અલમોડા આશ્રમ

સ્વામી શિવાનંદજી 1913-1915ના ગાળામાં અલમોડામાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં એમને ખબર મળી કે એમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મધુપ્રમેહ અને અનિદ્રાના રોગથી પીડાઈ રહ્યા છે. એટલે એમને સારવાર હેતુ અલમોડા બોલાવ્યા. તેમના ખૂબ પ્રેમભર્યા આગ્રહને વશ થઈ તુરીયાનંદજી 8મી એપ્રિલ, 1915માં અલમોડા આવ્યા અને બંને ગુરુભાઈઓ ચિલકોટામાં આવેલ બદરીશાહના બંગલાના આઉટહાઉસમાં રહેવા લાગ્યા. આ એક ઐતિહાસિક ઘટના હતી જેનાથી આગળ જતાં અહીંથી ઉપર દેખાતા હિમાલયમાં પહાડી ગામ અલમોડામાં રામકૃષ્ણ મિશનનો આશ્રમ ‘રામકૃષ્ણ કુટિર’બન્યો.

રામકૃષ્ણ કુટિરનો ઇતિહાસ

આ પહેલાં તુરીયાનંદજી 1898માં જ્યારે સ્વામી વિવેકાનંદજી સાથે અલમોડા આવેલા તે વખતે સ્વામી વિવેકાનંદજીએ અલમોડામાં એક આશ્રમ બનાવવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરેલી. એ વાત તુરીયાનંદજીને યાદ રહી ગયેલી. ચિલકોટામાં રહેવાસ દરમિયાન ત્યાંથી ઉપર દેખતી જગ્યા જ્યાં આજે રામકૃષ્ણ કુટિર છે તે, બંને ગુરુભાઈઓએ વિચાર-વિમર્શ કરતાં આશ્રમ માટે  યોગ્ય લાગી. પછી તો એ દિશામાં કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ. સૌથી પ્રથમ તો એમના ચિલકોટાના ઘર પાસે આવેલ એક પહાડીના ઢોળાવ પરનો 2.3/16 નાલીનો જમીનનો પ્લોટ ખરીદવામાં આવ્યો. રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પ્રેસિડન્ટ સ્વામી બ્રહ્માનંદજીના નામે આ જગ્યાનો 1917માં દસ્તાવેજ થયો હતો. પછી તો સ્વામી શિવાનંદજીના ઉત્સાહ અને ખંતીલા પ્રયત્નોના પરિણામે આ સ્થળે બાંધકામ શરૂ થયું. શ્રી બદરીશાહના ભાઈઓ શ્રી મોહનશાહ અને શ્રી ગાંગીશાહનો સાથસહકાર મળતાં બાંધકામ અને દેખરેખનું કામ ઝડપથી આગળ વધવા માંડ્યું.

થોડા સમયમાં સ્વામી શિવાનંદજીને કોલકાતા મઠ પાછા ફરવાનું થવાથી અહીંનું કામકાજ સ્વામી તુરીયાનંદજીને સોંપાયું. શરૂઆતમાં સ્વામી શિવાનંદજીએ કોલકાતાના ભક્તો પાસેથી પૈસા ભેગા કરી બાંધકામ ચાલુ રખાવ્યું. પછી તો તુરીયાનંદજી પણ બધા ભક્તોને આશ્રમની જરૂરિયાતો વિશે લખતા. આમ, પૈસાની મદદ મળવા માંડી. પહાડોમાં બાંધકામ કરવું ઘણું મુશ્કેલ હોય છે અને મોંઘું પણ વધારે હોય છે. એટલે બાંધકામમાં મુસીબતોનો સામનો કરવો પડતો હતો. વળી એ સમયમાં જ્યારે કોઈ પ્રકારની સુવિધાઓ ન હતી, સાધનો પણ અત્યારના જેવાં ન હતાં તેમાં આ કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન હતું. અંતે અસંખ્ય ભક્તો, ભાવુકો અને અગણિત વ્યક્તિઓના અથાક પ્રયત્નોને લીધે અને અનેક પ્રકારની મદદ મળતાં આ કાર્ય પૂર્ણ થયું. સ્વામી તુરીયાનંદજીએ આ આશ્રમની સ્થાપના પાછળ પોતાના પ્રાણ રેડ્યા હતા, એમ કહેવામાં જરાય ખોટું નથી. શારીરિક પરિશ્રમ તથા ખર્ચના ભાર હેઠળ એમનું શરીર હોમાઈ રહ્યું હતું. ભર તડકામાં રોજ ચિલકોટાના એમના નિવાસથી ઉપર આવેલ આશ્રમ સુધી સવારે અને સાંજે એમ બે વખત તેઓ જાતે જ બાંધકામની દેખરેખ કરવા આવતા. એનું પહાડી અંતર જોતાં અત્યારે તો એની કલ્પના પણ ન કરી શકાય.

અત્યારે તો ત્યાં પાકા રસ્તા બની ગયા છે. છતાં ચિલકોટાથી રામકૃષ્ણ કુટિર પર પહોંચવું કેટલું કઠિન છે એ તો ત્યાં જનારને સારી રીતે ખબર છે. વળી બાંધકામમાં હંમેશની જેમ ધાર્યા કરતાં ખર્ચો વધી જતાં એની વ્યવસ્થા પણ તેઓએ જાતે જ કરી. ઠાકુરની કૃપાથી ગામમાંથી તથા બહારથી અનેક લોકોએ છુટા હાથે પૈસા તથા વસ્તુઓ પૂરી પાડી. એમાં ખ્રિસ્તી તથા અંગ્રેજ અમલદારોનો સમાવેશ નોંધપાત્ર હતો. આમ, પહેલા તબક્કામાં બે ઓરડા નીચે અને બે ઓરડા ઉપર એમ ચાર ઓરડા તથા પાછળથી નોકર માટેનો એક ઓરડો, શૌચાલય અને મકાનની આગળની જગ્યાને આધાર પૂરી પાડતી દીવાલ ચણવામાં આવી. સ્વામી તુરીયાનંદજીએ 22 મે, 1916ના રોજ વિધિવત્ પૂજા, હવન વગેરે કરીને રામકૃષ્ણ કુટિરનું ઉદ્ઘાટન કર્યું. આમ, ઠાકુર-માની અસીમ કૃપાથી સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન સાકાર કરતું અલમોડામાં ઠાકુરનું પહેલું ઘર બન્યું! જે અત્યારે તો સંન્યાસીઓ અને ભક્તો માટે સ્વામી વિવેકાનંદના સ્વપ્ન મુજબ સાધના, ચિંતન, મનન અને શાંતિ પ્રદાન કરવા માટે એક અપ્રતિમ સ્થાન બની ગયું છે.

આ ચિલકોટાનું ઘર જ્યાં હતું ત્યાં આજે વિશાળ હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બની ગઈ છે. ત્યાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. રામકૃષ્ણ કુટિર પરથી તળેટીમાં આવેલ આ ઇન્સ્ટિટ્યૂટ જોઈ શકાય છે. આ રીતે નાનકડા આશ્રમથી શરૂ થયેલી રામકૃષ્ણ કુટિર 2.3/16 નાલીના પ્લોટમાંથી વિસ્તાર પામીને આજે તો ખૂબ વિશાળ બની ગઈ છે. જેમ જેમ અહીં આવનારા સાધકોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ તેમાં ઘણી કુટિરો ઉમેરાતી ગઈ. દાનવીરોની સહાયથી અને ખરીદી કરીને વધુ જગ્યા પણ લેવાતી ગઈ. ધીરે ધીરે 1938માં તુરીયાનંદ કુટિર, તુરીયાનંદ વાચનાલય; 1953માં બ્રહ્માનંદ કુટિર, શિવાનંદ કુટિર, પ્રેમાનંદ કુટિર; 1959માં સારદાનંદ કુટિર અને 1962માં અદ્ભુતાનંદ કુટિર ઉમેરાતા રામકૃષ્ણ કુટિરનો વ્યાપ અત્યંત વિશાળ અને વ્યાપક બની ગયો. સ્વામી તુરીયાનંદજીએ નાદુરસ્ત તબિયતને કારણે 5 ડિસેમ્બર, 1916માં અલમોડા છોડીને વારાણસી જવું પડ્યું. ત્યાર બાદ તેઓ ફરી રામકૃષ્ણ કુટિરમાં પાછા આવી શક્યા નહીં. એમના ગયા બાદ એમના જ સેવક બ્રહ્મચારી રામા મહારાજે અલમોડા આશ્રમનો મુખ્ય કાર્યભાર સંભાળી લીધો. 18 એપ્રિલ, 1944 બાદ બેલુર મઠ દ્વારા જ રામકૃષ્ણ કુટિરના પ્રમુખની નિમણૂક થવા લાગી.

આજે પણ આ પ્રથા ચાલુ છે. પછીથી નિમણૂક પામતા પ્રમુખશ્રીઓ આવશ્યકતા અનુસાર નવી નવી સાધન-સુવિધાઓ વિકસાવતા ગયા. ઉપરથી નીચે સુધીનાં પાકાં પગથિયાં, દીવાલો, પાકા રસ્તા, ચોવીસ કલાક પાણી પૂરું પાડતી પાણીની ટાંકીઓ, સમગ્ર આશ્રમ સંકુલમાં વીજળી, સુંદર બગીચા, વૃક્ષો અને ફૂલોથી મઘમઘતો આશ્રમ અહીંના આધ્યાત્મિક વાતાવરણને વધારે રોચક બનાવે છે. હવે તો આશ્રમ સુંદર મંદિર, ભક્તો માટે અદ્યતન ભોજનખંડ, મોટા રસોડા સાથે સંન્યાસીઓનો ભોજનખંડ, કાર્યાલય, સાધુ-બ્રહ્મચારીઓનાં નિવાસસ્થાનો, 15-20 ભક્ત સાધકો રહી શકે તેવું અતિથિગૃહ, પુસ્તકાલય વગેરેથી સુસજ્જ છે. પહાડોમાં ઠંડી, વરસાદ, વાવાઝોડું, ભૂસ્ખલન વગેરે ઋતુઓ પ્રમાણે આવતાં જ રહે છે, જેને કારણે આશ્રમે હંમેશાં વિપરીત પરિસ્થિતિઓ સામે સાવચેત રહેવું પડે છે. કાયમ ચાલુ રહેતું સમારકામ સમય અને કુનેહ માગી લે છે. 2010ના ભીષણ તોફાનમાં અદ્ભુતાનંદ કુટિર ધરાશાયી થઈ. આ જ સ્થળે 2015-16માં શ્રીમાની અસીમ કૃપાથી અને ભક્ત-દાનવીરોની સહાયથી આ કુટિર પુન: ઊભી કરાઈ.

આ છે રામકૃષ્ણ કુટિરનો ઇતિહાસ. રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતકાળના તથા વર્તમાનકાળના અગણિત સંન્યાસીઓનાં પુણ્ય-પગલાંથી પાવન થયેલો આશ્રમ આજે પણ દરેકને આધ્યાત્મિકતાનો સ્પર્શ કરાવી રહ્યો છે.                                                     (ક્રમશ:)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram