(અનુવાદક : કુસુમબહેન પરમાર)

પ્રશ્ન – ઠાકુરજી, સ્વામીજી- શું આ લોકો હંમેશાં આનંદમય કોષમાં રહેતા હતા?

મહારાજ – નહીં. જ્યારે સ્વામીજી વિશ્વનાથ દત્તના પુત્ર હતા ત્યારે નહીં; જ્યારે ઠાકુરજી આ જાગતિક  સ્તર પર ઊતરતા ત્યારે નહીં; જ્યારે ચૈતન્ય દેવ ભક્તો સાથે રહેતા હતા ત્યારે આનંદમય કોષમાં ન રહેતા.

સેવક – મહારાજજી, તિથિપૂજાના દિવસે મઠમાં જવાને બદલે ઘરમાં જપધ્યાન કરવાથી ચાલે જ ને!

મહારાજ – ના, ઉત્સવમાં જવાની આવશ્યકતા છે. વચ્ચે વચ્ચે જવું જોઈએ.

સેવક – ક્યાં, ઇચ્છા તો થતી નથી! ઇષ્ટ પ્રત્યે આકર્ષણ અને આત્મીયતાનો બોધ થતો નથી.

મહારાજ – આત્મીયતાનો બોધ કરવાથી થઈ જ ગયું.

16

26-12-1959

મહારાજ – જુઓ, તમારે લોકોએ હંમેશાં પાઠ, અધ્યયન અથવા કોઈ ગંભીર આધ્યાત્મિક વિષયને લઈને ચર્ચા કરવી જોઈએ. તમે લોકો જે હાસ્યવિનોદ કરો છો, એનાથી મને દુ:ખ થાય છે. જ્યારે હું વાત કરી શકતો હતો, ત્યારે હંમેશાં મોટેથી બોલીને આવી બધી ચર્ચા બંધ રાખતો હતો.

એક સંન્યાસીએ પહેરણમાં સ્વર્ણ વર્ણના બટન પહેરેલ છે, એ જોઈને મહારાજજીએ કહ્યું, ‘જેમ સંન્યાસીએ છોકરીઓ તરફ ન જોવું જોઈએ, તેવી જ રીતે સોના તરફ ન જોવું જોઈએ, આ બધું પરમહંસોપનિષદમાં છે.’

30-12-1959

સેવક – મહારાજ, ગીતામાં કહ્યું છે ‘પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહ: કિં કરિષ્યતિ। આ નિગ્રહનો અર્થ શું છે?

મહારાજ – ઇન્દ્રિય – નિગ્રહ. બળપૂર્વક ઇન્દ્રિયનિગ્રહ કરવાથી કશું થતું નથી, જેમ માત્ર વ્રત-ઉપવાસ વગેરેથી કંઈ જ થતું નથી તેમ. જેટલા તમે ઈશ્વર પ્રતિ આગળ વધશો, તેટલી જ ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિ ઓછી થતી જશે અને ત્યારે તમારે બળપૂર્વક નિગ્રહ કરવો પડશે નહિ. જેટલા તમે પૂર્વ દિશા તરફ જશો, તેટલી જ પશ્ચિમ દિશા દૂર થતી જશે. ઈશ્વર પ્રત્યે પ્રેમ થવા માટે જેવી આવશ્યકતા છે, સ્વાભાવિકરૂપે એવો જ નિગ્રહ પણ થશે.

ગીતાનો શ્ર્લોક વાંચીને તેને પોતાના જીવનમાં કેટલો આચરી શકો છો, તે જોવું પડે. શ્ર્લોકનો સામાન્ય અર્થ જાણીને દિવસ પર્યંત તેના પર ચિંતન કરતાં કરતાં તેના સંબંધિત ધારણા સ્પષ્ટ થઈ જશે.

હૃષીકેશના સ્વર્ગાશ્રમમાં ત્રણ વર્ષ રહ્યોે, એક વર્ષાઋતુમાં બે ચકલીઓ આવીને ભીંની માટીથી માળો બનાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેઓ નિષ્ફળ રહી. બીજા વર્ષે પણ માળો બનાવી શકી નહીં. ત્રીજું વર્ષ આવતાં સુધીમાં તો તે બંને ચકલીઓ વૃદ્ધ થઈ ગઈ હતી. ઘણાં જ કષ્ટ અને પ્રયત્નથી માળો બનાવ્યો, પરંતુ કડક માટીથી તો નહિ. બંને ચકલીઓને બચ્ચાં જન્મ્યાં. હું ત્યાં ડરનો માર્યો જતો નહિ, રખેને તેઓ મને જોઈને નાસી જાય. એક દિવસ મે જોયું કે બંને બચ્ચાં મરેલાં પડ્યાં છે. એ બંને પક્ષીઓને કેટલી વેદના થતી હતી ! તે બંને ક્યારેક અહીં, ક્યારેક ઊડીને ત્યાં બેસતાં હતાં અને કરુણભાવથી ઊડીને માળા પાસે જતાં હતાં અને ફરી પાછાં આવતાં હતાં !

પ્રશ્ન – મહારાજ, ઈશ્વર-દર્શન શું છે ?

મહારાજ – ઈશ્વર માત્ર એક જ સ્થાનમાં રહેતા નથી. તેમને પ્રાપ્ત કરીને મનુષ્યનું શરીર જ ઈશ્વરમય બની જાય છે. આપણને સમજાવવા માટે કહે છે કે હૃદયમાં ઈશ્વર છે ! કેમ કે હૃદય અત્યંત સંવેદનશીલ હોય છે. આ બધી વાતો વેદમાં પણ છે. એમાં એ પણ છે કે જમણી આંખમાં ઈશ્વરની કલ્પના કરવી. ઠાકુરજી કહે છે – મનુષ્ય શું કંઈ કમ છે ? મનુષ્ય અનંતનુ ચિંતન કરી શકે છે. તમે જાણતા નથી કે અંદર શી શક્તિ છે. જે શકિત દ્વારા સંપૂર્ણ પૃથ્વી પરિચાલિત થઈ રહી છે, તારા અને નક્ષત્ર ઘૂમી રહ્યાં છે, તે જ શક્તિ તમારામાં વિદ્યમાન છે. સાધના દ્વારા મનુષ્ય આ શક્તિનો સંસ્પર્શ કરી શકે છે, તેને પ્રાપ્ત કરી શકે છે.

પ્રશ્ન – મહારાજ, આપ તો ઈશ્વર-પ્રાપ્તિની વાત કરી રહ્યા છો, પરંતુ આશ્રમમાં તો ફક્ત કર્મ, કર્મ અને કર્મ છે. અહીં ચૈતન્યનું ચિંતન કેવી રીતે શક્ય થશે ?

મહારાજ – ઈશ્વર ચૈતન્યઘન સત્તા છે. તમારામાં પણ એ જ ચૈતન્ય સત્તા છે. કોશિશ કરશો તો જાણી શકાશે. જેમ કે ગોપાલની મા નો ગોપાલ. જુઓ, પરીક્ષાની ડિગ્રિનું માન ! કેટલો આદર-સત્કાર ! પરંતુ તેમને પામવા માટે એ બધામાંથી મનને હટાવવું પડે જ. કાં તો ઈશ્વરને ચાહો, નહિ તો જગતને પકડીને મજા કરો. તમે બધું છોડીને અહીં આવ્યા છો તેથી તમને ચાહું છું, તે જ રીતે બધું છોડીને તેમને પકડો તો તે પણ તમને ચાહશે. સવારથી નક્કી કરી લેજો- મારી શક્તિનો લેશ માત્ર વ્યય કરીશ નહિ. વહેલી સવારે ઊઠીશ- ઠાકુરનું ધ્યાન કરીશ- તેમની સેવા કરીશ- આ રીતની એક નિષ્ઠા કેળવી લો.

31-12-1959

સેવક – મહારાજ, ભોગનો અંત ન થાય તો વ્યાકુળતા આવે નહિ. વળી છે- ‘ન જાતુ કામ: કામાનામુપભોગેન શામયતિ.’ આ બંનેનો મેળ કઈ રીતે થશે ?

મહારાજ – હવે સાંભળી રાખો, પછી પોતે જ સમજી શકશો. બંને અલગ અલગ દૃષ્ટિકોણથી લખ્યું છે તેથી ઉપરછલ્લું પરસ્પર વિરોધી જણાય છે, અસલમાં તેમ નથી.

01-01-1960

પ્રસંગોપાત્ત મહારાજ બોલ્યા : ‘ઈશુની કેવી કરુણા! જો કે રોગ સારો કરવો તે બહુ મહત્ત્વની બાબત નથી, પરંતુ તેમની અપાર કરુણા વિચારવા યોગ્ય છે.

પ્રશ્ન – નિદ્રા અને મૃત્યુ વચ્ચે શો તફાવત છે ?

ઉત્તર – નિંદરમાં પણ ચેતના અજ્ઞાનમાં વિલીન થાય છે અને મૃત્યુમાં પણ તેવું જ થાય છે. પરંતુ નિદ્રામાં પ્રાણના સંવેગ (momentam)માં કાર્ય થાય છે અને નિદ્રાની પછી પૂર્વના બધા સંબંધ રહી જાય છે. પરંતુ મૃત્યુમાં પ્રાણ (seed) બીજરૂપે મન અને બુદ્ધિની સાથે અવ્યક્ત રૂપ(potential) માં રહે છે અને past association (અતીતનો સંબંધ) એક નવીન associationની સાથે પોતાને જોડી લે છે.

જ્યારે આપણો જન્મ થયો હતો ત્યારે સમાજ સડી ગયો હતો તેથી તો ઠાકુર આવ્યા.

ડોક્ટર આવીને બોલ્યા – ‘મહારાજ, ઠાકુરનું  સાચું સંતાન કોણ છે? આપણે પણ તેમનાં સંતાન થઈશું ?

મહારાજ – હા, જે કોઈ તેમની સાથે આત્મીયતા અનુભવશે તે જ તેમનું સંતાન છે. સ્વામી બ્રહ્માનંદજી તેમનું સંતાન છે અને તમે પણ તેમનું જ સંતાન છો.                                   (ક્રમશ:)

Total Views: 295

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.