પવિત્ર આર્યાવર્તમાં પણ જેને પવિત્રમાં પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે તે આ ભૂમિ છે; જેના વિશે આપણા મહાન સ્મૃતિકાર મનુ ઉલ્લેખ કરે છે તે બ્રહ્માવર્ત આ છે. અરે, ઇતિહાસના કથન પ્રમાણે હવે પછીના ભવિષ્યમાં આત્માને પામવાની મહાન આકાંક્ષા, જે જગતને તરબોળ કરી નાખવાની છે તેની જાગૃતિની ભૂમિ આ છે. જ્યાં મહાન સરિતાઓ પેઠે આધ્યાત્મિક આકાંક્ષાઓ ઉદ્ભવ પામી છે, એકત્રિત થઈને બળવાન બની છે અને આખરે વિશ્વને ચારે ખૂણે ફરી વળીને મેઘગર્જના જેવા નાદથી પોતાની ઘોષણા કરી છે, તે ભૂમિ આ છે. ભારત પરની નાનીમોટી ચડાઈઓના જોરદાર આઘાતને સૌ પ્રથમ ઝીલનારી ભૂમિ આ છે. આર્યાવર્તમાં બહારથી પ્રવેશનારાઓના એકેએક હલ્લાની સામે પોતાની છાતી પહેલી ખુલ્લી કરનાર વીર ધરતી આ છે. સર્વ પ્રકારની યાતનાઓ સહન કરવા છતાં, હજી જેણે પોતાની કીર્તિ અને શક્તિ સાવ ગુમાવ્યાં નથી તે વીર ભૂમિ આ છે. પાછળના સમયમાં કોમળ સ્વભાવના ગુરુ નાનકે પોતાના અપૂર્વ વિશ્વપ્રેમનો જ્યાં ઉપદેશ કર્યો તે ભૂમિ આ છે; જ્યાં ગુરુ નાનકનું વિશાળ હૃદય ખુલ્લું થયું અને તેમના હાથ માત્ર હિંદુઓને જ નહીં પરંતુ મુસલમાનોને અને સમસ્ત વિશ્વને સુધ્ધાં પોતાના આલિંગનમાં સમાવવા સારુ પહોળા થયા, તે ભૂમિ આ છે. આપણી પ્રજાનો છેલ્લો અને મહાપ્રતાપી વીર પુરુષ ગુરુ ગોવિંદસિંહ આ ભૂમિમાં જ પાક્યો હતો. ધર્મની ખાતર એણે પોતાનું તેમજ પોતાનાં નજીકનાં અને અતિ વહાલાં સગાંઓનું લોહી રેડ્યું હતું. જેમને માટે એણે આ રક્ત રેડ્યું હતું તેમણે જ એને છેહ દીધો. ત્યારે પણ પોતાના દેશની વિરુદ્ધમાં એક હરફ સરખોય એણે કાઢ્યો ન હતો ! આખરે એક ઘાયલ સિંહની પેઠે મૃત્યુને ભેટવા એને એ ભૂમિ છોડી દક્ષિણમાં આશરો લેવા જવું પડ્યું. આવો વીર પુત્ર આ ભૂમિમાં જ પાક્યો હતો.

પંચનદની ભૂમિનાં બાળકો ! આ આપણી પ્રાચીન ભૂમિમાં હું અહીં તમારી સામે ઉપદેશ આપવા માટે ઊભો રહ્યો નથી. ઉપદેશ આપવા જેવું હું બહુ થોડું જાણું છું. હું તો પૂર્વ ભારતમાંથી આવેલા એક ભાઈ તરીકે પશ્ચિમ ભારતના બંધુઓ સાથે અભિનંદનના શબ્દોની આપલે કરવા સારુ, એકબીજાની વિચારધારાઓની તુલના કરવા સારુ, અહીં તમારી સમક્ષ ઊભો થયો છું. અહીં આપણી વચ્ચેના ભેદો શોધી કાઢવા સારુ નહીં, પરંતુ આપણું મિલનસ્થાન ક્યાં છે તે શોધવા સારુ હું ઊભો થયો છું. આપણે કઈ ભૂમિકા ઉપર સદાને માટે બંધુ તરીકે ઊભા રહી શકીએ તે સમજવાનો પ્રયત્ન કરવા હું અહીં આવ્યો છું. જે પાયાને આધારે અનંતકાળથી આવી રહેલો આપણો પ્રાચીન અવાજ વધુ ને વધુ જોરદાર બનતો જાય, તેની ખોજ કરવાના મારા પ્રયત્નો છે.

અહીં હું તમારી સમક્ષ કંઈક વિનાશક નહીં પણ રચનાત્મક કાર્ય રજૂ કરવાનો પ્રયાસ કરવા માગું છું. ટીકા કરવાના દિવસો હવે વીતી ગયા છે; હવે આપણે રચનાત્મક કાર્યની રાહ જોઈ રહ્યા છીએ. બેશક, દુનિયાને ક્યારેક ટીકાઓની, કડક ટીકાઓની સુધ્ધાં, જરૂર હોય છે, પરંતુ એ તો તત્કાળ પૂરતી. અનંત કાળ માટેનું કાર્ય ટીકા અને વિનાશ નહીં પરંતુ પ્રગતિ અને રચના છે.(સ્વા. વિ. ગ્રંથમાળા, 4.278-79)

Total Views: 331

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.