બીજા સેમિટિક ધર્મોની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નથી. પરંતુ પર્શિયામાં આ ધર્મના ફેલાવાથી તેનો સંપર્ક બીજી વિચારધારાઓ સાથે થયો અને તેના પરિણામે સૂફીધર્મ નામનો એક અપરોક્ષાનુભૂતિવાદી આંદોલનનો જન્મ થયો. જલાલુદ્દીન રૂમી મહાન સંત સૂફી રહસ્યવાદીઓમાંના એક હતા. એમણે પોતાની એક કવિતામાં આમ લખ્યું છે :

ખનિજ રૂપે મરીને હું વનસ્પતિ બન્યો,

વનસ્પતિ રૂપે મરીને હું પશુ બન્યો,

પશુ રૂપે મરીને હું માનવ બન્યો,

ડરું શા માટે? મૃત્યુથી મારામાં શી ઊણપ આવી?

વળી એકવાર વધારે માનવના રૂપે મરીશ,

ફરિશ્તાઓની સાથે હું સમર્પિત થયો.

પરંતુ આ ફરિશ્તાના રૂપથી પણ આગળ જવું પડે,

ઈશ્વર સિવાય બીજું બધું નશ્ર્વર છે.

ફરિશ્તાનું રૂપ ત્યજીને હું બનીશ,

જેને મન પણ ન જાણી શકે, તે.

અરે, હું જીવન જીવવા માગતો નથી કારણ કે,

અસ્તિત્વહીનતાનો મહાન ઉદ્ઘોષ છે :

‘આપણે સહુ એની પાસે પાછા જઈશું.’

રામકૃષ્ણ અને વિવેકાનંદના

જીવનમાંથી મળતું પ્રમાણ :

એકવાર શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘મેં જોયું- ખોળિયું (દેહને) છોડીને સચ્ચિદાનંદ બહાર આવ્યા; નીકળીને એણે કહ્યું, દરેક યુગમાં હું જ અવતાર કહેવાઉં છું.’ એમના મૃત્યુના થોડા દિવસ પહેલાં એમના મહાનતમ શિષ્ય વિવેકાનંદ એમની નિકટ હતા. એમણે એવું કહેતાં સાભળ્યાં હતા કે પરમાત્મા એમની ભીતર આવિર્ભૂત થયા છે. પરંતુ વિવેકાનંદ કોઈપણ વાત તેની પરીક્ષા કર્યા વિના માની ન લેતા. એક વિચિત્ર વિચાર તેમના મનમાં આવ્યો: ‘જ્યારે શરીર જવાનું છે, એવા સમયે જો એમની પાસેથી સાંભળું કે પોતે ઈશ્વરનો અવતાર છે, તો તેઓ અવતાર છે એ વાત પર હું વિશ્વાસ કરીશ.’ હજુ તો આ વિચાર એમના મનમાં ઉદ્ભવતો હતો ત્યારે જ શ્રીરામકૃષ્ણે એમના તરફ ફરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘હજુ પણ અવિશ્વાસ? જે રામ હતા, જે કૃષ્ણ હતા, એમણે જ અત્યારે આ દેહે રામકૃષ્ણના રૂપે જન્મ ગ્રહણ કર્યો છે.’ શ્રીરામકૃષ્ણના આ શબ્દો પર એ પહેલાં વિશ્વાસ ન કરવાને લીધે વિવેકાનંદ ખૂબ લજ્જિત થયા.

જ્યારે વિવેકાનંદ સર્વપ્રથમ વાર શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા હતા, ત્યારે તેમનું નામ નરેન્દ્રનાથ હતું. તેઓ કોલેજના એક પ્રતિભાવાન સુસંસ્કૃત વિદ્યાર્થી હતા. શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું હતું, ‘હું જાણું છું કે તમે એક પુરાતન ઋષિ છો, જેેણે માનવ જાતિનાં દુ:ખ દૂર કરવા જન્મ ધારણ કર્યો છે.’ યુવાન નરેન્દ્રે વિચાર્યું, ‘મારા પિતા કોલકાતામાં રહે છે, હું જાણું છું કે હું અમુક-તમુક છું અને વળી આ કહે છે કે હું પુરાતન ઋષિ છું!’ એમણે એવું તારણ કાઢ્યું કે શ્રીરામકૃષ્ણ પાગલ છે. પરંતુ વળી પાછા જ્યારે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા, ત્યારે શ્રીરામકૃષ્ણે એમને બાહ્યચેતનારહિત એવી એક આધ્યાત્મિક ભાવાવસ્થામાં પહોંચાડી દીધા અને પોતાના શિષ્ય વિશે આવશ્યક જાણકારી મેળવી લીધી. એમને વિશે તેમણે પછીથી કહ્યું હતું, ‘મેં એની પૂર્વકથા અને ઠામ-ઠેકાણાં વિશે, આ સંસારમાં તેના જીવનના ઉદ્દેશ તથા લૌકિક જીવનકાળ વિશે પૂછ્યું. તેણે પોતાની ગહનતામાં પ્રવેશીને ઉચિત ઉત્તર આપ્યા. આ ઉત્તરથી મેં એને વિશે જે કંઈ જોયું અને અનુભવ્યું હતું, તેની પુષ્ટિ થઈ. આ વાતો ગોપનીય છે. પરંતુ મને ખ્યાલ આવ્યો કે તે એક બ્રહ્મજ્ઞ તથા ધ્યાનસિદ્ધ ઋષિ છે અને  વળી જે દિવસે તે પોતાના મૂળ સ્વરૂપને જાણી-ઓળખી લેશે ત્યારે યોગાવસ્થામાં પોતાના દેહનો ત્યાગ કરશે.’

વિવેકાનંદે જગત-કલ્યાણ માટે તીવ્ર કર્મઠ જીવન વ્યતીત કર્યું. તે જીવન એટલું કઠોર હતું કે એમનો દેહ એ કઠોરતા સહન ન કરી શક્યો. તેઓ ચાળીસ વર્ષ પૂરાં કરતાં પહેલાં મૃત્યુ પામ્યા. મૃત્યુ પહેલાંના થોડા દિવસ પૂર્વે એમના કેટલાક ગુરુભાઈઓએ એમને સહજભાવે પૂછ્યું, ‘શું તમે કોણ છો, એ વિશે હવે જાણી ગયા છો?’ એમણે ગંભીરભાવે ઉત્તર આપ્યો, ‘હા, હું જાણું છું.’ એક ગહન નિસ્તબ્ધતા છવાઈ ગઈ. એ નિરવશાંતિમાં ભંગ કરવાની હિંમત તેમના ગુરુભાઈઓ ન કરી શક્યા.

થોડા દિવસો પછી અને મૃત્યુના કેવળ ત્રણ દિવસ પહેલાં સ્વામીજીએ ગંગાના તટ પર મઠની નજીક એક સ્થાન બતાવીને કહ્યું, ‘જ્યારે હું મારો દેહત્યાગ કરું, ત્યારે તેના આ સ્થળે અગ્નિસંસ્કાર કરજો.’ ગંગાતટે જે સ્થાન પર શ્રીરામકૃષ્ણના અગ્નિસંસ્કાર કરાયા હતા, એની સામે જ બરાબર બીજા કિનારે આ સ્થાન હતું.

સ્વામીજીએ અનેક ગુરુભાઈઓને સંકેત આપ્યો હતો, ‘હું મારા મૃત્યુની તૈયારી કરી રહ્યો છું.’ મૃત્યુના દિવસે એમણે ત્રણ કલાક સુધી દેવાલયના એકાંતમાં ધ્યાન કર્યું. ત્યાર પછી એમણે શિષ્યો સાથે વાતચીત કરતાં કરતાં રોચક વાર્તાઓના માધ્યમથી પોતાની વાતો સમજાવતાં સંસ્કૃતનો એક વર્ગ પણ લીધો હતો. પછી તેઓ દૂર સુધી ટહેલવા ગયા અને પાછા ફર્યા બાદ સંન્યાસીઓ સાથે થોડી વાર સુધી વાતચીત કરી. સંધ્યાના આગમન સાથે સ્વામીજીનું મન વધારે ને વધારે અંતર્મુખી થવા લાગ્યું. તેઓ પોતાના ઓરડામાં ચાલ્યા ગયા અને ગંગા તરફ મુખ રાખીને ધ્યાન કરવા લાગ્યા. એમણે કહી રાખ્યું હતું કે એમની પાસે કોઈ આવે નહીં. એક કલાક પછી એમણે મઠના એક સભ્યને બોલાવ્યો અને પંખો નાખવા કહ્યું. પછી તેઓ પોતાની પથારી પર સૂઈ ગયા; તેમના હાથમાં થોડું કંપન આવ્યું અને શ્વાસ ઊંડો ઊતરી ગયો. તેમનાં નેત્રો સ્થિર થઈ ગયાં અને ચહેરા પર દિવ્યપ્રભા છવાઈ ગઈ. પછી તો બધું સમાપ્ત થઈ ગયું. આત્માએ દેહનો ત્યાગ કર્યો. શું એ મૃત્યુ હતું?

સંસ્કૃતમાં એને મૃત્યુ નહીં, પરંતુ મહાસમાધિ કહેવાય છે. સાધારણ સમાધિથી જીવ ઇન્દ્રિયગમ્ય જગતમાં પાછો ફરે છે, પરંતુ મહાસમાધિમાં અતિચેતન અવસ્થાની પ્રાપ્તિ થવાને લીધે જીવને દેહની વધારે આવશ્યકતા રહેતી નથી અને તે મુક્ત થઈ જાય છે. ભૌતિક દૃષ્ટિએ આ મૃત્યુ જેવું દેખાય છે, પણ વસ્તુત: આત્મા અતિચેતન સ્થિતિમાં વિચરણ કરવા મુક્ત થઈ જાય છે.

સ્વામી વિવેકાનંદની મહાસમાધિના સમયે એમના ગુરુભક્ત સ્વામી રામકૃષ્ણાનંદ જેમનું સંન્યાસ પહેલાંનું નામ શશી હતું, તેઓ એ સમયે મદ્રાસમાં સ્વામીજીનું કાર્ય કરી રહ્યા હતા. સ્વામીજીના મૃત્યુ પછીના થોડા સમયે જ્યારે સ્વામી રામકૃષ્ણાનંદ ધ્યાનમાં બેઠા હતા, ત્યારે એમણે કોઈકને આવું કહેતાં સાંભળ્યા, ‘શશી, શશી! મેં તો દેહ ત્યજી દીધો છે!’ આ એક પરિચિત અવાજ હતો અને એમણે વિવેકાનંદની વાણી ઓળખી લીધી.

શ્રીરામકૃષ્ણ સ્વામી બ્રહ્માનંદને વૃંદાવનના એક ગ્વાલબાલ કહેતા. એકવાર એમને એક અલૌકિક દર્શન થયું. એમાં એમણે શતદલ-પદ્મને જોયું એની પ્રત્યેક પાંખડી અદ્‌ભુત સૌંદર્યથી ઝગમગતી હતી. તેના પર બે બાળક ચરણોમાં નૂપુર પહેરીને નૃત્ય કરતાં હતાં. એમાંથી એક શ્રીકૃષ્ણ પોતે જ હતા અને બીજા હતા (રાખાલ)સ્વામી બ્રહ્માનંદ.                                (ક્રમશ:)

Total Views: 240

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.