બીજો અંશ

અહીં એક શંકા ઊભી થાય છે કે આત્માના પ્રકરણમાં બ્રહ્મનું ઉદાહરણ આપવું એ તો ઘણી બેહૂદી વાત છે. ઘણી જ વિચિત્ર વાત છે કે ઘોડાની વાત ચાલતી હોય ત્યાં વચ્ચે હાથી આવી પડ્યો !

તો આવી શંકા કરવી બરાબર નથી. કારણ કે અમે આત્મા અને બ્રહ્મમાં ભેદ માનતા જ નથી. એ બન્નેની એકતા જ અમે માની છે.

તે આ સર્વને વ્યાપીને રહેલો છે, તે અતિસૂક્ષ્મ છે, સત્ય છે, તે આત્મા હે શ્વેતકેતુ તું જ છે. એવું શ્રુતિમાં કહ્યું છે.

આવો આ આત્મા બધાં બંધનોથી મુક્ત છે. શ્રુતિ (મુંડકોપનિષદ) કહે છે કે –

भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशया:।

क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥ (मुं.2.2.9)

અર્થાત્ ‘જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે હૃદયની ગાંઠો ભેદાઈ જાય છે અને બધા સંશયો કપાઈ જાય છે તેવી જ રીતે એવા સાક્ષાત્કારી પરમાત્માનાં દર્શન થયે બધાં જ કર્મો નાશ પામી જાય છે.’

જે આત્માને જાણીને બધા જ પાશો છેદાઈ જાય છે તે પોતે તો મુક્ત જ હોવો જોઈએ, એમાં શી શંકા હોય? એટલે આમ આત્મા નિત્યશુદ્ધ, નિત્યબુદ્ધ અને નિત્યમુક્ત જ છે. આ રીતે ‘નિત્ય’ શબ્દનો બધા સાથે સમ્બન્ધ છે.આ લક્ષણથી શી અવધારણા થાય છે, તે હવે કહે છે –

अत एव स निष्कर्मा ॥3॥ (8)

સૂત્રાર્થ – અને એટલા જ માટે તે કર્મરહિત છે.

વ્યાખ્યા – આત્મા નિત્ય આદિ લક્ષણવાળો છે. એટલા જ માટે તે કર્મરહિત છે. એમાંથી સઘળાં કર્મ નીકળી ગયાં છે.

કોઈએ શંકા કરી – અરે, આ તમે શી વાત કરો છો? શ્રુતિમાં જ એવું લખ્યું છે કે सर्वकर्मा सर्वकाम: (छां.6.14.2) અર્થાત્ આ આત્મા સર્વકર્મરૂપ અને સર્વકામરૂપ છે ! તો એ શંકાનો ખુલાસો એ છે કે ભાઈ ! તમે ડરશો નહિ. હમણાં જ અમે તમને આત્માનું નિષ્કર્મત્વ બતાવીશું. આ सर्वकर्मा વાળી શ્રુતિનું પૃથક્કરણ આ રીતે થાય છે: જેનું સર્જન આ સમગ્ર સૃષ્ટિ છે તે પરમેશ્ર્વર જ सर्वकाम:  છે.

પણ અહીં પ્રસ્તુત સ્થળે એમ કહેવાનો ઇરાદો નથી. કોઈ પણ કામ પતાવવામાં કર્તૃત્વની બુદ્ધિ, કામ કરવાનાં સાધનો અને કોઈક હેતુની આવશ્યકતા હોય છે. પણ નિત્ય ચૈતન્ય સ્વરૂપ, નિત્યતૃપ્ત, આનન્દઘનસ્વરૂપ, અદ્વૈત આત્માને કર્તૃત્વબુદ્ધિ, બાહ્યકરણ કે અર્થ-હેતુના સમ્બન્ધવાળું કર્મ ભલા કેવી રીતે હોઈ શકે? એટલે એનું નિષ્કર્મત્વ સયુક્તિક જ છે.

निर्योगश्च ॥4॥ (9)

સૂત્રાર્થ – અને બે (આત્મા) ને કોઈ ‘યોગ’ નથી.

વ્યાખ્યા – જે આત્મા નિષ્કર્મી હોય તે યોગરહિત પણ હોય જ. योग: समाधि:(1.1.3) એ સૂત્રમાં આપણે ‘યોગ’ શબ્દની વ્યાખ્યા કરી ચૂક્યા છીએ. ત્યાં પરમાત્માના સાક્ષાત્કારને જ ‘યોગ’ કહ્યો છે. અહીં ‘યોગ’ શબ્દ સાક્ષાત્કારના માર્ગ તરીકે ઉપચારરૂપે લીધો છે. કારણ કે આત્મા સ્વયં જ કૃત- કૃત્ય છે. એથી એને યોગમાર્ગની કશી આવશ્યકતા નથી કે એને અનુસરીને એ કૃત-કૃત્યતા પ્રાપ્ત કરે.

આગલાં બે સૂત્રોનો આ અભિપ્રાય છે : આત્માનું સ્વરૂપ નિત્યમુક્ત છે, તેથી મુક્તિ પ્રાપ્ત કરાવનારા યોગની અથવા એ યોગમાં પણ કર્મયોગની કશી જ આવશ્યકતા નથી જ.

કોઈ કહે કે અરે, આ તો તમે કર્મયોગને મૂળથી જ કાપી નાખ્યો ! તો ઉત્તરમાં સાંભળો –

बन्धनं दृश्यते तु ॥5॥ (10)

સૂત્રાર્થ – પણ બંધન તો દેખાય છે.      (ક્રમશ:)

Total Views: 234

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.