સંસારના સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર્વત્ર વિભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. પ્રાર્થનાનો મહદ્ અંશ સકામ સ્વરૂપનો હોય છે. ભૌતિક સુખ, દુન્યવી ચીજવસ્તુ, ઐહિક આનંદ, ઐન્દ્રિક ભોગ, સાંસારિક માન-યશ, જાગતિક કીર્તિ એવી બધી તુચ્છ, નગણ્ય, દુ:ખપ્રદ અને અલ્પજીવી વસ્તુઓ માટેની પ્રાર્થના મોટેભાગે કરાતી જોવા મળે છે. આ તો થઈ રત્નના બદલામાં કાચનો ટુકડો માગવાની વાત. મૂઢમતિ મનુષ્ય આવી જ વસ્તુઓ માટે પ્રાર્થના કરતો હોય છે.

ખરેખર તો પ્રભુ પાસે માગવા યોગ્ય છે તેમની ભક્તિ, તેમના પ્રત્યે અનુરાગ, તેમના શ્રીચરણોમાં આશ્રય, તેમનું અભયકારી અક્ષયપદ. પરમેશ્ર્વર સર્વશક્તિમાન છે, સર્વઅભિષ્ટદાતા છે. તેમની પાસે જે માગીએ તે આપવા તેઓ સમર્થ છે.

પ્રાર્થના એટલે શું ? પ્રાર્થના એટલે સત્યશોધકનો સર્વાત્મા સાથેનો સંવાદ. પ્રાર્થના એટલે આરાધકના અંતરનો અંતર્યામીને અનુનય. પ્રાર્થના એટલે પરમતત્ત્વના પ્રેમીનો પ્રભુને પોકાર. પ્રાર્થના એટલે કલ્યાણકામીની કરુણાસાગરને કાકલૂદી. પ્રાર્થના એ સાધકના સર્વાંગમાંથી સ્ફૂરતું સંગીત છે, આરાધકના અંતરમાંથી આવતો અનુરોધ છે, પ્રભુપ્રેમીના પ્રાણમાંથી પ્રગટતી પરાવાણી છે, કલ્યાણવાંછુની કરુણાર્દ્ર કાકલૂદી છે, ઉપાસકની ઊર્મિમાંથી ઊઠતો ઉદ્ઘોષ છે.

વેદ, રામાયણ-મહાભારત, વિભિન્ન પુરાણ અંતર્ગત જોવા મળતી તેમજ આચાર્યો, મહાપુરુષો, સંતો, ભક્તોના જીવન સાથે વણાયેલી વિવિધ પ્રાર્થનાઓ આપણે કેવી રીતે પ્રાર્થના કરવી, શા માટે પ્રાર્થના કરવી, પ્રાર્થનામાં શું માગવું વગેરે વિશેનું દિશાસૂચન કરે છે.

સૌ પ્રથમ જોઈએ વૈદિક પ્રાર્થના. શુકલ યજુર્વેદ સંહિતાની આ પ્રાત: પ્રાર્થના જગપ્રસિદ્ધ છે. પ્રાર્થનાના શબ્દો છે-

ૐ તેજોઽસિ તેજો મયિ ધેહિ ।

વીર્યમસિ વીર્યં મયિ ધેહિ ।

બલમસિ બલં મયિ ધેહિ ॥ વગેરે

પ્રભુ પાસે કેવી અદ્‌ભુત માગણી છે- ‘હે પ્રભુ ! તું તેજ સ્વરૂપ છે, તું મને તેજ આપ. તું વીર્યસ્વરૂપ છે, મને વીર્ય આપ. તું બળસ્વરૂપ છે, મને બળ આપ.’ અન્ય કલ્યાણ પ્રાર્થના પણ કેવી અદ્‌ભુત છે !

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિદ્ દુ:ખમાપ્નુયાત્ ।

સર્વસ્તરતુ દુર્ગાણિ સર્વો ભદ્રાણિ પશ્યતુ

સર્વ: સદ્બુદ્ધિમાપ્નોતુ સર્વ: સર્વત્ર નન્દતુ ॥

‘હે પ્રભુ ! એવું કરો કે બધા લોકો સુખી થાઓ, બધા સ્વાસ્થ્ય પામો, બધાનું કલ્યાણ થાઓ, કોઈ જ દુ:ખી ન થાઓ, બધાને સદ્બુદ્ધિ આપો અને સર્વજન સર્વત્ર આનંદ પામો.’

કેવી સુંદર, સર્વગાહી અને સર્વસમાવેશી પ્રાર્થના ! બધા માટે બધું જ શુભ, બધાનું બધા પ્રકારે કલ્યાણ. આ જ છે સાચી પ્રાર્થના.

રામાયણમાં અનેક પ્રાર્થનાઓ આવે છે. સીતાની શોધમાં નીકળેલા રામ-લક્ષ્મણને માર્ગમાં જટાયુનો મિલાપ થાય છે. સીતાનું હરણ કરીને લઈ જતા રાવણનો પ્રતિકાર કરવા જતાં જટાયુ ઘાયલ થઈને ભૂમિ પર પડ્યો છે. શ્રીરામ જટાયુને પુન: સાજો કરવા અને નવજીવન બક્ષવા તૈયાર થાય છે ત્યારે જટાયુ પ્રાર્થના કરીને કહે છે- ‘મમ હૃદય પંકજ ભૃંગ અંગ અવંગ બહુ છબિ સોહઈ.’ અર્થાત્ ‘હે પ્રભુ ! હું હવે ભલે મૃત્યુ પામું. મારે પુન: જીવન નથી જોઈતું. સર્વ અંગોમાં અનંત કામદેવોના જેવી કાંતિથી શોભી રહેલા આપ મારા હૃદયરૂપી કમળમાં ભ્રમરની પેઠે રહો.’ જીવનના નિષ્કર્ષરૂપે, મરણ વખતની આ છે સાચી પ્રાર્થના.

વાલી અને સુગ્રીવ વચ્ચેના યુદ્ધમાં વાલી હણાઈને મરણશય્યા પર પડ્યો છે. શ્રીરામ તેનો શરણાગતિ-ભાવ જોઈને તેને પુનર્જીવન આપવા જણાવે છે. વાલી પ્રાર્થનારૂપે પ્રત્યુત્તર આપે છે, ‘જેહિં જોનિ જન્મૌં કર્મ બસ તહઁ રામ પદ અનુરાગઉઁ.’ અર્થાત્ ‘હે રામ ! હું કર્મોને વશ રહી, જે જે યોનિમાં જન્મ પામું, તે તે સર્વ યોનિઓમાં મને આપના ચરણોમાં પ્રેમ થાય એવું વરદાન આપો.’

અહલ્યા-ઉદ્ધારના પ્રસંગમાં પણ અહલ્યા શ્રીરામને પ્રાર્થે છે, ‘પદ કમલ પરાગા રસ અનુરાગા મમ મનમધુપ કરે પાના.’ અર્થાત્ ‘હે શ્રીરામ ! હું એટલું જ માગું છું કે મારો મનરૂપી ભ્રમર આપની ચરણરજના રસનું અખંડ પ્રેમથી પાન કર્યા જ કરે.’

શબરી-મિલાપના પ્રસંગમાં શબરી શ્રીરામ પાસે યાચના કરે છે- ‘तथापि याचे, भगवंस्त्वयि भक्तिर्दृढा मम’અર્થાત્ ‘છતાંય હું એ જ ઇચ્છું છું કે આપનામાં મારી દૃઢ ભક્તિ સદા બની રહો.’

તુલસીદાસ રચિત ‘શ્રીરામચંદ્ર સ્તુતિ’ની અંતિમ પંક્તિઓ સદા સ્મરણીય છે –

મમ હૃદયકંજ નિવાસ કુરુ

કામાદિ ખલદલગંજનમ્।

અર્થાત્ કામ-ક્રોધાદિ ષડ્ રિપુના ઢગલાનો નાશ કરનાર હે રામ! મારા હૃદયકંજમાં આપ નિવાસ કરો.

મહાભારત મહાકાવ્યમાં પણ અનેક પ્રાર્થનાઓ છે. તે બધામાં કુંતીમાતાની ભગવાન શ્રીકૃષ્ણને કરાયેલી પ્રાર્થના સર્વોત્કૃષ્ટ છે. કુંતીમાતા પ્રાર્થના કરે છે- विपद: सर्न्तुन: शश्वत् तत्र तत्र जगद्गुरो । भवतो दर्शनं यत्स्यादपुनर्भवदर्शनम् । ‘હે જગદ્ગુરુ શ્રીકૃષ્ણ ! અમારા પર સદા વિપત્તિઓ આવતી રહે કેમ કે વિપત્તિઓમાં જ આપનાં દર્શન થાય છે અને આપનાં દર્શન થવાથી આ સંસારનાં ફરી દર્શન થતાં નથી અર્થાત્ જન્મમરણથી છુટકારો થાય છે.’

કેવી અનોખી પ્રાર્થના ! ઈશ્વરનું સ્મરણ રહ્યા કરે એ ઉદૃેશથી જીવનમાં આપત્તિઓને આમંત્રણ ! પરંતુ ખરેખર સુખ-સંપત્તિમાં જ મનુષ્ય ઈશ્વરને ભૂલી બેસે છે. દુ:ખના વમળમાં જ ઈશ્વર સાંભળી આવે છે. જો સર્વદા ઈશ્વર-સ્મરણ રહ્યા કરતું હોય તો પછી ‘દુ:ખ કાહે કો હોય !’

પુરાણોમાં અનેક પ્રાર્થનાઓ જોવા મળે છે. મહર્ષિ અગસ્ત્યની રામાયણ અંતર્ગત પ્રાર્થના છે-

गच्छस्तिष्ठतो वापि स्मृति: स्थान्मे सदा त्वयि । અર્થાત્ ‘હે રાઘવ ! હરતાં-ફરતાં તથા ઊભા થતાં સદા આપનું સ્મરણ રહ્યા કરે.’ કંડુ મુનિની પ્રાર્થના અનુકરણીય છે. તે પ્રાર્થે છે-

तथा रागादयो दोषा: प्रयान्तु प्रशमं मम । ‘મારા રાગાદિ દોષ શાંત થઈ જાઓ.’

મહારાજ પૃથુની પ્રાર્થના છે કે ‘કંઈ પણ હું ઇચ્છતો નથી, હું હજાર કાનની શક્તિથી આપનાં દિવ્ય ગુણ અને ચરિત્ર સાંભળતો રહું એ જ વરદાન મને આપો.’

શરણાગતવત્સલ રાજા શિબિની પ્રાર્થના સર્વોત્કૃષ્ટ જણાય છે. તે પ્રાર્થના છે-

न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् ।

कामये दु:खतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥

અર્થાત્ ‘મારે ન તો રાજ્ય જોઈએ, ન સ્વર્ગ. મોક્ષ પણ હું માગતો નથી. હું તો વિવિધ દુ:ખોથી પીડિત પ્રાણીમાત્રની પીડાનો નાશ ઇચ્છું છું.’

કેવી અજબની પ્રાર્થના ! કોઈ દુ:ખી ન રહે, અન્યનાં દુ:ખ પોતે સહી લે- કેવું વિશાળ હૃદય ! કેવી પરદુ:ખકાતરતા ! આ જ ઇચ્છનીય છે.

આચાર્ય-પરંપરાના વરેણ્ય શ્રીમદ્ આદિ શંકરાચાર્યની ‘વિષ્ણુષટ્પદી’માં પ્રથમ શ્ર્લોક છે-

अविनयमपनय विष्णो दमय मन: विषयमृग तृष्णाम् । भूतदयां विस्तारय तारय संसारसागरत:। અર્થાત્ ‘હે વિષ્ણુ ! મારો અવિનય દૂર કરો, મનનું દમન કરો, વિષયોની મૃગતૃષ્ણાનું હરણ કરો, સર્વજીવો પ્રત્યેની કરુણાનો વિસ્તાર કરો અને સંસારસાગરથી પાર કરો.’

કેવી અદ્‌ભુત માગણીઓ ! આત્મશુદ્ધિ, ભૂતદયા, આત્યંતિક કલ્યાણ સઘળું એક જ પ્રાર્થનામાં સમાવિષ્ટ થયું છે. ભૌતિક પદાર્થની કોઈ જ માગણી નહીં, અંત:કરણની શુદ્ધિની જ વાંછા !

આવી જ ઉત્તમ પ્રાર્થના ચૈતન્ય મહાપ્રભુના ‘શિક્ષાષ્ટકમ્’માં છે. મહાપ્રભુ માગે છે-

न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये ।

मम जन्मनि जन्मनीश्वरे भक्तिरहैतुकी त्वयि ॥

અર્થાત્ ‘હે જગદીશ ! હું ધન, જન, સુંદરી, કાવ્ય કંઈ જ ઇચ્છતો નથી. હે ઈશ્વર! જન્મોજન્મ મારી આપનામાં અહેતુક ભક્તિ હો.’ કેવી દુર્લભ અને અમર વસ્તુની માગણી ! ભક્તની કામના હોય છે ભક્તિની, માત્ર ભક્તિની.

રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોમાં એકાદશી નિમિત્તે ગવાતા ‘શ્રીરામનામ-સંકીર્તનમ્’માં એક શ્ર્લોક છે – અતિ અદ્‌ભુત !

नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये ।

सत्यं वदामि च भवानखिलान्तरात्मा ।

भक्तिं प्रयच्छ रघुपुंगव निर्भरां मे ।

कामादि दोषरहितं कुरु मानसं च ॥

અર્થાત્ ‘હું સાચું જ કહું છું અને આપ સર્વના અંતર્યામી હોવાથી જાણો જ છો કે મારા હૃદયમાં બીજી કોઈ ઇચ્છા નથી. હું એટલું જ માગું છું કે મને પરિપૂર્ણ ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો.’

સ્વામી વિવેકાનંદ રચિત શ્રીરામકૃષ્ણદેવની ‘ખંડન ભવબંધન’ આરાત્રિકમ્માં પ્રાર્થનામૂલક અદ્‌ભુત શબ્દો છે –  ‘देहो पदे अनुराग’અર્થાત્ ‘હે ત્યાગીશ્રેષ્ઠ નરદેવ! મને આપના શ્રીચરણમાં પ્રેમ આપો.’

સ્વામી અભેદાનંદે રચેલ ‘શ્રીશારદાદેવી સ્તોત્ર’માં એક પંક્તિ છે – प्रेमैकबिंदुं चिरदग्धचित्ते विषिंच चित्तं कुरु न: सुशान्तम् ।

અર્થાત્ ‘હે દેવી! અમારા લાંબા કાળથી દગ્ધ-તપ્ત ચિત્તમાં આપના પ્રેમનું એક બિંદુ નાખીને અમારા ચિત્તને શાંત કરો.’

આ જ છે સાચી પ્રાર્થના. ચિત્તની ચંચળતા હોય તો શાંતિ, આનંદ, સુખ ન જ હોય. ચિત્તના વિકારો, વાસના, દુર્વૃત્તિઓ દૂર થાય તો ચિત્ત શાંત બને. ચિત્તની શાંતિ એટલે તરંગરહિત સરોવર કે જેમાં સ્વયંનું પ્રતિબિંબ સુસ્પષ્ટપણે જોઈ શકાય.

શ્રીરામકૃષ્ણદેવ પણ કેવી અદ્‌ભુત પ્રાર્થના કરતા! તેમની પ્રાર્થના હતી – ‘મા, આ લો તમારું પાપ, આ તો તમારું પુણ્ય, મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારું અજ્ઞાન, આ લો તમારું જ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો.’ આમ, તેઓ પવિત્ર-અપવિત્ર, ધર્મ-અધર્મ બધું ત્યાગીને માત્ર શુદ્ધ ભક્તિ જ માગતા.

શ્રીમા શારદાદેવી પણ કેવી સર્વોત્કૃષ્ટ પ્રાર્થના કરતાં, ‘હે પ્રભુ, ચંદ્રમાં પણ કલંક છે, મારા મનમાં કોઈ ડાઘ ન રહે એવું કરો.’ અથવા તો કહેતાં, ‘હે ચંદ્ર ! મારું અંતર તારી જ્યોત્સના જેવું નિર્મળ કરી દે.’ આમ, નિષ્કલંક અંત:કરણ એટલે પ્રભુનું ચિરંતન નિવાસસ્થાન. આપણી પણ આવી જ પ્રાર્થના હોવી જોઈએ.

યુવાન નરેન્દ્ર પણ ભવતારિણી મા કાલી પાસે પોતાના દારિદ્ર્યમાંથી મુક્ત થવા પ્રાર્થના કરવા ત્રણ ત્રણ વાર મંદિરમાં જાય છે. પ્રત્યેક વખતે તેઓ ધન-સંપત્તિ નહીં પણ સનાતન અક્ષય સંપત્તિ માગે છે : ‘હે મા! મને વિવેક આપો, મને વૈરાગ્ય આપો, જ્ઞાન અને ભક્તિ આપો. મને તમારાં સતત દર્શન થતાં રહે એવું વરદાન આપો!’ આ થયું સાચી પ્રાર્થનાનું યથાર્થ સ્વરૂપ. માગવા જેવું તો સૌએ આ છે.

શ્રીરામકૃષ્ણદેવ કથામૃતમાં અવારનવાર અહલ્યા અને નારદના પ્રસંગોનો ઉલ્લેખ કરે છે. અહલ્યા પ્રાર્થના કરે છે, ‘હે રામ! સુવરની યોનિમાં જન્મ થાય કે ગમે ત્યાં થાય, પણ મન તમારાં ચરણકમળમાં રહે અને શુદ્ધ ભક્તિ આવે.’ વળી નારદ પ્રાર્થના કરે છે, ‘હે રામ! તમારી પાસેથી બીજું કશું વરદાન માગતો નથી. મને શુદ્ધ ભક્તિ આપો અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત ન થાઉં એ આશીર્વાદ આપો.’

આમ, પ્રાર્થનામાં આપણે શું માગવું જોઈએ એ પ્રત્યે શ્રીરામકૃષ્ણદેવ અંગુલિનિર્દેશ કરે છે.

કથામૃતમાં શ્રીરામકૃષ્ણદેવના અન્ય ઉપદેશો છે – ‘ઈશ્વરની ભક્તિ માટે આતુરતાથી પ્રાર્થના કરવી જોઈએ; ઈશ્વરના શરણાગત થવું જોઈએ અને જે રીતે એની પ્રાપ્તિ થાય, એનાં દર્શન થાય, એ સારુ આતુર થઈને ઈશ્વરની પાસે પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વર તો આપણો બાપ, આપણી મા, તેને પ્રાર્થના કરવી જોઈએ કે તમે કેવા છો? દર્શન આપો. દર્શન દેવાં જ પડશે. તમે મને ઉત્પન્ન શા માટે કર્યો?’

આ બધાં થયાં પ્રાર્થના માટેનાં દિશાસૂચક દૃષ્ટાંતો. આપણે પણ આ પ્રકારની અહેતુક ભક્તિ માટે, આત્મજ્ઞાન માટે, વિશ્વકલ્યાણ માટે, સર્વગ્રાહી-સર્વસમાવેશક પ્રાર્થના કરવી જોઈએ.

શ્રીરામકૃષ્ણદેવનું અમૃતકથન છે, ‘ઈશ્વરને પ્રાર્થના કરો. પ્રભુ તો દયામય. એ શું ભક્તની વાત સાંભળે નહીં? એ કલ્પતરુ છે. એમની પાસે જે કોઈ જે કંઈ માગે તે તેને મળે.’

આ થયું અમોઘ આશ્ર્વાસન. આ થઈ અટલ વિશ્વાસવાણી. આ થઈ સફળ પ્રતિજ્ઞા.

ઈશ્વર ભક્તિ આપે જ, કલ્યાણ કરે જ, મુક્તિ આપે જ. આપણે તો માત્ર કદમ જ ઉઠાવવાનું છે, પ્રભુ તો સો ડગલાં સામો આવશે.

‘શ્રીરામકૃષ્ણનામસંકીર્તનમ્’માં અંતે ઉપસંહારરૂપે यांचाकथनम છે. તેમાં ભક્તે શ્રીરામકૃષ્ણદેવ પાસે શું માગવું જોઈએ તેનું વિધાન છે.

अनायास-मृत्युमेव यच्छ गुरो रामकृष्ण ।

दैन्यशून्यजीवनं प्रयच्छ देव रामकृष्ण ॥

क्लेशरहितमेव मनो मे कुरुष्व रामकृष्ण ।

सत्यपूत-वचो मेऽस्तु मुखे सदा रामकृष्ण ॥

अहिंसा च रक्तगता भवतु हरे रामकृष्ण ।

पुण्यपापविवेकोऽपि भवेदेव रामकृष्ण ॥

ब्रह्मचर्यशक्तिरस्तु मे हि मनसि रामकृष्ण ।

मतिं देहि बलं देहि पदे स्थलं रामकृष्ण ।

शुद्धभक्तिरपि तवास्तु पदाम्बुजे रामकृष्ण ॥

હે શ્રીરામકૃષ્ણદેવ ! મને અનાયાસ કુદરતી મૃત્યુ આપો.

હે શ્રીરામકૃષ્ણદેવ ! મારું જીવન દીનતાશૂન્ય બનાવો.

હે શ્રીરામકૃષ્ણદેવ ! મારી વાણી સદા સત્યયુક્ત હો.

હે શ્રીરામકૃષ્ણદેવ ! અહિંસા મારા પ્રાણમાં રમમાણ હો.

હે શ્રીરામકૃષ્ણદેવ ! મને પુણ્ય-પાપનો વિવેક આપો.

હે જગદ્ગુરુ ! બ્રહ્મચર્યવૃત્તિ મારા મનમાં દૃઢ બનો.

હે શ્રીરામકૃષ્ણદેવ ! મારું અંત:કરણ ક્લેશમુક્ત હો.

હે પ્રભુ ! તમારાં શ્રીપાદપદ્મોમાં મતિ-શક્તિ આપો.

હે ભગવન્ ! તમારાં શ્રીચરણમાં મને શુદ્ધ ભક્તિ આપો.

આપણી સૌની દૈનિક પ્રાર્થના આ હોવી જોઈએ.

સ્વામી અભેદાનંદે રચેલ એક અન્ય સ્તોત્ર છે ‘શ્રીરામકૃષ્ણસ્તવરાજ:.’

તેની પંક્તિઓ છે-

નાકાદિલોકં સુખદં ચ દિવ્યં

સુરમ્યમૈશ્ર્વર્યમહં ન યાચે।

હૃદાસને ત્વં કૃપયા સદા વૈ

વસેતિ યાચે ભુવિડ રામકૃષ્ણ: ॥

અર્થાત્ ‘હું સ્વર્ગાદિલોકનાં દિવ્ય સુખ અને સુરમ્ય ઐશ્ર્વર્યની યાચના કરતો નથી. હે રામકૃષ્ણદેવ, હું યાચું છું કે આપ સદા-સર્વદા મારા હૃદયઆસન પર નિવાસ કરો.’

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.