાં આવે છે.

ઇતિહાસ

દ્વાપરયુગમાં એક વખત રુક્મિણી, સત્યભામા વગેરે પટરાણીઓએ માતા રોહિણી પાસેથી શ્રીકૃષ્ણની રહસ્યમય રાસલીલાની કથા જાણવાની ઇચ્છા પ્રગટ કરી. પહેલાં તો માતા રોહિણીએ એ વાત ટાળવાની કોશિશ કરી, પરંતુ બધાંના આગ્રહને વશ થઈને તેઓ વાર્તા કહેવા તૈયાર થયાં. પરંતુ તે પહેલાં તેમણે એક શરત મૂકી. આ શરત આવી હતી – સુભદ્રા દ્વાર પર પહેરો ભરશે, કોઈને પણ અંદર પ્રવેશ નહીં કરવા દે. પરંતુ અચાનક શ્રીકૃષ્ણ અને બલરામ અંત:પુર તરફ જવા લાગ્યા. એમને જતા જોઈને સુભદ્રાએ એમને દ્વાર પર રોક્યા. તે બંને વચ્ચે સુભદ્રા ઊભાં રહી ગયાં. તેની જમણી બાજુ બલરામ અને ડાબી બાજુ શ્રીકૃષ્ણ. પરંતુ અંત:પુરમાં ચાલી રહેલી રાસલીલાની વાર્તા બંનેના કાને પડી. એનાથી બંનેનાં શ્રીઅંગોમાં અદ્‌ભુત પ્રેમરસનો અનુભવ થવા લાગ્યો. ત્રણેય ભાવવિહ્વળ થઈને કાષ્ઠવત્ ઊભાં રહી ગયાં. તેમની દેહભાવરહિત અવસ્થામાં જાણે કે ત્રણેયમાંથી એકેયના હાથ-પગ ન હોય તેમ સ્થિર-ધીર ઊભાં હતાં. અચાનક મહર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા. ત્રણેય ભાઈબહેનનું આવું અનન્ય ભાવવિભોર દૃશ્ય જોઈને તેઓ આનંદથી ગદ્ગદ થઈ ઊઠ્યા. આ સમય દરમિયાન રોહિણી માતાની વાર્તા પણ સમાપ્ત થઈ ગઈ. નારદજીએ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી, ‘આપ ત્રણેયના મહાભાવનું મેં જે દર્શન કર્યું છે, આ જ રૂપનાં દર્શન મર્ત્યલોકમાં બધાંને પ્રાપ્ત થાઓ.’ ભગવાને ‘તથાસ્તુ’ કહી દીધું. કલિયુગમાં આ જ વચનપૂર્તિ માટે શ્રીજગન્નાથ ભ્રાતા બલરામ અને ભગિની સુભદ્રા સાથે કાષ્ઠરૂપે આજે પુરીમાં વિદ્યમાન છે.

આની પાછળ એક વાત આવી પણ છે. શ્રીકૃષ્ણના દેહાવસાન પછી પાંડવોએ તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. તેમના અસ્થિપુંજને વિસર્જિત કર્યો ત્યારે તેમાંથી (હૃદય-પીંડ)નો ભાગ સમુદ્રમાર્ગે થઈને નીલાંચલ(ઉત્કલ-ઓરિસ્સા) પહોંચી ગયો. નીલાંચલના રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે અહીં કાષ્ઠની વિશાળ મૂર્તિ બનાવીને તેમાં પરબ્રહ્મતત્ત્વ(પીંડ)ની સ્થાપના કરો. સ્વપ્નાદેશ અનુસાર સમુદ્રમાં તરનાર જ્યોતિસ્વરૂપ પીંડ મળી ગયો.  પ્રતિમાના નિર્માણ માટે જ્યાં રાજાએ સુથારની ખોજ આરંભી કે તરત જ તેમની સમક્ષ સાક્ષાત્ વિશ્વકર્મા એક વૃદ્ધના રૂપે હાજર થયા. વિશ્વકર્માએ મૂર્તિ બનાવતાં પહેલાં રાજા સમક્ષ એક શરત મૂકી : ‘જ્યાં સુધી મૂર્તિ બનાવીને હું મંદિરની બહાર ન આવું, ત્યાં સુધી કોઈ દરવાજા ન ખોલે.’ કામની શરૂઆત થઈ ગઈ, લાકડાના કામનો અવાજ આવવા લાગ્યો, રોજ અવાજ આવતો હતો, પંદર દિવસ પછી અચાનક અવાજ બંધ થઈ ગયો. રાણી અને રાજાના મનમાં શંકા જાગી કે અન્નપાણી વગર એ વૃદ્ધ જીવતો હશે કે કેમ? તેથી તેમણે અધીરા બનીને દરવાજો ખોલી નાખ્યો. અંદર કોઈ શિલ્પકાર ન હતો, એ જોઈ તેમને ભારે આશ્ચર્ય થયું. કાષ્ટની જગન્નાથ, બલરામ અને સુભદ્રાની અપૂર્ણ મૂર્તિ તેમની નજરે ચડી. રાજા અને રાણીને બહુ દુ:ખ થયું. ત્યાં તેમને આકાશવાણી સાંભળી, ‘હે રાજા, તું દુ:ખી ન થા. આ બધું મારી ઇચ્છાથી જ થયું છે. તું આ પ્રતિમાઓને સુગંધિત દ્રવ્યોથી પવિત્ર કરીને રત્ન સિંહાસન પર પ્રતિષ્ઠિત કર.’ આજે પણ આ અપૂર્ણ મૂર્તિની પૂજા મંદિરમાં થાય છે અને આ જ મૂર્તિઓને સુશોભિત કરીને રથયાત્રામાં પણ લઈ જવામાં આવે છે.

દર બાર વર્ષે આ ત્રણેય મૂર્તિઓ બદલવામાં આવે છે. એ સમયે સરકાર દ્વારા આખા શહેરનો વિજપ્રવાહ બંધ કરી દેવામાં આવે છે. પૂજારીની આંખે પટ્ટી બાંધીને, તેના હાથ કપડાંથી ઢાંકીને, જૂની મૂર્તિમાંથી પરમતત્ત્વને વિસર્જિત કરીને, નવી મૂર્તિમાં પ્રતિષ્ઠિત કરાય છે.

રથયાત્રા

પ્રત્યેક વર્ષે ત્રણેય રથ* નવા બનાવવામાં આવે છે. રથયાત્રા જગન્નાથ પુરીનું સૌથી મોટું પર્વ છે. ખૂબ આકર્ષક શણગાર અને સજાવટ સાથે આ રથયાત્રાનો આરંભ દર વર્ષે અષાઢ (જુલાઈ) શુક્લપક્ષની દ્વિતીયા તિથિના રોજ થાય છે. આ રથ-મહોત્સવ દસ દિવસનો હોય છે. અંતિમ ચરણના ભાગરૂપે શુક્લપક્ષની અગિયારસના દિવસે આ રથ ગુંડિચાભવનથી મંદિર તરફ પાછો આવે છે, તેને ‘બહુડા’ કહે છે.

રથયાત્રા એક એવું પર્વ છે, જેમાં ભગવાન જગન્નાથ પોતે સામે ચાલીને ભક્તોને મળવા માટે આવે છે અને એમનાં સુખદુ:ખમાં સહભાગી બને છે. ‘આ બધી મારી જ પ્રજા છે’, આ ઉદ્ગારનું દ્યોતક છે.

લમૃધુટશ્ર્નઠપળટ્ટપળર્ણૈ લમૃધુટળરુણ ખળટ્ટપરુણ।

ઇૃષટજ્ઞ ્રૂળજ્ઞઉ્ંરૂૂુળટ્ટપળ લમૃઠ્ઠ લપડયૃણ:

યોગયુક્ત મનવાળો અને સર્વત્ર સમાન દૃષ્ટિવાળો (યોગી) પોતાનામાં બધાં પ્રાણીઓને અને બધાં પ્રાણીઓમાં પોતાને જુએ છે. (ગીતા, 6.29)

સ્કંદપુરાણમાં કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ જગન્નાથ પ્રભુનું નામસ્મરણ કરતાં કરતાં ગુંડિચાભવન સુધી રથની સાથે ચાલે છે, તેનો પુનર્જન્મ થતો નથી. રથયાત્રા એક એવો પાવન દિવસ છે. એ દિવસે જાતિ-ધર્મના ભેદભાવ ભૂલીને દેશના બધા લોકોે ભગવાન સાથે જોડાઈ શકે છે. વિશ્વભરમાંથી આવેલા ભક્તોની એક આવી મનોકામના હોય છે કે તેઓ ભગવાન જગન્નાથના રથનું દોરડું પોતાના જીવની પરવા કર્યા વગર ખેંચે અને આમ કરીને  પોતાનું જીવન ધન્ય બન્યું છે તેમ માને છે. આ રથયાત્રા પુરી સિવાય ભારતના અન્ય પ્રાંતોમાં અને દેશવિદેશના અનેક શહેરોમાં શ્રદ્ધાભક્તિથી ઉજવવામાં આવે છે. જે લોકો પુરી જઈ શકતા નથી, તેઓ પોતાના શહેરમાં આયોજિત રથયાત્રામાં ભાગ લઈને ધન્યતા અનુભવે છે.

ભારત સિવાય ડબલીન, લંડન, મેલબોર્ન, પેરિસ, ન્યૂયોર્ક, સિંગાપુર, ટોરેન્ટો, મલેશિયા  જેવાં 100 થી પણ વધારે શહેરો અને દેશોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય બાંગ્લાદેશમાં પણ રથયાત્રાનું મોટા પાયે આયોજન થાય છે.

આ દસ દિવસ દરમિયાન આખા પુરી શહેરમાં યાત્રાનો માહોલ સર્જાય છે અને એમાં ‘વસુધૈવ કુટુંબકમ્’  એ સુભાષિતને ચરિતાર્થ કરતું ઉદાહરણ જોવા મળે છે.  સાંસ્કૃતિક-પૌરાણિક દૃશ્યો સાથે એ ભાઈચારો, એકતા, પ્રેમ-સૌહાર્દનું એક પ્રતીક છે. પુરીમાં એવી પ્રથા છે કે જગન્નાથનો પ્રસાદ લેવામાં જાતિનો વિચાર કરવામાં આવતો નથી. તે એટલે સુધી કે ‘આનંદબજાર’માં બ્રાહ્મણથી માંડી ચાંડાલ સુધી બધા જ એકબીજાના મુખમાં પ્રસાદ આપે એમાં પણ કંઈ દોષ નથી ગણાતો.આ રથયાત્રા વિશે ઘણી બધી લોકવાર્તાઓ કહેવાય છે.

કેટલાક લોકોની માન્યતા છે કે સુભદ્રા પોતાના પિયર આવે છે અને પોતાના ભાઈઓ સમક્ષ નગરભ્રમણની ઇચ્છા દર્શાવે છે. શ્રીકૃષ્ણ અને બલરામ સુભદ્રાને સાથે લઈને નગરચર્યા કરવા નીકળે છે, તે દિવસે રથયાત્રાનું પર્વ શરૂ થાય છે.

બીજી વાત આવી છે. શ્રીકૃષ્ણની માસીનું ઘર ગુંડિચાભવનમાં છે. માસીના નિમંત્રણથી આ ત્રણેય તેમના ઘરે રહેવા જાય છે.

રથયાત્રા અને ગુજરાત

ભારતવર્ષમાં ઉજવવામાં આવતી આ રથયાત્રાની પરંપરા ગુજરાતમાં પણ પ્રાચીનકાળથી ઘણાં સ્થળોએ જોવા મળે છે. એમાં અમદાવાદની રથયાત્રા તો ગુજરાત રાજ્યમાં એક મહાન લોકોત્સવની જેમ ઉજવાય છે. આખા ભારતમાં જગન્નાથ પુરી પછીની અહીંની રથયાત્રા ગણાય છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય અને સુંદર પ્રાચીન મંદિર છે. તેની સ્થાપના લગભગ 450 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. અહીંના ભકતોનું માનવું છે કે 125 વર્ષ પહેલાં આ મંદિરના મહંત શ્રી નરસિંહદાસ મહારાજને ભગવાન જગન્નાથજીએ સ્વયં દર્શન આપીને રથયાત્રા કાઢવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે આ રથયાત્રા કાઢવામાં આવે છે. એમાં લાખો શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસ સાથે ભાગ લે છે. એમને એવી દૃઢ શ્રદ્ધા છે કે આ રથયાત્રામાં સહભાગી બનનારના જીવનરૂપી રથને સ્વયં ભગવાન જગન્નાથજી ચલાવે છે. આ રથયાત્રા ઉત્સવને કોમી-એકતા મહોત્સવ પણ કહેવાય છે. આ દિવસે મુસલમાન બિરાદરો પણ મહંતજીનું સ્વાગત કરે છે. 1.5 કિલોમીટર લાંબી આ રથયાત્રા જમાલપુરથી શરૂ થઈને સરસપુર સુધી, લગભગ 15 કિલોમીટર સુધી ચાલે છે. રથયાત્રા દરમિયાન લાખો હિંદુ-મુસ્લિમ સમાજના લોકો પ્રસાદ અને દર્શન પામીને ભક્તિવિભોર બની જાય છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રથયાત્રા-ઉત્સવ

પ્રતિવર્ષ અષાઢ સુદ બીજના દિવસે આશ્રમના પ્રાંગણમાં ભગવાન જગન્નાથ, ભગિની સુભદ્રા, ભ્રાતા બલરામની યથાવિધિ પૂજા કરીને સાધુ-ભક્તો સાથે ભક્તિભાવથી ભજન, નૃત્ય, સ્તોત્રપઠન સાથે રથયાત્રા કાઢવામાં આવે છે. જે ભક્તો જગન્નાથ પુરી જઈ શકતા નથી, તેઓ ભગવાનનાં દર્શન કરીને, તેમનો રથ અહીંખેંચીને ધન્યતાનો અનુભવ કરે છે.

શ્રીઠાકુર અને જગન્નાથ મહાપ્રભુ

ભગવાન શ્રીરામકૃષ્ણ કહેતા હતા, ‘શ્રીજગન્નાથના પ્રસાદથી ભેદબુદ્ધિનો લોપ થવાથી સામાન્યજન જાતિબોધરહિત બની જાય છે.’ એવી આ ધામની માહાત્મ્ય કથા સાંભળીને તેઓ ત્યાં જવા માટે આતુર થઈ ઊઠ્યા હતા. પરંતુ ત્યાં જવાથી પોતાના શરીરનો નાશ થવાની સંભાવના છે, એમ જાણી શકવાથી તથા યોગદૃષ્ટિની સહાયે એ બાબતમાં શ્રીજગદંબાની મરજી જુદી જ છે, એમ સમજવાથી તેમણે એ સંકલ્પ છોડી દીધો. ( લીલાપ્રસંગ : ગુરુભાવ, ઉત્તરાર્ધ, અધ્યાય-3) ભગવાન શ્રીરામકૃષ્ણ ત્રણ વસ્તુઓને બ્રહ્મસ્વરૂપ કહેતા હતા. 1. વૃંદાવનની રજ, 2. ગંગાજલ 3. જગન્નાથજીનો પ્રસાદ (આટકે પ્રસાદ-સૂકવેલો ભાત). શ્રીરામકૃષ્ણ રોજ એકવાર જગન્નાથજીના પ્રસાદનો એક કણ ગ્રહણ કરતા હતા. તેમને પ્રબળ નિષ્ઠા અને વિશ્વાસ હતો કે જગન્નાથજીનો પ્રસાદ ગ્રહણ કરવાથી માણસનું વિષયાસક્ત મન તત્ક્ષણ પવિત્ર બને છે અને આધ્યાત્મિક ભાવ ધારણ કરવાને લાયક બને છે. ક્યારેય વિષયી લોકોના સંગમાં થોડો વખત ગાળવાનું એમને થતું ત્યારે તેઓ તેના પછી તરત થોડું ગંગાજળ અને આટકે પ્રસાદ (જગન્નાથજીના પ્રસાદનો સુકવેલો ભાત) ગ્રહણ કરતા અને પોતાના શિષ્યોને પણ એ મુજબ કરવાનું કહેતા.

શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત બલરામ બોઝના ઘરે દર વર્ષે રથોત્સવ ઉજવાતો હતો. શ્રીરામકૃષ્ણદેવે અનેકવાર અહીં ઉપસ્થિત રહીને ભક્તોને આનંદપ્રાપ્તિ કરાવી હતી. રથોત્સવ દરમિયાન તેઓ ભાવાવસ્થામાં સંકીર્તન સાથે પોતે રથનું દોરડું લઈને ઘડીકવાર રથ તાણ્યો હતો. એ ભાવની મસ્તીમાં નીકળતા હુંકારથી અને નૃત્યથી મુગ્ધ બની જઈને સહુ ત્યારે આત્મવિસ્મૃત-ભક્તિપ્રેમમાં પાગલ બની જતા હતા. આ દૃશ્ય જોઈને ભક્તો આનંદિત થતા હતા.

શ્રીમા શારદાદેવી પણ જગન્નાથ મહાપ્રભુ પર આટલી જ શ્રદ્ધાભક્તિ રાખતાં હતાં. શ્રીરામકૃષ્ણદેવ પુરી ગયા ન હતા, તેથી માતાજી એમના ફોટાને શ્રીજગન્નાથજીનાં દર્શન કરાવી લાવ્યાં હતાં કારણ કે એમને વિશ્વાસ હતો કે શ્રીરામકૃષ્ણનો દેહ અને છબી બંને એકસમાન છે. શ્રીજગન્નાથજીનાં દર્શન કરી તેમણે કહ્યું, ‘જગન્નાથદેવને જોયા, જાણે કે પુરુષસિંહ! રત્નવેદી પર વિરાજે છે અને દાસી થઈ હું એમની સેવા કરું છું.’ બીજી એકવાર માતાજીએ એમ પણ કહ્યું હતું, ‘તેમણે સ્વપ્નમાં શિવરૂપે પુરુષોત્તમજીનાં દર્શન કર્યાં હતાં.’ શ્રીજગન્નાથજીનાં દર્શન સમયે હજારો સ્ત્રીપુરુષોને શ્રીભગવાનનાં દર્શનાર્થ ભેગાં થયેલાં જોઈને માતાજીની આંખમાં આનંદાશ્રુ આવી ગયાં હતાં અને તેમણે કહ્યું, ‘ઓહ! આટલા બધા લોકો મુક્ત થઈ જાશે!’ પણ બીજી જ ક્ષણે તેમના મનમાં આ સત્ય પ્રગટ થયું અને તેમણે કહ્યું, ‘ના, જે વાસનામુક્ત છે તેવા એકાદ મુક્ત થશે.’ શ્રીમા પુરીની યાત્રાએ જતાં ત્યારે ભગવાન જગન્નાથજીનાં દર્શન-પૂજન અવશ્ય કરતાં હતાં.

Total Views: 527

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.