એવં સા દક્ષિણા ગંગા મહાપાતકનાશિની ।

ઉત્તરે જાહ્નવી દેશે પુણ્યાત્વં દક્ષિણે શુભા ॥

(નર્મદાપુરાણ – 6.22)

તે (નર્મદા મૈયા) મહાપાતક નાશ કરનારાં દક્ષિણનાં ગંગા છે. ઉત્તર દેશમાં જેમ જાહ્નવી ગંગા છે એમ શુભ એવાં તમે દક્ષિણમાં પુણ્યકારક છો.

આ લેખમાં નર્મદા પરિક્રમા માટે કેવી રીતે દૃઢ નિશ્ર્ચય થયો અને તેની પૂર્વ તૈયારીનું વર્ણન કરીશું.

ઓક્ટોબર 2013માં પુણ્યતીર્થ અમરકંટકની યાત્રા પછી લેખક સંન્યાસીને ગુજરાતના ગામડા જેવા એક તાલુકા શહેરમાં આવેલ આશ્રમમાં સેવા કરવાની તક મળી. તે આશ્રમમાં શ્રીપ્રભુના નૂતન મંદિરનું બાંધકામ પૂર્ણતાના આરે હતું. તે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર દેશમાંથી 200 જેટલા સંતો અને 1000 જેટલા ભક્તો આવ્યા અને ભગવાનની અસીમ કૃપાથી ઉજવણી 1લી નવેમ્બર, 2014ના રોજ સર્વાંગરૂપે પૂર્ણ થઈ. દરેકને પોતાની પાત્રતા અનુસાર શ્રીપ્રભુની પરમકૃપા અને દિવ્યતાની અનુભૂતિ થઈ. તેની વિશેષ ચર્ચા અહીં અસ્થાને છે. અસ્તુ.

છેલ્લા 6 મહિનાના સખત પરિશ્રમ પછી લેખક સંન્યાસી કૃતનિશ્ર્ચયી થયા નર્મદા પરિક્રમા માટે! મનમાં વિચાર્યું દિવસે દિવસે ઉંમર વધતી જાય છે, અત્યારે આ શરીર ચાલે છે ત્યાં સુધીમાં જ કઠિન પગપાળા નર્મદા પરિક્રમા કરી લેવી જોઈએ. ધીરે-ધીરે  આશ્રમના અંતેવાસીઓ અને ભક્તોને પણ જાણ થવા લાગી હતી કે આ સંન્યાસી મહારાજ નર્મદા પરિક્રમામાં ઊપડવાના છે. આશ્રમમાં અમે સાધુસંતો બ્રહ્મચારીઓ રાત્રીના ભોજન પ્રસાદ પછી થોડા પગ છૂટો કરતા. હું વધુ ચાલતો નહીં, અથવા જતો જ નહીં, ત્યારે એક બ્રહ્મચારી મહારાજે વ્યંગ કરતાં કહ્યું રાત્રીના ભોજનપ્રસાદ પછી પણ તમારે બે-ત્રણ કિ.મિ. જેટલુંય ચાલવું નથી અને બાપુને નર્મદા પરિક્રમા કરવી છે! લે !! મેં કહ્યું, ‘મારે ક્યાં કરવી છે, શ્રીશ્રીમાએ કરાવવાની છે.’ એમ કહીને વાતની પૂર્ણાહૂતિ કરતો.

મનમાં વિચાર્યું, ‘નર્મદા પરિક્રમા માર્ગદર્શિકા’ પુસ્તકના લેખક સ્વામી આત્મકૃષ્ણ મહારાજ તિલકવાડામાં રહે છે, તેની સાથે પરિચય છે, તે ઘણું માર્ગદર્શન કરી શકશે તો પછી તિલકવાડાથી જ પરિક્રમા શરૂ કરું. કારણ કે નર્મદા તટનો પ્રત્યેક ઘાટ પાવન છે. પરિક્રમા ગમે તે ઘાટથી શરૂ કરી શકાય. પૂ. આત્મકૃષ્ણ મહારાજને ફોન કર્યો, ‘મહારાજ, મારે નર્મદા પરિક્રમા શરૂ કરવી છે, શું કરું?’ તેમણે કહ્યું, ‘આવી જાવ, બધી વ્યવસ્થા થઈ જશે.’ હરખ થયો. એવામાં ઓમકારેશ્ર્વરના અમારા આશ્રમના એક સ્વામીજીનો ફોન આવ્યો, ‘અરે! તારે પરિક્રમા શરૂ કરવી છે, ખડતલ શરીર જોઈએ, સહેલી નથી. જે હોય તે તું અહીં ઓમકારેશ્ર્વર આવી જા, અહીંથી જ પરિક્રમા શરૂ કરવી જોઈએ કારણ કે નર્મદા પરિક્રમાને અંતે ઓમકારેશ્ર્વર બાબાને સાથે લીધેલ નર્મદા જળ ચડાવીને જ પરિક્રમા પૂર્ણ થાય છે. મોટા ભાગના સાધક-ભક્તો ઓમકારેશ્ર્વરથી જ પરિક્રમા શરૂ કરે છે. ઓમકારેશ્ર્વર આવી જા.’ શું કરવું હવે? પછી નક્કી કર્યું ઓમકારેશ્ર્વર દ્વાદશ જ્યોતિર્લિંગ- મહાતીર્થ છે ત્યાંથી જ પરિક્રમા શરૂ કરીશ.’ તેની પૂજ્ય આત્મકૃષ્ણ મહારાજને જાણ કરી દીધી અને રેલવે ટિકિટ કરાવી લીધી.

શ્રીમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હિસાબ-કિતાબ અને આશ્રમ દ્વારા વિવિધ શાળાઓનાં બાળકો માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૂર્ણ થઈ. 16 ડિસેમ્બર, 2014 ઉજ્જૈન થઈ ઓમકારેશ્ર્વર જવાનો દિવસ આવી ગયો. બપોરે બે વાગ્યે ગાડી. આશ્રમેથી રેલવે સ્ટેશન 30 કિ.મિ. દૂર હોવાથી આશ્રમનું વાહન મૂકવા આવશે. સવારે લગભગ 11.30 વાગ્યે આશ્રમની સામે રહેતા પીઢ ઉંમરના એક ભક્ત મોહનભાઈ (નામ બદલાવેલ છે) આવ્યા. તેમણે કહ્યું, ‘મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે નર્મદા પરિક્રમામાં જાઓ છો. હું અહીં ગુજરાતમાં નર્મદા તટે જગદીશ મઢી (ઝગડીયા પાસે) અવારનવાર જાઉં છું. મારા મનમાં ઘણાં વર્ષોથી પરિક્રમામાં જવાનો વિચાર હતો, તમારી સાથે પરિક્રમા શરૂ કરું તો મને આનંદ થશે.’ મેં કહ્યું, ‘મને પણ આનંદ થશે, એક કરતાં બે ભલા.’ મોહનભાઈ પણ તૈયાર થયા. બપોરનો ભોજનપ્રસાદ લઈ મહંત મહારાજને પ્રણામ કર્યા, ‘એક મહિનો ફરીને પાછો આવી જજે.’ હજી તેમને આશ્ચર્ય થતું હતું અને વિશ્વાસ ન હતો કે આ નર્મદા પરિક્રમા કરશે. મેં કહ્યું, ‘મહારાજ, જેવી માની ઇચ્છા.’

ભોજનપ્રસાદ પછી આશ્રમના વાહનમાં રેલવે સ્ટેશને જવા માટે 10 મિનિટની વાર હતી. લેખક સંન્યાસી અને મોહનભાઈ નર્મદા પરિક્રમામાં જાય છે તેની જાણ થતાં ઘણા ભક્તો વિદાય આપવા આવ્યા. આશ્રમની સામે રહેતા ભક્ત અને ગામડે રહેતા તેમના એક મિત્ર પણ આવ્યા હતા, પ્રણામ કર્યા અને થોડી પ્રણામી આપી. તે બોલવા લાગ્યા, ‘મહારાજ, પરિક્રમામાં જાઓ છો! ખૂબ જ આનંદ. મહારાજ, મેં પણ નર્મદા પરિક્રમા કરી છે. મહારાજ, કેટલા ચાતુર્માસ કરશો?’ મેં કહ્યું, ‘બે ચાતુર્માસ કરવાની ઇચ્છા છે.’ તેમણે કહ્યું, ‘ખૂબ જ સરસ. મહારાજ, એક વાત કહું?’

મેં કહ્યું, ‘બોલો.’ ‘મહારાજ, જો તમે ત્રણ ચાતુર્માસ કરશો તો શ્રીશ્રીનર્મદા મૈયા તમને નહીં છોડે, તેમનો જ કરી લેશે અને તમે પણ માને છોડી નહીં શકો.’ પછી તેમણે પોતાના થેલામાંથી શ્રીશ્રીનર્મદા મૈયાની લેમિનેશન કરેલ નાની છબી બહાર કાઢી અને કહ્યું, ‘મહારાજ, મારી નર્મદા પરિક્રમા વખતે શ્રીશ્રીમા નર્મદા મૈયાની આ છબી મારી સાથે રાખી હતી. તમને પણ પરિક્રમા વખતે પૂજા કરવામાં લાગશે,’ એમ કહી શ્રીશ્રીમા નર્મદા મૈયાની લેમીનેટ નાની છબી મારા હાથમાં આપી.

રેલવે સ્ટેશને જવા માટે આશ્રમના વાહનમાં બેસવા જાઉં છું અને આશ્રમના પ્રાંગણમાં મારા હાથમાં શ્રીશ્રીમા નર્મદા મૈયાની છબી !! જાણે લાગ્યું કે શ્રીપ્રભુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ અને જગજ્જનની શ્રીમા શારદાદેવીએ શ્રીનર્મદા મૈયાને આશ્રમમાં બોલાવીને કહી રહ્યાં હોય, ‘મારા બાળકને આપું છું, સાચવજો !!’ અત્યંત હર્ષ થયો અને ખરેખર વાસ્તવમાં મારી નર્મદા પરિક્રમા એટલી સહજ અને આનંદમય બની કે એવું લાગ્યું જાણે હું શ્રીશ્રી નર્મદા મૈયાનો કોઈ વિશેષ અતિથિ હોઉં!

હું અને મોહનભાઈ રેલવે સ્ટેશને પહોંચ્યા અને ઉજ્જૈનવાળી ગાડીમાં ગોઠવાઈ ગયા. વહેલી સવારે ઉજ્જૈન આવ્યું. શ્રીમંદિરમાં જવા માટે બહુ ભીડ ન હતી. સહજતાથી બાબા મહાકાલેશ્ર્વર પ્રભુનાં દર્શન થયાં. મહાકાલેશ્ર્વર બાબાની પરવાનગી અને આશીર્વાદ મળ્યાં. બપોરે ઓમકારેશ્ર્વર પહોંચ્યા. દૂરથી મંદિરના શિખરનાં દર્શન કરી મનોમન બાબાને પ્રણામ કર્યા.

આશ્રમના પ્રેમિક સ્વામીજીએ સ્નેહભર્યું સ્વાગત કર્યું. હું અને મોહનભાઈ આશ્રમમાં ગોઠવાઈ ગયા. પ્રેમિક સંન્યાસી સમજાવવા લાગ્યા, ‘નર્મદા પરિક્રમા કરી ઘણા લોકો સ્વાસ્થ્ય બગાડે છે. ઘણાનો અહંકાર જ વધતો હોય છે. યાત્રા ઘણી કઠિન છે, એના કરતાં એક જ જગ્યાએ બેસીને તપ-જપ કરો. કેટલાક અડધેથી પરિક્રમા છોડી દેતા હોય છે, ઇત્યાદિ.’

બીજા એક કઠોરી સંન્યાસી પણ રહેતા હતા, તે પ્રેરણા આપતા હતા, ‘જેની ઇચ્છા હોય તેમણે પરિક્રમા કરવી જ જોઈએ.’

કઠોરી સ્વામીજી પોતે, લેખક સંન્યાસી અને મોહનભાઈને લઈને ઓમકારેશ્ર્વર અને આસપાસનાં જંગલો તથા પહાડો પર ચાલવા લઈ જતા. ક્યારેક ચારુકેશ્ર્વરનું મંદિર, કોઠાવા જંગલમાં, મૌનીબાબાના આશ્રમ પછી નર્મદા કુંડની આવતી કઠિન પહાડી કેડી, તો ક્યારેક જંગલમાં આવેલ ચ્યવન મુનિના આશ્રમે લઈ જતા.

એક વાર કઠોરી સંન્યાસી મહારાજે કહ્યું, ‘ચાલો સામેના ચ્યવન મુનિના આશ્રમે બે મરાઠી યુવાન પરિક્રમાવાસી આવ્યા છે. તેમની સાથે મુલાકાત કરીએ, તમને ઘણું જાણવા મળશે.’ અમે લોકો ગયા તેમને મળવા. અમે મળવા આવવાના છીએ એ જાણી તેઓ ચ્યવન મુનિના આશ્રમથી 3 કિ.મિ. દૂર જંગલમાં એક કલાક સુધી અમારી રાહ જોતા હતા. અમે તેમને મળ્યા. તેમણે એ જાણી ખુશી વ્યક્ત કરી કે અમે પણ નર્મદા પરિક્રમા શરૂ કરવાના છીએ. મેં તેમને પૂછ્યું, ‘ અમને નર્મદા પરિક્રમા કેવી રીતે થાય, શું તૈયારી કરવી જોઈએ તે કહો.’

તેમણે કહ્યું, ‘ઓમકારેશ્ર્વર બાબાની શક્તિ અનુસાર વિશેષ પૂજા અને ક્ધયાભોજન કરાવો. વિશેષ તિથિ આવતી હોય તે દિવસે સંકલ્પ લો. દક્ષિણ તટે ગૌમુખ ઘાટ પર બાહ્મણ પંડિત પાસે સંકલ્પ અને શ્રીનર્મદા મૈયાની સંક્ષિપ્ત પૂજા કરાવો. નાની બોટલમાં(વધુ મોટી નહીં) નર્મદા જળ ભરો- શ્રીમા નર્મદાનો નાનો ફોટો, ઇષ્ટદેવનો, ગુરુદેવનો નાનો ફોટો પણ રાખવો. ચંદન, પૂષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી પંચોપચાર પૂજા કરો. નાની સોપારી-સિક્કો સાક્ષી ગણેશ તરીકે સાથે રહેશે તેની પૂજા કરો. દીપ વડે નર્મદા મૈયાની આરતી કે જે પરિક્રમા વખતે સવાર સાંજ તમારે ગાવાની છે તે આરતી-‘જય જગદાનંદી, મા જય જગદાનંદી, બ્રહ્મા હરિહર શંકર, રેવા શિવ હરિ શંકર, રુદ્રી પાલન્તી, ૐ જય જગદાનંદી…’ કરો.

આ નર્મદા જળ-ફોટો તમારી સાથે જ રહેશે. માને સાષ્ટાંગ પ્રણામ કરી માને પ્રાર્થના કરવાની ‘મા, તું જેવી રીતે પરિક્રમા કરાવીશ, જેટલા સમયમાં જેવી રીતે રાખીશ, જે ખવડાવીશ, તેવી રીતે તારી શક્તિથી પરિક્રમા પૂર્ણ કરીશ.’

વળી તેમણે કહ્યું, ‘શ્રીશ્રી નર્મદા મૈયા ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનારાં દેવી છે.’ મેં કહ્યું, ‘હું તો સંન્યાસી છું, હું તો નિષ્કામભાવે પ્રાર્થના કરીશ, ‘મા, મારાં શરીર, મન, બુદ્ધિને શુદ્ધ કરી દો. મને ભક્તિ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન આપો.’ તેમણે કહ્યું, ‘સંકલ્પ લીધા પછી તમે નર્મદાની મુખ્ય ધારાને ઓળંગી શકો નહીં.’ એકાદશી, અમાવસ્યા, પૂર્ણિમાના દિવસે ચાલવાનું નહીં અને જે-તે તીર્થસ્થાન, મંદિર કે આશ્રમમાં રહી પ્રાર્થના-જપ-ધ્યાન-ભજન કરવાં. પરિક્રમા વખતે એકલા એકલા ચાલવું, મૌન રહેવું અને જપ કરવાં વિ.

મેં પૂછ્યું, ‘બીજી તૈયારીમાં શું કરવું.’ તેમણે કહ્યું, ‘જેવી રીતે ટ્રેકીંગમાં લઈ જાય તેવો પાછળ રહી શકે તેવો થેલો. કંપનીનું નામ પણ કહ્યું જઊઅજઘગ અને ખરેખર તે બેગ હજી પણ વાપરવા યોગ્ય છે. પછી એક સ્લીપીંગ બેગ લેવાનું કહ્યું તથા સેન્ડલ પહેરવાની સલાહ આપી. પછી બે અત્યંત મહત્ત્વપૂર્ણ વાતો કરી, ‘તમે જેટલું માનું ચિંતન કરશો તેટલું મા તમારું ચિંતન કરશે. તમે જાતે હાંફળા-ફાંફળા થઈને આગળ ક્યાં રહીશ, ક્યાં ખાઈશ વિ.માં મશગૂલ રહેશો તો તમારી વ્યવસ્થા તમારે જાતે જ કરવી પડશે પરંતુ બધું જ ભગવાન પર છોડી ચિંતન-મનન કરશો તો શ્રીમા તમારું યોગક્ષેમ અવશ્ય ચલાવશે.’

બીજી વાત કરી, તેમણે કહ્યું, ‘મહારાજ, મેં પરિક્રમા શરૂ કરી તે પહેલાં હું દરરોજ વીસ-બાવીસ કિ.મિ. ચાલતો અને મને એમ થયું કે હું પરિક્રમા માટે પૂર્ણરૂપે સ્વસ્થ છું. પરંતુ પરિક્રમા માટે શારીરિક કરતાં પણ માનસિક-આધ્યાત્મિક સ્વસ્થતા ઘણી જરૂરી અને ફાયદાકારક છે. અને મારા આ વધુ પડતા વિશ્વાસની વચ્ચે એક દિવસ હું લપસી પડ્યો અને મારા પગમાં નાનું ફ્રેક્ચર થયું. ત્યારે મારા મનમાં ઝબકારો થયો, અરે, શ્રીમા નર્મદા મૈયાની કૃપા વગર પરિક્રમા તો શું એક ડગલું પણ આગળ વધી ન શકાય. તેમની શક્તિ અને કૃપાથી જ પરિક્રમા કરી શકાય તો મહારાજ આ વાતને મનમાં ગાંઠ મારીને રાખજો કે આ પરિક્રમા તમારી શક્તિથી તમે નહીં કરી શકો. માત્રને માત્ર તેના પર અવલંબન કરી તેમની શક્તિથી જ પરિક્રમા કરવાની છે.       (ક્રમશ:)

Total Views: 347

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.