ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક વક્તવ્યમાં ઋઅઈંક – શબ્દની આવી વ્યાખ્યા કરી હતી. ઋશતિિં અિિંંયળાિં શક્ષ કયફક્ષિશક્ષલ એટલે કે આપણી શીખવાની સતત ચાલતી પ્રક્રિયાનો પ્રથમ પ્રયાસ. ઊગઉ શબ્દનો એમણે આવો અર્થ કર્યો હતો- ઊરરજ્ઞિિં ગયદયિ ઉશયત. એટલે કે કયફક્ષિશક્ષલ ની પ્રક્રિયામાં પ્રયત્નો તો કરવા જ રહ્યા. સતત થતા પ્રયત્નોથી જ આપણે કંઈક શીખીએ છીએ અને કંઈક સંશોધીએ પણ છીએ. એટલે કે આપણા શીખવાના પ્રયત્નોનો ક્યારેય અંત આવતો નથી. સ્વામી વિવેકાનંદ યુવાનોને સંબોધીને આ જ વાત કહે છે કે પ્રથમ સફળતા ન મળે તો કોઈ હાનિ નથી, આ અસફળતા સાવ સ્વાભાવિક છે અને માનવજીવનનું એ પરમ સૌંદર્ય છે. જો જીવનમાં આવી અસફળતાઓ પર વિજય પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ-પ્રયત્નો ન હોત તો જીવન ધારણ કરવાનું કોઈ પ્રયોજન જ ન રહ્યું હોત. આ અસફળતા અને આ ભૂલો થવાથી શું થઈ જવાનું?  એમાં કશો વાંધો નથી…..હજારો વાર એક આદર્શને મનહૃદયમાં ધારણ કરો અને હજાર વાર પણ અસફળ થાઓ તો ફરી એક વખત પ્રયાસ કરો.

જીવનમાં પ્રત્યેક વ્યક્તિ આવા તબક્કામાંથી પસાર થાય છે. આ વખતે એણે કેટલાય અસફળતાના પહાડો ઓળંગવા પડે છે. અનેક પ્રયત્નોને અંતે આપણે પાડેલા પરસેવાથી મળતો સ્વાદ મધુર અને માણવા જેવો લાગે છે. જીવનમાં નિષ્ફળતા મળે એટલે હતાશા આવવાની જ, પણ આવી નિષ્ફળતાઓ આપણને અમૂલ્ય જીવનનો ઉપહાર આપી જાય છે.

અનુભવ જ આપણને, આપણા જીવનને બધું શીખવી જાય છે. શું કોઈપણ વ્યક્તિ પ્રથમ પ્રયાસે સાયકલ કે મોટર જેવાં વાહનો શીખી લે છે? શું પહેલા જ પ્રયાસે ગૃહિણી કુશળતાથી બધાં ગૃહકાર્યો શીખી લે છે? વેપાર ધંધો કરનાર શું પહેલેથી જ નફો રળવાનું કરી શકે ખરો? શું કોઈ વિદ્યાર્થી સડેડાટ શિક્ષણનાં પગથિયાં ચડી શકે ખરો? ના. દરેક વ્યક્તિ પોતાના પથે ચાલે, ભૂલો પડે, ભૂલો કરે, નિષ્ફળતાઓ મેળવેે પણ, પોતાના પ્રયાસો છોડતો નથી. એ તો નક્કી કરેલા પથે સતત ડગલાં ભરતો રહે છે.

મિત્રો, તમે થોમસ આલ્વા એડિસનનું નામ સાંભળ્યું હશે. હજારો પ્રયોગો પછી તે વિદ્યુત બલ્બ બનાવવામાં સફળ થયો. એનું કારણ એ છે કે એણે પોતાનું સંશોધન કરવામાં સકારાત્મક વલણ દાખવ્યું. નકારાત્મક વલણ રાખીને હારી જવાની વાત એણે ન કરી. એટલે આપણી નિષ્ફળતાઓની વચ્ચે આપણે હકારાત્મક વલણ અપનાવવું જોઈએ. સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે પ્રત્યેક યુવાન પોતાની ભીતર નચિકેતા જેવી આત્મશ્રદ્ધા કેળવે. નચિકેતા ગર્વભેર કહે છે કે હું ઘણી વિદ્યાઓમાં સર્વોત્કૃષ્ટ છું, કેટલીકમાં મધ્યમ છું. પણ કોઈ પણ કાર્ય કે વિદ્યા માટે હું અક્ષમ નથી. આવી ભાવાત્મક કે સકારાત્મક ભાવના કેળવવાથી આપણે જીવનની હતાશા પર અને અભાવાત્મક કે નકારાત્મક વિચારો પણ વિજય મેળવી શકીશું.

એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, ‘ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈ:’ પરિશ્રમથી જ કાર્યસિદ્ધિ મળે છે. કોરી કલ્પનાઓના ઉડ્ડયનથી કશું જ મળતું નથી. એટલે જ માનવ પ્રયાસ કરતાં કરતાં ભલે નિષ્ફળતા મેળવે પણ પુરુષાર્થી કદી થાકતો નથી કે હારતો નથી. પ્રયત્નો દ્વારા તે અનુભવનું અખૂટ ભાથું મેળવતો રહે છે.

એટલે મૂળ વાત તો આ છે કે આપણા જીવનમાં ભલે હજારો મુસીબતો આવે, કેટલીયે વાર નિષ્ફળ થઈએ, હારી જઈએ ત્યારે આપણે એમાંથી કોઈ બોધપાઠ કે અનુભવ મેળવવાને બદલે હવે આપણું શું થશે? એમ કહીને બેસી જવાથી ચાલશે નહીં. અનુભવ અને ભાવાત્મક વલણ કેળવીને આપણે સતત પ્રયત્ન કરીએ તો ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેંડુલકર જેવા બની શકીએ. એક તો પોતાનું કદ નાનું અને ઊંચા અને મહારથીઓના બોલનો સામનો કરતી વખતે તે હતાશ ન થયા. એમણે મક્કમ મને એવા બોલનો સામનો કરવાનો સતત પ્રયત્ન કર્યો. પરિણામે એમણે ગમે તેવા બોલને, કપરામાં કપરા બોલને પણ પોતે કેળવેલા કૌશલ્યથી બાઉંડ્રી દેખાડી દીધી. કેટલીય શારીરિક ઈજાઓ પણ થઈ, પણ પોતાના ક્રિકેટ રમવાના કૌશલ્યને સતત સુધારતા રહેવાનો પ્રયત્ન કર્યો. પરિણામે એ જગતના શ્રેષ્ઠ બેટધરોમાંના એક બેટધર બની શક્યા. તેમણે ચીલાચાલુ બેટીંગ ને બદલે પેડલ સ્વીપ, શોર્ટ ફાઈન લેગ પરથી દડાને ફટકારવાની કળા વિકસાવી. તેમણે બોલીંગમાં પણ પોતાનો હાથ અજમાવી લીધો. એક સામાન્ય બાળકના રૂપે ક્રિકેટજગતમાં એમણે પદાર્પણ કર્યું. પોતાની લગન, હોંશ, નિત્ય નવીન શીખવાની ધગશ અને ભાવાત્મક વિચારોને લીધે તેઓ ક્રિકેટ જગતના એક અગ્રણી તારક બની ગયા.

આપણે ત્યાં કહેવત છે કે બેઠેલાનું ભાગ્ય બેસી રહે છે, સૂતેલાનું સૂઈ જાય છે અને ચાલનારનું ચાલે છે. એટલે કે ચાલતો નર ભદ્રા પામે.

જીવનમાં ગમે તેટલા ઝંઝાવાતો આવે, હતાશા અને નિરાશાના પહાડો ઓચિંતાના ઊભા થાય, પણ આપણી પાસે આત્મશ્રદ્ધા હોય, ધીરતા-સ્થિરતા હોય અને જીવનમાં શુભ જોવાની દૃષ્ટિ હોય તો મિત્રો, સફળતા આપણને જ મળવાની છે.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘પવિત્રતા, ધૈર્ય અને અધ્યવસાય આ ત્રણ ગુણોથી સફળતા મળે છે. અને પ્રેમ એમાં સર્વોપરી છે.’

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.