(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ)

ધૌમ્ય નામના એક ઋષિ હતા. એક સુંદર નદીને તીરે તેમનો આશ્રમ. આશ્રમમાં ચારસો-પાંચસો શિષ્યો રહે અને ગુરુ પાસે વેદાધ્યયન કરે.

દરરોજ સવારે ગુરુની પર્ણકુટિમાંથી ‘સ્વાહા’, ‘ન ડમમ’ના ઘોષ અને અંતરના પાપોને હણનારો સુગંધી ધુમાડો છાપરામાંથી ગૂંચળાં ખાતો ઊંચે ચડે. દરરોજ સવારે આશ્રમનાં વૃક્ષો પર હીંચોળા ખાતાં પક્ષીઓ કિલકિલાટથી આખાયે આશ્રમને ભરી મૂકે. દરરોજ સવારે કોઈ શિષ્યો પર્ણકુટિઓમાં વેદોચ્ચાર કરતા હોય તો કોઈ ગાયો દોહતા હોય; કોઈ ખેતરના ક્યારા વાળતા હોય તો કોઈ આશ્રમના રસ્તાઓ સાફ કરતા હોય; કોઈ વૃક્ષોની ડાળીઓ પર કપડાં સૂકવતા હોય તો કોઈ વૃક્ષની છાયામાં ધ્યાન મગ્ન થયા હોય. દરરોજ સવારે પર્ણકુટિ પાસેના ઓટા ઉપર બેસીને ઋષિપત્ની હરણાઓને દર્ભ ને દૂર્વા ખવરાવે અને કુદાવે.

એક વાર ગુરુના આંગણામાં સૌ બેઠાં હતાં. શાસ્ત્રના અને જીવનના  જુદા જુદા પ્રશ્નો ઉપર ઠીક ઠીક ચર્ચા ચાલી રહી હતી. ગુરુએ બધા પર નજર નાખી, ફરી પણ નજર નાખી અને એકાદ ઘેટું ન જડ્યું હોય ત્યારે ભરવાડ ભાળ કાઢે તેવી આતુરતાથી ધૌમ્યે પૂછ્યું, ‘આજે આરુણિ કેમ દેખાયો નથી?’

આરુણિ પાંચાળ દેશનો રહેવાસી. વીસેક વર્ષથી તેણે ગુરુકુલવાસ સ્વીકારેલો. શાસ્ત્રનાં અનેક થોથાં ઉથામીને તે થાકી ગયો હતો, એટલે તો આશ્રમમાં આવ્યો હતો. આવ્યો ત્યારથી જ તેણે ગુરુની સેવાને મુખ્ય વસ્તુ માની હતી. ને એ સેવામાં જ તેના જીવને ભારે ટાઢક વળી હતી. ગુરુને નવરાવવા, કપડાં ધોવાં, તેમની પર્ણકુટિ સાફ કરવી. હોમની તૈયારી કરવી. તેમની પથારી કરવી. તેમના પગ ચાંપવા. આ બધું આરુણિનું કામ. તેને મન ગુરુ એ જ પરમેશ્ર્વર હતા. ગુરુની વાણીમાં તેને વેદનું દર્શન થતું. ગુરુના જીવનની ઝીણી-ઝીણી વાતો પર બારીક નજર નાખી તેણે જોઈ લીધું હતું અને એ જીવનમાં જ તેને માનવજીવનની ઊંચામાં ઊંચી કક્ષાનો અનુભવ મળતો હતો. ગુરુના ચરણ તળાંસવામાં પોતાનો દેહ ખપી જાય એ જ એને મન સાચું આત્મદર્શન હતું.

ગુરુની સેવામાંથી વખત બચે ત્યારે બીજા ગુરુભાઈઓનું કામ પણ આરુણિ હોંશથી કરે. કોઈના ક્યારા પાઈ દે તો કોઈની પર્ણકુટિ વાળી દે; કોઈની પથારીની પાસે ઉજાગરા કરે તો કોઈનું વલ્કલ સાંધી દે. કેટલાય શિષ્યો અધ્યયનમાં આગળ જવાને લોભે પોતાનું કામ આરુણિ પાસે જ કરાવે અને હસતાં-હસતાં પોતે કામ કાઢી લીધું એમ માને.

ગુરુએ પૂછ્યું: ‘આરુણિ કેમ દેખાતો નથી?’

એકે કહ્યું: ‘સૂઈ ગયો હશે.’

બીજાએ કહ્યું: ‘વાછરડાં બાંધતો હશે.’

‘એ… ખેતરમાં હોલાં ઉડાડે. એને ક્યાં અધ્યયન કરવું છે ? અધ્યયન કરવું હોય તો આમ હોય? હજી વીશ વર્ષે એક વલ્લી પણ પૂરી આવડતી નથી.’

‘એ બાપડો તો કોણ જાણે કેમ અહીં આવી ચડ્યો છે! એનું ગજું શું? આપ વેદનું રહસ્ય સમજાવો છો ત્યારે અમારી બુદ્ધિ પણ કામ કરતી નથી. તો બિચારા આરુણિના શા ભાર ?’ દયા ખાતો એક વેદપાઠી બોલ્યો.

ધૌમ્યે બધી વાત શાંતિથી સાંભળી લીધી. એક ક્ષણ તેમણે પોતાના મનને અંદર વાળ્યું અને પછી બોલ્યા: ‘એ તો આવશે આવવું હશે ત્યારે. આપણે ચલાવો.’

હજી ચર્ચા ચાલે છે ત્યાં તો એકાએક વાદળાં ચડી આવ્યાં. આકાશ ઘનઘોર થઈ ગયું. વીજળીના કડાકા થવા લાગ્યા અને કાનને ફાડી નાખે એવો ગગડાટ શરૂ થયો.

‘ગુરુજી! આ તો આવ્યો, હો!’

‘હા, આ ચાલ્યો આવે.’

‘અરે, આ ખેતર દેખાતું બંધ થયું! જો પણે વાદળી ઊતરી પડી.’

‘આ આવ્યો. જુઓ, ઝાડો પણ દેખાતાં નથી.’

ગુરુએ કહ્યું: ‘બધા મારી પર્ણકુટિમાં આવી જાઓ.’

વરસાદ એકદમ તૂટી પડ્યો. મુશળધાર વરસાદ : પાણી તો ક્યાંય માય નહીં. કેમ જાણે આકશ આખું ગળી પડ્યું ! આશ્રમમાં પાણી ભરાઈ ગયું.

‘આપણા ખેતરમાં યે નવો પાળો કર્યો છે તે તૂટી જશે અને ખેતરમાં વાવ્યું છે તે બધું તણાઈ જશે. એ પાળને બરાબર બાંધી લેવો જોઈએ.’ ગુરુએ શિષ્યો તરફ આંખ ફેરવતા કહ્યું.

‘જી ! મેં મારું વલ્કલ સૂકવ્યું છે તે જોઈ આવું, ઊડી ગયું હશે.’ એક ગયો.

‘ગુરુજી ! મારી પર્ણકૂટીમાં ચૂતું હશે.’ બીજો ગયો.

‘જી ! મારી ઋચા અધૂરી છે તે પાકી કરી લઉં.’ ત્રીજો પણ ઊઠીને રવાના થયો.

એક એક પછી એક લગભગ બધા સરી ગયા.

એવામાં હાંફતો હાંફતો આરુણિ આવ્યો. ‘જી ! ખેતરનો પાળો તૂટું-તુટું થઈ રહ્યો છે. આપની આજ્ઞા હોય તો જઈને માટી નાખી આવું. હોમની તૈયારી કરવા આવ્યો છું તે કરીને જાઉં.’

‘તું તારે જા, આરુણિ ! પાણીને બરાબર ખાળી રાખજે, હો! જોજે, ક્યારો અખંડ જ રહેવો જોઈએ. હોમની તૈયારી થઈ રહેશે.’

આરુણિએ દોટ દીધી. કાંડા કાંડા સુધીના પાણીને

વીંઝતો કચરામાં ખૂંચતો અને વાગતા જતા કાંટાઓને ખેંચીને ફેંકી દેતો આરુણિ પાળા પાસે પહોંચ્યો.

પાળો તૂટું-તૂટું થઈ રહ્યો હતો. પાણી તો કહે મારું કામ! આરુણિએ પડખેથી માટી લઈને નાખવા માંડી પણ કોના ભાર કે તે ટકે ? માટી તો ગઈ પણ સાથે પાળો ય ખસ્યો અને પાણી…. ‘આ આવ્યું!’

આરુણિ જોઈ રહ્યો. તેને વિચાર કરવાનો વખત ન હતો. અંતેવાસનાં વીશેય વર્ષો આજે તેની પાસે ખડાં થયાં. ‘ગુરુજીની આજ્ઞા છે કે ક્યારો અખંડ જ રહેવો જોઈએ. વીશ વર્ષમાં એક પણ આજ્ઞાનો ભંગ થયો નથી. શું એ બધા પર પાણી ફરશે?’

એક જ ક્ષણમાં તેના મનમાં વીજળી ઝબકી તેના આખા યે શરીરમાં નવું જોમ આવ્યું અને એ પાણી વળે છે ત્યાં તો પાળાને ઠેકાણે આરુણિનું શરીર જડાઈ ગયું! હાડમાંસના એ જીવતા પાળાએ પાણીને ખાળી રાખ્યું અને ઘસડાતી માટીના થર આરુણિ પર ચડી વળ્યા.

બીજો દિવસ ઊગ્યોે. હોમથી પરવારીને ગુરુ બહાર આવ્યા ને પૂછવા લાગ્યા : ‘આરુણિ ક્યાં છે?’

‘ક્યાંક રખડતો હશે.’ એક કહ્યું

‘જી ! હમણાં જ આ તરફ જતો હતો.’ બીજાએ કહ્યું.

‘એને તો કાલે પાળો બાંધવા મોકલ્યો છે. ભલો હશે તો ત્યાં જ રાત રહ્યો હશે ! એને તો ભાવતું’તું ને વૈદે કહ્યું.’ ત્રીજો બોલ્યો.

‘અલ્યા હા, આરુણિ આવ્યો નથી દેખાતો. ચાલો આપણે બધા ખેતરે જઈએ.’ ગુરુ બોલ્યા.

સૌ ખેતર ભણી ઊપડ્યા.

‘આજે આરુણિની જડતી લેશું.’

‘ચાલો, આજે ચોર બરાબર પકડાશે.’

‘રોજ રાતનો નાસી જાય છે અને કહે છે કે હું તો ગુરુ પાસે સૂઉં છું. આજે ઠીક ઘડોલાડવો થશે.

બધા ખેતરે ચાલ્યા. ખેતર તો વરસાદથી એઈ… ને તરબોળ થઈ રહ્યું હતું પણ ક્યાંયે આરુણિ ન મળે.

‘આરુણિ,  આરુણિ !’ ગુરુએ બૂમ મારી.

‘આરુણિ અહીં કેવો ? એ તો ક્યાંક પોબાર !’

‘ગુરુજી ! આજે આપની પણ આંખ ઊઘડશે’.

ગુરુએ ફરીથી બૂમ મારી : ‘આરુણિ !’

હાડમાંસના પાળાને કાને શબ્દ અથડાયો એટલે તરત જ માટીના થરને ખંખેરીને તે ઊભો થયો અને ગુરુ તરફ દોડયો.

‘બેટા ! આવ્યો ?’ માટીથી ખરડાયેલા આરુણિના શરીરને ગુરુએ છાતીસરસુું ચાંપ્યું.

આરુણિએ બાથમાંથી છૂટા પડીને ગુરુએ ચરણે નમસ્કાર કર્યાં.

‘અલ્યા ક્યાં હતો. આટલી વાર ?’ એકે પૂછ્યું.

બીજાએ આરુણિનો હાથ ખેંચી તેના કાનમાં કહ્યું : ‘રાતે ક્યાં સૂઈ રહ્યો હતો ?’

ગુરુએ આંખો ફરેવી.

‘દુષ્ટો ! આરુણિને સ્પર્શ કરવાનો પણ તમને અધિકાર નથી, તે તમે નથી જાણતા ! તમે તમારા બુદ્ધિના અને જ્ઞાનના અભિમાનથી આંધળા બન્યા છો. તમારા મંત્રોચ્ચાર, તમારી વલ્લીઓ અને ઋચાઓ, તમારી છટા, એ બધાંએ તમને ભમાવ્યા છે. તમારી વિદ્યા જૂઠી છે. સાચી વિદ્યા તો આરુણિએ જાણી છે.’

‘તમને આરુણિ મૂર્ખ લાગે છે. પણ મૂર્ખાઓ ! તમે આજે જે બધું ગોખો છો તે ગોખીને અને તેથી થાકીને તો આરુણિ અહીં આવ્યો છે. તમે બધા વેદના અભ્યાસી છો; પણ તમને ખબર નથી કે, આ આરુણિ જેવાની જ વાણીથી વેદ થાય છે. આરુણિ કોઈનાં બનાવેલાં શાસ્ત્રો ઘણાં યે ઉકેલ્યાં; તમે યે કોઈકનાં શાસ્ત્રો પર આજે બુદ્ધિ લગાડો છો; પણ આરુણિ તો પોતે જ આજથી શાસ્ત્રી બને છે.’

‘તમે આ આશ્રમમાં ગુરુશરણે આવ્યા છો. પણ ગુરુનું શરણ શોધનાર તમે તમારાં શસ્ત્રાસ્ત્રો તો સંતાડી રાખો છો. તમે કોઈનું શરણ લ્યો એટલે તમારાં બધાં હથિયારના ઉપયોગમાં પછી તમે સ્વતંત્ર નહિ; તમારે તો હુકમ થાય કે હથિયાર ઉપાડવાનું, એટલું જ. તમારાં શસ્ત્રાસ્ત્રો આ રીતે તમે તમારા ગુરુને સોંપ્યાં છે ? તમારું શરીર, તમારા હાથપગ, તમારી ઇંદ્રિયો, તમારી બુદ્ધિ, એ બધું ગુરુને અર્થે વાપરી નાખવા તમે ક્યાં તૈયાર છો? એ બધાની પાછળ છુપાયેલું અભિમાન તો તમે સંઘરો છો. આ બધું ન છૂટે ત્યાં સુધી શું વળે ?’

‘બેટા આરુણિ ! તારા મુખ ઉપર હું વેદોનો અને શાસ્ત્રોનો પ્રકાશ દેખું છું. જા, તારું કલ્યાણ છે ! તને આત્મદર્શન થઈ ચૂક્યું છે.’

આરુણિ મૂંગો જ રહ્યો; એણે ગુરુના ચરણમાં ફરી નમસ્કાર કર્યા. સૌ આશ્રમ ભણી પાછા આવ્યા.

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.